ચીલો ચાતરવાની હિંમત છે એમનામાં(mumbai samachar)

09:21

સોચ બદલો ... કહીને વિદ્યા બાલન સરકારી જાહેરાતમાં ઘરઘરમાં શૌચાલય બંધાવવા માટે લોકોને પ્રેરણા આપે છ.ે શહેરમાં કુશાંદે ફ્લેટમાં કે બંગલામાં રહેતા લોકોને ભારતમાં ૬ કરોડથી વધુ લોકો શાૌચાલયની સગવડ નથી ધરાવતા તેમની તકલીફોનો ખ્યાલ આવવો મુશ્કેલ છે. ગામડાઓમાં શૌચાલય માટે દૂર એકાંત સ્થળે જતી સ્ત્રીઓ પર બળાત્કાર થયાના બનાવ પણ નોંધાયા છે. એ સિવાય ખુલ્લામાં શૌચ થતા અનેક બીમારીઓ પણ ફેલાતી હોય છે. વળી સ્ત્રીઓએ શૌચ માટે ખુલ્લામાં જતી વખતે અંધારું થવાની રાહ જોવી પડતી હોય છે. અંધારામાં અનેક જીવજંતુ કે જનાવરનો પણ ભય હોય છે. આ બધામાંથી અનેક સ્ત્રીઓએ પોતાની રીતે રસ્તો કર્યો છે. બિહારના રોહતાસ જીલ્લાના બરાહખાના ગામની ૨૨ વર્ષીય ફુલકુમારીએ જે હિંમત બતાવી તેવી હિંમત ગામની બીજી કોઈ સ્ત્રીએ બતાવી નથી. રોજગારી પર જતી ફુલકુમારીએ પોતાના અન્ય ઘરેણાંઓ જેમ કે પાયલ, નથની, બુટ્ટી સાથે પોતાનું મંગલસૂત્ર પણ ગિરવે મૂકીને તેના ઘરમાં શૌચાલય બંધાવ્યું ત્યારે ઘરમાં પણ તેનો વિરોધ થયો હતો. તેના સાસુએ કહ્યું કે ટોઈલેટ બાંધવા માટે સૌભાગ્યની નિશાની ગિરવે મુકાય નહીં, પણ ફુલકુમારી પોતાની વાતથી ટસથી મસ ન થઈ અને તેણે પોતાનું મંગળસૂત્ર ગિરવે મૂકીને ઓગષ્ટ મહિનામાં ઘરમાં શૌચાલય બાંધી લીધું. ફુલકુમારી માટે ગળામાં મંગળસૂત્ર કરતાં પોતાની અને બાળકોના સ્વાસ્થ્યની ચિંતા વધુ હતી. આજે તો તેની સાસુ અને પડોશીઓ પણ ફુલકુમારીના વખાણ કરે છે. ફુલકુમારીએ પહેલ કરીને ગામની અન્ય સ્ત્રીઓને પણ પ્રેરણા આપી છે. 

એ જ રીતે રાજસ્થાનમાં ચાંદની મીણા પણ ૨૨ વરસની છે. બી.એડનો અભ્યાસ કરતી ચાંદની મીણા નાગલસુસ્તાવતન ગામમાં રહે છે અને પંચાયતની સરપંચ પણ છે. તેણે પોતાના પંચાયતી રાજમાં આવતા પાંચ ગામમાં સ્ત્રીઓએ ખુલ્લામાં શૌચ માટે ન જવું પડે એ માટે ઝુંબેશ શરૂ કરીને કુલ ૧,૬૩૨ શૌચાલય બાંધ્યા છે. ચાંદની મીણા કહે છે કે લોકોને ઘરમાં શૌચાલય બાંધવા સમજાવવા સહેલું નહોતું. પહેલાં તો લોકોને સમજાવવા અને પછી તેમને ૧૫ હજાર રૂપિયાની સરકારી મદદ લાવી આપવા માટે અનેક ફોર્મ ભરી સરકારી કચેરીઓના ધક્કા ખાધા પણ ઘરમાં શૌચાલય બંધાય ત્યારે સ્ત્રીઓ અને બાળકોને તો ફાયદો થાય જ છે પણ લોકોનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે. આમ આજે ફાયદો થાય છે તો આખા ગામને થાય છે પણ સ્ત્રી હોવાને નાતે સ્ત્રીઓની તકલીફ હું સારી રીતે સમજી શકું છું. ખુલ્લામાં શૌચ માટે જતાં સ્ત્રીઓ અને બાળકોને જે તકલીફ થતી હતી તેની સામે મેં લીધેલી તકલીફની કોઈ વિસાત નથી. 

રાજસ્થાનમાં આજે અનેક યુવાન શિક્ષિત મહિલાઓ સરપંચના પદે પહોંચી હોવાથી તેઓ જુદો ચીલો ચાતરી રહી છે. ચાંદની મીણાની જેમ ખોડા મીણા પંચાયતની સીમા પણ મેમ્બર છે. તેણે પણ પોતાના ગામમાં સ્ત્રીઓની સમસ્યા માટે કામ કરવાનું શરૂ કર્યું છે. સીમા પણ ૨૩ વરસની છે અને એક બાળકની મા હોવા છતાં તેણે ફરીથી ભણવાનું શરૂ કર્યું છે. સીમા પ્રયત્ન કરે છે કે તેના ગામની દરેક છોકરી ભણવા જાય. કારણ કે ભણતર જ તેમને તારશે એવું તે દૃઢપણે માને છે. જયપુરના દૌલતપુરમાં વિનીતા રાજાવત ફરીથી બીજીવાર સરપંચ તરીકે ચૂંટાઈને આવી છે. તે આંગણવાડીની વર્કર હોવાથી સ્વાસ્થ્ય અંગે ખૂબ જાગૃત છે. તેણે પણ ગામમાં લોકોને સમજાવીને શૌચાલય બાંધવાની શરૂઆત કરી હતી. આ દરેક સ્ત્રીઓ પારંપરિક સમાજમાં રહેતી હોવાથી તેમના માટે જુદું વિચારવું સહેલું નહોતું અને વિચાર્યા બાદ તેને અમલમાં મૂકવું પણ સહેલું નહોતું. તે છતાં તેમણે હિંમત કરીને ચીલો ચાતરવાનો પ્રયત્ન કર્યો છે. આપણને ખબર છે કે દરેક ઘરમાં રસોડું, દીવાનખંડ અને બેડરૂમની જેમ બાથરૂમ અને શૌચાલય પણ અગત્યની બાબત છે પણ ગરીબીને કારણે લાખો પરિવાર આવી મૂળભૂત સુવિધાથી વંચિત રહે છે.

You Might Also Like

0 comments