ઝિંદગી હર કદમ એક નઈ જંગ હૈ (mumbai samachar)
00:47
હમણાં બે બાબતની ચર્ચાઓ સતત થઈ રહી છે અને તે છે ટ્રમ્પની જીત , હિલેરી ક્લિન્ટનની હાર અને મોટી નોટો ચલણમાંથી નાબૂદ થવાથી ઊભી થયેલી પરિસ્થિતિ. સ્ત્રી હોવાને લીધે તેની સાથે થતો જાતીય ભેદભાવ નવી વાત નથી. તેના વિરુદ્ધ નારી સતત સંઘર્ષ કરી રહી છે. આ વખતની અમેરિકાની ચૂંટણીમાં હિલેરી ક્લિન્ટનની જીતવાની આશા અમેરિકન મહિલાઓએ રાખી હતી તે આજે ખૂબ જ નિરાશામાં સરી પડી છે. કોઈપણ અમેરિકન મેગેઝિન ખોલશો તો દરેક જગ્યાએ સ્ત્રીઓ નિરાશાના સૂર રેલાવી રહી છે. દરેક રાજનીતિમાં અનેક કારણોસર હારજીત નક્કી થતી હોય છે. અને તેમાં પણ અમેરિકાના ૨૨૫ વરસના લોકશાહીના ઈતિહાસમાં ક્યારેય મહિલા પ્રમુખ ચૂંટાઈને આવ્યા નહોતા એટલે આ વરસે મહિલા પ્રમુખપદના દાવેદાર તરીકે ઊભા રહેલા હિલેરી પર અનેક મહિલાઓએ દારોમદાર બાંધ્યો હતો. ટ્રમ્પ જીતી રહ્યા હતા ત્યારે અનેક અમેરિકન મહિલાઓ રીતસરની રડી પડી હતી.
ઓસ્ટ્રેલિયાના સેક્સ ડિસ્ક્રિમિનેશન કમિશનર કેટ જેનક્ધિસે તાજેતરમાં સ્ત્રીઓને સંબોધતા કહ્યું કે ટ્રમ્પની સફળતાથી સ્ત્રીઓએ નિરાશ થવાની જરૂર નથી. સ્ત્રીઓએ પોતાનો અવાજ હજી બુલંદ કરીને કામ કરવાનું ચાલુ રાખવું જોઈએ. સેક્સ ડિસ્ક્રિમિનેશન કમિશનર બન્યા બાદ લોયર કેટ જેનક્ધિસ ગામડાઓમાં પ્રવાસ કરીને સ્ત્રીઓની પરિસ્થિતિ જાણી રહ્યા છે અને કામ કરતી મહિલાઓની અડચણોનો અભ્યાસ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે સ્ત્રીઓએ સતત પોતાનો અવાજ બુલંદ કરીને અડચણો સામે લડવું જોઈએ. આપણે જોઈએ છીએ કે લીડરશિપમાં કે ઉચ્ચ હોદ્દાઓ પર પહોંચેલી મહિલાઓ બોલી રહી છે કે ખૂબ ઓછી મહિલાઓને બોર્ડ પર કે રાજકારણમાં સ્થાન મળી રહ્યું છે. પુરુષો કરતાં મહિલામાં વધુ ક્ષમતા, શિક્ષણ અને અનુભવ હોવા છતાં તેમને મોટેભાગે તક મળતી નથી તેનો પડઘો જ છે ટ્રમ્પની સફળતા, પણ સતત કામ કરવાનું સ્ત્રીઓએ ચાલુ રાખવું જોઈએ.
કેટ જેક્ધિસે કહેલી વાત કેટલી સાચી છે. આજે નારી જ્યાં સુધી પહોંચી છે ત્યાં સુધી પહોંચવા માટે તેણે સતત સંઘર્ષ અને કામ કર્યું છે. હવે જો પરિસ્થિતિ બદલાશે જ નહીં એમ કહીને નિરાશામાં સરી પડશે તો પરિસ્થિતિ ક્યારેય બદલાવાની જ નથી. કેટ જેક્ધિસે પણ કહ્યું છે અને આપણે સૌ પણ અનુભવીએ છીએ કે શહેરી વાતાવરણમાં અને બહાર કામ કરતી સ્ત્રીઓ કરતાં પણ ગ્રામ્ય વિસ્તારોમાં રહેતી કે અપંગ મહિલાઓને અનેક સમસ્યાઓ છે. જાતીય ભેદભાવ વિશે તેમને ન તો સભાનતા હોય છે કે ન તો તેઓ અવાજ ઉઠાવતી હોય છે. સ્ત્રીઓએ સતત કામ કરીને પોતાની જાતને પુરવાર કરવી પડશે. આ ભેદભાવ કેટલીક વખત એટલી સૂક્ષ્મસ્તરે કામ કરી રહ્યા હોય છે કે સ્ત્રીઓને સમજાતું પણ નથી કે તેમને આગળ વધવાનો મોકો જ આપવામાં નથી આવી રહ્યો. હિલેરી ક્લિન્ટન પ્રમુખપદે ન આવ્યા કરતાં પણ બીજી એક મોટી બાબત છે કે રાજકારણમાં સ્ત્રીઓની ઓછી સંખ્યા છે તેના તરફ ધ્યાન આપવામાં આવતું નથી. રાજકારણમાં વધુથી વધુ સ્ત્રીઓ સક્રિય બને તે માટે વધુ કામ કરવાની જરૂર છે. કંપનીઓના બોર્ડ રૂમમાં મહિલાઓની સંખ્યા હોવી જોઈએ તેના માટે કાયદા હોવા છતાં તેનો દુરુપયોગ કરવામાં આવે છે. ઘરની જ સ્ત્રીઓને ડમી મેમ્બર તરીકે રાખી દેવાતી હોય છે. લાયકાત ધરાવતી હોવા છતાં સ્ત્રીઓને ગ્લાસ સિલિંગનો આજે પણ અનેક સ્તરે સામનો કરવો પડતો હોય છે. અમેરિકા જેવા દેશમાં પણ કેમ હજી સુધી એકપણ મહિલા પ્રમુખપદ સુધી નથી પહોંચી શકી? આ સવાલના જવાબમાં કેટ જક્ધિસે કહ્યું તેમ આપણે હજી કામ કરતા રહેવાની જરૂર છે. આપણે ત્યાં તો
છોકરીને ગળથૂથીમાંથી જ લગ્ન કરવાનું ધ્યેય આપી દેવામાં આવે છે. કારર્કિદી પણ લગ્ન થાય તો વાંધો ન આવે તે રીતે પસંદ કરવામાં આવે છે. ડૉકટર બન્યા બાદ પણ છોકરીઓ લગ્ન બાદ પોતાની સ્વતંત્ર પ્રેકટિસ શરૂ કરી શકે કે નહીં તે બધું જ તેના સાસરા પક્ષ પર નિર્ભર રહે છે. હાલમાં જ એક યુવતી સાથે મુલાકાત થઈ તેણે ઈતિહાસમાં પીએચડી કર્યું હતું. વડોદરામાં તેને સારી નોકરી મળી રહી હતી પણ પતિને મુંબઈ રહેવું ગમતું હોવાથી તે મુંબઈ શિફ્ટ થઈ ગઈ અને ઘરે બેઠી છે કારણ કે મુંબઈમાં લોકલ ટ્રેનમાં બે કલાકના પ્રવાસ કરવા તેને ફાવે એમ નથી. મેં જ્યારે તેને પૂછ્યું કે તે શું કામ વડોદરાનું કામ છોડીને અહીં શિફ્ટ થઈ તો કહે કે સ્ત્રીએ જ પોતાની કારકિર્દીનો ત્યાગ આપવો પડેને ? જો ભણેલી યુવતીઓ આવું વિચારતી હોય આજે પણ તો ઓછું ભણેલી કે ગ્રામ્ય વિસ્તારોમાં રહેતી મહિલાઓ કઈ રીતે ઘરની આગળ વિચાર કરી શકે. અને કઈ રીતે રાજકારણ સુધી પહોંચી શકે? સ્ત્રીઓની સંખ્યા સત્તા પર ઓછી હોવાના કારણોમાં સ્ત્રીઓની પોતાની ઈચ્છાશક્તિ પણ મહત્ત્વની છે. આપણે ત્યાં તો ઘરના વ્યવહારની, કામની જવાબદારીમાં મોટાભાગના પુરુષો હજી મદદરૂપ થતા નથી. ઘર અને કામનું બેલેન્સ કરતી સ્ત્રીઓએ કેટલી સમસ્યાઓ અને તાણનો સામનો કરવો પડતો હોય છે તે આજે મોટાભાગની નારી જાણે જ છે. તેમાં કેટલીય લાયકાત ધરાવતી નારીઓ બાળક થયા બાદ કારકિર્દીને બાજુએ મૂકી દેતા અચકાતી નથી.
એટલે જ કામ કરવા બહાર નીકળતી સ્ત્રીઓએ સ્વતંત્ર નિર્ણય લેવાની ક્ષમતા કેળવવી પડશે. જે રીતની માનસિકતા સમાજની છે તે જોતા હજી ઘણું અઘરું છે કે નારીની માનસિકતા બદલાય. હજી આપણે કહેવું જ પડે કે જીંદગી હર કદમ એક નઈ જંગ હૈ. પછી તે હિલેરી હોય કે હુસ્ના હોય કે હીરલ હોય.
0 comments