રિશ્તે મેં તો હમ તુમ્હારે બાપ લગતે હૈં...

01:07


હું જો ઊભો થઈશ તો સરકારની ઐસી તૈસી થઈ જશે... હું કહી રહ્યો છું કે પછી ભારે પડશે... હજી કહું છું કે સુધરી જાઓ આઠ દિવસની મહોલત આપું છું... સ્વતંત્રતા દિને એટલે કે ૧૫ ઓગષ્ટ ૨૦૧૬ના દિવસે ૭૭ વરસના મુલાયમસિંહ યાદવે ઉત્તરપ્રદેશના યુવાન મુખ્યમંત્રી અખિલેશ યાદવને ચોખ્ખા શબ્દોમાં જાહેરમાં મીડિયાની સામે ધમકી આપી હતી. મુલાયમસિંહ યાદવ, ૪૩ વરસના અખિલેશ યાદવ સ્વતંત્ર રીતે વર્તી રહ્યા હતા તે સહન નહોતા કરી શકતા અથવા અખિલેશ યાદવની ઈચ્છાપ્રમાણે ચાલવા નહોતા માગતા એટલે પોતાની સ્વતંત્રતા જાહેર કરી રહ્યા હોય તે પણ શક્ય છે. અહીં બે પૌરુષીય અહમનો ટકરાવ હતો તો બન્ને પુરુષના શરીરમાં એક જ લોહી દોડી રહ્યું છે.

ગયા અઠવાડિયે ઉત્તરપ્રદેશના રાજકારણમાં જે ઘટનાઓ બની રહી હતી તેની નોંધ આખું ય વિશ્ર્વ લઈ રહ્યું છે. કારણ કે અહીં બે નેતાઓ આમનેસામને નથી. પરંતુ પિતા-પુત્ર એકબીજાની સામે અહંકારની લડાઈ લડી રહ્યા છે અને તે પણ જ્યારે રાજ્યની ચૂંટણી માથા પર આવીને ઊભી છે. જો કે પિતાપુત્ર વચ્ચે મનભેદ ઊભો કરવામાં નિમિત્ત બનનાર તેમની આસપાસ અનેક શકુનિમામાઓ પણ છે જ. હજી બે વરસ પહેલાં સમાજવાદી પાર્ટીએ લોકસભાની ચૂંટણીમાં ચેનલોની ભાષામાં કહીએ તો કરારી હાર ખાધી છે. તે સમયે પણ પિતા મુલાયમસિંહે મુખ્યમંત્રી પુત્ર અખિલેશ યાદવને દોષી ઠેરવ્યો હતો. પિતા મુલાયમસિંહ યાદવ પાસેથી ગળથૂથીમાંથી જ રાજનીતિના પાઠ ભણીને મોટા થયેલા અખિલેશ યાદવ આજની પેઢીનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છે. તેણે બે વરસ પહેલાંની હારના નુકસાનને ઓછું કરવા માટે સમય પારખી ઉત્તર પ્રદેશમાં વિકાસના રાહે બદલાવ લાવવાના પ્રયત્નો એકલેહાથે શરૂ કર્યા. પિતાનો ચહેરો નહીં પણ યુવાનોનું પ્રતિનિધિત્વ કરવા પોતાના જ ચહેરા સાથે કેમ્પેઈન શરૂ કર્યા. કાકા શિવપાલ યાદવ સાથે અખિલેશને બારમો ચન્દ્રમાં છે. જે મુલાયમને ભાઈ શિવપાલ માટે ઘણી લાગણી છે. આમ યાદવાસ્થળી રચાતા પિતાએ ફટ દઈને મુખ્યમંત્રી પુત્ર અખિલેશને પાર્ટીમાંથી બેદખલ કર્યો અને વળી બીજા દિવસે પાછો લીધો. આ બધા અપમાનનો બદલો પુત્ર અખિલેશે લેવાના સમ ખાધા હોય તેમ પાર્ટીમાં પોતાની મેજોરિટી પુરવાર કરી વળતો ઘા માર્યો પાર્ટીના ચિહ્ન સાઈકલ માટે.

આમ જોઈએ તો પિતાને પુત્રની પ્રગતિ જોઈને આનંદ થવો જોઈએ. એક જમાનામાં થયો પણ હશે પરંતુ અહીં સત્તાનો સવાલ છે. સામાન્ય સંજોગોમાં પણ પુત્ર જ્યારે પુરુષ બને ત્યારે ઘરમાં લેવાતા નિર્ણયો પિતા સહજતાથી પુત્રને સોંપી નથી શકતા ત્યારે પુત્ર જુદો થઈને પોતાનું નવું વિશ્ર્વ ઊભું કરે એવું પણ બને છે. ફ્રોઈડ અને ત્યારબાદના સાયકોએનાલિસ્ટ ફાધર કોમ્પલેક્સને મહત્ત્વનો ગણે છે. ફાધર કોમ્પલેક્સ એટલે કે પિતા કે પિતા જેવી વડીલ વ્યક્તિ સાથે યુવાન પુત્રના સંબંધો કોમ્પલેક્સ હોય છે. ક્યારેક હકારાત્મક તો ક્યારેક નકારાત્મક. બે પુરુષો એકબીજાની સાથે મિત્ર બની શકે છે અથવા એકબીજાનો સ્વીકાર પણ ન કરી શકે તે હદે ધિક્કારી પણ શકે છે. બન્ને એકબીજા સાથે રહી પણ ન શકે અને દૂર પણ ન જઈ શકે તેવી પરિસ્થિતિ પિતાપુત્રના સંબંધમાં શક્ય છે. પુત્ર જ્યારે પુરુષ બને છે ત્યારે એને માતા કરતાં પિતાના યોગ્ય માર્ગદર્શનની વધુ જરૂર હોય છે. તેનો આદર્શ આ ફાધર કોમ્પલેક્સ આપણે લાલકૃષ્ણ અડવાણી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે પણ જોયું છે. ઉત્તર પ્રદેશની વાત કરીએ તો સ્ટ્રોન્ગ પિતૃસત્તાક માનસિકતા ધરાવતું રાજ્ય છે. પૌરુષીય અહમ સત્તા, સંપત્તિ અને સંતતિ એટલે કે પુત્ર દ્વારા પોષાતો હોય ત્યાં પુરુષ ક્યારેય હાથમાં આવેલી સત્તા સહેલાઈથી જવા દઈ શકે નહીં. વળી જૂની પેઢી અને નવી પેઢી વચ્ચેના મતભેદ પણ ટાળવા સહેલા નથી હોતા. મુલાયમ અને અખિલેશ વચ્ચે પિતા અને પુત્રના સંબંધોને કારણે પણ અહમનો ટકરાવ હોય તેમાં રાજકારણનો ઉમેરો અને રાજનીતિ અંગે અનેક મતભેદો છેલ્લા બે વરસથી દેખાઈ રહ્યા હતા. બન્નેનું ધ્યેય એક જ છે કે ભાજપને ઉત્તરપ્રદેશમાં ફાવવા ન દેવી, પણ એ બાબતે બન્નેના મત અલગ નીકળ્યા. બીજાઓના દોરવાયેલા મતભેદ ક્યારે મનભેદ ભણી તાણી ગયા તેની ખબર ન રહી. કેટલાકનું કહેવું છે કે આ ફક્ત ચૂંટણી જીતવા માટે નકારાત્મક પબ્લિસિટી હોઈ શકે, પરંતુ જાહેરમાં એકબીજાનું અપમાન કરવું તે નાટકનો એક ભાગ ન હોઈ શકે. પુરુષને સૌથી વ્હાલું હોય છે તેનું પુરુષાતન, અહમ. તેના પર બીજા પુરુષ દ્વારા થતો આઘાત સહન થઈ શકતો નથી. આ લેખ લખાઈ રહ્યો હતો તે સમયે બન્ને જણાં વચ્ચે સુલેહ કરવાના પ્રયત્નો થઈ રહ્યા હતા. તે છતાં બન્નેનું લોહી એક છે, બન્ને સત્તાશાળી પુરુષો છે એટલે શક્ય છે સુલેહ થાય પણ ખરી અને એ જ કારણે સુલેહ ન પણ થાય.

મુલાયમ અને અખિલેશની જેમ જાપાનના રાજકારણમાં પ્રસિદ્ધ પિતા-પુત્રની જોડી છે. આજે ૫૩ વરસના તારો કોનોનો રાજકીય ક્ષેત્રે સક્રિય પરિવારમાં તેનો જન્મ થયો છે. તેના દાદા અને પિતા જાપાનના રાજકારણમાં ઊચ્ચ હોદ્દા પર સક્રિય હતા. તારો કોનો જ્યારે લિબરલ ડેમોક્રેટિક પાર્ટીમાં જોડાયો ત્યારથી જ તેના પિતા કરતાં અલગ પરંપરાનો વ્યક્તિ છે તે લોકોને સમજાઈ ગયું હતું. તે નવી પેઢીનો હોવાથી રિબેલિયસ એટલે કે પરંપરાને તોડીને બળવાખોર બનવાનો તેનો સ્વભાવ છે. તેના અને તેના પિતા યોહેઈના વિચારોમાં ખૂબ અંતર છે. તેના પિતા શાંત અને પારંપરિક વિચારસરણી ધરાવે છે. બન્ને જણાં જાહેરમાં એકબીજાથી વિરુદ્ધ મત પ્રદર્શિત કરતાં અચકાતાં નહીં. એક સમયે તો તારોએ સરકારની ન્યુક્લિયર પૉલિસી અંગે તેના પિતાની વિરુદ્ધ મત વ્યક્ત કરતાં મીડિયાને કહી દીધું હતું કે હું રાજકારણમાં તેમને વડાપ્રધાન બનાવવા માટે નથી આવ્યો. તારો ન્યુક્લિયર પૉલિસીનો વિરોધી છે. બન્ને વચ્ચે ભિન્નતા અંગત સંબંધોમાં પણ જોવા મળે છે. એટલે સુધી કે યોહેઈનું લીવર કામ કરતું બંધ થયું અને તેને રિપ્લેસમેન્ટની જરૂર હતી ત્યારે પુત્ર તરીકે તારો કોનોએ પોતાના લિવરનો ભાગ આપવાનું નક્કી કર્યું તો યોહેઈએ તેનો જાહેરમાં વિરોધ કર્યો. તે સમયે તારોએ જાહેરમાં કહ્યું હતું કે પિતા તરીકે તમારી કાળજી અમારે લેવાની છે અને તે બાબતે તમારો મત અમને માન્ય નથી. જાપાનના રાજકારણમાંથી તમે હવે નિવૃત્તિ લઈને અમારા આવનારા બાળકની સાથે આનંદથી જીવો. તો યોહેઈ લિવર ટ્રાન્સપ્લાન્ટ માટે તો માન્યા પણ જાહેરમાં કહ્યું કે બીજું કોઈ રાજકારણીને શું કરવું કે ન કરવું તે કહી શકે નહીં. મારે રાજકારણ છોડવું કે નહીં તેની સલાહની જરૂર નથી. આમ બન્ને પિતાપુત્ર પોતાના અભિગમ અને વિચારોને કટ્ટરપણે વળગી રહેવામાં માને છે. તે માટે જાહેરમાં પણ એકબીજાની સામે બોલતાં અચકાતાં નથી. એ જ રીતે બિહારમાં લાલુ પ્રસાદની પાર્ટી રાષ્ટ્રિય જનતા દળમાં તેના દીકરાઓને લીધે ફુટ પડી રહી છે. લાલુને માટે દીકરાઓ મુસીબત ઊભી કરી રહ્યા છે. લાલુપ્રસાદની રાજકીય સત્તા પર કેટલી પકડ છે તે આપણે સૌ જાણીએ જ છીએ. તેઓ જ્યારે ઘાસચારા ગોટાળા સંબંધે જેલમાં ગયા તો બાળકો નાના હતા એટલે પોતાની મુખ્યમંત્રીની ગાદી પર પત્નીને બેસાડતાં ગયા હતા. રાબડી દેવીએ લાલુપ્રસાદ વતી રાજ કર્યું જ હતું. હવે લાલુના બે દીકરાઓ તેજપ્રતાપ બીએ ડ્રોપઆઉટ અને તેજસ્વી ક્રિકેટર છે જેઓ પોતાની કારકિર્દી ઘડી ન શકતા બેકાર હતા તે હવે રાજકારણમાં સક્રિય રસ લેવા લાગ્યા. તે બન્ને વચ્ચે હરીફાઈ શરૂ થઈ કે કોણ પિતા લાલુનું રાજકીય વારસદાર બને. અઠંગ રાજકારણી લાલુને આ બાબતનો પહેલાંથી જ અંદાજો હશે જ એટલે જ તેણે પોતાના દીકરાઓને જુદા ક્ષેત્રોમાં મૂક્યા હતા, પરંતુ તેનો મનસૂબો પાર ન પડ્યો. તેમણે બન્નેએ પાર્ટીમાં લગભગ ભાગલાઓ પાડી જ દઈ પોતાનું રાજ સ્થાપિત કરવાના પ્રયત્નો શરૂ કરી દીધા છે. હજી સુધી તો બિહારમાં યુપીવાળી થઈ નથી. પણ ક્યારેય કશું પણ થઈ શકે છે. આ પહેલાં લાલુના સાળાઓએ પાર્ટી પર આધિપત્ય સ્થાપવાના પ્રયત્નો કર્યા હતા તેમને લાલુપ્રસાદે બખૂબીપૂર્વક પોતાની જગ્યા દેખાડી દીધી હતી. ભાગવતમાં યયાતિની વાત આવે છે. રાજા યયાતિએ પોતાના યુવાન પુત્રની યુવાની માગી હતી ભોગ ભોગવવા માટે. તેના બે મોટા પુત્રોએ ના પાડી, પણ નાનો પુત્ર પોતાની યુવાની પિતાને આપી દે છે. વરસો વિષય ભોગ ભોગવ્યા બાદ યયાતિને જ્ઞાન થાય છે કે વિષયો ભોગવવાથી તૃષ્ણા ઘટતી નથી, પણ જો આજે પણ પિતાઓને વરદાન મળે કે પુત્ર યુવાની આપે તો.... સુજ્ઞ વાચકો અધૂરા વાક્યનો અર્થ સમજી શકે છે. અહીં લખ્યા તે સિવાય પણ પિતાપુત્રના અનેક કિસ્સાઓ છે તેની વાત ફરી કોઈવાર. યુપી, બિહારની આ રાજનીતિ પર થોડા સમયમાં બોલીવૂડમાં ફિલ્મ બને તો નવાઈ નહીં.

You Might Also Like

0 comments