હિંમતથી કરો હિંસાનો સામનો (mumbai samachar)
06:06
દિલ્હી હોય કે મુંબઈ, કોલકાતા કે બેંગલુરુ ભારતનાં શહેરો હવે સ્ત્રીઓ માટે સલામત નથી. આમ જોઈએ તો યુવતીઓ શહેરમાં ભણવા અને કારકિર્દી ઘડવા માટે એકલી પણ રહેવા લાગી છે. શહેરમાં વસ્તી હોવાને કારણે સ્ત્રીઓને સલામતી અનુભવાતી હતી, પરંતુ હવે એવું કહેવું મુશ્કેલ છે. સ્ત્રીઓની જાતીય સતામણી ગમે ત્યાં, ગમે તે સમયે થઈ શકતી હોય છે. બેંગલુરુમાં ૩૧ ડિસેમ્બર બાદ ૧ જાન્યુઆરીએ પણ રસ્તા પર જતી સ્ત્રીની જાતીય સતામણી કરવામાં આવી હતી. તો ૭ જાન્યુઆરીના રોજ સવારે ૬.૩૦ વાગ્યે બુરખો પહેરીને જઈ રહેલી એક યુવતીને બસસ્ટોપ પાસે પકડીને બચકાં ભરી ઈજા પહોંચાડવામાં આવી હતી. મહિના પહેલાં મુંબઈના પાર્લા વિસ્તારમાં રાત્રે પાર્ટીમાંથી મોડી ઘરે પહોંચેલી યુવતી પર તેના ઘરમાં જ બળાત્કાર કરીને મારી નાખવામાં આવી. કહેવાય છે કે કોઈ વ્યક્તિ તે યુવતીનો પીછો કરી રહી હશે અથવા જાણીતી વ્યક્તિ હોઈ શકે. એ ગુનેગાર હજી સુધી પકડાયો નથી.
આ ઘટના બાદ બેંગલુરુ તો હવે જાણે સ્ટોકર (જાતીય સતામણી) કરનારાઓનું શહેર બની ગયું છે. છેલ્લા દસ દિવસમાં દર બીજા દિવસે રસ્તા પર ચાલતી મહિલાઓનો પીછો કરી તેમની સાથે હિંસક વ્યવહાર કરવામાં આવે છે.
આ ઘટના બાદ તો કોઈ પ્રધાનોએ ટીપ્પણીઓ કરી નહીં. નહીં તો મોટેભાગે સ્ત્રીઓનાં કપડાં કે સ્ત્રીઓનું બહાર નીકળવાને જ જવાબદાર ઠેરવવામાં આવે છે. પુરુષોની માનસિકતાને જ્યાં સુધી છાવરવામાં આવે છે ત્યાં સુધી આવા ગુનાઓ બંધ નહીં થાય. શક્ય છે આવા બનાવો બન્યા બાદ માતાપિતા છોકરીઓ પર ફરી પાબંદી લગાવશે કે પછી મહિલાઓ પોતે જ ડરીને બહાર નીકળવાનું બંધ કરી દેશે. નોટબંદી સમયે જેટલી બૂમાબૂમ થતી હતી તેનાથી અડધી પણ બૂમાબૂમ રાજકીય પાર્ટીઓએ કરી નહીં. કેમ પુરુષોની માનસિકતા બદલવાનું અભિયાન ચલાવવામાં નથી આવતું? ખેર, પણ અહીં પુરુષોના સમાજને એક સંદેશ આપવાની જરૂર છે કે અમે ડરીને બેસી નહીં જઈએ.
ક્યારેય ડરો નહીં, પડોશના ક્રૂર માણસને ખબર પડી જાય છે કે સહન કરનાર વ્યક્તિ નજીકમાં જ છે. - માયા એન્જલુ
પ્રસિદ્ધ અશ્ર્વેત કવયિત્રી, લેખિકા માયા એન્જલુ ઉર્ફે માર્ગરેટની આઠ વરસની ઉંમરે માતાના પુરુષ મિત્ર દ્વારા જાતીય સતામણી થઈ હતી. તેમણે આખીય જીંદગી પડકારોનો સામનો કર્યો હતો. સંઘર્ષમય જીવનનો તેમણે હિંમતથી સામનો કર્યો હતો. તેમને દીકરી નહોતી પણ અન્ય દીકરીઓને ઉદ્દેશીને તેમણે લખેલા પત્રોમાં તેઓ લખે છે કે ડરી ડરીને જીવો નહીં કે રડો નહીં કારણ કે તમારી આસપાસના ક્રૂર પુરુષને ખબર હોય છે કે તેમણે કોનું શોષણ કરવાનું હોય છે.
હવે ક્યારે ક્યાં કોના પર જાતીય હુમલો થઈ શકે તે કહી શકાય નહીં? હા આપણે સ્ત્રીઓએ થોડી સાવચેતી રાખવી પડશે. સાવચેતી એ કે આવી મેલી મુરાદ ધરાવતા પુરુષોને સફળ ન થવા દેવા અને તેમને શક્ય હોય તો પાઠ ભણાવવો. મોટેભાગે મેલી મથરાવટી ધરાવતા પુરુષો સતત તમારા પર નજર રાખી રહ્યા હશે. એટલે ઓફિસ કે કૉલેજ કે ઘરની બહાર આવતાં જતાં સતત સભાન રહો. તમને સહેજપણ કોઈ પર શંકા જાય તો તેની જાણ કોઈને કરો. રસ્તે ચાલતાં મોબાઈલમાં મોઢું ન ખોસી દો. આજુબાજુ કોણ છે તેના પર ધ્યાન આપો. રસ્તા પર એકલા આવતાં જતાં ફોન પર ઈમરજન્સી નંબર તૈયાર રાખો. તમને લાગે કે તમારો કોઈ પીછો કરી રહ્યું છે તો તરત જ ઈમરજન્સી નંબર ડાયલ કરી મોટેથી તેના વિશે જણાવો. પીછો કરનાર એક જ વ્યક્તિ હોય તો ડરો નહીં અને આસપાસ જે મળે તેનાથી કે પર્સથી તેના પર સામે હુમલો કરો. બૂમો મારીને લોકોનું ધ્યાન ખેંચવાનો પ્રયત્ન કરો. વહેલી સવારે કે રાત્રે એકલા બહાર જવું આવવું પડે તો પર્સમાં સાથે પેપરસ્પ્રે રાખવું. બે વ્યક્તિઓ હોય તો પણ તેમની આંખો પર સ્પ્રે નાખી તેઓનો સામનો કરી શકાય.
શક્ય હોય તો માર્શલ આર્ટ દરેક યુવતીઓએ શીખવું જોઈએ. પોતાની સલામતી પુરતી કેટલીક ટ્રીક તો આવડવી જ જોઈએ. કપડાં ગમે તે પહેરો પણ પર્સમાં પેપર સ્પ્રે જરૂર રાખો અને મોબાઈલના સ્ક્રીન પર ઈમરજન્સી માટેના નંબર રાખો. જો નંબર લાગે તો પણ કોઈની સાથે કે પોલીસ સાથે વાત કરતાં હો તેવો દેખાવ જરૂર કરો. તમે ના પાડો છતાં કોઈ મેસેજ મોકલતું હોય કે ફોન કરતું હોય તો તે નંબર, મેસેજ સાચવી રાખો. મેસેજ મોકલનારને કહી શકો કે તમે પોલીસમાં ફરિયાદ કરશો. હકીકતમાં તો આવી બાબતે પોલીસમાં ફરિયાદ કરવી જોઈએ. તમને જો લાગતું હોય કે કોઈ તમારો રોજ પીછો કરે છે તો તેનો ફોટો પાડી લેવો અને તરત જ પોલીસમાં જાણ કરવી. તમારો કોઈ પીછો કરતું હોય તો શક્ય હોય તો એકલા એકાંતવાળી જગ્યાએથી પસાર થવાનું ટાળવું અને જવું જ પડે એમ હોય તો આગળ જણાવી તેમ પૂરતી તૈયારી અને તકેદારી સાથે બહાર નીકળવું. ડરીને ચૂપ ન બેસી રહેવું કે બહાર નીકળવાનું બંધ ન કરવું.
0 comments