પુરુષાર્થ સંકલ્પ પૂરો કરવાનો

02:02

                                    


નવા વરસની શરૂઆત સાથે જ આપણે નાનો મોટો કોઈને કોઈ સંકલ્પ કરવાનો વિચાર કરતાં જ હોઈએ. એ અલગ વાત છે કે એ સંકલ્પ મોટેભાગે પૂરો નથી થતો. એવું કહેવાય છે કે જેનો આરંભ સારો તેનો અંત પણ સારો. 

નવી શરૂઆતની જરૂરત પડે છે કારણ કે કશીક એવી બાબત છે જે આપણને લાગે છે કે બદલાવી જોઈએ. એટલું તો આપણને સમજાય જ છે. બદલાવ લાવવા માટેનું પહેલું પગથિયું છે અંદરથી બદલાવ આવે. આંતરિક બદલાવ માટે જરૂરી હોય છે વિચારો બદલવાની. 

વિચારો બદલાય તો માનવ આખેઆખો બદલાઈ શકે છે. એટલે જ ધાર્મિક અને પ્રેરણાત્મક પુસ્તકોનું વાંચન કરવામાં આવે છે. કોઈક એવી ક્ષણની રાહ જોઈએ છે જે આપણને બદલી નાખે. આપણને ચેન્જ બદલાવ ગમે છે પણ તે માટે ચેન્જ થવું નથી ગમતું. કોઈ જાદુ થાય અને આપણે આપણી જાણ બહાર બદલાઈ જઈએ તો સારું એવું આપણે ઈચ્છતા હોઈએ છીએ. યા તો આપણી આસપાસની પરિસ્થિતિ, માણસો બદલાઈ જાય તેવું ઈચ્છતા હોઈએ છીએ. 

જીવનમાં બદલાવ જરૂરી છે એવું આપણે માનીએ છીએ એટલે જ ટેકનોલોજીનો પણ સ્વીકાર કરવો પડે. ટેકનોલોજીએ આપણું જીવન સરળ બનાવી દીધું હોવા છતાં આપણે સતત સ્ટ્રેસ-તાણમાં જીવીએ છીએ. આપણી બધી જ તકલીફોના મૂળમાં સ્ટ્રેસ હોય છે તેવું આપણે જાણતા હોવા છતાં સ્ટ્રેસના પ્રદૂષણના દૂષણથી મુક્ત વાતાવરણ આપણે રચતા નથી. આ વિચાર સાથે પ્રદૂષણ મુક્ત મનને બનાવવાના ઉપાયોની શોધ શરૂ કરી તો દલાઈ લામાની સરળ અને અનૂભુત કરેલી વાત ગમી ગઈ જે કદાચ તમને પણ ઉપયોગી થાય માનીને અહીં મૂકું છું. દલાઈ લામાએ આનંદિત જીવન જીવવા માટે કેટલીક સરસ વાતો કહી છે. 

જો એ વાત આપણને સ્પર્શીજાય, સમજાઈ જાય તો જીવન બદલાઈ શકે છે. એકવાર ઓપરા વિન્ફ્રીએ દલાઈ લામાને પૂછ્યું કે તમે ક્યારેય પોતાની જાતને માફ કરી છે? તો દલાઈ લામાએ જવાબ આપ્યો કે મચ્છર કે જીવડાં તરફનું મારું વર્તન સારું નથી હોતું. 

૮૧ વરસના દલાઈ લામાના જીવનમાં બે મુખ્ય પાયા છે માફી અને દયા. તેમનું કહેવું છે કે ‘દયા એ કોઈ ધર્મની બાબત નથી પણ માનવીય ધોરણની જરૂરિયાત છે. એને કારણે જ માણસ જીવી શકે છે.’ 

સંશોધન પણ કહે છે કે દયાભાવ રાખનાર વ્યક્તિનું સ્ટ્રેસ લેવલ ઘટે છે. વેકેશન માણતાં , સારું ભોજન લેતાં કે સેક્સ કરતી વખતે જેટલો આનંદ મળે છે તેટલો જ આનંદ દયાભાવની લાગણી રાખનાર વ્યક્તિ અનુભવી શકે છે. દયાભાવ એટલે તમે કોઈને કંઈ દાન આપો કે પૈસા આપો એટલું જ નહીં. તમે કોઈની સાથે સારું વર્તન કરો કે સામી વ્યક્તિ જ્યારે પીડા કે દુખમાં હોય ત્યારે તેને મદદરૂપ થાઓ તે પણ દયાભાવ જ છે. કોઈના દુ:ખને અનુભવી તેની પડખે ઊભા રહેવું સહેલી બાબત નથી. કોઈને કંઈ આપી દેવું સહેલું હોય છે જ્યારે કોઈની લાગણી સમજવી અઘરું

હોય છે. 

અહીં હાલમાં જ વાંચેલી એક મુલાકાત યાદ આવી. અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર સહિત અન્ય જગ્યાએ થયેલા આંતકી હુમલા બાદ કે પ્લેન ક્રેશ થાય કે ટ્રેનનો અકસ્માત થાય જેવો નવેમ્બરમાં કાનપુરમાં થયેલ કે જેમાં ૧૫૫ વ્યક્તિઓ મૃત્યુ પામી હતી. 

દુનિયામાં મોટાભાગના આવા અકસ્માત બાદ ઈંગ્લેડમાં રોબર્ટ જેન્સનને ફોન જાય. આ માણસ દુનિયાના સૌથી ખરાબ ગણી શકાય એવા કામમાં નિપુણ છે. કોઈપણ અકસ્માત બાદ જે તે સ્થળે પહોંચીને બધી વસ્તુઓ અને બોડી પાર્ટ ભેગા કરવાનું, 

અકસ્માતમાં મૃત્યુ પામેલી વ્યક્તિઓના સ્વજનોને જવાબ આપવા. તેમણે ગુમાવેલા સ્વજનના બોડીની ઓળખ કરી દેવી વગેરે કામ કરવાના હોય છે. આ માણસ કોઈનું પણ જરાય દિલ ન દુખાય તે રીતે કામ કરે છે એટલે તેનું નામ છે. મુલાકાતમાં રોબર્ટ કહે છે કે જ્યારે અકસ્માતમાં કોઈ પોતાનું સ્વજન ગુમાવે છે ત્યારે પીડા અનેકગણી હોય છે. તેમાં પણ વિમાન અકસ્માત કે આતંકી હુમલામાં વ્યક્તિની ઓળખ થઈ ન શકવાની હોય ત્યારે સ્વજનની પીડાનો અંદાજ લગાવવો મુશ્કેલ હોય છે. તે વખતે મૃત વ્યક્તિની નાનામાં નાની વસ્તુ પણ સ્વજન માટે અમૂલ્ય હોય છે. એટલે જ આવા અકસ્માત બાદ સ્થળ પરથી રોબર્ટ દરેક વસ્તુઓ ખૂબ ચીવટપૂર્વક ભેગી કરી લાવે છે. એટલું જ નહીં એને તેઓ જેમની તેમ જ રાખી મૂકે છે. એકવાર તેમને એક ટીશર્ટ મળ્યું હતું તેને ધોઈને માતા સુધી પહોંચાડ્યું તો માતાએ કહ્યું હતું કે છેલ્લા પંદર વરસથી હું તેના કપડાં ધોતી હતી. 

તમે છેલ્લે ધોઈને મારો એ હક છીનવી લીધો. બસ એ પ્રસંગબાદ રોબર્ટ દરેક વસ્તુ જેમની તેમ સ્વજન સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરે છે. તે કહે છે કે મૃત પામેલી પ્રિય વ્યક્તિનો છેલ્લો સ્પર્શ પામેલી વસ્તુ મેળવવાનો દરેક સ્વજનનો અધિકાર છે. તેની આમાન્યા જાળવવી જ પડે. રોબર્ટ સામી વ્યક્તિને સાંભળીને તેનું દુખ શક્ય તેટલું હળવું કરવામાં માહેર છે એટલે જ તેને દુનિયાભરમાંથી સરકાર અને વિમાની કંપનીઓે ડિઝાસ્ટર મેનેજમેન્ટનું કામ સોંપી દે છે. 

દલાઈ લામ કહે છે કે તમારી આસપાસ જેટલી પણ વ્યક્તિઓ છે તેમના પ્રત્યે તમે અનુકંપા- દયાભાવ રાખશો તો જીવનની અનેક સમસ્યાઓમાંથી રાહત મેળવી શકશો. માનસિક શાંતિ મળશે તે નફામાં. 

બીજી એક ખૂબ જ સરળ વાત કરે છે દલાઈ લામા કે બીજા સાથે પ્રેમભર્યું વર્તન કરો એ જ ખરો ધર્મ છે. કોઈ મંદિરમાં જવાની કે કોઈ ફિલસૂફીની એમાં જરૂર નથી. આપણું મગજ, હૃદય એ જ મંદિર છે અને પ્રેમ એ જ ફિલસૂફી છે. 

બીજા સાથે સારું અને પ્રેમભર્યું વર્તન કરવાથી બદલામાં સામે આનંદ અને સંતોષ મળે છે. હાવર્ડ બિઝનેસ સ્કૂલના માઈકલ નોર્ટન અને સાથીઓએ કરેલા સંશોધનમાં પણ પુરવાર થયું હતું કે જે વ્યક્તિએ થોડા પૈસા બીજાને આપી દીધા હતા એને જે વ્યક્તિએ બધા પૈસા પોતાના પર જ વાપરી નાખ્યા હતા તેના કરતાં ખૂબ સંતોષ અને આનંદ અનુભવાયો હતો. દલાઈ લામ કહે છે કે કાળજીભરી પ્રેમાળ લાગણીઓ વહાવવી હંમેશ શક્ય બની શકે છે 

ત્રીજી વાત દલાઈ લામા કહે છે તે આપણે માટે એકદમ જ બંધ બેસતી છે. રેટ રેસમાં આપણે બધા શું કામ ભાગીએ છીએ? તો કહે કે સુખી થવા, ખુશ રહેવા માટે. દલાઈ લામા આગળ કહે છે કે હેપ્પીનેસ એટલે કે આનંદ, સુખ રેડીમેઈડ તૈયાર નથી મળતું તેને આપણી ક્રિયાઓ, વર્તન દ્વારા જ મેળવી શકીએ. એટલે જ દરરોજ ઉપભોક્તાવાદ તરફ દોડતા પહેલાં અટકીને વિચારો ખરેખર તમે શું ઈચ્છો છો? થોડું જતું કરો, ધીરજ રાખો અને પ્રેમ કરતા શીખો. પોતાની પહેલાં બીજાનો વિચાર કરતાં શીખો. 

પોતાની અંદર શાંતિને સ્થાપિત કરો. દરરોજ થોડો સમય પોતાના માટે ફક્ત ને ફક્ત પોતાની જાત સાથે વિતાવો. દરેક ટેકનોલોજીને બંધ કરી દો. અવાજોને બંધ કરીને જાત સાથે સંવાદ સ્થાપિત કરો. 

બીજાને મદદરૂપ ન થઈ શકો તો કંઈ નહીં પણ બીજાને નુકશાન ન પહોંચાડો. બીજાની નિંદા, ટીકા અને અફવાઓ ફેલાવવાનું ટાળી શકાય છે. તેનાથી નકારાત્મકતા ઓછી થશે. હકારાત્મકતા વધતા તમને આંતરિક શાંતિનો અનુભવ થશે એની દલાઈ લામા ખાતરી આપે છે. 

બીજાઓની સાથે દલીલો ન કરો કે ઝઘડો ન કરો પણ તડજોડ કરવાનું વિચારો. બીજાના અધિકારો અને લાગણીઓને માન આપતાં શીખો. બીજાને વાણી દ્વારા ઘાયલ કરવા તે પણ એક જાતની હિંસા જ છે. 

હિંસા ફક્ત હથિયારોથી જ થાય એવું નથી હોતું. તેમનું કહેવું છે કે બસ આમાંથી એકાદી વસ્તુઓનું ધ્યાન રાખશો તો બીજી સારી બાબતો આપોઆપ આવી જશે. 

જીવનમાં મધુરતા અને સંવાદિતા કોઈ પણ સંકલ્પ વિના આવી શકે છે. સંકલ્પ પૂરો કરવા કોઈ પુરુષાર્થની જરૂર નહીં પડે. ફક્ત થોડો બદલાવ આપણામાં આવે તો જીવન આખું બદલાઈ જશે. સર્વ વાચકોને નવા વરસની ખૂબ શુભેચ્છા.

You Might Also Like

0 comments