જીવનની સંધ્યાએ ઊગતા સૂર્યનો તરવરાટ (mumbai samachar)

00:02
ફેબ્રુઆરી ૨૦૧૩ના વૉશિંગ્ટન પોસ્ટમાં ફોટા સાથે એક સમાચાર છપાયા હતા કે ડિસ્ટ્રીક્ટ ચીફ ફાઈનાન્સિઅલ ઑફિસરે ૧૩ વરસ ઑફિસ સંભાળ્યા બાદ અંગત કારણોસર ચાર વરસ વહેલાં નિવૃત્તિ લીધી. ૭૩ વરસના નટવર ગાંધીને અમેરિકાના આવા પ્રતિષ્ઠિત ઉચ્ચ હોદ્દા પરથી રાજીનામું આપવા માટેનું કારણ ઘણું સુંવાળું હતું. તેમને ૮૦ વરસના સખી કવયિત્રિ પન્ના નાયક સાથે જીવનની દરેક ક્ષણોને માણવી હતી. ગયા અઠવાડિયે મુંબઈની મુલાકાતે આવેલા નટવર ગાંધીની મુલાકાત લીધી ત્યારે તેમનાં સાહચર્યની ઝલક જોવા મળી. નટવરભાઈ અને પન્ના નાયકના ચહેરા પર આ ઉંમરે પણ નવયુગલ જેવી તાજગી જણાતી હતી.

ં ૭૭ વરસીય નટવર ગાંધી નિવૃત્તિ બાદ જીવન સંધ્યાને માણવા સાથે હાલમાં વર્લ્ડ બૅન્ક સાથે સલાહકાર તરીકે જોડાયેલા છે. એ ઉપરાંત અનેક મોટી સંસ્થાઓના બોર્ડ પરપણ કાર્યરત છે. આ પહેલાં તેમણે અમેરિકન કોંગ્રેસની વૉચ ડોગ એજન્સી જનરલ એકાઉન્ટિંગ ઑફિસમાં ટૅક્સ પૉલિસી અને ઍડમિનિસ્ટ્રેશનના ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે પણ ૧૯૭૬-૯૭ દરમિયાન કામ કર્યું. અમેરિકાની રાજધાની વૉશિંગ્ટનના ટૅક્સ કમિશનર તરીકે પણ નિમાયા હતા અને ત્યાં જ ચીફ ફાઈનાન્સિયલ ઑફિસર તરીકે એટલે કે નાણાપ્રધાનની જવાબદારી ૨૦૧૪ સુધી નિભાવી. આટલા ઊંચા હોદ્દા પર પહોંચવા છતાં તેમના પગ જમીન પર જ રહ્યા છે. નમ્ર વ્યક્તિત્વનું કારણ છે તેમણે જીવનમાં શરૂઆતનાં વરસોમાં જોયેલી ગરીબી અને સંઘર્ષ છે. આ ઉપરાંત તેમના કાવ્યના બે પુસ્તકો પણ પ્રગટ થઈ ચૂક્ય છે.

મુંબઈમાં જ્યાં મોહનદાસ ગાંધી ઊતરતા તે મણિભવનમાં તેમની મુલાકાત થઈ ત્યારે બાપુના ચિત્ર તરફ હાથ કરતાં કહે કે આ ગાંધી માટે ખૂબ આદર અને માન છે. જો કે તેમના નકશેકદમ પર પૂરી રીતે ચાલી નથી શક્યો.

૧૯૪૦ની સાલમાં સાવરકુંડલામાં જન્મેલા નટવર ગાંધી કવિ પણ છે. છંદમાં કાવ્ય લખવાની તેમની હથોટી છે. સાહિત્યનાં દરેક છંદોબદ્ધ કાવ્યો તેમને લગભગ મોઢે છે. પૃથ્વી છંદ તેમને પ્રિય છે. તો પછી તેમણે એલએલબી, એમબીએ અને પછી પીએચડી શું કામ કર્યું? તેમના લાક્ષણિક હાસ્ય સાથે કહે કે જીવનમાં ધારેલું બધું થતું નથી. હું ભણી શક્યો તે પણ મારા ફોઈના દીકરા રતિભાઈને લીધે. મારો જન્મ અને શરૂઆતનું શિક્ષણ જ્યાં થયું તે સાવરકુંડલા તે સમયે નાનકડાં ગામ જેવું હતું. ઘરમાં વીજળી નહીં અને કોઈ જ બીજી સગવડ નહીં. વાંચનનો ખૂબ શોખ તે ગામની એકમાત્ર લાયબ્રેરીમાં હું જ એક વાચક હતો. મેટ્રિક થયો કે તરત જ પિતાએ મને મુંબઈ મોકલી આપ્યો કમાણી કરવા માટે.

અમારા કેટલાક સગા મુંબઈ આવીને કમાયા હતા અને કુટુંબને ઉપર લાવી શક્યા હતા એટલે પિતાની ઈચ્છા હતી કે હું કુટુંબની જવાબદારી ઉપાડી લઉં મોટા દીકરા તરીકે. મુંબઈમાં મોટી બહેન પરણીને આવી હતી. તેના ઘરે રહેવાનું અને મૂળજી જેઠા માર્કેટમાં શરૂઆતમાં ગુમાસ્તા તરીકે કામ શરૂ કર્યું હતું. ઉંમર સત્તર જ વરસની અને ભણવાની ઈચ્છા હતી પણ તેનો વિચારે ય કરી ન શકાય. કપડાંની દુકાનમાં શેઠ માટે ચા-નાસ્તો લાવવો, બૅંકમાં ચેક ભરવા વગેરે પેઢીના નાનાં મોટાં કામ કરવાનાં. શરૂઆતમાં તો પગાર પણ નહીં. મારું કોઈ ભવિષ્ય દેખાતું નહોતું પણ મારા ફોઈના દીકરા રતિભાઈએ મને કહ્યું કે તું આખી જિંદગી ગુમાસ્તા તરીકે થોડી જ જીવી શકે એના કરતાં કૉલેજમાં જઈને બીકૉમ ભણ તો જીવન સુધરશે. કૉલેજની ફી પણ તેમણે ભરી અને મારું રહેવાનું કપોળ હોસ્ટેલમાં કરી આપ્યું. સાથે ટયૂશન કરતાં હું બીકૉમ થયો. નોકરી મેળવવા માટે મેં ઘણાં ધક્કાઓ ખાધા પણ ઢંગની નોકરી મળતી નહીં. સ્ટોરમાં અકાઉન્ટન્ટ તરીકે કામ કર્યું. ટ્યૂશનો કરાવ્યા. વળી મૂળજી જેઠા માર્કેટમાં પેઢીમાં મહેતાજી તરીકે કામ કર્યું અને કેટલોક સમય તો ઘરના અભાવે ત્યાં જ પેઢીમાં સૂઈ રહેતો. હતાશ થઈ જતો પણ સંઘર્ષ ચાલુ રાખ્યો. સાથે જ એલએલબી પણ ભણવા લાગ્યો કદાચને નસીબને ઊઘડે પણ એવું કશું જ ન થયું. એક મિત્ર જે અમેરિકા હતા તેની મદદથી અમેરિકા ઉપડ્યો.

જો કે તે પહેલાં મારા લગ્ન થઈ ગયા હતા. નલિની સાથે એ મોટી ભૂલ હતી કારણ કે હજી મુંબઈમાં ઘર નહોતું અને કાયમી સારી નોકરી પણ નહોતી. લગ્ન બાદ કાંદિવલીની એક ચાલમાં નાની ઓરડી ભાડે લીધી હતી જેમાં ટોઈલેટ પણ નહોતું. રોજ ટ્રેનના ભરચક ડબ્બામાં પ્રવાસ કરવો અને નોકરી કરવી. જીવનમાં જેમાં રસ હતો તે સાહિત્ય માટે કોઈ સમય રહેતો નહીં. ભવિષ્ય તો કશું હતું જ નહીં તેની ખાતરી થઈ. આમ, આઠ વરસ મુંબઈમાં મજૂરી કરીને હું અમેરિકા ગયો તે પણ એમબીએ કરવા માટે. તે માટે મિત્રોએ મદદ કરી. પત્નીને સાથે લઈ જવાનું તો ત્યારે શક્ય ન હોય એટલે તેને સાવરકુંડલા પિતાજી પાસે મૂકીને ગયો. બે વરસ બાદ પત્નીને બોલાવી શક્યો. શરૂઆતમાં તો પ્રોફેસર તરીકે કૉલેજમાં કામ કર્યું, સાથે પીએચડી પણ કરતો ગયો. મુંબઈમાં જે સંઘર્ષ કરવો પડ્યો એટલો અમેરિકામાં નથી કરવો પડયો. ખેર, સાવરકુંડલાથી મુંબઈ આવીને જે જોયું તે મારે માટે વધારે આશ્ર્ચર્યજનક હતું. વીજળી, ગાડીઓ, ટ્રામ, મકાનો અને ડામરના રસ્તાઓ કારણ કે ગામમાં કંઈ જોયું જ નહોતું. મુંબઈમાં અંગ્રેજી ફિલ્મોમાં અમેરિકા જોયું હતું તેવું જ હોવાથી નવાઈ ન લાગી. પચ્ચીસ વરસની મજૂરી બાદ અમેરિકામાં હું ૧૯૬૫થી છું. અને જ્યારે પન્નાને મળવાનું થયું ત્યારે અમે કૌટુંબિક મિત્રો હતા. સાહિત્યની પ્રવૃત્તિઓ અમેરિકામાં શરૂ કરી તેમાં અમે મળતાં રહ્યાં. અને એકવાર સાથે પ્રવાસે ગયાં ત્યારે સમજાયું કે અમને એકબીજાની કંપની ગમે છે. બસ જીવનસંધ્યાએ ઉલ્લાસમય જીવન જીવવું એ નક્કી કર્યું અને હોદ્દાની જવાબદારી છોડી.

નટવર ગાંધીના પત્ની ૪૭ વરસના લગ્નજીવન બાદ મૃત્યુ પામ્યાં હતાં અને પન્નાબહેનના પતિ પણ પ૦વરસના લગ્નજીવન બાદ મૃત્યુ પામ્યા હોવાથી જીવનસાથી વિના બન્ને એકલતા અનુભવી રહ્યાં હતાં. આ ઉંમરે સાથે રહેવાનું નક્કી કર્યું ત્યારે કેટલાક મિત્રોએ નટવરભાઈને સલાહ પણ આપી હતી કે તારાથી મોટી વયની સ્ત્રી સાથે જોડાવા કરતાં નાની વયની સારી સ્ત્રી લગ્ન કરવા માટે મળી રહેશે. આ ઉંમરે દાદા બન્યા બાદ આ શું કુમતિ સુજી કહી વખોડનારા હતા તો જુદો દાખલો બેસાડ્યો કહીને વખાણનારાઓ પણ હતા. નટવરભાઈ એ વાત કરતાં કહે છે કે, હવે મારે કોઈ સ્ત્રીની જરૂર નહોતી પણ જેની સાથે દરેક વાત કરી શકાય એવા જીવનસાથીની જરૂર હતી. પન્ના ભલે મારા કરતાં વયમાં મોટી હતી પણ સાહિત્ય સહિત દરેક વાત તેની સાથે થઈ શકે. વળી તેના જીવંત વ્યક્તિત્વએ જ મને પણ નિવૃત્ત થવાની પ્રેરણા આપી. હવે જીવનના આ પડાવે કોઈ અપેક્ષા નથી બસ એકબીજાનો સ્વીકાર કરવાનો હોય છે એકબીજાને અનુકૂળ થઈને ઉલ્લાસ કરવાનો હોય છે, અને તમે જ્યારે કારકિર્દીના ઉચ્ચ તબક્કે હો ત્યારે નિવૃત્ત થવાથી તમારું સન્માન જળવાય છે. નટવરભાઈને અમેરિકન કરવેરા અને નાણાકીય ક્ષેત્રે પ્રદાન કરવા બદલ અનેક પ્રતિષ્ઠિત એવૉર્ડ મળ્યા છે. મોસ્ટ ઈન્ફલ્યુએશનલ પર્સન ઑફ ધ યરની યાદીમાં પણ તેમનું નામ આવી ચૂક્યું છે. તે સમયે અમેરિકામાં ઉચ્ચ હોદ્દા સુધી પહોંચનાર ગાંધી પહેલા ભારતીય હતા.

વ્યક્તિએ સદાય જીવનમાં વિકસતા રહેવું, શીખતા રહેવુંની પ્રેરણા આપતા નટવર ગાંધીએ પોતાના જીવનકવનને આલેખતું પુસ્તક લખ્યું છે અજાણ્યા ગાંધીની આત્મકથા રૂપે.

You Might Also Like

0 comments