બુલ રનથી જલ્લીકટ્ટુ નસનસમાં સાહસનું હોર્મોન

00:02








હાલમાં જ જલ્લીકટ્ટુની રમત પર આવેલા બૅન બાદ તમિલનાડુમાં હિંસા ભડકી તેના મૂળમાં અનેક કારણો છે. આપણે અહીં તેના સાહસની વાત કરીશું રાજકારણની નહીં. સદીઓથી કેટલીક રમતો એવી છે જેમાં પુરુષોનું સામ્રાજ્ય રહ્યું છે. પુરુષાતનના હોર્મોનને નસનસમાં અનુભવવા માટે પણ જરૂરી હોય છે કેટલાક સાહસો. સાહસ કરવા માટે જોખમ લેવું જરૂરી બને છે. જ્યારે પુરુષ કોઈ જોખમ લે છે ત્યારે તેને પોતાનો આત્મવિશ્ર્વાસ વધતો જણાય છે. તેને કશુંક જુદું કર્યાનો સંતોષ થાય છે અને તે કારણે લોકોમાં આદર અને માન પામે છે. આમ તેનું પૌરુષત્વ પોષાતું હોવાથી તે રમત ગમતમાં કે અન્ય કોઈ સાહસિક પ્રવૃત્તિ કરીને તે પોતાના પૌરુષત્વને પોષે છે.

હિમાલય ચઢીને આવવું કે પેરાગ્લાઈડિંગ કે પછી રિવર રાફ્ટિંગ કરવું તે દરેક બાબતમાં જોખમ રહેલું હોય છે. વળી આવા કોઈપણ સાહસ તમને રોજિંદી ઘટમાળથી દૂર લઈ જાય છે. બીજાઓથી તમે કંઈક વિશેષ કરીને પોતાની સાહસિકતા સાબિત કરતા પુરુષ નમ્ર હોય તો પણ આત્મવિશ્ર્વાસથી ભરપુર હોય છે. પહેલાંના જમાનામાં એટલે કે સદીઓ પહેલાં ટ્રેકિંગ, માઉન્ટેનિયરિંગ, રાફટિંગ કે પેરાગ્લાઈડિંગ જેવા સાહસો નહોતા. પહેલા સાહસ એટલે દરિયાની સફર કરી નવા પ્રદેશોમાં વેપાર કરવા પહોંચવું , સૈન્યમાં લડવા જવું કે પછી પોતાના જ પ્રદેશમાં કોઈ એવી રમતનું આયોજન કરવું કે જેમાં જોખમ હોય અને તે જોખમ ખેડ્યા પછી પોતાની બહાદુરી સમાજમાં દેખાઈ આવે. પોતે એવો પુરુષ છે જે વીર છે અને પોતાની આસપાસની વ્યક્તિઓની રક્ષા કરી શકે છે. એ સિવાય રુટિનના બોરિયતમાંથી પુરુષને જીવનમાં નવો ઉત્સાહ અને રોમાંચ આપે છે. જલ્લીકટ્ટુની રમત જે સાહસવીર ઘવાયેલા, ઉશ્કેરાયેલા સાંઢના ખૂંધને પકડીને તેના પર ટકી રહેવાનું કે સાંઢને અટકાવવાની હિંમત કરવાની હોય છે. આ રીતે સાંઢને ક્ધટ્રોલ કરતાં જીવ ખોવાનું પણ જોખમ હોય છે. ૨૫૦૦ હજાર વરસ પહેલાં ઈન્દુવેલી સિવિલાઈઝેશન સમયે પણ આ રમતમાં પુરુષો ભાગ લેતા હતા તેના પુરાવા મળ્યા છે. આ જોખમી રમતમાં પુરુષો ભાગ લે તેથી ઈનામની રકમ પણ જાહેર કરવામાં આવે છે. સદીઓથી સ્પેનમાં પણ બુલ ફાઈટિંગની રમત પણ લોકપ્રિય છે. સદીઓ પહેલાંની લાઈફસ્ટાઈલ પણ એ રીતની હતી કે પુરુષોએ સાહસિક થવું જ પડતું. શિકાર કરવો, કમાણી માટે કે વ્યવસાય માટે બીજા દેશના પ્રવાસે જવું તે પ્રવાસમાં મહિનાઓ લાગી જતાં અને એ પ્રવાસો પણ રોમાંચકારી જ નીવડતાં. વળી પોતાના કુટુંબથી દૂર અને અજાણ્યા પ્રદેશોમાંથી પસાર થવાનું રહેતું. આ બધું કાળક્રમે સરળ થતું ગયું તેમ પુરુષોના જીવનમાંથી રોમાંચ ઓછો થતો ગયો. આજે કેટલીક મહિલાઓને વાંધો આવે કે મહિલાઓ પણ સાહસિક હોઈ શકે છે અને આજે તો મહિલાઓ દરેક ક્ષેત્રે આગળ વધી પોતાની ક્ષમતા પુરવાર કરી રહી છે તે છતાં તેમની સંખ્યા કેટલી?

રોમાંચ માટે સાહસ કરવામાં જાતીય ભેદભાવ છે જ તેનો સ્વીકાર અભ્યાસીઓએ પણ કર્યોં છે. સાહસ અને રોમાંચ પુરુષોના સ્વભાવમાં જ હોય છે. ૨૦૧૪ની સાલમાં ૩૭ દેશોમાં કરવામાં આવેલા સર્વે પ્રમાણે દરેક પુરુષો કોઈ ને કોઈ પ્રકારની રમત રમ્યા હતા જ્યારે કેટલીક સ્ત્રીઓ જ કોઈ રમત રમી હતી. સ્પર્ધામાં ભાગ લેવાનો ન હોય તેવી રમતો રમવામાં પણ પુરુષોની સંખ્યા વધુ રહી હતી. ૨૦૧૩ની સાલમાં કરવામાં આવેલા ૫૦ દેશોમાં કરવામાં આવેલા સર્વેમાં પણ જાણવા મળ્યું હતું કે સ્ત્રીઓ કરતાં બેગણા વધુ પુરુષો પોતાના જીવનકાળ દરમિયાન કોઈને કોઈ રમતોમાં ભાગ લેતા હતા. આપણે ત્યાં પણ બળદગાડાંની હરીફાઈ, બળદને કીચડમાં દોડાવીને પાછળ પાટીયાં પર ઊભા રહીને લગાવાતી રેસ અને આ જલ્લીકટ્ટુ જેના પર જીવ હિંસા અટકાવવા બૅન લગાવાતાં તમિળનાડુના લોકો હિંસા પર ઊતરી આવ્યા. તેમને ભલે લાગતું હોય કે તેમની પરંપરાથી તેમને જુદા કરી દેવાય છે, પરંતુ સાહસનો રોમાંચ ફક્ત ભાગ લેનારાઓમાં જ નહીં જોનારાઓના નસમાં પણ વ્યાપી જતો હોય છે. પતંગ ચગાવતી વખતે પણ પેચ લડાવવામાં કેટલાય લોકોના સાહસિક હોર્મોન ઊંચકાઈ જતાં હોય છે. પુરુષના જીવન માટે સાહસ અને રોમાંચ જરૂરી બાબત છે એટલું તો સ્વીકારવું જ પડશે. સામે એવી દલીલ કરવામાં આવે છે કે સ્ત્રીઓ પાસે રમતગમત માટે સમય જ નથી હોતો. તેમની પાસે ઘરનો અને કુટુંબીઓનો વ્યવહાર સંભાળવાનો હોય છે. પરંપરાગત રીતે પુુરુષ બહાર જઈ શકે છે એટલે રમતો રમી શકે છે. સાદી રમતો નહીં પણ જેમાં સાહસ કરવાનું હોય, કશુંક પુરવાર કરવાનું હોય તેવી રમતો તરફ પુરુષો સહજતાથી જ ખેંચાય છે. મિશિગન યુનિવર્સિટીના સાયકોલોજિસ્ટ રોબર્ટ ડીનેરે ખૂબ વરસો સુધી સામાજિક સંશોધન કર્યા બાદ લખ્યું છે કે સ્ત્રી અને પુરુષોના મૂળભૂત સ્વભાવમાં ભેદ છે અને તેથી તેમની પસંદગીમાં પણ ભેદ હોય છે. તેની સામે એવી દલીલો પણ કરવામાં આવી કે બાળપણથી તેમને જે વાતાવરણમાં રાખવામાં આવે તેવી અસર તેમના પર થતી હોય છે, પરંતુ તેમનું માનસિક બંધારણ અને તેમના ગમા-અણગમા પણ ભાગ ભજવતાં હોય છે. આજે મહિલાઓ પાસે સમય નથી હોતો એવું નથી. તેઓ પોતાનો સમય ચાલવું, દોડવું કે યોગાસન કે પછી ટીવી જોવામાં વાપરતી હોય છે.
આ બાબત સાથે આપણે પણ સહમત થવું પડે. આજે મહિલાઓ પાસે ઘણો સમય કાઢી શકવાની તક હોય છે. તેઓ ઈચ્છે તો કોઈ ને કોઈ રમતમાં તેમનો સમય વિતાવી શકે છે, પરંતુ એવું થતું નથી. રવિવારે સવારે તમે જુહુ બીચ પર કે બપોરે ખાલી પડેલા રસ્તા પર પુરુષો ક્રિકેટ કે ફૂટબોલ રમતાં જોવા મળે છે. કંઈ નહીં તો વોલીબોલ કે બેડમિન્ટન પણ રમતાં જોઈ શકાય છે. સ્પોર્ટસ કોમ્પલેક્સમાં પણ પુરુષોની સંખ્યા વધુ જોવા મળતી હોય છે. એવરેસ્ટ જેવા શિખરો સર કરવામાં ય પુરુષોની સંખ્યા વધુ હોઈ શકે છે. બુલ ફાઈટિંગમાં સ્પેનમાં હવે સ્ત્રીઓ ભાગ લેવા માંડી છે, પરંતુ પુરુષોની સંખ્યાની સામે સ્ત્રીઓની સંખ્યા ઓછી જ છે તે કબૂલવું પડશે. જે પુરુષના જીવનમાં સાહસ અને રોમાંચ હોય છે તેના તરફ સ્ત્રીઓ વધુ આકર્ષાય છે. એની પુરુષોને જાણ છે તેથી પણ સાહસ કરવાનો પ્રયત્ન પુરુષ કરતો હોય છે. વીર પુરુષોની ગાથા ગવાય છે નહીં કે એકઢાળિયું સાદું જીવન જીવતાં પુરુષોની. આજે સાહસનો પર્યાય બદલાઈ રહ્યો છે પણ તે નાબૂદ નથી થયો અને ન થઈ શકે. સાહસ વિના વ્યક્તિને પોતાના પર વિશ્ર્વાસ નથી રહેતો કે જીવનમાં સ્પષ્ટતા પણ નથી આવતી. સાહસ વ્યક્તિને ઘડતું હોય છે. તેને પુખ્તતા અને જીવનના જટિલ પ્રશ્ર્નો સુલઝાવવાની સ્પષ્ટતા આપતું હોય છે. પુરુષો જે વીડિયો ગેમ રમતાં હોય છે તેમાં પણ સાહસના લેવલ હોય છે. કાર રેસ કે પછી આતંકવાદીઓને મારવાના કે પછી અનેક અવરોધો પાર કરીને નવા લેવલે પહોંચવાનું. સાહસ ફક્ત શારીરિક જરૂરિયાત નથી પણ માનસિક જરૂરિયાત છે. માનસિક રીતે નબળો વ્યક્તિ ક્યારેય કોઈ સાહસ કરવાની હિંમત નહીં કરી શકે. જ્યારે શારિરીક રીતે નબળો કે અપંગ હોવા છતાં માનસિક શક્તિથી વ્યક્તિ અજોડ સાહસો કરી શક્યા હોય તેવા દાખલા જોવા મળશે. સૌથી મોટું ઉદાહરણ છે નીક વોયચીચનું. તેને હાથ અને પગ નથી તે છતાં અનેક સાહસો કરવાને કારણે આજે તેનું જીવન કોઈપણ સામાન્ય વ્યક્તિને ઈર્ષ્યા કરાવે તેવું છે. તેને સુંદર પત્ની છે અને બાળક પણ છે. તે જીવનને ભરપૂર જીવે છે અને પ્રસિદ્ધ પણ છે. હાથપગ વિના તેણે બિચારાનું જીવન ન જીવતાં જે સામાન્ય વ્યક્તિ કરી શકે તેવા બધા જ કામ કર્યા. તેના માટે તો રમત રમવી, તરવું કે દુનિયામાં ફરવું તે એક સાહસ જ હતું. તેના સાહસિક સ્વભાવને લીધે જ તે આજે બિચારો નથી પણ બીજાને પ્રેરણા મળે તેવું જીવન જીવે છે. સાહસ કરનાર વ્યક્તિ બીજાને માટે પ્રેરણારૂપ બની જતો હોય છે. આજના આધુનિક પુરુષોમાં પુરુષત્વ ખૂટતું હોય તેવું જણાતા કેટલાય લેખો લખાયા છે કારણ કે આજે પુરુષો સાહસ કરવાને બદલે આરામપ્રિય જીવન પસંદ કરતા થયા છે. એકસ્ટ્રા મેરિટલ અફેર પણ રોમાંચકારી ગ્રંથિઓને ઉકસાવતા હોવાથી તે આજે સાહસમાં ગણી શકાય, પરંતુ સાહસ વિનાનો પુરુષમાં હંમેશાં આત્મવિશ્ર્વાસની કમી જણાશે. સાહસિક પુરુષને સિક્સ પેક એબ ન હોય કે બાયસેપ્સ ન હોય પણ તેના વ્યક્તિત્વમાં આત્મવિશ્ર્વાસની ચમક જરૂર હશે જે બીજી વ્યક્તિઓ પર સહજતાથી પ્રભાવ પાડી શકતી હોય છે. એટલે જ સાહસિક રમતો સમાજ માટે જરૂરી છે. નહીં તો જીવન એકઢાળિયું અને બોર થઈ શકે છે. સાહસનો અભાવ હોવાને કારણે જ પુરુષો આત્મહત્યા કરવા પ્રેરાતા હોય છે, કે ડિપ્રેશનનો ભોગ બનતા હોય છે.
વિરાટ કોહલી કે યુવરાજને ક્યારેય કોઈપણ સંજોગોમાં ડિપ્રેશન ન આવી શકે. યુવરાજ હજી લોકપ્રિયતાની ટોચે હતો, યુવાન હતો ત્યારે તેને કેન્સર થયું પણ સાહસિક સ્વભાવને કારણે તેણે કેન્સરને હરાવી ફરી મેદાનમાં આવીને સફળતાની સફર ચાલુ રાખી. બાકી કેન્સર કોઈપણ યુવાનને તોડી નાખવા સક્ષમ હોય છે.

You Might Also Like

0 comments