ચાર પગલાં સાત શિખરે (મુંબઈ સમાચાર)

06:07







પચીસ વરસીય નાજુક, નમણી, સુંદર દેખાતી તાશી અને નુન્ગશીને જોઈએ તો એવરેસ્ટ જ નહીં બીજા સાતેક પહાડો ચઢી આવી તેવું માનવાનું મન થાય. એક જ દિવસે જન્મેલી બન્ને બહેનોના ફક્ત શરીર જ જુદાં છે, તેમનો આત્મા એક જ છે એવું કહી શકાય. બન્ને બહેનોના શોખ અને સ્વભાવ સરખા છે. બન્નેને ચીલાચાલુ જીવન કરતાં ચેલેન્જિંગ સાહસ કરવું વધુ ગમે છે. આ ઉંમરની બીજી છોકરીઓ કરતાં તેમના શોખ જુદા છે. તેમને ખતરા વચ્ચે જીવવું ગમે છે. તેમની પાસે પ્રેમ કરવા માટે કે લગ્ન કરવા વિશે વિચારવાનો સમય નથી.

તાશી અને નુન્ગસીના પિતા વિરેન્દ્રસિંઘ મલિક નિવૃત્ત લશ્કરી અધિકારી છે. બન્ને બહેનો વતી તાશી ફોન પર ‘મુંબઈ સમાચાર’ સાથે વાત કરતાં કહે છે કે અમે નસીબદાર છીએ કે અમને એવા માતાપિતા મળ્યા છે કે જેમને છોકરીઓ માટે ગાઈડલાઈન નથી બાંધી. તેમણે જ અમને ઊડતાં શીખવ્યું એટલે જ આજે અમે કંઈક જુદું જીવન જીવી રહ્યા છીએ. ૧૮ વરસની ઉંમરે જ્યારે બારમા ધોરણની પરીક્ષા આપીને મુક્ત થયા કે પિતાએ કહ્યું કે તમારે હવે સાહસિક રમતગમત શીખવી જોઈએ. એટલે ૨૦૧૦ની સાલમાં માઉન્ટેનિયરિંગ કોર્સમાં જોડાયા. માઉન્ટેનિયરિંગ કોર્સમાં એડવાન્સ કોર્સ પણ અમે સારી રીતે પાસ કરી શક્યા. કોર્સ દરમિયાન અમારી સ્ફૂર્તિ અને સ્ટ્રેન્થ જોઈને પ્રિન્સિપાલે અમને એવરેસ્ટ ચઢવાની પ્રેરણા આપી. એટલે ૨૦૧૩ની સાલમાં અમે એવરેસ્ટ સર કર્યું. એ દિવસ અમારા જીવનનો સૌથી રોમાંચક દિવસ હતો. અમે બન્ને બહેનો ૧૮ મે ૨૦૧૩ની સાલે જ્યારે એવરેસ્ટની ટોચ પરથી સુંદર નજારો જોઈ રહ્યા હતા ત્યારે અમારા હાથમાં ભારતીય ધ્વજ હતો અને સાથે પાકિસ્તાનની શમિના બેગ હતી. બન્ને દેશ માટે શાંતિ અને મિત્રતાનો સેતુ બંધાય તે માટે પ્રાર્થના કરી બન્ને દેશોના ધ્વજ બાજુ બાજુમાં ખોડ્યા.

તાશી આગળ કહે છે કે સ્ત્રી માઉન્ટેનિયર અને પુરુષ માઉન્ટેનિયરમાં ખાસ ફરક હોતો જ નથી. અમે પણ અમારી બેગ ઉપાડીને દરેક જોખમોનો સામનો કરતા પહાડોને સર કરીએ છીએ. હા, સૌથી મોટો ફરક હોય તો તે એ છે કે પુરુષોને દર મહિને મેનુસ્ટ્રુઅલ સાઈકલમાંથી પસાર નથી થવું પડતું. ઊંચા પહાડો પર ચઢતી વખતે રક્તસ્ત્રાવ અને પીડા બન્નેને સહન કરીને આગળ વધતા રહેવા માટે સ્ત્રીઓએ વધુ તાકતવર બનવું પડે છે. વળી અમે બન્ને બહેનો પીડા માટે કોઈ ગોળી લેતાં નથી. શરીરને નુકસાન થાય તેવું કશું જ કરવાનું અમે ટાળીએ છીએ. જ્યારે એવરેસ્ટ પર પહોંચ્યા ત્યારે ભારતની છોકરીઓને યાદ કરી જેઓ દરરોજ પોતાની જાતને પુરવાર કરવા, પોતાની ઈચ્છા પૂરી કરવા માટે અનેક અડચણો પાર કરવાની હિંમત કરે છે. વીસ મિનિટ એવરેસ્ટ પર વીતાવી તે ખરેખર આધ્યાત્મિક અનુભવ હતો. એવરેસ્ટ સુધી પહોંચવું અમારા માતાપિતાના સહયોગથી સહેલું હતું પણ એવરેસ્ટ પર પહોંચતાં અમે મૃત્યુને પાર કરીને પહોંચ્યા હતા. આગળનો વિચાર નહીં બસ દરેક પગલું આગળ ભરવાનો જ વિચાર કર્યો. અમે બન્ને એકબીજાને બળ આપતાં, સંભાળતા ઉપર પહોંચી શક્યા તેનો જ આનંદ. નુન્ગશી કહે છે કે અમારી માતાએ પોતાના ઘરેણાં ગિરવે મૂકીને અમારા એવરેસ્ટ ક્લાઈમ્બિંગની ફી ભરી હતી. તેના ત્યાગને એળે નહીં જવા દેવાનો વિચાર જ અમને પહેલી જ વારમાં એવરેસ્ટ સર કરવાની હિંમત આપતો રહ્યો.

બસ, પછી તો તેમણે નક્કી કર્યું કે તેઓ દુનિયાના બીજા છ ખંડના ઊંચા શિખરો સર કરીને સાતે ખંડના શિખરો સર કરવાનો નવો કિર્તીમાન સ્થાપી ભારતની મહિલાઓ માટે નવી કેડી કંડારશે. છોકરીઓ માટે પ્રેરણારૂપ બની રહેશે. બીજા બે વરસમાં તેમણે ૧. આફ્રિકાનો માઉન્ટ કિલિમાન્જરો , ૨. યુરોપનો માઉન્ટ એલબ્રસ, ૩. સાઉથ અમેરિકાનો માઉન્ટ અકોનકાગવા, ૪. ઈન્ડોનેસિયા માઉન્ટ કાન્સર્ટન, ૫. નોર્થ અમેરિકાનો માઉન્ટ મેક્ધલી, ૬. એન્ટાર્ટિકાનો માઉન્ટ વિન્સન માસીફ પણ સર કર્યા.

આ બધામાં માઉન્ટ એવરેસ્ટ અને માઉન્ટ કાન્સર્ટન એ બેમાં તકલીફ પડી હોવાનું જણાવતાં તાશી કહે છે કે માઉન્ટ કાન્સર્ટનમાં જંગલનો વિસ્તાર પાર કરીને જવાનું હોય છે. ત્યાં વચ્ચે સુદાપા નામનું આદિવાસી ગામ આવે છે. એ લોકોને બહારના લોકો આવે તે કોઈ કારણસર ગમે નહીં. એટલે તેઓ અમને આવકારે નહીં. તેવામાં પાછા ફરતી વખતે અમે ટીમથી થોડા દૂર થઈ ગયા. વરસાદ અને ધુમ્મસને કારણે જંગલમાં રસ્તો ભુલાઈ ગયો અને ડેડ એન્ડ તરફ પહોંચ્યા. તે વખતે ખૂબ ડર લાગ્યો કે કેવી રીતે સંપર્ક કરવો. અમે બૂમો પાડી ત્યાં જોયું તો એક આદિવાસી તીરકામઠા લઈને અમારી તરફ આવી રહ્યો હતો. અમને થયું કે બસ જીવનનો અંત આવી ગયો. હાથ હલાવીને તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ માને જ નહીં એટલામાં સારા નસીબે અમારો લોકલ ગાઈડ ત્યાં પહોંચી ગયો અને પેલા આદિવાસીને સમજાવીને પાછો વાળ્યો. તે સમયે અમારા હૃદય બે ઘડી થંભી જ ગયા હતા. માઉન્ટ મેક્ધલી જેને દેનાલી પણ કહે છે તે એવરેસ્ટ કરતાં પણ ઠંડો છે.(અલાસ્કા પાસે આવેલ આ પહાડનું તાપમાન માઈનસ ૧૪૮ (ફેરેનહીટ) ડિગ્રી સુધી પણ પહોંચી શકે) ડેડલીએસ્ટ કોલ્ડ માઉન્ટન પર ચઢવાનું ખરેખર કપરું હતું. મૃત્યુને સમીપે જોવું સહેલું નથી હોતું. સતત જાગૃતિ અને પરિશ્રમ શિખર સર કરવા માટે જરૂરી હોય છે. ત્યારબાદ અમે ઉત્તર ધુ્રવ અને દક્ષિણ ધ્રુવ પર સ્કીઈંગ કરીને પહોંચ્યા છીએ. આ બધું કરનાર એકમાત્ર જોડકી બહેનો અને મહિલા તરીકેનું ગૌરવ તેમને ગિનેસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડસ દ્વારા મળ્યું છે.

તાશી તિબેટીઅન નામ છે તેનો અર્થ થાય નસીબ અને નુન્ગશી મણિપુરી નામ છે અને તેનો અર્થ થાય છે પ્રેમ. આમ બન્ને બહેનો નસીબ અને પ્રેમના બળે અનેક સાહસો ખેડી ચૂકી છે. હવે તેમણે એક સંસ્થાની સ્થાપના કરી છે જે દ્વારા તેઓ સ્ત્રીઓને પર્વતારોહક બનવાની પ્રેરણા અને માર્ગદર્શન આપશે સાથે જ બેટી બચાઓના સંદેશા સાથે હરિયાણામાં જાગૃતિ લાવવાનું કામ કરવા માગે છે. અનેક સાહસો સાથે બન્ને બહેનોએ જર્નાલિઝમમાં ડિગ્રી લીધી છે તો ન્યુઝિલેન્ડમાં જઈને સ્પોર્ટસ સાયન્સ એન્ડ એક્સરસાઈઝ વિષયમાં પોષ્ટ ગ્રેજ્યુએશનનો અભ્યાસ પણ કર્યો છે.

પર્વતારોહણ માટે આર્થિક મદદ તેમ જ ખાસ કરીને સ્ત્રીઓને તો મદદ સહેલાઈથી મળતી નથી. કારણ કે જ્યાં સુધી તેઓ પુરવાર ન કરે ત્યાં સુધી સ્ત્રી કપરાં પહાડો ચઢી શકે છે તે હજી લોકો માની શકતા નથી. સ્ત્રીઓ પણ કપરાંમાં કપરાં સાહસ કરીને પહાડો સર કરી શકે છે તે તાશી અને નુન્ગશીએ સાત કપરાં પહાડો અને બન્ને ધ્રુવ પર પહોંચીને પુરવાર કર્યું છે.

You Might Also Like

1 comments

  1. સાત પગલા આકાસની યાદ આવી ગઈ.

    ReplyDelete