પચાસ વરસ બાદ ફરીથી કરી લાઈન ક્રોસ

22:44

                         

પચાસ વરસ પહેલાં બોસ્ટન મેરેથોનમાં દોડેલી કેથરીને 17 એપ્રિલ 2017ના રોજ 70 વરસની ઉંંમરે ફરીથી એ જ મેરેથોન દોડીને ઈતિહાસ રચ્યો. આજે તો મહિલાઓ પુરુષોની બરોબરીમાં અનેક મેરેથોન રેસ દોડે છે અને રેકોર્ડ બ્રેક કરે છે. પણ પચાસ વરસ પહેલાં સ્ત્રીઓ મેરેથોનમાં ભાગ લઈ શકતી નહોતી. અમેરિકાના બોસ્ટન શહેરમાં થતી મેરેથોનમાં છેક ૧૯૭૨ની સાલમાં મહિલાઓને ઓફિશિયલી ભાગ લેવાની પરવાનગી મળી હતી. તે પહેલાં ૧૯૬૭ની સાલમાં કેથરીન સ્વિટઝરે બોસ્ટન મેરેથોનમાં દોડવાનો મનસૂબો ઘડ્યો હતો. જો તે ઓફિશિયલી પોતાનું નામ નોંધાવવા જાય એ શક્ય નહોતું એટલે તેણે પોતાના બોયફ્રેન્ડ દ્વારા નામ લખાવડાવ્યું. તેણે પોતાનું નામ કે. વી. સ્વિટઝર લખાવ્યું હતું. જોકે તેણે આ નામ બોસ્ટન મેરેથોન ઓફિસરોને ગેરમાર્ગે દોરવા માટે નહોતું લખાવડાવ્યું એવું કેથરીન કહે છે. 

કેથરીન તે સમયે કે. વી. સ્વિટઝરના નામે જ યુનિવર્સિટી પેપર પણ લખતી હતી. કારણ તો કહે કે બર્થ સર્ટિફિકેટમાં તેનું નામ યોગ્ય રીતે લખાયું નહોતું. ખેર, પણ જ્યારે તેણે મેરેથોન દોડવાની શરૂઆત કરી ત્યારે મેરેથોન વોલિન્ટિયર પુરુષોએ તેને રોકવાના અનેક પ્રયત્નો કર્યા હતા. કેથરીનનો તે સમયનો બોયફ્રેન્ડ ટોમ મિલર ફૂટબોલ પ્લેયર હતો. તેણે કેથરીનને રોકવાનો પ્રયત્ન કરતા પુરુષોને અટકાવીને કેથરીન માટે રસ્તો સરળ બનાવી આપવાનું કામ કર્યું હતું. એક તરફ પુરુષો બૂમો મારી રહ્યા હતા કે મેરેથોનમાં વચ્ચે ન આવો, બહાર નીકળી જાઓ, નંબર પાછો આપી દો વગેરે વગેરે. બીજી તરફ તેનો પુરુષ મિત્ર એ લોકોને અટકાવીને કેથરીનને પોતાનું ધ્યેય પૂરું કરવામાં મદદ કરી રહ્યો હતો. ત્યારે બધાને નવાઈ લાગી હતી કે કઈ રીતે કેથરીને ૨૬૧ નંબરનો બેચ લીધો ને એન્ટર થઈ? કેમ શરૂઆતમાં કોઈનું ધ્યાન ન ગયું? જોકે બીજા દિવસે દરેક અખબારોમાં તેનો ફોટો છપાયો અને હેડલાઈન બની હતી. કેથરીને ૪ કલાક ૨૦ મિનિટમાં મેરેથોન પૂરી કરી હતી. 

કેથરીન મેરેથોન દોડી એટલે બોસ્ટન એથ્લેટિક એસોસિયેશને મહિલાઓ કોઈપણ રેસમાં ભાગ ન લઈ શકે એવો નિયમ બનાવ્યો. કેથરીને બીજી મહિલાઓ સાથે બોસ્ટન એથ્લેટિક એસોસિયેશનને સમજાવવાનો ઘણો પ્રયત્ન કર્યો. છેક ૧૯૭૨ની સાલમાં એસોસિયેશને મહિલાઓને મેરેથોનમાં પુરુષોની સાથે ભાગ લેવા દેવાનું નક્કી કર્યું. 

ત્યારબાદ કેથરીન સતત દોડતી રહી. તેણે ૧૯૭૪ની સાલમાં ન્યુ યોર્ક સિટી મેરેથોન ૩.૦૭ મિનિટના સમય સાથે જીતી હતી. તો કેથરીનનો બેસ્ટ રનિંગ સમય ૨ કલાક ૫૧ મિનિટ ૩૭ સેક્ધડનો હતો. તેને ૧૯૬૭-૭૭ દરમિયાનની ફિમેલ ડેકેડ રનર તરીકેનો ખિતાબ રનર્સ વર્લ્ડ મેગેઝિન દ્વારા આપવામાં આવ્યો હતો. કેથરીને પત્રકારત્વનો અભ્યાસ કર્યો હતો અને ૧૯૮૪ની સાલમાં ઓલિમ્પિક્સ વિમેન મેરેથોનની શરૂઆતથી તેણે મેરેથોન કોમેન્ટ્રેટર તરીકે ટેલિવિઝનમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. તેણે મેરેથોન વિમેન નામે યાદગીરીનું પુસ્તક બોસ્ટન મેરેથોનના ચાલીસમા વરસે લખ્યું હતું. બોસ્ટન મેરેથોન દોડ્યાને બરાબર પચાસ વરસે ૭૦ વરસની વયે ફરીથી તેણે બોસ્ટન મેરેથોન સોમવારે દોડી ત્યારે આખુંય બોસ્ટન શહેર તેને વધાવવા ઊભું હતું. તેણે પચાસ વરસ પહેલાં જે નંબર પહેર્યો હતો એ જ નંબર ૨૬૧ ચેસ્ટ પર પહેરીને દોડી હતી ત્યારે આખીય મેદની ભાવુક બની ગઈ હતી. 

તેણે મેરેથોન પૂરી કર્યા બાદ પચાસ વરસ પહેલાંની ક્ષણો યાદ કરતાં કહ્યું હતું કે મેં જ્યારે દોડવાની શરૂઆત કરી હતી કે થોડી જ ક્ષણો બાદ એક કદાવર, દાઢીવાળા માણસે મને ખભાથી પકડી. હું કંઈ મારા બચાવમાં કશું કરું તે પહેલાં મને પાછળ ધકેલતાં બોલ્યો કે મારા રસ્તા વચ્ચેથી બાજુ હટી જા, મારે દોડવાનું છે. એ નંબર મને પાછો આપ. આ બન્યું ૩ કિલોમીટર દોડ્યા બાદ જ્યારે મેં પાછળ જોયું તો મને અટકાવવા માટે એક ટ્રક ભરીને પુરુષો આવ્યા હતા. તેઓ મારા ચેસ્ટ પરથી નંબર ખેંચી લેવાનો પ્રયત્ન કરતા હતા તો મીડિયાનું ટોળું મારા ફોટા પાડવા માટે પડાપડી કરી રહ્યા હતા. સ્ટાર ઈવેન્ટ હું જ હતી. તે સમયે મારા મનમાં બસ એક જ ધ્યેય હતું મેરેથોન પૂરું કરવાનું. 

હું પડી ગઈ હતી પણ અટકવું મને પોસાય તેમ નહોતું. જો હું અટકી જાત તો કોઈ માની શકત જ નહીં કે સ્ત્રી પણ દોડી શકે છે અને મેરેથોનમાં ભાગ લેવા સક્ષમ છે. લોકો મારી મશ્કરી કરત અને કહેત કે સ્ત્રીએ પોતાની ક્ષમતા વીસરીને મેરેથોનમાં ભાગ લેવો જ ન જોઈએ. એ લોકો જે સાબિત કરવા માગતા હતા કે સ્ત્રીઓ નબળી હોય છે અને મેરેથોન દોડી જ ન શકે તે સાચું પડત. આખીય સ્ત્રીજાતિ માટે મારે દોડવાનું હતું. સાબિત થવાનું હતું. 

સ્ત્રીસ્વાતંત્ર્ય અને સમાનતાની એ દોડ કેથરીન જીતી ગઈ હતી. આજે પણ ૭૦ વરસની વયે મેરેથોન પૂરી કરીને તેણે ફરીથી મહિલાઓની ક્ષમતાને પુરવાર કરી છે. ત્યારબાદ જ્યારે મહિલાઓ મેરેથોનમાં ભાગ લેવા લાગી ત્યારે દરેક વખતે બોસ્ટન મેરેથોનમાં કેથરીનનો ખભો ભીનો થઈ જતો કારણ કે સ્ત્રીઓ મેરેથોનમાં દોડી શકવા માટે ખુશીના આંસુ વહાવી તેનો આભાર માનતી હતી. એ જ વરસે બીજી એક સ્ત્રી પણ મેરેથોન રજિસ્ટર કરાવ્યા વિના બેરીકેડ તોડીને દોડી હતી. તેનું નામ છે બોબી ગીબ. તેણે કેથરીન કરતાં એક કલાક ઓછો સમય લીધો હતો. મેરેથોન પૂરી કરવામાં પણ તે ઓફિશિયલી દોડી કહેવાય નહીં. 

કેથરીનની હિંમત બાદ છેક પાંચ વરસે મહિલાઓને મેરેથોન દોડમાં સામેલ કરવામાં આવી અને છેક ૧૯૮૪માં ઓલિમ્પિક્સમાં મહિલાઓને પ્રવેશ આપવામાં આવ્યો. આજે અમેરિકામાં ૫૮ ટકા મહિલાઓ મેરેથોનમાં ભાગ લે છે. અત્યાર સુધી કેથરીને ૩૭ મેરેથોન દોડમાં ભાગ લીધો છે. 

કેથરીન કહે છે કે મહિલાઓએ ઘણી લાંબી મજલ કાપી છે. અત્યાર સુધી પણ હજી ઘણું બાકી છે મેળવવાનું. વાત સાચી છે. જાતીય ભેદભાવના અંતરાયો ઓળંગવાની અનેક સ્ત્રીઓએ પહેલ કરી છે પણ હજી મોટા ભાગની સ્ત્રીઓને જીવનમાં આગળ વધતાં અટકાવવામાં આવે છે. પિતૃસત્તાક માનસિકતા સ્ત્રીને આગળ વધતાં અટકાવે છે તો એવા પણ કેટલાક પુરુષો છે જે સ્ત્રીને આગળ વધવાની પ્રેરણા આપવા સતત મદદરૂપ બની પડખે ઊભા રહે છે. જે પુરુષોને અસલામતીનો ભય હોય છે તે જ સ્ત્રીઓને આગળ વધતા અટકાવતા હોય છે.

You Might Also Like

1 comments

  1. મજબુત ઇચ્છા શક્તિઅનો કમાલ. આપણે ત્યા6 પી.ટી. ઊષા નિવૃત થઈ ગયા.

    ReplyDelete