કોઈને ન નડ્યાં એટલે લાંબું જીવ્યાં (mumbai samachar)

01:44








વિનુભાઈ મહેતા અર્ધાંગિની મંછાબહેન મહેતા સાથે (સૌથી ઉપર) ૧૯૫૧માં સોમનાથ મંદિરની પ્રતિષ્ઠા વખતે જમણે કનૈયાલાલ મુનશી, વચ્ચે પુરુષોત્તમદાસ ટંડન, ડાબે વી. એન. ગાડગીળ (ડાબે) અને ૧૯૫૦માં ભગ્ન સોમનાથ મંદિર (જમણે)ની વિનુભાઈ મહેતાએ પાડેલી તસવીર




સાંતાક્રુઝના ફ્લેટમાં દાખલ થતાં બરોબર ડાઈનિંગ ટેબલ પાસે બેઠેલાં મંછાબહેન મને વઢે છે કે કેમ આવતી નથી? આટલા દિવસ લગાડાય? તેમનાં પુત્રવધૂ તરત જ બોલે છે, બા આ બહેન મુંબઈ સમાચારમાંથી આવે છે. તરત જ ૧૦૧ વરસના મંછાબહેન મહેતા કહે છે બેટા ખોટું ન લગાડતી હવે ઉંમર થઈ. હાથમાં પુસ્તક સાથે ૧૦૨ વરસના વિનુભાઈ મહેતા સામેથી આવતા દેખાય છે અને કહે છે. અમે તો આવા સીધાસાદા છીએ. અમારી મુલાકાત લઈને શું કરશો? ચાલો ચાહ પીએ. કહીને ડાઈનિંગ ટેબલ પર ગોઠવાતા કહે, પાંચ વાગ્યે અમારો ચાહ-નાસ્તાનો સમય. મુંબઈ સમાચારનું પ્રેસ હજી નીચે અંદરના ભાગમાં છે? ૧૯૨૫ની સાલથી હું મુંબઈ સમાચાર વાચું છું. ૧૯૩૪ની સાલમાં હું મુંબઈ સમાચારમાં આવતો ત્યારે ચાઈનીઝ મેડિકલ સ્ટોર્સમાં કામ કરતો હતો. અમારી જાહેરાત મુંબઈ સમાચારના દરેક પાના પર આવતી હતી તે મને આજે પણ યાદ છે. હવે પૂછો શું પૂછવું છે? કહીને આછું હસે છે. 

૧૦૨ વરસના વિનુભાઈ મહેતા અને ૧૦૧ વરસનાં મંછાબહેન મહેતાએ ફેબ્રુઆરીની ૧૫મી તારીખે લગ્નજીવનના ૮૫ વરસ પૂરાં કર્યાં. આજે વિશ્ર્વમાં કદાચ આટલું લાંબું લગ્નજીવન જીવંત વ્યક્તિ તરીકે વિનુભાઈ-મંછાબહેન એક જ હશે. ગુગલ કર્યું તો ૨૦૧૫માં દુનિયામાં સૌથી લાંબું લગ્નજીવન જીવનાર તરીકે ઈંગ્લેડના રહેવાશી કરમચંદ અને કટારીચંદનું નામ હતું. તેઓ ૯૦ વરસ જેટલું લાંબુ લગ્નજીવન જીવ્યાં હતાં. આજે જ્યારે લગ્નજીવનમાં છૂટાછેડાના કિસ્સાઓ વધી રહ્યા છે. લગ્નજીવન લાંબું ટકતાં નથી તેવા સમયમાં સુખી દામ્પત્યજીવન જીવતા વિનુભાઈ અને મંછાબહેન આજે પણ ચા સાથે ભજિયાં ખાતાં ૮૫ વરસ પહેલાંની વાતો સહજતાથી યાદ કરે છે. 

વિનુભાઈ અને મંછાબહેન મૂળ એક જ ગામનાં. સૌરાષ્ટ્રના સાવરકુંડલાના. બન્નેની ઉંમરમાં ખાસ તફાવત નથી એવું કહેતાં મંછાબહેન કહે છે કે અમારા લગ્ન ખૂબ નાની ઉંમરે થયાં. એક જ ગામમાં પિયર તે છતાં પિયર જવાનું સહેલું નહોતું. સાસુને પૂછ્યા વિના કશું ન થઈ શકતું. મંછાબહેનને વાત યાદ કરવાની થોડી તકલીફ પડતી હોવાથી વાતનો દોર પોતાના હાથમાં લેતા વિનુભાઈ કહે છે કે મારો જન્મ ૧૯૧૫ની સાલમાં થયો અને બસ એકાદ વરસ કે છ એક મહિના બાદ મંછાનો જનમ થયો હશે. તેની જન્મતારીખ કે વરસ અમને ખબર નથી. તે છતાં લગ્ન થયા ૧૯૩૨માં ત્યારે હું સત્તેરેક વરસનો હોઈશ અને મંછા સોળેક વરસની હશે. લાંબા લગ્નજીવનનું રહસ્ય કહું તો સંયુક્ત કુટુંબ જરૂરી છે. બાંધછોડ કરવી પડે. શક્ય હોય તો એકબીજાને મદદરૂપ થવું પણ એકબીજાને નડવું નહીં. આડા ન આવવું. સુખી થવું હોય તો એક જ ઉપાય છે કે વાદે ન આવવું અને નડવું નહીં. તમને ખબર છે અમે ગાંધીજીની જ્ઞાતિના છીએ. ગાંધીજી અને અમારી વચ્ચે એ એક જ સામ્યતા છે. કહેતા વિનુભાઈ હસે છે. 

ઘરમાં કોનું ચાલે તે પૂછ્યું તો મંછાબહેન વિનુભાઈ તરફ આંગળી ચીંધીને કહે ચાલે તો બેઉનું જ પણ અમારે કંઈ કરવું હોય તો તેમને પૂછીએ ખરા અને જો તે ના પાડે તો મનનું ધાર્યું હોય તે કરી જ નાખતી. જો કે કેટલીક વખત એ બાબતે વાંકું પડે અને ખોટું બોલવું પડે તેના કરતાં પછી નક્કી કર્યું કે ના પાડે તો ન કરવું. મારા સસરાનો સ્વભાવ ખૂબ સારો હતો. ભગવાનના માણસ હતા. લગ્ન બાદ મુંબઈ આવી, દિલ્હી રહી બધે સંયુક્ત કુટુંબમાં જ. દિલ્હીમાં હું અને મારા સાસુ જ બહાર ફરવા જતા, કારણ કે એ તો હોટલના કામમાં વ્યસ્ત રહેતા. ઘરના વ્યવહારમાં એ(વિનુભાઈ) કંઈ માથું ન મારે તેમ તેમના કામમાં કે શોખમાં મારે કંઈ બોલવાનું નહીં. પુસ્તકો ખૂબ વાંચે, વસાવે અને સ્ટેમ્પ તથા સિક્કા કલેકશનનો તેમને ખૂબ શોખ હતો. તે છેક ગયા વરસ સુધીનું કલેકશન તેમની પાસે હશે. 

મંછાબહેન થોડાં પડ્યાં છે પણ ૧૦૨ વરસે વિનુભાઈને કાનમાં ઓછું સાંભળવા સિવાય કોઈ જ તકલીફ નથી. બન્ને એકબીજાનું હજી પણ ધ્યાન રાખે. હજી તેમની સ્મૃતિ એકદમ સતેજ છે. દરેક જૂનો ઈતિહાસ તેમને બરોબર યાદ છે. તેમના સ્વસ્થ જીવનનું રહસ્ય ખોલતા કહે છે કે જંકફુડ પિઝા કે બહારનું કશું ખાતા નથી. ઘરનું ભોજન, થોડાઘણા ગાંઠિયા કે ભજિયાં ક્યારેક ખાઈ લઈએ એટલું જ. ગામમાંથી તેમના પિતા પહેલાં મુંબઈ આવ્યા હતા. તેમણે પિતરાઈ ભાઈઓ સાથે મળીને લોજ શરૂ કરી હતી. કાલબાદેવીમાં અને પ્રાર્થનાસમાજ ખાતે. વિનુભાઈ મુંબઈ આવીને મેટ્રિક પાસ કર્યું હતું પણ તે લગ્નબાદ. તે પછી નોકરીએ લાગ્યા ચાઈનીઝ મેડિકલ સ્ટોર્સમાં. બે ત્રણ વરસ તેમાં કામ કર્યા બાદ ૧૯૩૮માં દિલ્હીના ચાંદની ચોકમાં બોમ્બે હાઉસ નામે હોટલ શરૂ કરી. વિનુભાઈનું કહેવું છે કે તે સમયે કદાચ એ દિલ્હીની પહેલી શુદ્ધ શાકાહારી હોટલ હશે. હોટલમાં પ્રથમવાર ઈંડા વગરનો આઈસક્રીમ બનાવવાનો શરૂ કર્યો. તે સમયે લોકો કહેતા કે આઈસ્ક્રિમ ઈંડા વિના બને જ નહીં. આઈસક્રીમ બનાવવા માટેનું મશીન તેમણે વસાવ્યું હતું. તેમાં ચારેક ફ્લેવરના આઈસ્ક્રિમ બનતા. મંછાબહેન આઈસક્રીમની વાત સાંભળીને કહે કસ્તૂરબા વાળી વાત કરોને. એટલે વિનુભાઈ કહે છે કે ગાંધીજીના સૌથી નાના દીકરા દેવદાસ અંગ્રેજી અખબારમાં તંત્રી હતા. સ્વાતંત્ર્ય સંગ્રામ વખતે જેલમાં પણ ગયા હતા. તે અમારી હોટલે ઘણીવાર આવતા. એકવાર મને એમણે કહ્યું કે બાને આઈસક્રીમ ખવડાવવો છે. કસ્તૂરબા માટે મને ખાસ આઈસક્રીમ બનાવવાની ઈચ્છા હતી. એટલે તાજું ક્રિમ લેવા જાતે જ ગયો. તે સમયે કાચની બાટલીઓ હતી. સાઈકલ પર જઈને ક્રિમ લઈને આવતો હતો તે ઠોકર લાગતા પડ્યો અને બાટલી ફૂટી ગઈ ને હાથમાં ટાંકા આવ્યા. ખેર, તો પણ અમારી દુકાનેથી આઈસક્રીમ મોકલાવ્યો હતો. (વિનુભાઈના કરચલીવાળા હાથમાં ઝાંખી થઈ ગયેલી એ ટાંકાની નિશાની આજે પણ દેખાય છે.) અમારી દુકાન ચાંદની ચોકમાં જ હતી. સામે લાલકિલ્લો હતો. દિલ્હીનો આ મુખ્ય વિસ્તાર હતો જ્યાંથી અનેક સંગ્રામો અને ચળવળની શરૂઆત થતી. ગાંધીજી, સરદાર પટેલ, જવાહરલાલ નહેરુ, ઝીણાસાહેબ વગેરે અનેક લોકોને જોવાનો મોકો મળ્યો છે. એકવાર ઝીણાસાહેબને તરસ લાગી તો હોટલમાંથી પાણી મગાવ્યું હતું. મંછાબહેન કહે, હોટલની સામે જ અમારું રહેઠાણ હતું એટલે અમને પણ ઘરમાંથી બધાને જોવાનો મોકો મળતો. હા તે વખતે તેમને મળવાનો વિચાર નહોતો આવ્યો.

વિનુભાઈની દુકાને અનેક મહાનુભાવો પણ આવતા. પણ તે સમયે આજના જેટલું તેમનું મહત્ત્વ નહોતુ લાગતું. તેમને વાંચનનો શોખ હતો એટલે જાણે ઘણું. ભારતના પ્રખ્યાત અને પ્રથમ મહિલા ફોટોગ્રાફર હોમાઈ વ્યારાવાલા અવારનવાર તેમની હોટલે એમના પરિવાર સાથે આવતાં તે એમની સાથે મિત્રતા થઈ ગઈ. વિનુભાઈ હોટલ ચલાવે પણ તેમને ફોટોગ્રાફીનો ય શોખ ત્યારે હતો. હોમાઈ વ્યારાવાલાને પૂછીને કેમેરો ખરીધ્યો. એ સમયે તેમણે પાડેલા ફોટાઓ આજે પણ તેમની પાસે જળવાયેલા છે. તેમાં એક ફોટો ઐતિહાસિક મહત્ત્વ ધરાવતો હોવાથી અમને ખાસ બતાવ્યો. ૧૯૫૦ની સાલમાં તેમણે પાડેલો ગઝનીએ તોડી પાડેલા જૂના સોમનાથ મંદિરનો ફોટો અને કનૈયાલાલ મુનશીનો મંદિરનો ર્જીણોદ્ધાર કરાવ્યા બાદ મે, ૧૯૫૧ની સાલમાં પ્રાણપ્રતિષ્ઠા સમયનો ફોટો. વિનુભાઈએ ખૂબ ચીવટથી તેમના ફોટો, સ્ટેમ્પ કલેકશન અને પુસ્તકો જાળવીને રાખ્યાં છે. ૧૯૪૪ની સાલમાં વિનુભાઈ દિલ્હીની હોટલ નાના ભાઈને સોંપીને ફરી મુંબઈ પાછા આવ્યા. પોતે બીજા કુટુંબીઓ સાથે ફાર્માસ્યુટિકલમાં ભાગીદાર હતા તે વ્યવસાયમાં સક્રિય થયા. તેમની કંપનીનું પ્રખ્યાત ઉત્પાદન એટલે ગ્રાઈપ વોટર. હવે તેમનો વ્યવસાય દીકરો મીનુ સંભાળે છે. ૭૫ વરસ બાદ તેઓ નિવૃત્ત જીવન જીવે છે. તેમની પાસે સો સવાસો વરસ જૂનાં પુસ્તકો પણ સરસ રીતે જ્ળવાયેલાં છે. વિનુભાઈ નિયમિત ડાયરીમાં નોંધ કરી રાખતા એટલે આજે પણ દરેક સાલની મુખ્ય ઘટનાઓ તેમાં નોંધે છે. ગાંધીજીને મળી ન શકાયાનો અફસોસ તેમને રહી ગયો છે. મનુબહેન ગાંધી તેમના મામાના કોઈ સગપણમાં થતાં હતાં તેમના દ્વારા જાન્યુઆરીની ૩૦મી ૧૯૪૮ના દિવસે મળવાનું નક્કી થયું હતું. અફસોસ કે એ જ દિવસે મહાત્માને ગોળી મારી દેવામાં આવી અને વિનુભાઈએ ગાંધીની અંતિમયાત્રાના દર્શન કરીને, ફોટા પાડીને સંતોષ માનવો પડ્યો. દલાઈ લામાને પણ યુવાન વયે મળ્યા હતા તેનો ફોટો હોમાઈ વ્યારાવાલાએ પાડી લીધો છે તે બતાવે છે. જેમાં દલાઈ લામા અને વિનુભાઈ બન્ને યુવાન દેખાય છે. વિનુભાઈ અને મંછાબહેનનો સ્વભાવ આજે પણ શાંત અને તાણરહિત છે. કદાચ એ જ તેમના લાંબા અને સુખી લગ્નજીવનનું રહસ્ય હોય. તેમના પુત્રવધૂ લતા કહે છે કે અત્યાર સુધી વિનુભાઈ પોતાના દરેક કામ જાતે જ કરે છે. વાચવાનું અને લખવાનું નિયમિત ચાલુ છે. વિનુભાઈ કહે છે કે લતાને હું મારી બધી જૂની યાદો કહ્યા કરું છું. મારું બધું તેણે જ જાળવવાનું છે. તે પણ કંટાળ્યા વિના સાંભળે છે. વિનુભાઈ જૂનું એટલું સોનું એવું માની ફક્ત જૂની યાદોમાં નથી રહેતા, બદલાતા જમાના સાથે પોતે પણ બદલાય છે. આજે તેઓ ટેબ્લેટ પર રમતો રમે છે. ફોટા જુએ છે. ફોટા પાડે છે. છૂટા પડતાં લાંબા સુખી આયુષ્યની ચાવી આપતા કહે છે કે બદલાતા સમય સાથે બદલાઈએ નહીં તો જીવંતતા રહે જ નહીં? મારા શોખ અને વાચનને લીધે હું આજે પણ સારી રીતે કોઈ ફરિયાદ સિવાય જીવું છું. બદલાતા સમય સાથે મેળ રાખવો જરૂરી છે. 



You Might Also Like

0 comments