સારપનું વૃક્ષ ઉગાડી શકાય? (mumbai samachar)

01:49


આપણે ત્યાં હજી ગામડાઓમાં દરરોજ મહિલાઓ રસોઈ કરતી વખતે એક રોટલી ગાય માટે અને એક રોટલી કૂતરા માટે કાઢતી હોય છે. એટલું જ નહીં તેની પાસે એટલું ખાવાનું હોય છે જે આંગણે રોટલી માગવા આવતા ભૂખી વ્યક્તિની આંતરડી પણ ઠારી શકે. શહેરોમાં એવો રિવાજ પાળવો શક્ય હોતો નથી. તે છતાં શહેરમાં લોકો ભૂખે નથી સૂતા એવું કહી શકાય નહીં. હવા, પાણી અને ખોરાક એ મુખ્ય બાબત છે કોઈ વ્યક્તિને જીવંત રાખવા માટે. પાણી અને ખોરાકને જે ઘરમાં વેડફવામાં આવતા હોય તે ગુનો ગણાવું જોઈએ. હંગર પ્રોજેક્ટના અભ્યાસ પ્રમાણે વિશ્ર્વમાં લગભગ ૭૯ કરોડ વ્યક્તિઓ પાસે પેટ ભરી શકાય એટલું ખાવાનું નથી હોતું. અને ફક્ત એશિયામાં જ ૫૨ કરોડ વ્યક્તિઓ ભૂખી રહે છે. આ બાબતોનો ખ્યાલ આપણને ન હોય તે માની શકાય નહીં, આપણી આસપાસ જોઈએ તો કચરામાંથી વીણીને ખાવાનું ખાતા માણસો અને બાળકો જોઈ શકાય છે, પણ આંખ આડા કાન કરીને ન જોવા માગીએ તો કંઈ ન થઈ શકે.

બરાબર એક વરસ પહેલાં કોચીમાં નમમ મરમ(એનો અર્થ થાય અચ્છાઈનું વૃક્ષ) નામ આપીને એક ફ્રિજ મીનુ પૌલિને પોતાની રેસ્ટૉરાંની બહાર મૂક્યું. મોટાભાગે હૉટેલિયર રસોડામાં મોટા ફ્રિજ મૂકે પણ મીનુ પૌલિને હોટલની બહાર ફ્રિજ મૂકવાનો વિચાર આવ્યો. મીનુ આમ તો બેંકર હતી પણ કશુંક હટકે કરવાની ઈચ્છાએ તેણે ત્રણ વરસ પહેલાં પોતાની હૉટેલ શરૂ કરી. એ જ હટકે કરવાના વિચારે તેને નમમ મરમ શરૂ કરવાનો વિચાર આવ્યો એવું કહી શકાય. હૉટેલમાં રોજ જ ખાવાનું વધે કે ગ્રાહકો પણ ક્યારેક ખાવાનો બગાડ કરે તે જોતી. એ જોઈને તેને અફસોસ થતો પણ શું કરવું તેને કશું સૂઝ નહોતી પડતી. દરરોજ તેઓ વધેલું ખાવાનું કચરા ટોપલીમાં ઠાલવી દેતા. તેવામાં એક દિવસ તેણે જોયું કે એક ભિખારી એ કચરામાંથી ખાવાનું શોધીને ખાઈ રહ્યો હતો. મીનુને ખૂબ ખરાબ લાગ્યું. અને તેને વિચાર આવ્યો કે આ ખાવાનું સારી રીતે ગરીબ ભૂખ્યા લોકોને મળવું જોઈએ. આ રીતે કોઈ ભૂખી વ્યક્તિ ખાય તે એને અપમાનજનક સ્થિતિ લાગી. હૉટેલિયર તરીકે લોકોના પેટ અને દિલને સંતોષ પહોંચડવાની તેની ફરજનો વિસ્તાર તેણે વધારવાનું વિચારીને હૉટેલની બહાર નમમ મરમ લખીને એક મોટું ફ્રિજ મૂક્યું. તેમાં એ દરરોજ પાંચસોએક પેકેટ ખાવાનું મૂકી દે છે. જે પણ વ્યક્તિને જરૂર પડે તેમાંથી ખાવાનાનું પેકેટ લઈ શકે છે. આ ફ્રિજ ક્યારેય બંધ નથી હોતું કે ન તો તેને લૉક છે. ગમે તે સમયે કોઈપણ વ્યક્તિ તેમાંથી ખાવાનું લઈ શકે છે. કોઈએ તેને સવાલ પૂછ્યો કે ધારો કે કોઈ ગરીબ ન હોય એવી વ્યક્તિ તેમાંથી ખાવાનું લઈ જાય તો? મીનુ કહે છે કે તે એમનો પ્રશ્ર્ન છે મારો નહીં. મારી ભાવના એટલી જ છે કે જે વધેલું ખાવાનું હોય તે કચરા ટોપલીને બદલે આ ફ્રિજમાં પેકેટ રૂપે જાય જેથી કોઈપણ ઘર વગરની કે ગરીબ વ્યક્તિ જે ખાવાનું ખરીદી શકતી નથી તે એમાંથી પેકેટ લઈને સન્માનપૂર્વક પોતાનું પેટ ભરી શકે.

મીનુ પૌલિને અહીં એક વિચાર લોકો સમક્ષ મૂક્યો છે કે તમે ખોરાકનો બગાડ ન કરો. તેને ભૂખ્યા લોકો સુધી પહોંચાડો. મીનુ નથી ઈચ્છતી કે કોઈ તેની હૉટેલમાંથી ખરીદીને ફ્રિજમાં ખાવાનું મૂકે. તે ફક્ત એટલું જ ઈચ્છે છે કે વધારાનું ભોજન જે તેઓ ઉપયોગમાં નથી લેવાના તે આ ફ્રિજમાં મુકાય. તે લોકોને ઘરમાં વધતું ભોજન પણ ફ્રિજમાં મૂકી જવા પ્રેરિત કરે છે. કેટલાકને એવો પણ પ્રશ્ર્ન થયો કે તેને માટે ફ્રિજ મૂકવાની શું જરૂર બહાર કોઈ ટ્રેમાં કે બોક્સમાં પણ આવા પેકેટ્સ મૂકી શકાય. મીનુની વાત દિલને સ્પર્શી જાય એવી છે કે તો પછી તેમાં બગાડ અટકતો નથી. ફ્રિજ એટલા માટે કે ખાવાનું તેમાં બગડે નહીં. લોકો સુધી સારું ખાવાનું જ પહોંચે. તેની ઈચ્છા છે કે લોકોમાં ભોજનનો બગાડ ન થાય તેવી જાગૃતિ આવવી જોઈએ, કારણ કે સામે પક્ષે તમારી આસપાસ જ હજારો એવા લોકો હશે જે ભૂખ્યા સૂઈ જતા હશે કે કચરામાંથી ખાવાનું વીણીને ખાતા હશે.

મીનુનો આ વિચાર ખરેખર જ હૃદયસ્પર્શી છે. આપણી પાસે પૈસા છે એટલે ખાવાનાનો બગાડ કરવાનો આપણને અધિકાર નથી મળી જતો. આપણી સંસ્કૃતિમાં તો ભૂખ્યાને ભોજન કરાવવાનો મહિમા અનેરો છે. વિશ્ર્વભરમાં અનેક સ્તરે આ રીતે ભૂખ્યાને ભોજન કરાવવાનો યજ્ઞ ચાલી રહ્યો છે. ગ્રીસમાં ગ્રીક ઓર્થોડોક્સ લેડિઝ ફિલોપ્ટોકસ સોસાયટી છે. તેઓ છેલ્લાં બે વરસથી ફિડ હન્ગર નામે પ્રોજેક્ટ ચલાવે છે. તેમાં દરેક મહિલાઓ જાતે જમવાનું બનાવીને ફુડ પેકેટ્સ તૈયાર કરીને ભૂખ્યા લોકો સુધી પહોંચાડે છે. અમેરિકામાં પણ હંગર રિલિફ નામે કાર્યક્રમોમાં સેલિબ્રિટિઝ જોડાતી હોય છે. આપણે ત્યાં પણ અનેક સંસ્થાઓ ગરીબોને ખિચડી ખવડાવવાના કાર્યક્રમો કરતી હોય છે. તે છતાં દરેક ભૂખી વ્યક્તિ સુધી પહોંચી શકાતું નથી. તો બીજી તરફ અન્નનો વેડફાટ આપણે કરતા હોઈએ છીએ. જર્મનીમાં હૉટેલમાં ખાવાનાનો બગાડ કરવા માટે તમને દંડ થઈ શકે છે. ભલે તમે પૈસાથી તમારું ભોજન ખરીદ્યું હોય પણ તેનો અર્થ એ નથી કે તમે સમાજના સાધનોનો બગાડ કરો. એક તરફ કરોડો લોકો ભૂખે મરતા હોય ત્યારે આપણે જરૂર કરતાં વધુ ખાવાનું મગાવીને તેનો વેડફાટ કરીએ તે યોગ્ય નથી જ. સ્ત્રીએ એક માતા તરીકે પોતાના બાળકોને આ સંસ્કાર આપવા જોઈએ. અનેકવાર આપણે હૉટેલમાં બાળકો માટે બે ત્રણ વધારાની ડિશ મગાવતા માતાપિતા જોઈએ છીએ. આ બધું જોઈને એવું નથી લાગતું કે આપણે ત્યાં પણ દંડ લાગુ કરવો જોઈએ? લગ્ન સમારંભોમાં તો હજી પણ બેફામ વેડફાટ થતો હોય છે. ખવાય કે ન ખવાય તે છતાં ડિશ ભરીને ખાવાનું લઈ લેતી વ્યક્તિઓ આપણને દેખાતી જ હોય છે. વળી એટલી બધી વાનગીઓ હોય છે કે તે દરેકનો વપરાશ થવો શક્ય નથી જ હોતો. કેટલીક સંસ્થાઓ એ વધારાનું અન્ન ભેગું કરીને ગરીબો સુધી પહોંચાડે છે, પણ અન્નપૂર્ણા ગણાતી સ્ત્રીઓએ આ બાબતે આગળ આવીને અન્ન અને પાણીનો બગાડ ન કરવાનું પોતાના ઘરથી તો શરૂઆત કરવી જ જોઈએ. અને શક્ય હોય તો ભૂખ્યા લોકો સુધી વધારાનું અન્ન પહોંચાડવાની વ્યવસ્થા પણ નમમ મરમ ફ્રિજ મૂકીને કરી જ શકાય.

You Might Also Like

0 comments