અચ્છા ચલતા હૂં દુઆઓમેં યાદ રખના...

02:18




આજના યુવાનોને ફેઈલ્યોિરટીનો સ્વીકાર કરવો અઘરો લાગે છે, કારણ કે તેમનું જીવન ખૂબ સગવડભર્યું રહ્યું હોય છે.


એપ્રિલની શરૂઆતમાં જ ગરમીનો પારો ભૂતકાળની સીમાઓ તોડીને લોકોને ત્રાહિમા્મ પોકારાવી રહ્યો હતો. તે વખતે એક વીડિયો વોટ્સએપ અને ફેસબુક પર ફરી રહ્યો હતો. એ વીડિયો હતો ૨૪ વરસના યુવાન અર્જુન ભારદ્વાજનો. આત્મહત્યા કરતા પહેલાં તેણે ફેસબુકના નવા ફીચર લાઈવનો ઉપયોગ કર્યો હતો. એ વિડિયોમાં દેખાતો દેખાવડો યુવાન એકદમ કુલ જણાતો હતો. કોઈ આટલી શાંતિથી મરી શકતું હોય તો તેનું જીવન કેટલું નિરર્થક બની ગયું હશે. ખેર, અર્જુન હોય કે કોઈપણ યુવાન જ્યારે આત્મહત્યા કરે છે ત્યારે એ સમાચાર જાણીને મગજ સુન્ન થઈ જાય છે. કેટકેટલા પ્રકારની ચર્ચાઓ લોકોમાં થવા લાગે છે.

ત્યારબાદ કોઈએ લખેલો મેસેજ પણ વોટ્સએપ પર ફરવા લાગ્યો જેમાં નવાઝુઉદ્દીન, સચીન વગેરે અનેક લોકોના દાખલા આપીને સમજાવવામાં આવતું કે આ બધા પણ જીવનમાં ક્યારેક ને ક્યારેક નિરાશામાં અને તકલીફોમાંથી પસાર થયા છે. તે છતાં હિંમત હાર્યા વિના તેમણે જીવનમાં સંઘર્ષ ચાલુ રાખ્યો તો છેવટે સફળ થયા. પોઝિટિવ સંદેશાઓ તમને ક્યારેક સારા વિચારો આપી શકતા હશે. કેટલાકને સફળતા સુધી પહોંચાડી શકતા હશે, પરંતુ જરા જુદી રીતે વિચાર આવ્યો કે સફળતા જ અહીં મહત્ત્વની બનાવી દેવામાં આવી હોવાથી જ યુવાનોના મનમાં તાણ ઊભી થાય છે. સફળતા આપણે કોને કહીએ છીએ? જે ખૂબ પૈસા કમાઈ શકે છે તેને જ. જે ખૂબ પ્રસિદ્ધ થાય છે તેને જ. આખું જીવન ઈમાનદારીથી કામ કરીને જૂતા સીવતાં મોચીને આપણે સફળ નથી કહી શકતા. તમારા ઘરમાં કપડાંવાસણ ઘસીને પૈસા કમાતા માણસને સફળ નથી માનવામાં આવતો. કે તમારી ઓફિસમાં પ્રમાણિકતાથી પ્યુનનું કામ કરનાર સફળ નથી ગણાતો. સબીના નામની એક અંગ્રેજી ફિલ્મમાં ખૂબ ધનવાન વ્યક્તિને ત્યાં એક માણસ ડ્રાઈવર તરીકે જોડાય છે. એની દીકરી પોતાના પિતાને ડ્રાઈવર કેમ બન્યા તેવું પૂછે છે ત્યારે ડ્રાઈવર પિતા કહે છે કે મને વાંચવાનો ખૂબ શોખ હતો. ડ્રાઈવર એટલે જ બન્યો કે મને કામના સમયે વાંચવાનો સમય મળી રહે.

આપણે તો લાખો કે કરોડો રૂપિયા ખર્ચીને બાળકને એન્જિનિયર કે ડોકટર કે એમબીએ બનાવવો હોય. તેને વિદેશ મોકલીએ શું કામ કારણ કે તે વધુ કમાઈ શકે. નવાઝુદ્દીન જેવા અનેક સ્ટ્રગલર સ્ટુડિયોની બહાર રખડતા હોય છે. મને યાદ છે કે ફિલ્મીસ્તાન સ્ટુડિયોમાં એક મોટા અભિનેતાની મુલાકાત લેવાની હતી. શૂટિંગ ચાલી રહ્યું હતું એટલે હું સ્ટુડિયોનો માહોલ જોતા ફરી રહી હતી. એક વ્યક્તિ મારા માટે ચા લઈને આવી. હું પત્રકાર છું જાણીને તેણે મારી સાથે વાત શરૂ કરી. જીતેન્દ્રના સમયે જ તે ગામથી મુંબઈ ફિલ્મોમાં કામ કરવા આવેલો. આજે તે સાંઈઠે પહોંચવા આવ્યો પણ તેને ક્યારેય તક ન મળી. ફિલ્મીસ્તાન સ્ટુડિયોમાં કામ કરીને ખુશ થઈ રહ્યો છે. તકદીરકી બાત હૈ મેડમ કહીને તેણે અદાથી કપાળે હાથ મૂકતા આકાશ તરફ જોયું હતું. તે દૃશ્ય આજે પણ સ્મૃતિમાં સચવાઈ રહ્યું છે. એ વ્યક્તિ જેવી કેટલીય વ્યક્તિઓ ગુમનામ જ રહી જાય છે. સચીનની સાથે જ ક્રિકેટમાં આવેલ વિનોદ કાંબળીએ પણ અનેક પ્રયત્નો કર્યા જ છે, પણ તે આજે ક્યાં છે? વાત નકારાત્મકતાની કે હકારાત્મકતાની નથી. વાત છે જે પરિસ્થિતિ હોય તેને સ્વીકારવાની અને જીવનને ઉપયોગી બનાવવાની. આપણે બાળકને ફેઈલ્યોર સ્વીકારવાની આદત પાડતા નથી. તેની ફેઈલ્યોરને આપણી પ્રતિષ્ઠાનો ઈસ્યુ બનાવીએ છીએ. તેમાં પણ છોકરો હોય તો તેને એન્જિનિયરિંગમાં જવા માટે સતત સ્ટ્રેસમાંથી પસાર થવું પડે છે. લાખો રૂપિયાના ટ્યુશન અને ફક્ત ચોપડીના કીડા બનીને રહી જવાનું. માતાપિતા પણ કહેશે કે દીકરાને સમય જ નથી. પણ સમય આપવામાંય નથી આવતો. એન્જિનયરીંગ અને ડોકટરીનો અભ્યાસ કરતાં વિદ્યાર્થી પાસે ભણવા સિવાય બીજો કોઈ શોખ કેળવવાનો સમય જ હોતો નથી. તે સામાજિક વ્યવહારોની સમજ કેળવી શકતો નથી કે ન તો તે યુવાનીનો સુવર્ણકાળ માણી શકે છે. એની પાસે ભણવા સિવાયનો સમય ન હોય તે બાબતે માતાપિતા ગર્વ અનુભવશે. કારણ કે તેના પર સફળ થવાનું, ખૂબ બધા પૈસા કમાવાનું પ્રેશર હોય છે. એ તાણને લીધે યુવાનો ડ્રગ્સ કે આલ્કોહોલના બંધાણી બને છે. જનરેશન ગેપ આજના આધુનિક યુગમાં પણ છે જ. એટલે જ અર્જુન આત્મહત્યા કરવાનું નક્કી કરે ને તેના માતાપિતાને સહેજ પણ ગંધ ન આવે તે શક્ય છે. પણ માતાપિતાની અપેક્ષાઓને તે પૂરી ન કરી શકે ત્યારે હતાશા ઘેરી વળે છે. એ યુવાન જો લગ્ન કરે છે અને કમાણી નથી કરી શકતો તો પણ તેને હતાશા એટલે કે ડિપ્રેશન આવે છે અને તે આત્મહત્યા કરે છે એવા પણ અનેક કિસ્સાઓ આપણે જોયા છે.

આજે આપણું જીવન બસ ફક્ત પૈસાની આસપાસ જ જીવાઈ રહ્યું છે. પૈસા હોય તો વિદેશી યુનિવર્સિટીમાં ભણવા જઈ શકાય. બાળપણથી જ બાળકને જરાપણ તકલીફ નહીં પડવા દેવાની. એ બાળક મોટું થઈને નાની અમથી તકલીફ કે કોઈપણ જાતનું રિજેકશન-ફેઈલ્યોર સહન કરી શકતું નથી. એક યા બીજી રીતે તે વિદ્રોહ કરે છે.

ભારતીય સંસ્કૃતિમાં બાહ્ય સમૃદ્ધિ કરતાં આંતરિક સમૃદ્ધિનું મહત્ત્વ વધુ છે. હાલ જે વિદેશી સંસ્કૃતિને આપણે અપનાવીએ છીએ તેમાં બાહ્ય દેખાડો અને સુખસગવડ ખરીદી શકાય તેવી સફળતાને મહત્ત્વ આપવામાં આવે છે. ઉપભોક્તાવાદમાં શિક્ષણ અને સફળતા ખરીદી શકાય તો એ પણ ખરીદીને આપવા માતાપિતા તૈયાર હોય છે. તેમને વિપરીત સંજોગોની જાણ જ ન હોય ત્યારે ગમે તેટલી પોઝિટિવ થિન્કિંગની દવા પીવડાવો તોય એમાં કોઈ ફરક ન પડે. એમબીએમાં ભણતા અર્જુનને શું પોઝિટિવ થિન્કિંગ વિશે ખબર નહીં હોય? હશે જ, પણ તેને અસલી દુખ કે પીડા વિશે ખબર નહીં હોય. એટલે જ તે પોતાના ડિપ્રેશનની વાત કોઈને કરી નહીં શક્યો હોય.

આજે તો માનસિક હતાશાને સ્વીકારવામાં કોઇ નાનપ નથી અનુભવાતી. તેનો ઇલાજ આસાનીથી થઈ શકે છે. તે છતાંય આપઘાતના કેસો વધી રહ્યા છે. તેમાંય પુરુષોની આત્મહત્યાનું પ્રમાણ ઘણું વધારે હોય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન સંસ્થાએ કાઢેલા તારણને આધારે દુનિયાભરમાં લગભગ દર વરસે દશ હજાર વ્યક્તિઓ આપઘાત કરે છે. આ આંકડામાં એ સંખ્યા નથી કે જે વ્યક્તિઓ આપઘાતનો પ્રયાસ કરીને બચી ગઈ હોય. મહિલાઓમાં ડિપ્રેશન જેવી માનસિક સમસ્યાનું પ્રમાણ વધુ જોવા મળે છે તે છતાં દુનિયાભરમાં પુરુષો જ સૌથી વધારે આપઘાત કરે છે. ડિપ્રેશન અને એન્કઝાયટી એ બે બાબતો આત્મહત્યા કરવા પ્રેરતી હોય છે એવું જાણવા મળે છે. આપણે પોઝિટિવ થિન્કિંગ કે સફળતા પણ સુખ આપી શકતી નથી. હોલીવૂડનો પ્રતિભાવાન એકટર અને કોમેડિયન રોબીન વિલિયમે પણ હતાશામાં સ્યુસાઈડ કર્યું હોવાનું કહેવાય છે. આવી માનસિક અવસ્થા આવવાના પરિબળો જુદાં હોઇ શકે. સમાજમાં સ્ત્રીઓની ભૂમિકા બદલાઈ છે તે હદે પુરુષોની ભૂમિકા બદલાઈ નથી. પુરુષ બદલાયેલી પરિસ્થિતિનો સહજતાથી સ્વીકાર નથી કરી શકતો. તેને એમાં ફેઇલ્યોરિટીનો અનુભવ થાય છે. અને પુરુષને કોઇ રસ્તો ન સૂઝતાં તે આપઘાતનો રસ્તો અપનાવે છે. આપઘાત કરવો સહેલો નથી હોતો. પરંતુ, તે સમયે માનવી એટલો હતાશ થઈ ગયો હોય છે કે તેને એ સિવાય બીજો કોઇ જ રસ્તો નથી દેખાતો. તેમાંય પુરુષોનો અહમ જ્યાં ઘવાય ત્યાં એ માનસિક રીતે છિન્નભિન્ન થઈ જાય છે. મારું કે મરું તે પરિસ્થિતિ ઉત્પન્ન થયા બાદ કશું જ થઈ નથી શકતું. સ્ત્રીઓ સહજતાથી પોતાના દુખની, નાલેશીની કે હાર કે ભૂલની વાત પોતાની સ્ત્રી મિત્ર સાથે કરી શકે છે તેને કારણે ગમે તેવી દુખદ ઘટના પણ પચાવીને તેમાંથી બહાર આવી શકે છે. જ્યારે અંગત લાગણીઓ એકબીજા સાથે શેઅર કરવાની આદત પુરુષોને નથી હોતી. એટલે તેઓ દુખમાં ખૂબ એકલતા અનુભવતા હોય છે. . પાર્ટીઓ કરનારા પુરુષો પણ અંગત લાગણીઓને બીજા સાથે શેઅર કરી શકતા હોય તે જરૂરી નથી. એવી માન્યતા છે કે પૌરુષત્વનો પાયો જ એમાં હોય છે કે પોતાની લડાઈ પોતે જ લડે. પુરુષ પોતાની પીડા કોઇને કહે નહીં. કિશોરમાંથી પુરુષ થવું એટલે નબળાઈ ન દર્શાવવી. લાગણીઓ ન દર્શાવવી અને એટલે જ મિત્ર સાથે પણ હૃદય ખોલીને વાત નથી થઈ શકતી. બીજા પુરુષ સાથે હરિફાઈનો ભાવ ઉમેરાય છે. આ બાબત સંશોધન દરમિયાન સાબિત થયું છે કે નવ વરસની ઉંમરે છોકરા - છોકરીઓના આપઘાત રેટ સરખા હોય છે જ્યારે ૧૦ અને ૧૪ વરસની ઉંમરે છોકરીઓ કરતાં બમણી સંખ્યામાં છોકરાઓ આપઘાત કરે છે. વીસ અને તેનાથી વધુ ઉંમરે સ્ત્રીઓ કરતાં પાંચગણા પુરુષો આપઘાત કરે છે.

You Might Also Like

0 comments