નયે દોરમેં લિખ્ખેંગેં, મિલ કર નઈ કહાની (સાંજ સમાચાર)

07:39



ગુઉઉઉડ ઈવનિંગ સૌરાષ્ટ્રવાસીઓને, મોહમયી મુંબઈ નગરીથી  આ અક્ષરદેહે આપણે દર મંગળવારે મળીશું. કોલમ શરૂ કરતા પહેલાં કેટલીક ઔપચારિક ઓળખાણ કરી લઈએ.

હું કાઠિયાવાડી નથી પણ કાઠિયાવાડ મને ગમે છે તેના અનોખા મિજાજને લીધે. કાઠિઓની ગાથા અને વીરતાની અનેક વાર્તાઓએ બાળપણથી જ મન પર કબજો જમાવ્યો હતો. ઝવેરચંદ મેઘાણીની લોકકથાઓ અને લોકગીતો વાંચીને કાઠિયાવાડ વિશે મનમાં કલ્પનાનો કિલ્લો રચ્યો હતો. મુંબઈમાં જ જન્મ અને ઉછેર અને દક્ષિણ ગુજરાત મારું વતન હોવાને કારણે કાઠિયાવાડમાં પહેલીવાર જીવનના 27 વરસ વીત્યા બાદ સૌરાષ્ટ્ર જવાનું બન્યું હતું. વિરમગામ વટાવ્યા બાદ ઊઘડતી સવારે ટ્રેનમાંથી પહેલીવાર સૌરાષ્ટ્ર જોયાનો રોમાંચ હજી પણ સ્મૃતિમાં અકબંધ જળવાયો છે. વાંકાનેરની ચા અને ટ્રેનના વળાંકે દેખાતો રાજમહેલ આજે ય કુતૂહલ જગાવે છે.  રાજકોટ ઊતરીને ગોંડલ જઈ રહી ત્યારે એક નવો પ્રદેશ જોવાનો રોમાંચ હતો. અહીંની બોલીમાં એક લહેકો હતો તે સરવા કાને તરત જ નોંધ્યું. અહીં નાનામાં નાના માણસનો તોર કંઈક નોખો જ હોય તે સમજાયું. પછી તો અવારનવાર સૌરાષ્ટ્રની આ ધીંગી ધરામાં આવવા જવાનું બન્યું. ખરું કહું તો ક્યારેક આકરું લાગતું લોકોનું વર્તન તો ક્યારેક એ મિજાજ માણવાની મજા ય આવતી.
મુંબઈથી લખતી હોવા છતાં  વિશ્વના અનેક વાચકો સુધી પહોંચી શકાતું. સોશિયલ મીડિયા દ્વારા અનેક વાચકો સાથે રૂબરૂ પરિચયમાં આવવું શક્ય બન્યું. ટેકનોલોજીએ મનની આસપાસની અનેક દિવાલો તોડી નાખી. હાથેથી પેન પકડીને પેપર પર લખતી ત્યારે થતું કોમ્પ્યુટર પર લખવું નહીં ફાવે. મન સાથે ખૂબ માથાઝિંક લીધી. છેવટે જો સમયની સાથે ચાલવું હોય તો બદલાવું જ પડશે એવું લાગતા સીધું કોમ્પ્યુટર પર ટાઈપ કરવા લાગી. આજે હાથેથી લખવાનું અડવું લાગે છે. જોઈ શકું છું કે આપણે રગશિયા થઈ જવા ટેવાઈ જઈએ છીએ. તેમાં થોડો અમથો બદલાવ આવે કે ઘાંઘા થઈ જઈએ. ઓપન માઈન્ડની આદત હોય તો બદલાવ આપણને થોડો આકરો જરૂર લાગી શકે પણ તકલીફ નથી આપી શકતો. 
 અહીં આ કોલમમાં ખુલ્લા મને સંવાદ સાધવો છે વાચકો તમારી સાથે. એટલે જ આ કોલમનું નામ છે ઓપન માઈન્ડ. ખુલ્લું મન રાખનારનો વિકાસ અને વિસ્તાર થાય છે. પોરબંદરના વતની મોહનદાસ કરમચંદ ગાંધી વિદેશ જઈ આવીને ખુલ્લા મને વિચારતા થયા. ભલે તમે એમની રહેણીકરણી સાથે  સંમત થાઓ કે ન થાઓ પણ તેમની વિચારસરણીની ઓપનનેસના તો અંગ્રેજો પણ કાયલ થઈ ગયા હતા. એ સૌરાષ્ટ્રના જ નહીં આખા દેશના બાપુ બની ગયા.  વિદેશના દરેક ખૂણામાં તમને સૌરાષ્ટ્રનો માણસ મળી જ રહે. સૌરાષ્ટ્રની તાસીર ધીંગી છે. અહીંની ધરા ધીંગી ને માણસોએ ધીંગા. એટલે સૌરાષ્ટ્રના માણસોને ઓળખતા વાર ન લાગે.  સૌરાષ્ટ્રની ધરતીમાં કંઈક એવું ચોક્કસ હશે કે મથુરા, ગોકુળ છોડીને કૃષ્ણ છેક દ્વારિકા આવીને વસ્યા. શ્રદ્ધા અને આસ્થા સૌરાષ્ટ્રની રગેરગમાં ભારોભાર મળે. ગેબી ગિરનારની કંદરાઓમાં આજે પણ અનેક યોગી, અવધૂતો ધૂણી ધખાવીને બેઠા હશે.
ઈતિહાસને પચાવીને બેસેલા કાઠિયાવાડની સાથે ઐતિહાસિક વાતો નથી કરવી.  ઓપન માઈન્ડ દ્વારા આપણે આજની અને આવતીકાલની વાત કરીશું. વરસાદી માહોલમાં ભીંજાવાની વાત કરીશું તો શિયાળામાં બરફ, તાપણાની વાત અને ઉનાળામાં આંબા,કોયલ અને વેકેશનની વાત કરીશું. ઉત્સાહ, આનંદ, આશા અને ઉન્માદની ય વાત કરીશું. લાગણીઓની વાત કરીશું તો ટેકનોલોજીની ય વાત કરીશું. પહાડની પથ્થરની અને પાણીની વાત કરીશું. સાદ, સંવાદ, પ્રતિસાદ અને પ્રતિવાદની વાત કરતાં ક્યારેક કોઈક ઊઘાડ મળે તો મૌનની વાત કરીશું.
કદાચ તમને નવાઈ લાગતી હશે કે વાંચવાનું છે ત્યાં વાત ક્યાંથી આવી. પણ અહીં હું લખું અને તમે વાંચો ત્યાંથી અટકવાનું નથી. તમારે સામે પ્રતિસાદ આપવો પડશે. કંઈક હું શેઅર કરું તો તમારે પણ તમારા વિચારો જણાવવા પડશે. ક્યાંક હું સાચી હોઉં તો ક્યાંક તમે પણ સાચા હોઈ શકો છો. ટૂંકમાં અહીં ધબકતા જીવનની વાત માંડવાની  છે. એ માટે હોંકારો તો જોઈશેને બાપ...હોંકારા વિના સૌરાષ્ટ્રમાં ક્યારેય વાત ન થઈ શકે. એટલે જ આ આર્ટિકલનું મથાળું છે કે નયે દોરમેં લિખ્ખેંગે મિલકર નઈ કહાની.  નિત નવું કરવાની  ઘગશ હોય તો જ જીવન ધબકી શકે છે. નહીં તો તે મડુ થઈ જાય છે. કેટલાક જીવ એવા હોય છે કે તે સમયના એક ચક્રમાં અટકી જાય છે. બંધ પડેલા લોલક જેવા. સમયતો પોતાની રવાલ ચાલે ચાલતો સેકન્ડ્સ પછી કલાક ને પછી દિવસ બનીને આગળ વધતો રહે પણ લોલક બસ ત્યાં એક જ સ્થાને સ્થિર થઈ જાય. લોલક અટકી જતાં તેને બદલી નાખવું પડે કાં ઘડિયાળ જ બદલી નાખવું પડે. કારણ કે  તે હવે સમયમાં સૂર પૂરાવતું નથી. ક્યાંક આપણે પણ આ રીતે સ્થિર નથી થઈ ગયા ને તે વિચારવાનું છે.
ઓપન માઈન્ડમાં આપણે આવા થંભી ગયેલા જીવનની વાત નહીં પણ સતત આગળ વધતા અને બદલાતા સમયની સાથે તાલ મિલાવતા જીવનની વાત કરીશું. તેમાં આવતા અંતરાયો અને તકલીફોને સમજવાનો પ્રયત્ન કરીશું. શક્ય છે ક્યાંક હું અટકી જાઉં તો તમે હોંકારો દઈને જગાડજો. છાપું તો એક દિવસમાં જ પસ્તી થઈ જવાનું છે. પણ ક્યારેક એવું બનતું હોય છે કે એકાદી સમજ આપણી વિચારધારા અને જીવન બદલી નાખવા સમર્થ હોઈ શકે છે. ઓપન માઈન્ડ મને અને તમને ફળે એવી શુભકામના
-     મનુષ્યનું ચિત્ત અથવા વિચાર જેવા બને છે. તેવા જ તેના પ્રાણ અથવા જીવન બને છે.
-     ઋષિ પિપ્પલાદે પ્રશ્નોપનિષદ



You Might Also Like

2 comments

  1. Nice thoughts.I am semi Kathiyawadi too living in Canada.However kathiyawad have special flavour in everything.
    Your writing is connecting all the readers( i guess!).Have a great lady luck.

    ReplyDelete