મૂછોની મરદાની વાતો (મુંબઈ સમાચાર)

05:01મૂછ સાથેનો પુરુષ વારે વારે મૂછોને વળ દે ત્યારે એનો રૂઆબ જોવા જેવો હોય છે. મૂછોના ઈતિહાસ અને વર્તમાનની વાતો મૂછે વળ દઈને વાંચો. 
                          
મૂછ પર લેખ લખવાનો વિચાર આવ્યો ઝિમ્બાબ્વેના પ્રમુખ મુગાબેના રાજીનામાના સમાચાર સાંભળીને ત્યાંની પ્રજા જે રીતે નાચી રહી હતી તે પરથી. મુગાબે અને હિટલરમાં એક સામ્ય હતું તેમની મૂંછો. વળી નવેમ્બર મહિનામાં અમેરિકામાં મૂછ રાખવાની સ્પર્ધા ય થાય છે. મૂછ વિશે વાત કરવા માટે નવેમ્બર પરફેક્ટ સમય છે. શરીરના બીજા કોઇપણ ભાગ કરતાં મૂંછોના વાળ સૌથી જલ્દી ઊગે છે. ખાસ કરીને ઉનાળામાં અને વસંતમાં. જ્યારે શિયાળામાં અને પાનખરમાં તેનો ગ્રોથ થોડો ધીમો પડે છે. મૂંછોમાં મેગ્નેટિક ઇફેક્ટ હોય છે કારણ કે મૂંછો રાખનારાઓ પોતાની મૂંછોને દિવસમાં અંદાજે 760 વખત અડતા હોવાનો અંદાજ છે. મૂંછે તાવ દેવાની આદત કેટલી રહેતી હશે બોલો.... રામસિંહે જેમ લાંબી મૂંછો રાખી છે તે જ રીતે જાડી, પાતળી, વળાંકવાળી, તલવાર કટ, અણિયાળી વગેરે વગેરે અનેક સ્ટાઈલમાં મૂંછોના રેકોર્ડ નોંધાયા છે વિશ્વમાં. મૂંછોની ય સ્પર્ધા થાય છે તો મૂંછોને ય સમાજસેવામાં વાપરવામાં આવી છે. મોવેમ્બર મુવમેન્ટ અમેરિકામાં ચાલે છે તેમાં નવેમ્બર મહિનાના 30 દિવસ મૂંછો ઊગાડવાની મોહિમમાં ભાગ લઈ પ્રોસ્ટેટ અને ટેસ્ટીક્યુલ કેન્સર અંગે લોકોમાં  જાગૃતિ  લાવવા અને તેના સંશોધન માટે ફંડ ઊભુ કરવામાં આવે છે. ભારતીયો પછી મેક્સિકન પ્રજાના પુરુષો મૂછ વિનાના ભાગ્યે જ જોવા મળશે. આમેય મેક્સિકોની સંસ્કૃતિ પૌરુષિય ગણાય છે. ત્યારબાદ આવે છે પાકિસ્તાનમાં મૂછ અને દાઢીને મર્દાનગીનું પ્રતિક માનવામાં આવે તેમાં કોઇ નવાઈ ન લાગે. જો કે ઇસ્લામમાં દાઢીને પૌરુષિય પ્રતિક મનાય છે મૂંછોને નહીં. પાકિસ્તાનની અનેક જાણીતી હસ્તીઓ મૂંછો ધરાવે છે. 
 હાલમાં ચાલી રહેલા પદ્માવતિ ફિલ્મના વિવાદ સમયે દરેક જગ્યાએ દીપિકાના ફોટા છે. પણ તેમાં શાહિદ કપુરનો લુક મુછો સાથે જ છે. રાજસ્થાનના રાજપૂતો મૂછોને વળ દેતા પોતાની ટેકને ય વળ દેતા હોય છે. આજકાલના આધુનિક રાજપૂતો ક્લિન શેવ્ડ જોવા મળી શકે પણ રાજપૂત પુરુષ મૂછ વિનાનો શોધ્યો ન જડે. મૂછે વળ દેવાનો અધિકાર પણ જાણે એ જ લોકોને હોય તેવો વટ અને રૂવાબ હોય.  ટેલિવિઝનની એક જાહેરાતમાં લાંબાવાળ સાથે રણવીર સિંઘને મૂછ વિનાનો જોયો કે તેનો રામલીલા, બાજીરાવનો મૂંછાળો લૂક યાદ આવી ગયો. મૂછ અને મરદ એ એકબીજાના પર્યાય જેવા છે. છોકરો જુવાન થઇ રહ્યો છે તેની બાંગ મૂછના વાળ પોકારવા માંડે છે. મોટાભાગના છોકરાઓ તરત જ મૂછોને શેવ કરવા માંડશે કારણ કે તે જલ્દી ઊગે. ભલે પછી તે મૂંછો રાખે કે ન રાખે પણ મૂછનો દોરો જોઇને તેનો માંહ્યલો પોરસાવા માંડશે. આજે મોટાભાગના હોલિવુડ અને બોલિવુડના હીરો મૂછ નથી રાખતા સિવાય કે રોલની ડિમાન્ડ હોય. આજનો વરણાગી યુવાન મૂંછો રાખે કે ન રાખે તો ય આછું સ્મિત કરતી વ્યક્તિને આપણે પૂછી જ બેસીએ છીએ, કેમ... મૂછમાં હશે છે ? આજકાલ સમૂરાઈ કટ વાળની સ્ટાઈલ અને દાઢી સાથે તલવાર કટ મૂંછો રાખવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે.
મૂંછો વિશેની વાતો ય પુરુષ જેટલી જ ઇન્ટરેસ્ટિંગ હોઇ શકે તે આ લેખ લખતાં સમજાણી. પુરુષો મૂંછો શું કામ ઊગાડતા હશે... પીઢ કે સત્તાશાળી દેખાવા, સ્ટેટસ સિમ્બોલ માટે કે બહાદુરી બતાવવા, મર્દાનગીની સાબિતી માટે કે  પછી ઉપલો જાડો હોઠ છુપાવવા માટે ?!   મૂંછો પર પીએચડી કરીને પુસ્તક લખાઈ શકે. મૂછને મર્દાનગીના પ્રતિક તરીકે આખાય વિશ્વમાં જોવાય છે. અને વિશ્વનો દરેક પુરુષ જીવનમાં એકવાર તો મૂંછો ઊગાડશે જ. કોઇક એ મર્દાના લુક મેળવવામાં નિષ્ફળ જાય તો કોઇક સફળ થાય તો કોઇક માટે તે  લુક લાઇફ ટાઈમ બની રહે. જેમકે હિટલરને કે ચાર્લી ચેપ્લીનને તમે એની  ટૂથ બ્રશ મૂંછો વિના કલ્પી ન શકો. 1910માં પ્રથમવાર ચાર્લીએ ટૂથબ્રશ મૂછો પ્રસિધ્ધ કરી. પણ પછી તે સ્ટાઈલ  હિટલર સાથે સંકળાઈ એટલે તેને કોઇ રાખવાની હિંમત ન કરતું. પરંતુ, ઝિમ્બાવેના કોન્ટ્રોવર્સિયલ પ્રેસિડન્ટ રોબર્ટ મુગાબે જેણે હાલમાં જ સત્તા છોડી એણે હિટલર સ્ટાઈલ અપનાવવાની હિંમત કે મૂર્ખામી કરી છે.
દુનિયામાં ભારત નંબર વન  દેશ છે જ્યાં 80 ટકાથી વધુ પુરુષો મૂછો રાખે છે. આમેય આપણે ત્યાં મૂછ મૂંડાવવાનો અર્થ થાય છે હારી જવું, માત ખાવી. મર્દાનગી પર મોટો આઘાત માનવામાં આવે છે. તો એવી પણ પ્રથા છે કે પિતા મરી જાય તો મૂછ મૂંડાવવામાં આવે. ઇન શોર્ટ મૂંછો પૌરુષત્વના અહમને પોષે છે. ભારતના રામસિંહ ચૌહાણની મૂંછોએ તો વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો છે સૌથી લાંબી 4.9 મીટર મૂંછો રાખવાનો. દક્ષિણ ભારતમાં ભાગ્યે જ કોઇ પુરુષ તમને મૂછ વિનાનો મળશે. 2011ની સાલમાં દુબઈની એક સિક્યુરિટી કંપનીએ પોતાના દરેક કર્મચારીને મૂંછો મૂંડાવી નાખવાનો હુકમ જારી કર્યો. એ કંપનીમાં સાત સિક્યુરીટી ગાર્ડ જે દક્ષિણભારતના હતા તેમણે મૂંછો મૂંડાવવાનો ઇન્કાર કરી દીધો તેમને લાગ્યું હશે કે નોકરી કરતાં ય મૂંછોનું મહત્ત્વ વધારે છે. જો સંશોધન કરવામાં આવે તો મૂંછો માટે જાન દેનારા અને લેનારાઓના અનેક કિસ્સાઓ મળી જ આવે. એ.સી નેલ્સને કરેલા સંશોધન પ્રમાણે દક્ષિણ ભારતમાં પુરુષો આજે પણ મૂંછોને મર્દાનગી અને આબરૂના પ્રતિક તરીકે જાળવી રાખે છે પણ ઉત્તર ભારતના મહાનગરોમાં વધુને વધુ પુરુષો આધુનિક , યુવાન, એસ્થેટિક દેખાવા માટે કે સ્વચ્છતાને ખાતર ક્લીન શેવ લુક અપનાવે છે.
સ્ત્રીઓને મૂછવાળા પુરુષો ગમે છે કે નહીં... તે જાણવાની ઇંતેજારી દરેક પુરુષને થાય જ. સ્ત્રીઓ પુરુષનો ચહેરો જુવે છે તે વાત સાચી. એટલે જો ચહેરો સારો હશે તો તમે બોડી બિલ્ડર ન હો તો ય ચાલી શકે. યુનિવર્સિટી ઓફ ન્યુ સાઉથ વેલ્સમાં ઇવોલ્યુશન ઇન હ્યુમન બિહેવિયર પર એક સંશોધન થયું. તેમાં સાબિત થયું કે સ્ત્રીઓને મૂંછો ધરાવતાં પુરુષો ગમે છે. ખાસ કરીને દશ દિવસ જૂની મૂછ ધરાવનારા વધુ આકર્ષક લાગે છે. એટલું જ નહીં પણ દાઢી,મૂછ બન્ને ધરાવનાર સારા પિતા બની શકે તેવું પણ સ્ત્રીઓ માને છે. આ સંશોધનમાં સ્ત્રી અને પુરુષોને જુદા જુદા ચહેરાઓને જોઇને તેને રેટિંગ આપવાનું કહેવામાં આવ્યું હતું. આ ચહેરાઓમાં ક્લીન શેવ્ડ, આછી મૂછ, પાંચ દિવસની મૂછ, દશ દિવસની મૂંછો, દાઢી અને મૂછ બન્ને હોય તેવાં ચહેરા પણ ખરા. પુરુષોએ પાંચેક કે દશ દિવસના ઊગેલા વાળ કરતાં  ક્લીન શેવ્ડ ચહેરો પસંદ કર્યો. જ્યારે સ્ત્રીઓએ ક્લીન શેવ્ડ ચહેરાને આકર્ષણના છેલ્લા નંબરે મૂક્યો. આ પહેલાં પણ અનેક સંશોધનો થયા છે અને તેમાં ય સાબિત થયું છે કે મૂછ ધરાવનાર પુરુષો રફટફ,અગ્રેસિવ અને પૌરુષિય હોવા ઉપરાંત સારા રોમેન્ટિક પાર્ટનર બની શકે છે.
જગવિખ્યાત પેઇન્ટર સાલ્વાડોર ડાલીની મૂંછો તેની સિગ્નેચર જેવી ગણાતી. મૂંછોની વાત આવે ને એકબાજુ ચાર્લી ચેપ્લિન અને હિટલર યાદ આવે તેમ સાલ્વાડોર ડાલીને યાદ કર્યા વિના વાત અધુરી રહી જાય. ડાલીની મૂંછો ઉપરની તરફ વળાંકવાળી હતી. આપણા રાજા મહારાજાઓ રાખતા કંઇક એવી. તેણે ડાલીસ મુસ્ટેચ નામે પુસ્તક પણ લખ્યું છે. તો હોલિવુડના એકટર બર્ટ રેનોલ્ડસની મુંછોને ફેસબુક પર 4000 લાઈકસ મળ્યા છે.  ભારતીય હીરોમાં અનિલ કપુર એકમાત્ર એવો હીરો છે જેની મુંછો હંમેશ રહી છે. બાકી આમિર ખાનથી લઈને રણવીર સિંહ સુધી દરેકે રોલ માટે જ મૂંછો અપનાવી છે.

આપણા ભવિષ્યના વડાપ્રધાન મૂંછોવાળા હશે કે નહીં તેની અટકળો કરવી રહી. મોદી અને કેજરીવાલ મૂંછો ધરાવે છે. રાહુલ ગાંધી ક્લીન શેવ્ડ છે. આપણા પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ પણ ક્લીન શેવ્ડ હતા. જો કોઇ મૂછ પર પીએચડી કરે તો આ લેખમાં મૂછ શબ્દ કેટલી વાર લખાયો છે તેનો ઉલ્લેખ જરૂર કરે. બાય ધ વે ... કેટલીક સ્ત્રીઓને ક્લીન શેવ્ડ પુરુષો પસંદ પડે છે એ વાતે ય સાચી છે. છેલ્લે આ દુહો યાદ ન કરીએ તો મૂંછોની વાત અધૂરી જ રહી જાય.
લાંબો ડગલો, મૂંછો વાંકડી
શિરે પાઘડી રાતી, બોલબોલતો તોળી તોળી છેલછબીલો ગુજરાતી...
   

You Might Also Like

0 comments