પાણીનું સંગીત, હવાની સુગંધ અને પ્રકૃતિનું નર્તન (saanj samachar)

07:14




 બાળક હજી બોલતાં શીખે તે પહેલાં તેને મોબાઈલ પર વાત કરતાં શીખવાડાય છે.

તમારામાંથી કેટલાયે બદલાતી હવાની સુગંધથી શિયાળાને પારખ્યો હશે. સવારની હવાની સુગંધ અને રાતની હવાની સુગંધ જુદી હોય છે. તેમાંય શિયાળા, ઉનાળા અને ચોમાસાની ગંધ પણ જુદી હોય છે. ખળખળ વહેતું ઝરણું કે દરિયાના મોજાંનું સંગીત સુમધુર સુરાવલીઓ છેડતું હોય છે. વરસાદના પડતાં પાણીના અવાજમાં પણ ચિત્તને શાંત કરી દેતું સંગીત સાંભળી શકાય છે. હવાને કારણે ઝાડના પત્તાઓ અને ઘાસનું ડોલવું નૃત્યકારોને પ્રેરણા આપે છે. જરા વિચારો કે તમારા બાળકોને તમે ક્યારેય આ બધું જ્ઞાન આપો છો?
ગયા અઠવાડિયે છાપામાં સમાચાર વાંચ્યા કે દિલ્હીમાં બે મહિના પહેલાં થયેલી નાનકડાં પ્રધ્યુમ્નનો હત્યારો તેની જ શાળાનો અગિયારમાં ધોરણમાં ભણતો 16 વરસનો છોકરો છે. કારણ શું તો કહે તેને પરિક્ષા નહોતી આપવી અને પેરેન્ટ્સ ટીચર મિટિંગ પણ ટળી જાય તેવું ઈચ્છતો હતો. તે જાણતો હતો કે કોઈ મોટી ઘટના બને તો જ આવું બની શકે એટલે તેણે કોઈ બાળકની હત્યા કરવાનું વિચાર્યું. તે પરિક્ષા અને માતાપિતા તેમ જ શિક્ષકથી કેટલો ડરતો હશે કે આવું બેજવાબદાર, પોતાને અને બીજાઓને નુકશાન કરતું પગલું ભર્યું. એ છોકરાને સજા થવી જોઈએ? કે પછી તેને માટે જવાબદાર આપણી શિક્ષણ વ્યવસ્થા અને સમાજને તેની શિક્ષા કરવી જોઈએ ? આવો વિચાર કોઈને નથી આવતો ગુનેગાર પકડાતાં માઈનરને ય મોટાઓની જેમ ગુનેગાર ગણવા જોઈએ એવા વિધાનો વાંચીને વિચાર આવ્યો કે કેવો સમાજ રચી રહ્યા છીએ આપણે. જ્યાં ગુનેગારોની ઉંમર નાનીને નાની થતી જાય છે. તેમને શિક્ષણ, સંસ્કાર, સંવેદનશીલ અને સમજ આપવાની જવાબદારી શું મોટાઓની નથી? મોટાઓએ થોડાક વરસો પહેલાં જે સમજને ટેકનોલોજી અને પશ્ચિમી અનુકરણમાં બદલી છે તેનું આજે પરિણામ ભોગવી રહ્યા છીએ. બાળકો ગુનેગાર માનસ ધરાવતાં બની રહ્યા છે. એ માટે ફક્ત બાળકને ગુનેગાર ઠેરવીને આપણે વધુ ગુનાઓ કરી રહ્યા છીએ. આપણું શિક્ષણ સતત રેટરેસનું શિક્ષણ બની રહ્યું છે. બાળકે અમુક ટકા લાવવા માટે સિસ્ટમેટિકલી રોબોટની જેમ ભણવું પડે. તેની બીજી કળાઓ કે કશું જ ન કરવાની કળા કે પ્રકૃતિની સાથે એકરૂપ થવાની કળાઓની કિંમત હોતી નથી. એ 16 વરસનો કિશોર સારો પિયાનિસ્ટ બની શકત પણ તેની કિંમત નહોતી, તેણે પરિક્ષામાં સારા માર્ક્સ લાવવા પડશે કારણ કે આપણે ઊભી કરેલી શૈક્ષિણિક સંસ્થાઓમાં માર્ક્સ અને પૈસા બે જ મહત્ત્વના હોય છે. માનવીયતા અહીં શીખવાડાતી જ નથી. બીજા કરતાં આપણે વધારે માર્ક્સ લાવવાના જ તો જ તમે સફળ થઈ શકો. સફળતાને પૈસા અને હોદ્દાની સાથે સાંકળી લેવામાં આવી છે. નિર્દોષ આનંદ લેવાનું આપણે જ ભૂલી રહ્યા છીએ ત્યાં બાળકને ક્યાંથી સહજ આનંદિત રહેતાં શીખવાડી શકાય.
બાળકો હવે બળાત્કાર કરતાં કે ખૂન કરતાં ય અચકાતાં નથી. સતત હિંસક વિડિયોની રમત અને હિંસક ફિલ્મોની અસર પણ થાય. સાથે સતત તાણવાળું આસપાસનું વાતાવરણ પણ મગજ પર અસર કરતું હોય છે. શાળામાંથી જ સતત પરિક્ષાની, માર્ક્સથી પુરવાર થવાની તાણ બાળમાનસને મૂંઝવી નાખે છે. આ રીતે હરિફાઈમાંથી બહાર આવતાં કિશોરો સમાજમાં ય બીજાને કચડીને પોતાનું જ વિચારનારા બને એમાં નવાઈ શું?
રાજકોટથી થોડા જ કલાકની સફર કરીને જેવા ગીરના જંગલમાં પગ મૂકીએ કે વાતાવરણ બદલાઈ જાય છે. ત્યારે જો તમારું ધ્યાન મોબાઈલમાં ન હોય કે કારમાં વાગતા સંગીતમાં ન હોય તો અનેક આવા સુક્ષ્મ પણ જરૂરી નિરિક્ષણો કરતાં બાળકોને શીખવી શકાય. પણ હવે જંગલોમાં જઈને પણ સતત મોબાઈલ પર ફોટાઓ પાડતાં માતાપિતા, બાળકને ક્ષણનો આનંદ લેતાં કઈ રીતે શીખવી શકે. બીજાને બતાવવાં જ ફરવા જવાનું. વળી હમણાં જ મેં કોઈ માતાપિતાને બડાઈ મારતાં જોયાં કે અમે ફરવા જઈએ તો ફાઈવ સ્ટાર જેવા રિસોર્ટમાં જ રહીએ, બાળકોને એસી અને ટીવી ન હોય તેવી જગ્યાએ ફરવા જ ન આવવું હોય. સવાર-સાંજના સૂરજના પેઈન્ટિંગ અને પ્રકૃતિમાં જાતને ખોવાડી દેવાની સહજતા બાળકને માતાપિતા ક્યાંથી આપે જો પોતે જ મોબાઈલ વિનાનું વેકેશન ન માણી શકતા હોય તો. પરિવાર સાથે વેકેશન કે ડિનર તરત જ ફેસબુક કે વોટ્સએપ્પ પર પોસ્ટ થઈ જાય. મોબાઈલ ફ્રી વેકેશન કે પિકનિક છેલ્લે ક્યારે માણ્યા હતા? હા પ્રકૃતિના થોડા ફોટા લીધા પછી મોબાઈલ બંધ કરી દીધો હોય કે સોશિયલ મીડિયા પર ફોટાઓ પોષ્ટ ન કર્યા હોય તો ન ચાલે.  આપણે ફરવા આપણા માટે નથી જતાં પણ દુનિયાને બતાવવા માટે જઈએ છીએ. ગમે તેટલી મોંઘી ગાડીમાં ફરવાની હેસિયત હોય પણ સાદી બસમાં કે ટ્રેનના સેકન્ડ ક્લાસના ડબ્બામાં બાળકોને પ્રવાસ કરાવો તો ય માનવીય અભિગમ અને બારી બહાર પસાર થતી પ્રકૃતિની સાથે ધીમે ધીમે સંબંધ બંધાય. પગપાળા ટ્રેકિંગ કરવાથી નિરિક્ષણ થઈ શકે. મોટરમાં સડસડાટ પસાર થાઓ તો ભાગ્યે જ પ્રકૃતિની સાથે તાદાત્મ્ય બાંધી શકો. રસ્તે ચાલતાં નાનકડાં જીવડાંઓનો સંસાર, જાતભાતના નાના ઘાસ અને છોડના આકારો, ફુલોને જોઈ શકાય, સ્પર્શી શકાય. એ વિસ્તારમાં રહેતાં લોકો સાથે હસીને બે ઘડી જોડાઈ શકાય.
એક ફિલ્મ યાદ આવે છે સબરીના કદાચ. તેમાં એક શિક્ષિત વ્યક્તિ મોટી વ્યક્તિને ત્યાં ડ્રાઈવરની નોકરી એટલે લે છે કે સાહેબ ઓફિસમાં કે મિટિંગમાં હોય તો રાહ જોવાનો જે સમય મળે તેમાં પુસ્તકો વાંચી શકાય. ડ્રાયવર તરીકે નોકરી કરવી આપણે ત્યાં કેટલું નાનું કામ માનવામાં આવે છે. તમે કહેશો કે શિક્ષણની વાત પરથી ક્યાં પહોંચી ગયા. શિક્ષણ એટલે શું કે જે તમને સારું જીવન જીવવા માટે મદદરૂપ બને તે. દરેક વ્યક્તિની ક્ષમતા જુદી હોય છે. દરેક બાળકની પ્રકૃતિ અને ક્ષમતા અનુસાર તેને શિક્ષણ આપવું જોઈએ પણ આપણે તો બધાને એક જ લાકડીએ હાંકીએ છીએ. તેમને શેમાં રસ છે તેની પરવા કર્યા વિના ફક્ત માર્ક્સ અને ડિગ્રીની પાછળ જ તેને દોડાવીએ છીએ. તમે કહેશો કે પણ એના વિના થોડી જ ચાલે...આ કોમર્શિયલ શિક્ષણ વ્યવસ્થા આપણે જ ઊભી કરી છે તે આપણે કેમ ભૂલી જઈએ છીએ. આપણે જ તેને બદલી શકીએ. જો વધારે માર્ક્સની અને ચોક્ક્સ કોલેજ કે ફેક્લ્ટીની પરવા ન કરીએ તો એ લોકો બાળકોને બોલાવવા જાજમ પાથરશે. સાચો આનંદ ફક્ત ભણીગણીને પૈસા કમાવવામાં નથી પણ જીવન જીવવામાં છે. પણ બાળકોને આઠમાં ધોરણથી જ સમય નથી હોતો ભણવામાંથી. બાર કલાક કે પંદર કલાક ફક્ત ભણવાની ચોપડીમાં કે ક્લાસમાં બેસી રહેતો બાળક જીવન જીવવાનું જ ભૂલી જાય છે. એનો ય આપણને વાંધો નથી હોતો. તેને કહીએ છીએ કે હમણાં ભણી લે પછી તારે જે કરવું હોય તે કરજે. પણ એ પછી ક્યારેય તેના જીવનમાં આવી શકતું જ નથી. ગ્રેજ્યુએટ બાદ પોસ્ટ ગ્રેજ્યુએટ ને પછી વધુ પૈસા કમાવવા વધુ કામ કરવાનું. જીવનનો સમયતો ફક્ત સારું ઘર, સારી ગાડી અને સારો મોબાઈલ અને લકઝરીયસ, બ્રાન્ડેડ વસ્તુઓને મેળવવામાં જ સતત ખર્ચાય છે. જે સતત તાણ અને આત્મવિશ્વાસને તોડે છે. સતત બીજાઓની સાથે સરખામણી જ કરવાનો સ્વભાવ ઊભો થાય છે.

દરેક વ્યક્તિ, દરેક કામ અને દરેક ક્ષણ મહત્ત્વની છે. લાખો રૂપિયા ખર્ચતા ય ક્ષણ પાછી મેળવી નથી શકાતી. આવતા અઠવાડિયે એવી કેટલીક વ્યક્તિઓ વિશે વાત કરીશું જેમણે કશુંક હટકે જીવવાનો પ્રયત્ન કર્યો છે. તમારા ધ્યાનમાં પણ એવું કોઈ હોય તો મને સત્વરે લખી જણાવશો. divyashadoshi@gmail.com

You Might Also Like

0 comments