સૌંદર્ય, શરીર અને સન્માન (mumbai samachar)

03:42 સમાજનું ગૌરવ સ્ત્રીના શરીરમાં જ હોય તો બળાત્કાર અને દહેજ માટેના અત્યાચારો બંધ કેમ નથી થતા ?

ફિલ્મ પદ્માવતીનો વિવાદ જાણીતો છે. પદ્મિનીના ભાગ્યમાં જ વિવાદિત બની રહેવાનું લખાયું છે કદાચ. કેટલાય લોકોને ખબર નથી કે પદ્માવતી એક વાર્તા જ છે. તેના કોઈ ઐતિહાસિક પુરાવાઓ મળતાં નથી. પદ્માવતી હોય કે ભંવરીદેવી હોય બન્ને સ્ત્રી જ છે. કોઈ સ્ત્રીએ કઈ જાતિમાં જન્મવું તેની ચોઈસ હોય છે ખરી? આપણી પાસે ઈતિહાસ છે કે કેટલીક જાતિઓને અડવામાં પાપ લાગતું, પણ તેમની સ્ત્રીઓ સાથે શૈયાસુખ માણવામાં પુરુષોને પાપ ન લાગતું. અમે તો તેમને તો અડતાં જ નથી એટલે બળાત્કાર ક્યાંથી શક્ય છે એવું કહીને ભંવરીદેવીના બળાત્કારને આજના જમાનામાં પણ ન્યાય ન મળે. તેની સામે ક્યારેય કોઈ ઊહાપોહ ન થયો. આખો ય દેશ ચૂપ રહ્યો બસ કેટલાક સંગઠનો સિવાય.

પદ્માવતીની વાર્તામાં ય સ્ત્રીના શરીરને પામવા માટે હિંસાનો અતિરેક જ છે તેમાં સન્માન ક્યાંથી આવ્યું? ૧૩મી સદીની આ વાર્તા પર સદીઓની ધૂળ ચઢી ગઈ છે. સાચું-ખોટું સાબિત થઈ શકે તેમ નથી તે છતાં સ્ત્રી માટે આજે પણ હિંસા થઈ શકે છે તે સાબિત થાય છે. કુટુંબનું, સમાજનું ગૌરવ સ્ત્રીના શરીરમાં જ હોય છે. તે માન્યતાને કારણે સ્ત્રીઓ વારંવાર આત્મદહન કરતી રહી છે આજે પણ. પદમાવતી અને ચિત્તોડ બાબતે એક જ શબ્દમાં વાત કહેવી હોય તો જોહર (આત્મદહન)કહી શકાય. ચિત્તોડમાં હજારો સ્ત્રીઓએ જોહર કર્યું છે. નારી તેરી યહી કહાની એવું કહેવું પડે. યુદ્ધ થાય ત્યારે હારી રહેલી સેના કે હારતો પક્ષ ઘણું બધું ગુમાવતો હોય છે. તેમની સ્ત્રીઓ પર બળાત્કારો તો આજે પણ યુદ્ધમાં થતાં રહે છે. સ્ત્રીઓએ જો બળવત્તર પુરુષના હવસના શિકાર ન થવું હોય તો ક્યારેક મૃત્યુ સિવાય કોઈ રસ્તો હોતો નથી. રાજપૂત સ્વભાવ પ્રમાણે તો ટેક માટે લોકો માથા ઉતારી દેતાં અચકાતા નથી હોતા. ત્યારે રાજપૂત સ્ત્રીઓને જ્યારે યુદ્ધ સમયે લાગે કે તેમના પુરુષો હારી રહ્યા છે તો તેઓ દુશ્મનના હાથમાં જીવતાં પકડાવા કરતાં સામૂહિક રીતે અગ્નિસ્નાન કરવાનું વધુ પસંદ કરતી હતી. તેમાં પણ સામે મુસ્લિમ દુશ્મન હોય ત્યારે પુરુષો પણ હારવા કરતાં આખરી દમ સુધી લડવાનું પસંદ કરતા. તે છતાં મોગલોની વિશાળ સેનાની સામે તેમનું ટકવું અશક્ય જ રહેતું. તે સમયે નામ પણ દેખાવ પ્રમાણે પાડવામાં આવતા હશે, કારણ કે પદ્મિની કે પદ્માવતી એટલે કમળ સમાન નાજુક, ગુલાબી ત્વચા ધરાવનાર, જેના શરીરમાંથી સુંદર સુગંધ આવતી હોય.(રતિરહસ્ય પ્રમાણે) લગ્ન કરવા માટે ઉત્તમ નારી એટલે પદ્મિની એવું વર્ણન છે. આમ રાણી પદ્મિની પણ અત્યંત સુંદર સ્ત્રી હતી. ગાંધર્વસેનની દીકરી પદ્મિનીના રૂપની પ્રશંસા સાંભળીને ચિત્તોડનો રાજા રતનસેન મોહિત થઈને સાત સાગરો પાર કરીને સિંઘલરાજ આવ્યો હતો. આ વાર્તા પહેલીવાર સૂફી કવિ મલિક મુહમ્મદ જયસીએ કવિતારૂપે ૧૫૪૦ની સાલમાં લખી હતી એવું કહેવાય છે. પદ્માવતીના રૂપની વાતો સાંભળીને ૧૩૦૩ની સાલમાં અલાઉદ્દીન ખીલજી પણ મોહી પડ્યો હતો અને જર, જમીન અને જોરુને પોતાના કબજામાં કરવામાં માહેર અલાઉદ્દીને ચિત્તોડ પર ચઢાઈ કરી. તે વખતે પદ્માવતીની ઝલક જોઈને તેણે રતનસેનને કબજામાં લીધો અને કહેણ મોકલ્યું કે જો પદ્માવતી તેની સાથે ચાલી નીકળે તો તે રતનસેનને છોડી દેશે. પદમાવતીએ બાદલ અને ગોરા નામના બે બહાદુર સેવકોનો સાથ મેળવીને બળ નહીં પણ કળ દ્વારા રતનસેનને છોડાવ્યો, પરંતુ રતનસેન બીજા એક પડોશી કુંભલનેરના દેવપાલની સાથે લડાઈ કરતાં મૃત્યુ પામ્યો, કહે છે કે જ્યારે રતનસેન ખીલજીની કેદમાં હતો ત્યારે દેવપાલે પદમાવતીને લગ્નનો પ્રસ્તાવ મોકલ્યો હતો. રતનસેનની પાછળ જ ખીલજી વળી પાછો ચિત્તોડ સેના લઈને પહોંચી જ રહ્યો હતો એટલે રતનસેનના મૃત્યુની સાથે જ પદ્માવતીએ પણ અગ્નિસ્નાન કરી લીધું. પદ્મિની જે પદ્માવતીના નામથી ત્યારે અને આજે પણ પ્રસિદ્ધ છે તેની વીરાંગના તરીકે તેનો ઈતિહાસ યાદ કરવામાં આવે છે. પદ્મિની પ્રકારની નારી જે સુંદર હોવા સાથે બુદ્ધિશાળી પણ હોય. તેવી રાણી પદ્માવતીને પામવા માટે પુરુષો હોડ લગાવી રહ્યા હતા.

પદ્માવતીની વાર્તા વાંચતા વિચાર આવે કે આ સદીઓ જૂની સંસ્કારોની વાર્તા છે, પણ તેનો સંદેશો કે સ્ત્રીનું શરીર એ સ્ત્રીનું પોતાનું નહીં પણ પુરુષોની જાગીર હોય છે. જન્મથી લગ્ન થાય ત્યાં સુધી પિતા અને ભાઈઓનું અને લગ્ન બાદ પતિનું. કોઈપણ પુરુષને અપમાનિત કરવો હોય તો તેની મા, બહેન કે દીકરી વિરુદ્ધ ગાળ બોલો કે બસ થઈ રહ્યું. સ્ત્રીના શરીરમાં જ પુરુષોનું સન્માન હોય તો પછી સ્ત્રી પર બળાત્કાર ન થવા જોઈએ. દરેક પુરુષને પોતાના કુટુંબની અને સમાજની સ્ત્રીનું શરીર પોતાની જાગીર લાગે છે. સ્ત્રીઓ પણ સદીઓથી એ માન્યતાને હકિકત માનીને જીવતી આવી છે.

સ્ત્રીના શરીરની પવિત્રતા અને અપવિત્રતા પર રામાયણ અને મહાભારત થાય. પુરુષના શરીરને પવિત્રતા કે અપવિત્રતા હોતા જ નથી. રાજસ્થાનમાં જ ભંવરીદેવી પર બાલવિવાહ રોકવા બદલ તેના પતિની સામે સામૂહિક બળાત્કાર કરનાર પુરુષોનો ન તેના ઘરવાળાઓ કે સમાજે બહિષ્કાર કર્યો કે ન તો તેમને સજા થઈ. ઊલટાનું ભંવરીદેવીના કુટુંબનો ગામવાસીઓએ બહિષ્કાર કર્યો. ઉચ્ચ જ્ઞાતિના એ બળાત્કારી પુરુષો છૂટી ગયા, કારણ કે જજમેન્ટમાં એવું પણ કહેવાયું કે ભંવરીદેવીનો પતિ બળાત્કાર જોઈ શકે જ નહીં. એ બળાત્કારીઓ નિર્દોષ જાહેર થયા ત્યારે લોકોએ ધામધૂમથી તેમનું સન્માન કર્યું હતું. તેમાં રાજકારણ સાથે સંકળાયેલા સમાજના નેતા પણ હતા. આજે જીવંત સ્ત્રી જેના પર બળાત્કાર થયો ત્યારે એણે પુરાવા આપ્યા છે છતાં તેને ન્યાય ન મળે. અને ઈતિહાસની એક સ્ત્રીની વાર્તા લોકોને વ્યથિત કરી મૂકે ત્યારે વિચાર આવે કે શું સાચું? સ્ત્રીઓએ હવે જાગૃત થઈને પિતૃસત્તાક માનસિકતાની સામે મોરચો માંડવાની જરૂર નથી? કેમ બળાત્કારીઓને સમાજ સન્માન આપે ત્યારે એની સામે મોરચા નથી મંડાતા? કેમ ભંવરીદેવીના બળાત્કારીઓના માથા માટે સમાજ ઈનામ જાહેર નથી કરતો? કેમ ત્યારે સમાજનું ગૌરવ ઘટી જતું નથી? સંજય ભણસાળી ભંવરીદેવી પર ફિલ્મ નહીં બનાવે, કારણ કે તેમાં ગ્લેમર, વૈભવ નથી. સમાજને દર્પણમાં પોતાનો સાચો ચહેરો જોવો ગમતો નથી. કલ્પના કરીએ કે ભણસાળી જો ફિલ્મ બનાવે તો તેનો પણ વિરોધ જ થાય, કારણ કે સમાજને તેમાં ય પોતાની સાથે અન્યાય થયો એવું લાગશે. શું કહો છો?

જીવનજરૂરી અનેક સમસ્યાઓ આપણે હજી ઉકેલવાની બાકી છે, ગરીબી, શિક્ષણ, શુદ્ધ પાણી, કુપોષણ, જાતીય સતામણી વગેરે વગેરે, પણ એના વિશે એકજૂટ થઈને ઉકેલ લાવવાના પ્રયત્નો નહીં થાય. દર છોકરાઓની સામે છોકરીઓના જન્મનો રેશિયો હજી અનેક રાજ્યોમાં ઓછો છે તેનું કારણ જ એ કે સ્ત્રી જાતિ માટે ખરેખર આદર સન્માન છે જ નહીં.

You Might Also Like

0 comments