પોર્નોગ્રાફીનું પાગલપન (mumbais samacahar)

07:25
આમ તો બનારસ હિન્દુ યુનિવર્સિટી ઐતિહાસિક મહત્ત્વ ધરાવે છે, માલવિયાજી અને ગાંધીજીના કેટલાય અવિસ્મરણીય પ્રવચનો અહીં થયાં છે. કેટલાય વિદ્વાનો આ યુનિવર્સિટીએ આપ્યા છે. પણ છેલ્લા કેટલાક મહિનાથી તે જાતીય સતામણીના વિવાદોને લીધે ચર્ચામાં હતી. ખેર, પણ ગયા અઠવાડિયે જે સમાચાર આવ્યા તે વાંચીને વળી ચર્ચાનો વિષય બની છે. યુનિવર્સિટીના ન્યુરોલોજીના પ્રોફેસર ડૉ. વિજયનાથ મિશ્રાએ બેંગલુરુમાં કોઈ આઈટી પ્રોફેશનલ પાસે છ મહિના પહેલાં એક એપ બનાવ્યું છે જે ડાઉનલાઉડ કર્યા બાદ કોમ્પ્યુટર અને મોબાઈલમાં મોટાભાગની પોર્નોગ્રાફિક સાઈટ બ્લોક કરી દે છે એટલું જ નહીં તેમાંથી ભજનના સૂર રેલાય છે. 

કેટલાકને લાગે કે આ મોરલ પોલિસિંગ છે, પણ ના આ એપ ડાઉનલોડ કરવું પડે છે ત્યારબાદ જ તે ઉપયોગી થાય છે. જે વ્યક્તિને લાગે કે પોતે પોર્નોગ્રાફીક એડિક્ટ બની ગયો છે અને તેનાથી છૂટવું હોય તો આ એપ ઉપયોગી થાય છે. મોટાભાગે પુરુષોને પોર્નોગ્રાફી જોવાનું વળગણ લાગતું હોય છે. ભાગ્યે જ કોઈ સ્ત્રીને પોર્નોગ્રાફી જોવી ગમતી હોય છે કે તેનું વળગણ થતું હોય છે. હજી હાલમાં જ નોર્ટન દ્વારા કરવામાં આવેલા સર્વેમાં જાણવા મળ્યું છે કે દર ત્રણ ભારતીયમાંથી એક ભારતીય પબ્લિક વાઈફાઈ દ્વારા જાહેર સ્થળોમાં પોર્નોગ્રાફી જુએ છે. પબ્લિક વાઈફાઈ એટલે કે હોટલ, એરપોર્ટ, કેફે, મિત્રના ઘરે કે ઓફિસમાં એડલ્ટ ક્ધટેન્ટ સૌથી વધુ જોવાતું હોય છે. ફક્ત ભારતમાં જ નહીં આ વધતેઓછે અંશે દુનિયાના મોટા ભાગના પુરુષો આ રીતે પોર્નોગ્રાફી જોવા લલચાતા હોય છે. ક્યારેક એવુંય બને કે અનાયાસે આવી સાઈટ ઓપન થઈ હોય છે પણ પછી ડોપામાઈનની હલચલ એવી સાઈટ પર જવા મનને મજબૂર કરે છે. એમ કરતાં ક્યારે તેનું વળગણ થઈ જાય છે તે ખ્યાલ નથી આવતો. વળગણ થવાને કારણે અન્ય જરૂરી કામ બાજુએ રહી જાય છે અને વારંવાર આવા એડલ્ટ ક્ધટેન્ટ જોવાની ઈચ્છા થયા કરતી હોય છે. તેમાં સોફ્ટ પોર્નથી લઈને ટ્રિપલ એક્સ પોર્નોગ્રાફી સુધીની સફર જોતજાતાંમાં થઈ જતી હોય છે. આવા પોર્નોગ્રાફીક પુસ્તકો અને ત્યારબાદ સીડી પહેલાં તો ગેરકાયદેસર મુંબઈના ફોર્ટ વિસ્તારના કેટલાક ફેરિયાઓ વેચતા હતા. હજી પણ વેચાતી હશે. પણ કોન્ડોમની જેમ જ તેની ખરીદી કરવાની માનસિક હિંમત દરેકમાં હોતી નથી. ઈન્ટરનેટના યુગમાં સહેલાઈથી કોમ્પ્યુટરમાં અને મોબાઈલમાં આવી ક્લિપ્સ હવે મળી જતા વળગણ સામાન્ય થઈ ગયું છે. ભારતમાં થયેલા સર્વે અનુસાર ૩૧ ટકા લોકોએ કહ્યું કે તેઓ સરકારી વાઈફાઈનો ઉપયોગ કરીને રસ્તા પર કે બસ સ્ટેન્ડ કે રેલવે સ્ટેશન પર એડલ્ટ ક્ધટેન્ટ મોબાઈલ પર જુએ છે. એને સેક્સ એડિક્શન પણ કહી શકાય. હકીકતમાં સેક્સુઅલ આનંદની અનુભૂતિ આપનાર તમારા મગજમાંથી ઝરતું રસાયણ ડોપામાઈન ડિઝાયર એટલે કે ઈચ્છા પેદા કરે છે. ડ્રગ, ગેમ્બલિંગ એટલે કે જુગાર અને સેક્સમાં ઈચ્છા પેદા કરનાર, આનંદ આપનાર કેમિકલ ડોપામાઈન છે. તમે કશુંક ઈચ્છો કે તમને ડોપામાઈન કિક મારીને કહે જાઓ જીવી લો, આનંદ કરો. જો ડોપામાઈન ન ઝરે તો તમને કિક લાગતી નથી. એ જે હાઈ થવાનો આનંદ છે તેનું કારણ તમારા મગજના ઉપલા અને નીચલા હિસ્સામાંથી ઝરતું ડોપામાઈન છે જે તમને આનંદ તરફ ધકેલે છે. એ ડોપામાઈનને સ્ટિમ્યુલેટ થવા માટે પ્રેમમાં એકબીજાની સાથે મળતી નજરો પણ કાફી છે, પણ પ્રેમમાં પડ્યા બાદ અનુભવ્યું હશે કે પહેલાં પ્રિયપાત્રને જોવામાત્રથી આનંદ આવતો હોય છે પણ ધીમે ધીમે ચાહ વધે છે. વધુ આનંદ માટે બે શરીર એક થવાની પ્રક્રિયા સુધી વાત પહોંચે છે. લગ્નના થોડા વરસોમાં એ અસર ઓછી થતી જતી જણાય છે કારણ કે ડોપામાઈનને સ્ટિમ્યુલેટ કરવા માટે વધુ ઈચ્છાઓના ધક્કાની જરૂર પડે છે. 

બિહેવિયરલ સાઈકિઆટ્રિસ્ટ કેવિન મજરીસ આ વિશે ખૂબ જ સરળ ભાષામાં સમજાવે છે, તે કહે છે કે જ્યારે કોઈ પોર્નોગ્રાફિક ઈમેજને ક્લિક કરે છે કે મગજના નીચલા હિસ્સામાંથી ડોપામાઈન મગજના ઉપલા હિસ્સાને ભરીને ચાર્જ કરી દે છે. વ્યક્તિને મેસેજ આપે છે કે ગો ફોર ઈટ. બધું જ ધ્યાન બસ માત્ર એક જ તરફ કેન્દ્રિત થાય છે. આ સ્ત્રીને તારે પામવાની છે. મગજને સમજાતું નથી કે આ ઈમેજ વાસ્તવિક નથી પણ ઈમેજનરી છે. કેવિન આગળ કહે છે કે આપણા પૂર્વજોની પાસે ઈન્ટરનેટ નહોતું ત્યારે આ ડોપામાઈન વધારે સ્ટિમ્યુલેટ નહોતું થતું. આજે ઈન્ટરનેટના માધ્યમથી વારંવાર ડોપામાઈન સ્ટિમ્યુલેટ થાય તે મગજને સ્વીકાર્ય નથી હોતું. તે ધીમે ધીમે ડોપામાઈન રિસેપ્ટર બ્લોક કરી દે છે. એટલે તેને સ્ટિમ્યુલેટ કરીને કીક મેળવવા માટે વધુ મહેનત કરવી પડે છે, એડિકશન એટલે કે આદત વ્યક્તિને મજબૂર બનાવી દેતી હોય છે. આ ડોપામાઈનની કિક મેળવવા માટે વ્યક્તિ ગમે તે કરવા તૈયાર થઈ જતી હોય છે. તેમાંથી બહાર નીકળવા માટે આત્મવિશ્ર્વાસ અને જાત પર કાબૂ મેળવવાનો રહે છે. તે અઘરું છે પણ અશક્ય નથી. આ પ્રોફેસરે એપ એટલા માટે જ બનાવ્યું છે જેઓ ઈચ્છે છે કે તેમાંથી બહાર નીકળે. મોટેભાગે યુવાન વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર થતી હોય છે. તેમનું બધું જ ધ્યાન કિક મેળવવામાં જાય છે અને પછી ગુનાહિત ભાવ પણ થાય છે કારણ કે આપણે ત્યાં શિક્ષણને અભાવે સેક્સ અંગે અનેક માન્યતાઓ અને ગેરસમજો પ્રવર્તે છે. હાલ તો આ એપ હર હર મહાદેવનું ભજન વગાડે છે પણ ભવિષ્યમાં અન્ય ધાર્મિક લોકોને માટેય ભજવો વગાડશે. 

પોર્નોગ્રાફી આદત કેવી રીતે પડે છે એ વિશે કેવિન કહે છે કે જેમ તમે સાયકલ ચલાવતા હો અને ઢાળ આવે ત્યારે તમારી કસોટી થાય છે. ત્યારે ઢાળ તમારા હાથમાંથી ક્ધટ્રોલ લઈ લેતું હોય છે. સરળતાથી પસાર થવા માટે સાઈકલ પર તમારા ક્ધટ્રોલની કસોટી થાય છે. ક્ધટ્રોલ ગુમાવવાના ચાન્સીસ વધુ હોય છે. અકસ્માત થઈ શકે છે. તમને વિશ્ર્વાસ ન હોય તમારા પર તો સાઈકલ પરથી ઉતરીને પગપાળા ઢાળ ઉતરી શકાય છે. એ જ રીતે પોર્નોગ્રાફીની અસર વ્યક્તિના મન પર એવી રીતે થાય છે કે તેના હાથમાં ક્ધટ્રોલ રાખવો મુશ્કેલ બને છે. વ્યક્તિ પછી એ કિક મેળવવા માટે ગમે તે કરી શકે છે. ડોપામાઈનનું ફ્લડ ખતમ થયા બાદ વ્યક્તિને તેના વગર બધું ડલ લાગે છે. ક્યારેક હતાશા ઊભી કરે છે અને તેનાથી ભાગી છૂટવા વળી તે ક્લિક કરે છે પોર્નોગ્રાફિ ઉપર. એકની એક ઈમેજમાંથી ડોપામાઈનની કિક લાગતી નથી એટલે તેની નવી શોધ ચાલુ રહે છે અને વધુ હિંસક અને ડર પેદા કરતા સ્ટિમ્યુલેશનની જરૂર પડે છે. એટલે કે પહેલાં પાંચ મિનિટ પોર્નોગ્રાફી જોતી વ્યક્તિ ધીમે ધીમે વધુને વધુ સમય પોર્નોગ્રાફી જોવા લાગે છે, તેને નવી નવી પોર્નસાઈટની શોધ કરવી પડે છે. આમ આદત પડતી જાય છે. એડ્રેનાલિનને વેગ આપવા માટે વધુ પર્વટ તત્ત્વો ઉમેરવા પડે છે. વ્યક્તિ શું કરે તે માટે કંઈ જ કહી શકાય નહીં. 

અહીં પુરુષને સ્ત્રી શરીર માટેના આકર્ષણની જ ફક્ત વાત નથી પણ તેને પામીને કલ્પનામાં ભોગવવાની વાત છે. આ કાલ્પનિક આદત વ્યક્તિને વાસ્તવિક જવાબદારીથી દૂર ધકેલી દઈ શકે છે. આવી વ્યક્તિ હકીકતમાં માનસિક રીતે માંદી હોય છે. વ્યક્તિને સામાન્ય આનંદ કિક નથી આપી શકતો. ભણતર, કારકિર્દી કે સાંસારિક જીવન બેધ્યાન બને છે અને તે સામાન્ય જીવન જીવી શકતો નથી. આ સમસ્યાનો ઉપાય એ જ હોય છે કે તે પોતાના મગજને વધુ પડતું સ્ટિમ્યુલેટ ન કરે. મગજને યોગ્ય સંદેશાનું વહન કરવા દે. પુરુષનું ટેસ્ટોસ્ટેરોન તેનામાં એડ્રેનાલિનને વેગ આપે છે. કેટલાકને સાહસ કરવાથી કિક મળે છે, સાહસ પછી તે ટ્રેકિંગનું હોય કે રમતગમતનું હોય કે પછી સ્ટોક માર્કેટનું હોઈ શકે છે. પુરુષના ટેસ્ટોસ્ટેરોનને સતત સાહસ અને ડોપામાઈનનું સ્ટિમ્યુલેશન જરૂરી લાગે છે. સત્તાશાળી પુરુષનું ટેસ્ટોસ્ટેરોન લેવલ ઊંચું હોય શકે છે. એટલે જ તો કેટલાક સાંસદો ચાલુ સંસદે પોર્નોગ્રાફી જોતાં પકડાયા છે. હાર્દિક પટેલની સીડીને હજારો લાખો લોકોએ જોઈ તેમાં મોરલ વેલ્યુ નહીં પણ તે ડોપામાઈનની કિક જ જવાબદાર છે. મોરલ વેલ્યુ પ્રમાણે તો ખબર હોય કે આ કોઈની સેક્સ સીડી છે તો જોવાની જરૂર જ નથી હોતી. કોઈની અંગત ક્ષણને જાહેર કરીનેય એક જાતની કિક લાગતી હશે. ચૂંટણીના બીજા ફાયદા તો પછીની વાત છે. 

કેવિન કહે છે કે પોર્નોગ્રાફીની આદતમાંથી છૂટવું સહેલું છે. એ માટે વ્યક્તિએ પોતે જ પોતાનું ધ્યાન રાખવાનું હોય છે. પોતાની ઈચ્છાઓને જોઈને તેને બીજે વાળી દેવાની. મોબાઈલને દૂર રાખવો કે બીજે ધ્યાન પરોવવું. સતત પોતાના મનને ભટકવા ન દેવું. વ્યક્તિ પોતે નક્કી કરે કે મારે પોર્નોગ્રાફી નથી જોવી તો તે શક્ય બની શકે છે. કલ્પનાઓના જગતમાં રહેવાને બદલે વાસ્તવિક જગતમાં ધ્યાન આપવું. બે ક્ષણ જવા દેવામાં આવે તો ઈચ્છાઓને ડોપામાઈનને તાબે થતાં રોકી શકાય છે. You Might Also Like

0 comments