સિક્રેટ સુપરસ્ટાર (mumbai samachar)

23:04


ફિલ્મ પ્રેરિત આ ટાઈટલ ખરું પણ અહીં  ખરા સિક્રેટ સુપરસ્ટાર્સની વાત કરવી છે. જેઓ ગ્લેમરની દુનિયાથી જોજનો દૂર છે. 


અખબારમાં બળાત્કાર, અકસ્માત, રાજકારણનો કાદવ ઉછાળ અને ગ્લેમર્સ સ્ત્રીઓના ફોટાઓ વચ્ચે ગયા અઠવાડિયે જે સમાચાર વાંચ્યા તો થયું કે આ જ તો છે જીવનના ખરાં સિક્રેટ સુપરસ્ટાર. વરસેક પહેલાં જ્યારે મહારાષ્ટ્રમાં દુકાળગ્રસ્ત વિસ્તારોમાં ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા હતા ત્યારે એક સવાલ થયો હતો કે આત્મહત્યા કરનાર ખેડૂતો બધા જ પુરુષો છે. તેમની ન કમાતી પત્નીઓ અને બાળકોનું શું થતું હશે? તેઓ પણ આત્મહત્યા કરશે? એ લોકો તો બિચારા પેલા પુરુષથી ય નબળાં અને પીડિત છે. ગૃહિણી તરીકે પુરુષને મદદરૂપ થવા સિવાય તેમની પત્નીઓનું આગવું વ્યક્તિત્વ કે આર્થિક ટેકો ય ન હોય. બાળકો તો પુરતા કપડાં કે ખાવાનું ય માંડ મેળવી શકતા હશે. પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હશે ત્યારે જ તો ખેડૂત આત્મહત્યા કરતો હશે. તો પછી તેમની પત્ની કે બાળકોની આત્મહત્યાની ખબરો કેમ નથી આવતી? એ લોકો કઈ રીતે જીવન જીવે છે એના વિશે કેમ કોઈ રિપોર્ટ નથી વાંચવા મળતો. 

રોજની ઘટમાળમાં આવા વિચારો આવ્યા અને ભુલાઈ ગયા. ત્યાં અચાનક ગયા અઠવાડિયે અખબારમાં એક રિપોર્ટ વાંચવામાં આવ્યો કે મરાઠાવાડ વિસ્તારમાં ખેડૂતની વિધવાએ પોતાનું જીવન બદલી નાખ્યું. વાંચીને ખૂબ સારું લાગ્યું, પણ પછી તે ભુલાઈ ગયું ત્યાં વળી અખબારના પાનાં ફેરવતાં અંદરના દસમા પાનામાં છેક નીચે છપાયેલા એક સમાચાર પર નજર પડી કે મહારાષ્ટ્રના ઓસ્માનાબાદ વિસ્તારના એક ગામમાં સ્ત્રીઓએ ગામમાં કોઈ આત્મહત્યા ન કરે તે માટે પ્રયત્નો કર્યા છે. સ્ત્રીઓએ સંગઠિત થઈ પોતે કામ કરીને એક કરોડનું ટર્નઓવર સુધી પહોંચ્યા, પછી તો એ સમાચારો ધ્યાનથી વાંચ્યા. સમજાયું કે જેટલું વાંચતાં સારું લાગે છે એટલું સહેલું કે સરળ તેમના માટે નહીં જ હોય, પણ જે પુરુષો મોટી જમીનના માલિકો હતા તે દેવામાં ડૂબી રહ્યા હતા જ્યારે આ સ્ત્રીઓ જેમની પાસે પોતાના નામે કશું જ નહોતું, તેમણે દેવું દેનારાને દેવામાં ઉતારી દીધા. હવે એ દેવું દેનારાઓ આ સ્ત્રીઓ પાસેથી વ્યાજે પૈસા લે છે. પહેલાં મરાઠવાડાની વાત કરીએ. કલંબ ગામની વિદ્યા મોરેના પતિએ દસ વરસ પહેલાં સતત વરસોથી વાવેતર નિષ્ફળ જતાં, દેવું વધી જવાથી નિરાશ થઈને પોતાની ઝૂંપડી પર કેરોસીન છાંટીને આગ લગાવી દીધી હતી. એ આગમાંથી વિદ્યા મોરેએ પોતાના બે બાળકોને ઝૂંપડામાંથી બહાર ફેંકીને બચાવી લીધા અને પોતે પણ બહાર કૂદી પડી. વિદ્યા આ રીતે મરવા નહોતી માગતી. તે બાળકોને દુનિયા દેખાડવા માગતી હતી. એ અકસ્માતની શારીરિક અને માનસિક ઈજાઓમાંથી બહાર આવી તેણે મહેનત કરીને ભૂખ્યા બાળકોનું પેટ ભરવા માંડ્યું. આજે તેણે પતિનું દેવું ભરી દીધું છે અને બાળકોને શાળામાં ભણવા મોકલે છે. તેણે છેલ્લાં દસ વરસમાં પોતાની નાનકડી જમીનમાં સખત મહેનત મજૂરી કરી. ગામવાળાઓ તેને કહેતાં કે તું તો પુરુષોની જેમ વર્તે છે. ત્યારે એ હસીને જવાબ આપતી કે ના, હું માતાની જેમ વર્તું છું. મારા બાળકોને હું જીવતાં બળી જતાં જોવા નહોતી માગતી. તેમને સારું જીવન આપવા માગુ છું. મારા પતિને ય હું સમજાવતી કે આત્મહત્યા એ કોઈ ઉપાય નથી. દેવું પૂરું કરવા સખત મહેનત કરવાની જરૂર છે, તે છતાં પતિએ તેની વાત સાંભળી નહીં. અભણ વિદ્યાએ પોતાની જાતે ખેતીના પાઠ ભણ્યા. ૫૦૦ રૂપિયા માતા પાસેથી ઉધાર લઈ થોડા બી ખરીદી તેણે શાકભાજી ઉગાડવાનું શરૂ કર્યું. તેની પાસે ખાતર કે જંતુનાશક ખરીદવાના પૈસા તો હતાં જ નહીં, એટલે તેણે દેશી પદ્ધતિએ શાકભાજી ઉગાડ્યા તેમાંથી તેનું ઘરમાં ખાવાનું મળી રહેતું અને વધે તે વેચવા માંડ્યું. ધીમે ધીમે તેની ઓર્ગેનિક શાકભાજીની ડિમાન્ડ વધી અને આજે તે બાળકોને સારું ભોજન અને શિક્ષણ આપી શકે તેટલું કમાઈ લે છે. ખેરડાં ગામમાં ધોંડાબાઈ અને મનીષા જાધવના પતિઓએ પણ ૧૯૯૯માં આત્મહત્યા કરી હતી. એટલું જ નહીં ત્યારબાદ તેમના સાસરીયાઓએ તેમને ઘરમાંથી કાઢી મૂકી. ધોંડીબાઈને એક દીકરી અને મનીષાને બે દીકરીઓ હતી જ્યારે તેમને ઘરમાંથી કાઢી મુકાઈ. બન્નેએ મહેનત કરીને દીકરીઓને ઉછેરવાનું શરૂ કર્યું. આંગણવાડીમાં કામ કરવાનું, ઘેટાં બકરીઓ ઉછેરવાની. ધોંડીએ સિવણકામ કર્યું ને દીકરીને ભણાવી આજે તે સાયન્સમાં અભ્યાસ કરી રહી છે. તો મનીષાએ મહેનત કરી અડધો એકર જમીન લઈને તેના પર ખેતી કરીને દીકરીઓને ઉછેરી. આ બધાંનો એક અનુભવ રહ્યો જ છે કે જ્યારે સ્ત્રીઓ પોતાની મહેનત કરીને આગળ આવે છે તો સમાજ સહજતાંથી સ્વીકારી શકતો નથી, પણ તેમના બાળકો માટે તો આ માતાઓ હીરો છે. તેઓ ભણીગણીને પોતાની માતાનું સપનું પૂરું કરવા માગે છે.

રાધેશ્યામ જાધવનો એક રિપોર્ટ વાંચવા મળ્યો. ઓસ્માનાબાદમાં હિંગળાજવાડીમાં બપોરે જાઓ તો જુદું જ દૃશ્ય દેખાઈ શકે. ત્યાંના લગભગ ૩૦૦૦ પુરુષો ઘરકામ કરતાં અને બાળકોને સાચવતાં જોવા મળે. સ્ત્રીઓની ગેરહાજરી નોંધાયા વિના ન રહે. આ વાંચતા જ રુકેયાની સો વરસ પહેલાં લખાયેલી વાર્તા સુલતાનાસ ડ્રીમ યાદ આવી જાય છે. જાધવ આગળ લખે છે કે સ્ત્રીઓની ગેરહાજરી વિશે પૃચ્છા કરતાં પુરુષો કહે છે કે સ્ત્રીઓ ઓસ્માનાબાદ શહેરમાં ગઈ છે. બેંકમાં તેમનો હપ્તો ભરવા માટે અને માર્કેટમાં ખરીદી કરવા ગઈ છે. કોમલતાઈ જે આ ગામના સ્ત્રી મંડળની લીડર છે તેનો પતિ ગર્વભેર કહે છે કે તે મારી પણ ગુરુ છે અને હું તેનો ફોલોઅર છું. કોમલ અને તેની મંડળીએ છેલ્લાં વરસોમાં ગામની આર્થિક સ્થિતિ સધ્ધર કરી દીધી છે. છેલ્લાં કેટલાય વરસથી યોગ્ય વરસાદ ન થવા છતાં આ ગામના એક પણ ખેડૂતે આત્મહત્યા નથી કરી. રેખા શિંદે કહે છે કે થોડા વરસો પૂર્વે અમારા વિસ્તારમાં જે રીતે ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા હતા તે સાંભળીને ચિંતા થતી હતી. ગામની સ્ત્રીઓ મળીને ચર્ચા કરતી અને નક્કી કર્યું કે આપણે સ્ત્રીઓએ ઘરની જરૂરિયાતની જવાબદારી ઉપાડી લેવી જોઈએ. ઘર પૂરતાં શાકભાજી અને અનાજ ઉગાડ્યા હોય તો ભૂખે મરવાનો વારો ક્યારેય ન આવે. તે માટે પતિઓ પાસે ટુકડો જમીનની માગણી કરી. તો પતિઓએ ના પાડતાં કહ્યું કે તમારું કામ ઘર અને બાળકો સંભાળવાનું છે તે જ કરો. ખેતી અમે કરીશું. તે છતાં સતત માગણી ચાલુ રાખતાં આખરે ટુકડો જમીન તેમને મળી. બધી સ્ત્રીઓ સાથે મળીને ઓછા પાણી અને ખાતરથી શાકભાજી ઉગાડવા માંડી. જે ઘરને પૂરા થઈ રહેતા ને વધે તે વેચી શકાતા. ધીમે ધીમે કામ કરતાં તેમનામાં આત્મવિશ્ર્વાસ વધતાં તેમને થયું કે સરકાર અનેક સ્કિમ લાવે છે ગામડાંની સ્ત્રીઓ માટે તો તેનો લાભ પણ લેવો જોઈએ. ઓસ્માનાબાદ જઈ તેની તપાસ કરી, પણ સરકારી અધિકારીઓએ તેમને દાદ ન આપી. પણ હિંમત હાર્યા વિના તેઓ ગ્રુપમાં જવા લાગી. છેવટે તેમણે સેલ્ફ હેલ્પ ગ્રુપ બનાવ્યું. ૨૦ રૂપિયાની નાની રકમથી બચતની શરૂઆત કરી હતી આજે ૨૦૦ ગ્રુપ છે અને તેમનું ટર્નઓવર આજે એક કરોડથી વધુ છે. ગામમાં અનેક વેપાર વિકસ્યા છે. ડેરી, પોલ્ટ્રી, શાકભાજી, સિવણકામ વગેરે. સિવાય દરેકે પોતાના ઘરનું ફર્નિચર પણ જાતે જ બનાવવાનું નક્કી કર્યું છે. આજે એ ગામમાં કોઈને માથે દેવું નથી. ગામના ઉત્કર્ષ માટે સ્ત્રીઓ આજે પણ સતત નવા નિર્ણયો લે છે. આર્થિક નિર્ણયો પણ તેમનાં જ હાથમાં છે. આ બધી સિક્રેટ સુપરસ્ટાર્સ વિશે મોટાભાગના અખબારોમાં વાંચવા મળતું નથી. ગ્લેમરની દુનિયામાં જ સુપર સ્ટાર હોય તે જરૂરી નથી. નાનકડાં ગામની અભણ સ્ત્રીઓ પોતાના બાળકો અને પરિવાર માટે જે નિર્ણયો લઈને જીવનને બદલે છે તે ખરેખર સરાહનીય છે. તેમને કદાચ લેટેસ્ટ લિપસ્ટિકના શેડ્સ કે ફેશનની ખબર નહીં હોય. પણ તેમને ખબર છે પોતાના બાળકોના ભવિષ્યની અને ભૂખની. જીવનની ખરાબ પરિસ્થિતિઓની સામે ઝીક ઝીલવાની તેમનામાં હિંમત છે.
You Might Also Like

0 comments