બ્લ્યુ ગર્લનો ગુનો હતો સ્ત્રી હોવું

21:32











ઈરાન-અમેરિકાના શીત યુદ્ધની વચ્ચે સ્ત્રીને રમતગમત જોવા માટે સજા કરતી ઈરાનની સરકાર વિરુદ્ધ  યુદ્ધ માં ઈરાન પારોઠના પગલાં ભરશે. 




ઈરાન અત્યારે વિશ્વભરમાં ચર્ચામાં છે બ્લ્યુ  ગર્લ ભૂરી છોકરીને કારણે.  ઈરાન ૨૦૨૨માં ફિફા ફૂટબોલ વર્લ્ડ કપમાં પ્રવેશ મેળવવા  ઓક્ટોબરમાં ક્વોલિફાયર મેચ રમવાનું છે તે સમયે  ૨૯ વરસની સહર ખોદાયારી ઈરાનની એસ્ટેગલ સોકર ક્લબની ડાય હાર્ડ ફેને આત્મદહન કરતાં સપ્ટેમ્બરના રોજ મૃત્યુ પામી. તેનો ગુનો એટલો હતો કે તે સ્ત્રી તરીકે ઈસ્લામ રાષ્ટ્ર ઈરાનમાં જન્મી. તેણે ફુટબોલની મેચ જોવા બ્લ્યુ વીગ અને બલ્યુ ઓવરકોટ પહેરી પુરુષના દેખાવ સાથે માર્ચ મહિનામાં સ્ટેડિયમમાં પ્રવેશવાનો ગુનો કર્યો હતો. ઈરાનમાં ૧૯૭૯ની સાલથી સ્ત્રીઓને પુરુષોની રમત ફુટબોલ, વોલીબોલ વગેરે સ્ટેડિયમમાં જોવા જવા પર પ્રતિબંધ છે. પ્રતિબંધ વિરુદ્ધ અત્યાર સુધી વિરોધ તો થતો હતો પણ વખતે સોશિયલ મીડિયા પર આખી દુનિયામાં બ્લુ ગર્લ હેશ ટેગ દ્વારા છવાઈ ગઈ છે. સહરની પ્રિય  ફુટબોલ ટીમ બ્લ્યુ રંગ પહેરતી હતી. 
તે જ્યારે માર્ચમાં પકડાઈ ત્યારે ત્રણ દિવસ જેલમાં હતી, ત્યારબાદ તેને જામીન પર મુક્ત કરવામાં આવી હતી. તેનો કેસ હજી કોર્ટમાં ચાલી રહ્યો હતો. કહેવાય છે કે સપ્ટેમ્બરના તે એનો ફોન લેવા માટે તહેરાનની કોર્ટમાં ગઈ હતી ત્યાં એને સાંભળવા મળ્યું કે જો તે કેસ હારી જશે તો તેને મહિના કે વધુ વખત માટે જેલમાં જવું પડશે. બસ તેણે બહાર આવીને જાતને સળગાવી દીધી. સદીઓથી પિતૃસત્તાક માનસિકતા સામે બળવો પોકારનારી સ્ત્રીઓને ગાંડી ઠેરવવાના પ્રયત્નો થયા છે રીતે સહરને એક વરસથી  બોય પોલર બીમારી હતી એવું સ્ટેટમેન્ટ તેની બહેને અખબારને આપ્યું હતું.  જો કે હવે ઓક્ટોબર મહિનામાં  ઈરાન સ્ત્રીઓને સ્ટેડિયમમાં જઈને ફિફા પ્રવેશ માટેની ફુટબોલ રમત જોવા મળી શકે એવી શક્યતાઓ રચાઈ રહી છે. ઈરાનની સરકાર અમેરિકા કે ઈરાક સામે ભલે ઘુંટણ ટેકે પણ સ્ત્રીઓને સમાન અધિકાર આપવો પડશે. 

  સાઉદી અરેબિયામાં તો ૨૦૧૮ની સાલથી  સ્ત્રીઓ પર  ફૂટબોલની મેચ જોવા માટેની પાબંદી હટાવી દેવામાં આવી છે.  સહરના આત્મદહન બાદ ઈરાનમાં પુરુષો પણ સ્ત્રીઓને રમતગમત જોવા માટે સ્ટેડિયમમાં પ્રવેશ આપવાની માગણી કરી રહ્યા છે. જો ઈરાનની સ્ત્રી વિરોધી નીતિ બદલાય તો ઈરાનની ફુટબોલ ટીમને ફિફા વર્લ્ડકપ માટે પ્રવેશ અપાય તેની પણ વિચારણા ફિફાના આયોજકો કરી રહ્યા છે. વિશ્વભરમાં સોશિયલ મીડિયા પર સહરની મોત બાદ ઈરાનની સ્ત્રી વિરોધી નીતિનો વિરોધ થઈ રહ્યો છે.  મુસ્લિમ રાષ્ટ્રોમાં સ્ત્રીઓ માટે ઘણી પાબંદીઓ અમલમાં છે તે છતાં બદલાવ આવી રહ્યો છે,   સાઉદી અરેબિયાએ સ્ત્રીઓને સમાન અધિકાર આપવાની શરૂઆત કરી છે. પહેલાં તો તેમને મત આપવાનો અધિકાર આપ્યો. સ્ત્રીઓ ચૂંટણીમાં પણ ઊભી રહેવા લાગી. સ્ત્રીઓને ડ્રાઈવિંગનો પણ અધિકાર આપ્યો. અને હવે તેમણે સ્ત્રીઓને સ્પોર્ટસ માણવાનો પણ અધિકાર આપ્યો છે.

કેટલાક મુસ્લિમ રાષ્ટ્રોમાં હજી સ્ત્રીઓને બહાર એકલા ફરવાની કે જીવનને પોતાની રીતે માણવાની સ્વતંત્રતા નથી હોતી. રમતગમત પણ ફક્ત પુરુષોનો અધિકાર માનવામાં આવે છે. પુરુષો રમતા હોય તે રમતો પણ સ્ત્રીઓ સ્ટેડિયમમાં જઈને જોઈ શકે નહીં. તેમના રાષ્ટ્રની ટીમ આંતરરાષ્ટ્રિય રમતમાં ભાગ લે અને મેચ ચાલતી હોય તો સ્ત્રીઓ રાષ્ટ્રના આનંદમાં સહભાગી થઈ શકે. તે છતાં પોતાની સ્વતંત્રતા માટે કેટલીક સ્ત્રીઓ કાયદાની સામે બાથ ભીડે છે. પણ સ્વતંત્રતાની લડાઈ છે.

ધર્મ કે દેશ કોઇપણ હોય હજી આજે પણ સ્ત્રીઓને દાબમાં રાખવાના પ્રયત્નો યેનકેન પ્રકારે થતાં હોય છે. ગ્લોબલ વિલેજ બની ગયેલા આજના યુગમાં પણ અનેક રીતે  સ્ત્રીઓને ગુલામીનો અહેસાસ થતો હોય છે. તેમાંથી કોઇક વિરલ નારી હોય છે જે ચીલો ચાતરવાનો પ્રયત્ન કરે છે. ઈરાનમાં તો મહિલાઓને હજી પણ કોઈ છૂટ નથી. સહર પહેલી છોકરી નથી જેને સ્ટેડિયમમાં મેચ જોવા માટે સજા થઈ છે. ૨૦૧૪ની સાલમાં એક ઇરાની ભાઈએ પોતાની બહેનને બચાવવાની વૈશ્વિક અપીલમાં સાઈન કરી હતી.તે સમયે ૨૬ વરસની બ્રિટિશ- ઇરાનીઅન ગોનચેહ ગાવામી નામની મહિલાને જેલની સજા થઈ હતી અને હાલ તે મુક્ત હોવા છતાં ઈરાનની બહાર પ્રવાસ કરી શકે. તેના પર અનેક પાબંદીઓ સરકાર દ્વારા લગાવવામાં આવી છે. તેનો ગુનો એટલો હતો કે તેણે વોલીબોલની મેચ જોવા સ્ટેડિયમમાં જવાનો પ્રયત્ન કર્યો હતો. તેને એક વરસની જેલની સજા થઈ હતી પણ વૈશ્વિકસ્તરે ઇરાનીઅન સરકારને સાત લાખ લોકોએ ગાવામીને છોડી દેવાની અપીલ કરતા સરકારે તેને ૨૦ હજાર ડૉલરનો દંડ કરી પાંચ મહિના જેલમાં રાખ્યા બાદ મુક્ત કરી હતી. ઇરાનમાં છોકરીઓને પુરુષોની મેચ સ્ટેડિયમમાં જોવા જવા પર પાબંદી છે. જો છોકરી કોઇપણ રમત સ્ટેડિયમમાં જોવા જાય તો તે ગુનેગાર ગણાય છે. તે સમયે ઈરાન અને ઈટલી વચ્ચે ફાઈનલ વોલીબોલની મેચ રમાઈ રહી હતી. ગાવામી સહિત બીજી પણ કેટલીક મહિલાઓએ તેમના પ્રવેશનો વિરોધ કરતાં પોસ્ટર લઈને સ્ટેડિયમની બહાર દેખાવો કર્યા હતા. સહરના મૃત્યુ પામવાના સમાચાર વાંચતા થોડાં વરસો પહેલાં જોયેલી ઇરાની ફિલ્મ યાદ આવી ગઈ. જો કે તેનો અંત આટલો ખરાબ નહોતો.

ઓફ્ફ સાઈડ  ફિલ્મ ૨૦૦૬ની સાલમાં ઇરાનના પ્રસિદ્ધ દિગ્દર્શક જાફર પન્હાઈએ બનાવી છે. આંતરરાષ્ટ્રિય ફિલ્મ ફેસ્ટિવલમાં તે ખૂબ વખણાઈ હતી. અને ટેલિવિઝનમાં વિશ્વની ફિલ્મો બતાવતી ચેનલમાં પણ પ્રસિદ્ધ થઈ હતી. જો કે ફિલ્મ ઈરાનમાં દર્શાવી શકાઈ નહોતી. ફિલ્મ કોમેડી છે. પણ કહે છે ને દરેક હાસ્ય પાછળ એક દર્દ છુપાયેલું હોય છે. તેમ ફિલ્મ જોનાર દરેકને તેનો અનુભવ થાય છે. ૨૦૦૬ની સાલમાં ઇરાને બહેરિનને ફૂટબોલમાં હરાવીને જર્મનીમાં થનાર વર્લ્ડ કપમાં પ્રવેશ મેળવ્યો હતો. કલ્પના કરો કે હજી ભારતે ક્યારેય ફૂટબોલની ક્વોલિફાઈંગ મેચમાં જીત મેળવી નથી. તો ઇરાનમાં તે અંગે કેટલી ઉત્તેજના હશે. ફિલ્મમાં ખરી મેચ અને તેની ઉત્તેજના પુરુષ જેટલી અનુભવતી પાંચ છોકરીઓની વાત કરવામાં આવી છે. પાંચ ઇરાની છોકરીઓ નક્કી કરે છે કે પુરુષ વેશ પહેરીને સ્ટેડિયમમાં જઈને મેચની લાઈવ મજા માણવી. પાંચે છોકરીઓ ફૂટબોલની ડાઈહાર્ડ ફેન છે. છોકરીઓના સ્ટેડિયમ સુધીનો પ્રવાસ, પોલીસના હાથે પકડાવાના પેતરાં, પકડાઈ ગયા બાદ છૂટવાના પેંતરા વગેરેને દિગ્દર્શકે ખૂબ રમૂજી રીતે દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. ફિલ્મ તમને છેલ્લે સુધી જકડી રાખે છે. પણ તેના અંતે તો છોકરીઓ પકડાઈ જાય છે. છોકરીઓને પકડાઈ જવાનો અફસોસ નથી હોતો પણ મેચ જોઈ શક્યાનો અફસોસ હોય છે. પોલીસવાનમાં બેઠા છતાં જીતના માહોલમાં ડૂબેલા ઇરાન સાથે તેઓ ઐક્ય અનુભવે છે. ફિલ્મ કોઇપણ જાતની ચળવળની વાત નથી કરતી. તેમાં ફક્તને ફક્ત સ્પોર્ટસ માટેનો પ્રેમ કેન્દ્ર સ્થાને છે. ભાવને સ્ત્રી પુરુષનો જાતિય ભેદભાવ નડતો નથી જોઇ શકાય છે. ફિલ્મ શક્ય હોય તો દરેકે જોવી જોઇએ.

આજે પણ ફિલ્મમાં દર્શાવેલી સ્થિતિમાં કોઇ ફરક નથી આવ્યો. ઇરાનમાં છોકરી પોતાનો દેશ જે રમતમાં ભાગ લેતો હોય તે રમત જોવા જવાના ગુનામાં જેલ ભોગવે છે. ફિલ્મ બનાવવાની પ્રેરણા દિગ્દર્શકને પોતાની દીકરી પાસેથી મળી હતી. તેને કોઈપણ ભોગે સ્ટેડિયમમાં મેચ જોવા જવું હતું. જો કે દિગ્દર્શક પન્હાઈ તેની પત્ની અને પુત્રી સહિત ઈરાનમાં નજરકેદ છે. ત્યાં પણ કેટલાક શિક્ષિતપુરુષો સ્ત્રીને સમાન અધિકાર આપવાની તરફેણમાં છે પણ કેટલાક કટ્ટર ધાર્મિક કાયદાઓના રખેવાળ સરકાર સ્ત્રીને સમાન અધિકાર આપતા ડરી રહી છે. કેટલાક મુઠ્ઠીભર માણસો આખીય દુનિયાના કાયદાઓ ઘડે છે. તેને તોડવાની પહેલ પણ મુઠ્ઠીભર માણસો કરે છે, બાકીનો સમાજ ગાડરિયા પ્રવાહની જેમ બંધનો અને ખોટી માન્યતાઓમાં જીવી જાય છે. કંઈક તુફાની કરવાની હિંમત આજની મહિલાઓ કેળવી રહી છે ખરી, પરંતુ સમાજને બદલાતા હજી સમય લાગશે.  સોશિયલ મીડિયા ફક્ત ટાઈમપાસ માટે નહીં પણ જાતિય સમાનતા માટે પણ ઉપયોગી બની રહ્યું છે તે સ્વીકારવું રહ્યું. ઈરાનમાં સ્ત્રીઓને સ્ટેડિયમમાં પ્રવેશ અપાશે તો તેમાં સોશિયલ મીડિયાનો મોટો હાથ હશે.  



You Might Also Like

0 comments