ખોટ્ટો, મુઢ્ઢો અને ઓન્ડી ખાધી છે?

23:30

 




મહેશ્વરી ઉદ્યાનનીના એક કોર્નર પર  કિંગસર્કલ, ગાંધી માર્કેટથી દાદર તરફ પાંચ મિનિટના વોકિંગ ડિસ્ટન્સ પર ઇડલી હાઉસ છે. જરા ગોતવું પડે ધ્યાનથી કારણ કે જોઇન્ટ આમ તો જાણીતું છે પરંતુ,એક ગાળામાં નાનકડી ઉડીપી રેસ્ટોરન્ટ ધ્યાન બહાર પસાર થઇ શકે છે. અહીં ફક્તને ફક્ત ઈડલી મળે છે. ઢોસા કે તો મેંદુ વડા કે કોઈ બીજી દક્ષિણ ભારતીય વાનગી.  રામા નાયકના પૌત્ર શશાંકને કહે છે  કે જો મેકડોનાલ્ડ કે બીજા બધા ફાસ્ટફુડ ફટાફટ કે ચાલતા ખાઈ શકાય તો ઈડલી શા માટે નહીં. હા, તેને ચાલતાં ચાલતાં વડાંપાઉની જેમ તો ખાઈ શકાય, પણ તમારે ફટાફટ નાસ્તો કરીને જવું હોય તો એવું શક્ય બની શકે અને તેને માટે બહુ મોટી જગ્યાની જરૂર નથી.  આમ તો વિચાર પિતા સતીષને આવ્યો પણ તેને સાકાર સ્વરૂપ આપવામાં શશાંકે રસ લીધો. અંદર એકબાજુ પ્લેટ મૂકીને ઊભા રહીને ફાસ્ટ ફુડ જોઇન્ટની જેમ ખાવાની સગવડ છે તો બીજી બાજુ ત્રણેક ટેબલ પણ છે. જોઇન્ટ બનાવવા પાછળ સતીષ નાયકનો ઇરાદો હતો કે આપણી ભારતીય વાનગી ઇડલી તે પણ ઓથેન્ટિક ઉડીપી સ્ટાઈલમાં ફાસ્ટ ફુડની જેમ પીરસાય. એટલે કે લોકો ફટાફટ ખાઇને જઇ શકે.
ઈડલી હાઉસમાં આપેલા ઓર્ડરની રાહ જોતાં વિચાર આવ્યો કે ઈડલીની શોધ કોણે કરી હશે ત્યાં જોયું તો ડાબી તરફ ઈડલી અને સાંભારના જન્મની કથની લખેલો કાગળ નોટિસ બોર્ડ પર લગાવેલો છે.  હુ ઈન્વેન્ટેડ ઈડલી…. વાંચતા સમજાયું કે ફુડ હિસ્ટોરિયન કે.ટી. આચાર્યએ નોંધ્યું છે કે ઈડલીએ ઈન્ડોનેશિયાના કેડલી વાનગીનો અવતાર  હોઈ શકે  છે.  કેડલી આથાવાળી વાનગી છે જે ઈન્ડોનેશિયામાં ખૂબ લોકપ્રિય છે. આઠમી સદીમાં ઈન્ડોનેશિયાનો  હિન્દુ રાજા પોતાના માટે કન્યા શોધવા માટે દક્ષિણ ભારત આવ્યો. રાજા હતો એટલે સાથે તેના રસોઈયા પણ હતા. રસોઈયાએ રાજા માટે સવારના નાસ્તા માટે કેડલી બનાવી ત્યારે ભારતીય રસોઈયાઓએ તેને પોતાની રીતે મોડિફાઈડ કરીને ઈડલી બનાવી.  જો કે ઈન્ડોનેશિયામાં કેડલી નામની વાનગીનો ઉલ્લેખ જાનકી લેનિનને કશે મળ્યો નથી એની પણ નોંધ ગુગલ કરતાં જડે છે.  ૯૨૦ની સાલમાં કન્નડ ભાષાના શિવકોટી આચાર્ય નામના વિદ્વાને અડદની દાળમાંથી બનાવાતી ઈડ્ડાલીજ નો ઉલ્લેખ કર્યો છે. ૧૧૩૦માં ચાલુક્ય રાજા અને વિદ્વાન સોમેશ્વર-૩એ તૈયાર કરેલ એન્સાયક્લોપિડીયામાં ઈડલી બનાવવાની રીત નોંધી છે. આપણે ત્યાં આથો આવેલા ઢોકળા ઈદડા પ્રખ્યાત છે. પણ ઈડલીની બહેન કે ભાઈ થાય ને ?  સાંભાર વિના ઈડલીની કલ્પના થઈ શકે તે સાંભારની શોધ લગભગ સત્તરમી સદીની શરૂઆતમાં મરાઠા રાજ્યના સ્થાપક ઈકોજીના દીકરા શહાજી ભોંસલેના રસોડામાં થઈ.  તમને થશે બસ હવે ઈડલી-સાંભાર જેણે પણ શોધ્યા  હોય આપણને તો ટેસ્ટી ઈડલી ખાવાનાથી મતલબ. તે છતાં જેમને વધુ વાંચવું હોય તો ઈડલી હાઉસ જઈ શકે છે.
ઈડલી હાઉસમાં  દરેક ચટણી અને ઈડલી તાજી મળશે. અને દરેક ઈડલીને ચોક્કસ રીતે ખવાય. દાળ, સાંભાર કે કઈ ચટણી કે પછી કોપરાના તેલ સાથે કે સફેદ માખણ સાથે. અહીં કેટલીક ઈડલીની જે વરાયટી મળે છે તે પહેલાંના જમાનામાં ઉડિપીના લોકો બહારગામ જાય ત્યારે પ્લાસ્ટિકની થેલીઓ તો હતી નહીં એટલે પાનમાં વીંટાળીને લઈ જતા. પાનમાં કેટલીક ઈડલીઓ બનવા લાગી. ખાસ કરીને ઓન્ડી, મુઢો, ખોટ્ટો ઈડલીના નામ છે. 
ઇડલી નામ પડતા આપણી નજર સમક્ષ ગોળ સફેદ ઇડલી નજરે પડે . પણ અહીં તમારે વિચારવું પડે કે કઇ ઇડલી ખાવી છે, અને વળી તેની સાથે જુદા જુદા પ્રકારની ચટણી અને તલનું તેલ, સાંભાર,રસમ પણ પીરસાય.દરેક પ્રકારની ઇડલી ચાખવા માટે તમારે અહીં બે ત્રણ વાર જવું પડે. કારણ કે ઇડલીની સાઈઝ પણ મોટી હોય છે. સાદી સ્ટીમ ઇડલી તમને કોપરાની ચટણી જેમાં હીંગનો વઘાર કરેલો હોય તે મળે. ખોટ્ટો માણસ નહીં પણ ઇડલીનું નામ છે. ફણસના પાંદડામાં ઇડલીના રવાને બાંધીને તેને સ્ટીમથી પકવવામાં આવે. મુઢો કેવડાના પાનમાં પકાવેલી ઇડલી હોય. પાનની ટિપિકલ ગંધ પણ તેમાં ભળવાને કારણે સુગંધ અને સ્વાદ પણ જુદો આવે.  ઓન્ડી ઈડલી ગોળ લાડવા જેવી હોય. તેમાં ચોખા સાથે કોપરું પણ હોય છે.  તેને બનાવવાની રીત અટપટી છે તમે ઈચ્છો તો ત્યાં જઈને જાણી શકો છો. રીતે ઇડલી બનાવવા પાછળ આર્યુવેદ પણ કામ કરે છે.  બન્ને સાથે કોપરાની પણ અલગ સીઝનીંગ કરેલી ચટણીઓ પીરસાય તો મલગાપુડી ચટણી પણ અપાય જેમાં તલનું તેલ રેડીને ખવાય. કોઇમ્બતુરી બટર પણ ઇડલી પર લગાડાય. તે સિવાય ઇડલી ઉપમા, પેપર ઇડલી ( મરી ઇડલી) , કાંચીપુરમ ઇડલી, કાકડી ઇડલી અને ઉપવાસમાં ખાવા માટે સેમોલિના એટલે કે સામાની ઇડલી પણ મળી શકે. 
દરેક પ્રકારની ઇડલીના સ્વાદ ચાખતા અમે ગોટે ચઢી ગયા કે કઇ ઇડલી વધારે સારી અને કઇ ઇડલી અમને વધુ ભાવી. પણ એક વાત ચોક્કસ કહી શકાય કે ઇડલી ખાવામાં હેલ્ધી છે અને ટેસ્ટી છે. સવારે નાસ્તામાં , બપોરે ભોજનમાં, સાંજના નાસ્તામાં  અને રાતના ડિનરમાં પણ ખાઈ શકાય. ઇડલી ખાધા પછી ઉડીપી ફ્રેશ બીન્સ ફિલ્ટર  કોફી તો પીવી પડે. અને હા, તમારે મલગાપુડી ચટણી કે કોફી પાવડર ઘરે લઈ જવો હોય તો પણ અહીં મળે છે. બે જણ સો રુપિયામાં પેટભરીને અહીં ખાઈ શકે છે. અર્થાત વિદેશી ફાસ્ટ ફુડ કરતાં સસ્તું અને હેલ્ધી પણ ખરું .
અહીં મળતી જાતભાતની ઇડલી વિશે અને તેને ખાવા વિશેની દરેક માહિતી વેઇટરો પૂરી પાડી શકે છે. તેઓ જે કહે તે રીતે ઇડલીને ખાઇ જોજો, કંઇક હટકે ખાવાનો સ્વાદ માણવા જેવો છે. પણ હા, સોમવારે જતાં ઇડલી હાઉસ બંધ હોય છે. બાકીના દિવસોમાં  સવારે થી   રાતના ૧૦ વાગ્યા સુધી તમે તાજી બનાવેલી ઇડલીઓ ખાવા જઇ શકો છો.  એકલા કે મિત્રો સાથે એઝ યુ વિશ. 

You Might Also Like

0 comments