અંદર કી બાત હૈ 10-9-14

06:56


ઘણી યે વાર ગૃહિણીઓ પૂછે કે હવે છોકરા મોટા થઈ ગયા. સમય પસાર નથી થતો તો શું કરવું ? તેમને કહીએ કે તમારી આસપાસ નજર કરશો તો કરવા જેવા કામ અનેક મળી આવશે. કંઇ નહીં ને ઘરમાં કે મકાનમાં તમારા માટે કામ કરતાં માણસોને શક્ય તે રીતે મદદરૂપ થવાનું વિચારી શકાય. પણ બીજા માટે કામ કરવાની કે મદદરૂપ થવાની સહજ ઇચ્છા હોવી આવશ્ય છે. સુરતના ઇચ્છાનથ વિસ્તારમાં રહેતી એક ગૃહિણી વરસોથી સમાજ સેવાનું કામ સહજતાથી અને કોઇપણ સંસ્થાની મદદ વગર કરી રહી છે. તેમનું નામ મીના મહેતા. ફક્ત એસએસસી સુધીનું શિક્ષણ પણ કામ કરવાની અને વિચારવાની રીત જોઇને તેમને સલામ કરવાનું મન થાય.
60 વર્ષિય મીનાબહેનને બે બાળકો છે. મુંબઈમાં જન્મ, ઉછેર અને શિક્ષણ અને  લગ્ન. 40 વરસ પહેલાં તેઓ  સુરત જઈને વસ્યા. લગ્ન બાદ બે બાળકો અને ઘરસંસાર. અન્ય ભારતીય સ્રીઓ જેવું જ રૂટિન જીવન. પરંતુ, મીનાબહેનને નવરા બેસવું જરાપણ ગમે નહી. પોતાની આવડત પ્રમાણે ઘરકામ અને બાળકના ઉછેર ઉપરાંત કોઇને કોઇ કામ કર્યા કરતા. એમ કહોને ગૃહ ઉદ્યોગ. સમોસા બનાવવા, ખાંડવી બનાવવી, થેપલા બનાવવા,ભરત ગુંથણ કરવું,  ડ્રેસ અન સાડીઓ વેચવી વગેરે વગેરે... હવે આ કામમાંથી જે નફો થાય તેમાંથી તેઓ તેમને યોગ્ય લાગે તે રીતે દાન કરી દેતા. બાળકોને માટે કપડાં, ગરીબોને સાડી કે અન્ય જરૂરિયાતની વસ્તુઓ વગેરે. સુનામી આવ્યા બાદ એક લેખ તેમના વાંચવામાં આવ્યો કે સુધામૂર્તિએ ચાર ટ્રક ભરીને સેનેટરી નેપકિન સ્ત્રીઓ માટે મોકલાવ્યા. મીનાબહેન કહે છે, હું સ્ત્રી છું અને મારે પણ દીકરી છે. સેનેટરી નેપકીનની જરૂરિયાત કેટલી હોય તે મને સમજાયું. જ્યારે ઘરબાર બધું જ ખતમ થઈ ગયું હોય ત્યારે આવી નાની બાબતે સ્ત્રીને કેટલી તકલીફ પડે તે સમજી શકાય એવી બાબત છે. એટલે મને વિચાર આવ્યો કે જ્યારે આવી કોઇ આફત ન હોય ત્યારે પણ ગરીબ બાળકીઓને કેટલી તકલીફ પડી શકે એની કલ્પના કરવી અઘરી નથી. વળી પાણીનો અભાવ, સ્વાસ્થયપ્રદ પરિસ્થિતિને  અભાવ અનેક રોગ પેદા થાય. અપૂરતા સાધનો અને પૈસાની તંગી વચ્ચે હાઈજીનનો ખ્યાલ કઈ રીતે આપી શકાય ?
કોઇપણ સંસ્થા સાથે જોડાવાની કે કોઇ સંસ્થા શરૂ કરવાની તેમની કોઇ તૈયારી નહોતી. પોતાનાથી થઈ શકે એટલું જ કામ કરવું તે નક્કી હતું. એટલે ઘરની આસપાસની સરકારી શાળામાં ભણતી છોકરીઓને આવી સેનેટરી પેડ આપવાનું નક્કી કર્યુ. તેમણે જઈને આ છોકરીઓને પૂછ્યું કે જો હું તમને આવી કિટ આપું તો તમે વાપરશો ? ત્યારે તેમના આશ્ચર્ય વચ્ચે તેમની આંખમાં ચમક અને સ્વીકાર જોયો તે કામ શરૂ કરવા માટે પૂરતો હતો. કેટલીક છોકરીઓ પાસે તો અન્ડરવેયર પણ નહોતા એ જાણીને તેમણે સેનેટરી પેડ સાથે બે અન્ડરવેયર અને સાબુની ગોટી પણ આપવાનું નક્કી કર્યું. તેમણે જ્યારે કામ શરૂ કર્યું ત્યારે અનેક લોકોએ નવાઈ સાથે પૂછ્યું પણ ખરું કે આવું તે કેવું કામ ? કેટલીક સ્ત્રીઓએ પણ સાંભળીને મોં મચકોડતાં કહ્યું કે અરે આવું ગંદુ કામ કરવાની શું જરૂર ? આપણે ત્યાં હજી માસિકને સહજતાથી સ્વીકાર નથી થતો. તેને ગંદુ અને ખરાબ કે પછી પાપ માનવામાં આવે છે. શહેરોના શિક્ષિત સમાજની વાત કદાચ અલગ હોય પણ હજી ગરીબ અને જૂનવાણી સમાજમાં આ જ માન્યતા હોવાથી હાઈજીન અંગે કોઇ ખ્યાલ રાખવામાં આવતો નથી. મીના બહેન કહે છે કે મેં થોડું સંશોધન કર્યું તો જાણવા મળ્યું કે ફક્ત 12 ટકા મહિલાઓ જ સેનેટરી પેડ વાપરે છે. બાકીની સ્ત્રીઓ પૈસાના અભાવે અનહાઈજેનિક રીતે કપડાંનો ઉપયોગ કરે છે. તેમાં સ્વચ્છતાં ન જળવાતાં અનેક રોગ થવાની સંભાવના હોય છે. વળી જ્યારથી તેમણે સ્કુલમાં આ કિટ છોકરીઓને આપવા માંડી ત્યારથી તેમની ગેરહાજરી પણ નહીવત થઈ ગઈ.
એવું જ નથી કે દરેક વ્યક્તિઓ તેમના કામની ટીકા જ કરતી. અનેક લોકોએ તેમના કામને બિરદાવ્યું અને પોતે પણ આર્થિક રીતે તેમાં સહાય કરવાની ઈચ્છા દર્શાવી. આજે તેઓ સુરતની સરકારી શાળામાં ભણતી 500થી વધુ છોકરીઓને તેઓ દર મહિને સેનેટરી પેડની કિટ આપે છે. ઉપરાંત અઠવાડિયે એક વાર તેઓ નજીકના પાર્કમાં જઈને બેસે છે. સાથે સોએક સેનેટરી પેડ, અન્ડરવેયર સાથેની કિટ રાખે છે. આસપાસની જે ગરીબ સ્ત્રીઓ કે છોકરીઓ આવે તેને તેઓ આપે છે. એક કિટની કિંમત લગભગ 70 રૂપિયા થાય અને તે માટે કોઇએ દાન આપવું હોય તો, દાતાને પણ કહે કે તમે જાતે જ છોકરીઓને વહેંચો. મીનાબહેન જાતે જ જઈને દરેક છોકરીઓને પોતાને હાથે આપે છે. એટલે કામમાં કોઇ ગરબડ ન થાય. તેમને મન એ બધી દીકરીઓને કોઇ અન્યાય ન થાય તે જ મહત્વનું છે. એટલે જ તેઓ ન તો પોતાનાથી થઈ શકે તેટલું જ કામ કરે છે. કોઇ તેમને સો  કે બસો રૂપિયા આપે તો પણ લઇ લે છે. કારણ કે તેમનું આ કામ દરમહિને થવું જ જોઇએ. હા તેઓ કોઇની પાસે સામેથી પૈસા માગવા નથી જતા. તેમનું સાફ મન અને કામ જોઇને લોકો સામેથી જ પૈસા આપવા લાગ્યા છે એટલે જ દર મહિને પ00થી વધુ છોકરીઓને નિયમિત કિટ આપી શકાય છે. પોતે પૈસા તેમાં ઉમેરે તે પાછા અલગ. તેમના પતિ અતુલભાઈ  કેમિકલના વેપારી હતા હવે તે પણ નિવૃત્ત છે. અને તેમના  કામમાં દરેક રીતે  સાથ આપે છે.
મીનાબહેન ખૂબ સરળતાથી કહે છે કે આ કામ નાનું કે મોટું, સારું કે ખરાબ છે તે કશું જ મેં વિચાર્યું નથી. પણ જરૂરી છે એટલું હું ચોક્કસ માનું છું. સ્ત્રીઓની માસિકની સમસ્યા વિશે ક્યારેય આપણે ત્યાં વિચાર કરવામાં નથી આવતો. તેની મને નવાઈ લાગે છે. એટલે મને જે સૂઝ્યું તે કરવા માંડ્યુ. કોઇ નામ કે ખ્યાતિ માટે નથી કરતી. પરંતુ, કામ જોઇને અનેક અખબારોએ લખ્યું અને લોકો સંપર્ક કરે છે, મદદરૂપ થાય છે ત્યારે વધારે દીકરીઓ સુધી પહોંચી શકવાનો આનંદ થાય છે. ગરીબ દીકરાઓને પણ અતુલભાઈ અન્ડરવેયર આપે છે. આવી મદદ કોઇ કરતું નથી.  વળી છોકરીઓને જે માસિક બચત થાય તે ઘરમાં અન્ય જરૂરિયાતની વસ્તુ લાવવામાં કામ આવવાની જ છે. અને સ્વાસ્થયપદ આદત પડે તે વધારમાં.
મીનાબહેન અને અતુલભાઈએ એક નિયમ રાખ્યો છે કે તેઓ રોજ એકાદ વ્યક્તિને શક્ય તે મદદ કરે. જેમકે કોઇને મિઠાઈ આપવી કે કોઇ ભિખારીને એકાદ આઇસ્ક્રિમ ખવડાવવો કે કપડાં આપવા કંઇ પણ. જો આ રીતે દરેક વ્યક્તિ પોતાનાથી શક્ય તેટલી મદદ કરે તો સમાજનો ચહેરો જરૂર બદલાય ખરું ને ? કંઇ નહીં તો ઘરઆંગણે  સ્વચછતાનું કામ પણ કરી જ શકાય. જો તમે એવું કંઇ કરતાં હો તો મને જરૂર લખો.


You Might Also Like

0 comments