શું હિંસા પુરુષના જનીનમાં વણાયેલી છે? 16-9-14

04:29


દુનિયામાં દરેક જગ્યાએ ચાલતી હિંસાના કેન્દ્રમાં પુરુષો છે. સીરિયા, ઇરાક, ઇઝરાયલ, હમસ, રશિયા, યુક્રેન અને આફ્રિકાના કેટલાક પ્રદેશો પણ, દરેક જગ્યાએ હિંસાનું તાંડવ ચાલી રહ્યું છે. તેને ડામવા વળી અન્ય દેશો કાજી બનીને વળી હિંસાનો આશરો લેશે. યુદ્ધ માટેના કારણો અનેક હોઇ શકે... ધર્મઝનૂન, દેશપ્રેમ, કોમપ્રેમ, સત્તા માટે પણ એમાં જ્યારે સ્ત્રીઓ અને બાળકોનો ભોગ લેવાય. નિર્દોષ નાગરિકોનો તો કેટલે અંશે કોઇપણ કારણ વ્યાજબી ઠરવાય ? આખરે તો હિંસા જ થાય છે ને ? હિંસામાં શા માટે પુરુષો જ જણાય છે? હિંસક રમતો કે વીડિયો ગેમ્સ પણ પુરુષોને ગમે છે. પુરુષત્વને સાબિત કરવાની એ મથામણો કહો કે હોર્મોન કહો પણ હિંસા અને પુરુષોને અલગ પાડવા મુશ્કેલ છે.

દુનિયાની જેટલી પણ લડાઈઓનો ઇતિહાસ જોઇશું તો તેના કારણમાં પુરુષો અને તેમનો અહમ્ જ છે. તો એ સિવાય પણ બળાત્કારથી લઈને ખૂનામરકી જેવી ઘટનાઓમાં પુરુષોનું પ્રમાણ વધારે છે. ગયા લેખમાં જોયું કે આત્મહત્યામાં પણ પુરુષોનું પ્રમાણ વધુ છે. મારું કે મરું વાળી સ્થિતિમાં હંમેશ રહેતા પુરુષે તેમાંથી બહાર આવવાનો માર્ગ વિચારવો કે નહીં? વિશ્વની અડધી વસ્તી સ્ત્રીઓની છે. તેમાં સ્ત્રીઓની આર્મી કે સ્ત્રીઓનું યુદ્ધ થયું તે વાર્તાઓ સિવાય કશે જ સંભળાતું નથી. હા સ્ત્રીઓ યુદ્ધમાં પણ, જેહાદમાં પણ હિંસા પુરુષો દ્વારા આચરવામાં આવે છે. શું પુરુષોની બાયૉલૉજિકલ હિંસક છે ? કેટલીક થિયરી કહે છે કે નથી. ઇતિહાસમાં સદીઓ પહેલાં મૂળે માનસિક રીતે સ્ત્રી અને પુરુષો સરખા જ હતા. ફક્ત પુરુષોની અપર બોડી વધારે સ્ટ્રોન્ગ હતી એટલે પણ ખેતીની શરૂઆત થતા. પુરુષોએ વધારે ખંતીલું કામ હાથમાં લીધું. હળ જોતરવું, ખેતર ખેડવા વગેરે કામો વધુને વધુ પુરુષ કરતો ગયો તેમ સ્ત્રી પુરુષ પર નિર્ભર બનતી ગઈ. આ નિર્ભરતા આર્થિક હતી. સ્ત્રી ઘર સંભાળતી, રસોઇ કરતી જો પુરુષ અનાજ પકવી લાવે. ધીમે ધીમે આ રીતે પુરુષ પાસે સત્તા આવતી ગઈ અને સ્ત્રી વધુને વધુ નિર્ભર થતી ગઈ. સત્તા આવતાં એ સત્તાને સાચવી રાખવાની દરેક તરકીબો અપનાવે અને જેની પાસે સત્તા ન હોય તે યેનકેન પ્રકારેણ સત્તા મેળવવા પ્રયત્નો કરે. 

ખેર, આજે અલ કાઈદા, ઇસ્લામિક અન્ય ગ્રુપો હિંસક રસ્તાઓ અપનાવે છે સત્તા સ્થાપવા માટે કે લોકોને ડરાવવા માટે ત્યારે ઇતિહાસના દશ જુલ્મગાર પુરુષોને યાદ કરીએ:

ઇદી અમીન દાદા - ૧૯૭૧થી ૧૯૭૯ના ગાળામાં તે યુગાન્ડાનો રાષ્ટ્રપતિ હતો. એના શાસનકાળમાં તેણે હ્યુમન રાઈટ્સનો ભંગ કર્યો છે. રાજકિય રીતે સત્તાનો દુરુપયોગ. ભારતીયોને યુગાન્ડામાંથી ધકેલી કાઢવા માટે ય હિંસાનો ઉપયોગ. તેના કાર્યકાળ દરમિયાન હિંસામાં ૮૦ હજારથી ૫ લાખ માણસોની કતલ થઈ હતી. જો કે, તેને પછીથી સત્તા પરથી ઊથલાવી પાડવામાં આવ્યો. તે ૨૦૦૩માં સઉદી અરેબિયાના જેદાહ શહેરમાં મૃત્યુ પામ્યો. 

અટિલા ધ હન - હનન રાજા ૪૩૫થી ૪૫૩ ના સમયગાળા દરમિયાન. પશ્ચિમી યુરોપના ઇતિહાસમાં તેને ખૂબ ક્રૂર, જુલ્મી વ્યક્તિ તરીકે યાદ કરવામાં આવે છે. તે સત્તા મેળવવા માટે બીજા પ્રદેશો પર સતત ચઢાઈઓ કરતો. અને તેના માર્ગમાં આવનારને ક્રૂરતાપૂર્વક હણી નાખતા સહેજેય વિચાર ન કરતો. 

ચંગીઝ ખાન - મોંગોલ એમ્પાયરના ગ્રેટ એમ્પરર..નોમેડિક ટ્રાઈબ્સ એટલે કે વિચરતી જાતિ વણઝારા જેવી અનેક આદિવાસી જાતિઓને તેણે પોતાની સત્તાનો હુકમ પાળવા માટે મજબૂર કર્યા હતા. તે ખૂબ જ જડ લશ્કરી શાસન ચલાવતો હતો. તેની સામે વિરોધ કરનાર પર તે જુલ્મ કરતાં અચકાતો નહીં. 

પોલપોટ - કંબોડિયાનો પ્રાઇમ મિનિસ્ટર ૧૯૭૬થી ૧૯૭૯. રેડિકલ કોમ્યુનિસ્ટ સત્તા સાથે તેણે શહેરો ખાલી કરાવવાની ધૂન ઊપડી હતી. લાખો લોકોને બેઘર, ભૂખ્યા તરસ્યા મરવા માટે છોડી દીધા હતા. તેના સત્તાકાળમાં હજારો લોકો પર તેણે જુલ્મ કરી મોતને ઘાટ ઉતાર્યા હતા. 

વ્લેડ ઈંઈંઈં - પ્રિન્સ ઑફ વલેચિયા ૧૪૫૬થી ૧૪૬૨ બાલ્કન ઉપર તેણે ખૂબ જ ક્રૂર રીતે અત્યાચાર કર્યા હતા. તેની ક્રૂર હિંસાને કારણે લોકો આજે ય તેને વેમ્પાયરની રીતે યાદ કરે છે. તે જીવતાં લોકોના આંખ, કાનને ચામડી ઊતરડાવતો. અને આ ક્રૂર હિંસા વચ્ચે તે જમતો. અમલાસ નામના શહેરના ૨૦ હજાર સ્ત્રી, પુરુષ અને બાળકોને તેણે શોધી શોધીને માર્યા હતા. શહેરમાં એક પણ વ્યક્તિને તેણે જીવતી જવા દીધી ન હતી. તે દરેકને મારવાની ક્રૂરમાં ક્રૂર પદ્ધતિઓ અપનાવતો. 

ઇવાન ઈંટ - રશિયાનો પહેલો સત્તાધીશ રાજા કહી શકાય. ૧૫૩૩થી ૧૫૪૭. ઇવાન ખૂબ જ બુદ્ધિશાળી હોવા ઉપરાંત માનસિક રીતે રુગ્ણ હતો. તેણે તો ક્રૂરતાની વાત સાંભળતા અરેરાટી થઈ આવે. તેણે પોતાના શહેરની ચારે તરફ દીવાલ ચણાવી હતી અને તેનું સૈન્ય કોઇને તેમાંથી બહાર ભાગવા ન દેતું. ઇવાન રોજ પાંચસોથી હજાર માણસોને ભેગા કરીને તેને ફ્રાઈગ પેનમાં તળતો કે જીવતો બાળતો. આવી રીતે રોજ માણસોને મરતા જોવાનો તે પાશવી આનંદ માણતો હતો. સાથે તે એના દીકરાને ય બેસાડતો. 

એડોલ્ફ ઇચમેન - મૂળ જર્મન પણ રીનીલેન્ડમાં હોલોકોસ્ટ ઓર્ગેનાઈઝર હતો. રીનીલેન્ડ નાનું ઇન્ડસ્ટ્રિયલ શહેર છે. બીજા વિશ્વયુદ્ધ વખતે તેને લાખો યહૂદીઓના ક્રૂર મૃત્યુ માટે જવાબદાર ઠેરવવામાં આવ્યો હતો. અને તેનો એને આનંદ હતો એવું કબૂલતાં તે ઇઝરાયેલમાં ફાંસીએ ચઢ્યો હતો. 

લિયોપોલ્ડ ઈંઈં - બેલ્જિયમનો રાજા લિયોપોલ્ડ એક નો આ બીજો દીકરો ૧૮૬૫માં ગાદી પર આવ્યો. તેણે આફ્રિકાના કોન્ગો વિસ્તારમાંથી રબર અને હાથીદાંત મેળવવા માટે અનેક જુલ્મો ત્યાંની પ્રજા પર કર્યા. જબરદસ્તી લોકોને ગુલામ બનાવવા અને તેમનું શોષણ કરતાં હિંસાનો પ્રયોગ કરવો. લગભગ ૩૦ હજાર કોન્ગોવાસીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા. 

એડોલ્ફ હિટલર - જન્મે ઓસ્ટ્રિયન જર્મન રાજકારણી ૧૯૩૪થી ૧૯૪૫ના સમયગાળા દરમિયાન તેણે નાઝીવાદ ઊભો કર્યો અને લાખો યહૂદીઓની કત્લેઆમ કરી. બીજા વિશ્વયુદ્ધની શરૂઆતનું તે કારણ બન્યો હતો. તેણે લગભગ ૬૦ હજાર યહૂદીઓને ટોર્ચર કરી મારી નાખ્યા હતા. 

જોસેફ સ્ટેલિન - ૧૯૪૧થી ૧૯૫૩માં તેના મૃત્યુ સુધી રશિયાનો નેતા હતો. બોલ્સેવિક રિવોલ્યુશન ૧૯૧૭ માં થયેલ રશિયન રિવોલ્યુશન દરમિયાન તે સક્રિય હતો. તેણે રશિયા પર લોખંડી જાપ્તો રાખ્યો હતો. અને લાખો લોકોને મારી નખાવ્યા હતા કે તેમને ભૂખે મરવા માટે મજબૂર કર્યા હતા. 

ઇતિહાસના દરેક પાના પર જુલ્મગારોની કથા છે. એક યા બીજી રીતે ઇતિહાસ દોહરાવય છે હિંસાને રૂપે માનસિકતા જ છે જે સત્તા અને હિંસાને દોહરાવે છે. શા માટે તે અટકતી નથી ? તે વિશે વિચાર કરવાની જરૂર છે. ધર્મના નામે હોય કે બીજા કોઇપણ નામે આખરે તો સત્તાને હાંસલ કરવાની જ વાત હોય છે. હિંસા જગતના કોઇપણ ખૂણામાં થાય પરંતુ, તેની અસર સમાજની માનસિકતા પર પડતી જ હોય છે. આપણે પણ જાણે અજાણે તેના હાથા ન બનીએ તે વિશે વિચારવાની તાતી જરૂર છે. 

૨૦૦૨ની સાલમાં થયેલા ગુજરાતનાં રમખાણો હોય કે મુઝફ્ફરનગરનાં રમખાણો હોય હિંસા અને જુલ્મગારો દરેક જગ્યાએ દરેક રૂપમાં છે. નાની નાની હિંસાઓ ક્યારે મોટું સ્વરૂપ લઇલે છે તે સમજાતું નથી. 

ઘરેલું હિંસાથી સત્તાને માટે થતી હિંસા વચ્ચે ય જાઝું અંતર નથી હોતું. સૂક્ષ્મ હિંસાને ય સમજીને બહાર આવવાની જરૂર છે. પૌરુષત્વ હિંસામાં નથી પણ અહિંસાને અપનાવવામાં છે. તેને સપોર્ટ ન કરવામાં છે.

You Might Also Like

0 comments