ટેકનોલોજી દ્વારા જીવનનો ઉઘાડ 24-9-14

00:32


શિક્ષણ કેવું હોવું જોઇએ? તેમાંય ખાસ કરીને ટેકનોલોજીનું શિક્ષણ જે બહુજન સમાજને ઉપયોગી થવા માટે હોવું જોઇએ. પણ આસપાસ આઈઆઈટી કે ટેકનોલોજીનું શિક્ષણ લેતાં મોટાભાગના લોકો પૈસા કમાવાના સાધન તરીકે જ જોતાં હોય છે. જે ટેકનોલોજી ક્ષેત્રે પણ કારકૂન જેવા બનીને રહી જાય છે. એટલું જરૂર કે તેમનો પગાર વધુ હોય છે. પણ એવા ય કેટલાક હોય છે જે ટેકનોલોજીને સંશોધન અને સમાજોપયોગી બનાવવા વિશે વિચારે અને તે દિશામાં જ આગળ વધે. એમ કરતાં તેઓ નામ અને દામ બન્ને કમાય છે. સાથે જીવનમાં કંઇક જુદું કરી શક્યાનો સંતોષ પણ મેળવે છે. 

ભારતમાં એવાં અનેક ગરીબ માતાપિતા છે જેમને પોતાના નવજાત બાળકને જીવાડવા માટે ઇન્ક્યુબેટર મળતું નથી કે મેળવી શકતાં નથી. કષ્ટદાયક સુવાવડ દ્વારા કે જન્મ સમયે ઓછું વજન ધરાવતા બાળકને આછા ગરમ હુંફાળા વાતાવરણમાં રાખવું પડે છે, જેથી મૃત્યુ સામે જંગ લડી શકે. અંતરિયાળ ગામોમાં, જ્યાં પ્રાથમિક તબીબી સારવાર મળવી મુશ્કેલ હોય ત્યાં ઇન્ક્યુબેટર જેવા સાધન મળવા તો અશક્ય જ હોય છે ત્યાં આવાં નવજાત બાળકો જન્મે ત્યારે તેમને બલ્બ, ગરમ પાણીની બોટલ કે હીટર દ્વારા પેદા કરાતું હુંફાળું વાતાવરણ બાળકને જીવંત રાખવા માટે ઉપયોગમાં લેવાતું હોય છે. એ ક્યારેક અકસ્માત નોતરી શકે છે. ભારતમાં દર ત્રીજું બાળક ઓછા વજનવાળું જન્મે છે તેને હાયપોથેમિયા થવાનો ભય રહે છે. ભારત જ નહીં અન્ય વિકસિત દેશોમાં પણ આ સમસ્યા હોય જ છે. પરિણામે દુનિયાભરમાં દર વરસે લગભગ બે લાખ બાળકો જન્મના પ્રથમ ચાર અઠવાડિયામાં જ મૃત્યુ પામે છે.

આપણે આવા ઘણા સંશોધનો વાંચતા હોઇએ છીએ. અનેક ભણેલા લોકો પણ આ હકીકત વિશે જાણતા હોય છે પરંતુ, કેટલીક વ્યક્તિઓ સહજતાથી સમાજને માટે પણ વિચારતી હોય છે. ૨૦૦૭ની સાલમાં સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના વ્યવસાય અને શોધ વિષયે અભ્યાસ કરતાં ચાર વિદ્યાર્થીને વ્યવસાયિક સ્તરે કામ કરી શકે તેવી અને છતાં ગરીબ વર્ગને પોષાય તેવી ઇન્ક્યુબેટરની ડિઝાઈન બનાવવાનું કહેવામાં આવ્યું. વળી આ ઇન્ક્યુબેટરની કિંમત બજારમાં મળતાં વીસ હજાર ડોલરના સાધનના એક ટકાની જ હોવી જોઇએ તે શરત હતી. કામ અઘરું હતું પણ વિદ્યાર્થીઓએ કરી દેખાડ્યું. કોલેજમાંથી પાસ થયા બાદ આ ચારે છોકરાએ તેમની આ શોધને વ્યવાસાયિક ધોરણે એમ્બ્રેસના નામે બજારમાં ઉપલબ્ધ કરવાનું કામ શરૂ કર્યું. આ ચાર છોકરાઓમાંથી બે છોકરા ભારતીય છે. અને બે છોકરા અમેરિકન છે. નાગાનંદ મૂર્તિ, રાહુલ પેનિકર,જેન ચેંગ અને લિનસ લિંઆંગે શરૂઆતમાં એટલે કે ૨૦૧૧ની સાલમાં ભારતની હોસ્પિટલોમાં આ બેબી રેપ જેવા ઇન્કબ્યુટરને વેચ્યું. ત્યારબાદ તેમણે સોમાલિયા અને ચીન જેવા દેશોમાં જ્યાં ઓછા વજન ધરાવતાં બાળકો વધુ પ્રમાણમાં જન્મે છે ત્યાં પણ તેનો પ્રસાર કર્યો. તેમને આ ઉપયોગી શોધ માટે એવોર્ડ પણ મળ્યો છે. એટલું જ નહીં હિલેરી ક્લિન્ટને ભારત અમેરિકન ઊચ્ચ અભ્યાસ સમિટ ૨૦૧૦માં આ છોકરાઓના એમ્બ્રેસના પ્રયાસને પોતાના વક્તવ્યમાં ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે ઊચ્ચ શિક્ષણ જગતના ઉપયોગ માટે પ્રયાસ કરે છે તે ગર્વની બાબત છે. 

આ ઇન્ક્યુબેટર હકીકતમાં બાળકને વીંટાળવાનું એવું સાધન છે જે ખાસ ગરમ રહી શકે તેવા કપડાંમાંથી બન્યું હોય. આ કપડાની ઝોળી કે જેમાં બાળકને મૂકીને વીંટાળીને રાખી શકાય તેને એકવાર ચાર્જરથી ગરમ કર્યા બાદ તે લગભગ છ કલાક સુધી બાળકને હુંફ આપી શકે છે. વળી તેનો ઉપયોગ કરવો પણ સહેલો છે. કોઇપણ અશિક્ષિત વ્યક્તિ પણ સરળતાથી તેનો ઉપયોગ કરી શકે છે. અને સસ્તું હોવાને લીધે તે ગરીબ અંતરિયાળ વિસ્તારમાં આવેલી હોસ્પિટલમાં પણ ઉપયોગી થઈ રહ્યું છે.અત્યાર સુધીમાં ભારત સહિત બીજા દશ દેશોમાં લગભગ ૫૦હજાર ઓછું વજન ધરાવતાં અને પ્રિમેચ્યોર જન્મેલાં બાળકો સુધી એમ્બ્રેસની હુંફ પહોંચી છે. એમ્બ્રેસ એક આંતરરાષ્ટ્રિય સ્તરની સામાજીક સંસ્થા છે અને તેની નોંધ દેશવિદેશમાં યોગ્ય રીતે લેવાઈ છે. તેમને સોશિયલ અને ઇકોનોમિક્સ ક્ષેત્રે નવી શોધ કરવા માટે ૨૦૧૩માં ઇકોનોમિસ્ટ ઇનોવેશન એવોર્ડ પણ મળ્યો છે. તેઓ ફક્ત પ્રોડક્ટ બનાવીને હાથ ઉપર કરીને નથી બેસી ગયા. આ સંસ્થા દ્વારા તેઓ માતા અને બાળકના સ્વાસ્થ્ય અંગે શિક્ષણ આપવાનું, તાલીમ આપવાનું અને સાથે ટેકનોલોજી દ્વારા મદદરૂપ થવાના પ્રયત્નો કરે છે. આ સંસ્થાની પોતાની વેબસાઈટ છે. ઊળબફિભયલહજ્ઞબફહ.જ્ઞલિ જેના ઉપર દરેક માહિતી સાથે જ તમે એમ્બ્રેસના કાર્ય સાથે તન, મન, ધનથી જોડાઈ પણ શકો છો. 

ઉચ્ચ શિક્ષણ લીધા પછી તેનો ઉપયોગ સમાજની સમસ્યાનું નિરાકરણ માટે કરવામાં આવે ત્યારે એને લોકોની દુઆ તથા ખ્યાતિ પણ મળે છે. બાકી દુનિયામાં હજારો બાળકો એન્જીનિયરિંગ કે નવીન શોધ માટે અભ્યાસ કરતાં હોય છે. તેઓ કદાચ વધુ પૈસા કમાઈ શકતા હશે, પણ આવા નાગાનંદ અને રાહુલ જેવા છોકરાઓ પોતાના દેશનું અને કુટુંબનું ગૌરવ વધારે છે. નાગાનંદ મૂર્તિ મુંબઈનો યુવાન છે તેણે પહેલાં આઇઆઈટી કર્યુ ત્યારબાદ તેણે ગ્લોબલ હેલ્થ સિસ્ટમનો અભ્યાસ કર્યો, કારણ કે તેને ખ્યાલ હતો કે ભારત જેવા વિકાસ કરી રહેલા અનેક દેશોના લોકોને યોગ્ય સારવારનો લાભ નથી મળતો.હાલમાં નાગનંદ એમ્બ્રેસ ટેકનોલોજીની એક ઓફિસ બેંગલોરમાં કાર્યરત છે.

You Might Also Like

0 comments