ઘરેલું હિંસાનો શિકાર પુરુષ પણ બની શકે

04:59

નટુભાઈને કિરીટભાઈના રૂમમાંથી જોર જોરથી અવાજ આવી રહ્યા હતા. લે લેતી જા, લેતી જા... અવાજ ન કરતી...વગેરે... સાથે તેની પત્નીનોય કણસતી હોય તેવો અવાજ આવી રહ્યો હતો. બાજુમાં રહેતા કિરીટભાઈના મિત્ર નટુભાઈથી ન રહેવાતાં તેમણે રૂમનું બારણું ખખડાવ્યું... કિરીટભાઈએ થોડીવારે બારણું ખોલ્યું એટલે નટુભાઈ ગુસ્સામાં બોલ્યા કિરીટ હવે કાયદા બહુ કડક થઈ ગયા છે. આમ બૈરાને ન મરાય... જેલમાં જાવું પડશે. આ સાંભળીને કિરીટભાઈ બારણું બંધ કરી બહાર આવ્યા ને નટુભાઈના કાનમાં ગણગણતા બોલ્યા ... નટુ મને ખબર છે પણ સ્ત્રીઓ પુરુષોને મારે તો શું ? આ તો હું માર ખાતો હતો સહેવાતું નહોતું, પણ પડોશીઓને ખબર ન પડે એટલે આ રીતે બૂમો પાડતો હતો. જેથી એમને લાગે કે હું માર ખાતો નથી.. યાર પુરુષ તરીકે મારી પણ કંઇ આબરૂ હોય ને.

આ જોક છે પરંતુ, માનો યા ના માનો પણ પુરુષો સુધ્ધાં ડોમેસ્ટિક વાયોલેન્સનો શિકાર બનતા હોય છે. ઘરેલુ હિંસામાં શારીરિક જ નહીં માનસિક હિંસા પણ ગણવામાં આવે છે. એ રીતે રાજા દશરથ પણ ડોમેસ્ટિક વાયોલેન્સના શિકાર બન્યા હતા એવું કહી શકાય. સ્ત્રીઓ પર આચરાતી હિંસાનું પ્રમાણ વધુ છે જ કારણ કે પિતૃસત્તાક સમાજવ્યવસ્થા અને માનસિકતા છે.પણ સ્ત્રી ચરિત્રને ય કંઇ ઓછું સમજવાની જરૂર નથી. સ્ત્રીને જો વ્યક્તિ તરીકે જોઇએ તો તેના ગુણઅવગુણ પણ જોવા જરૂરી છે. પુરુષો પર મોટે ભાગે ઘરેલુ હિંસામાં માનસિક હિંસાનું પ્રમાણ વધુ હોય છે. કારણ કે શારીરિક રીતે પુરુષ સ્ત્રી કરતાં બળવાન છે. એટલે જો શારીરિક રીતે કોઇ પુરુષ નબળો હોય તો જ સ્ત્રી પુરુષને શારીરિક ઇજા પહોંચાડવા સક્ષમ હોય છે. બાકી માનસિક રીતે બીજી વ્યક્તિને તોડી પાડવી સાવ સહેલી હોય છે.

જાણે અજાણે સ્ત્રીઓ પુરુષને તોડી પાડવાના અનેક પ્રયત્નો કરતી હોય છે. જેમ્સ બોન્ડનો ભૂતપૂર્વ સ્ટંટમેન એડી કીડ જેમ્સ બોન્ડની ફિલ્મ માટે એક બાઈક સ્ટંટ કરતા અકસ્માતમાં પગેથી પાંગળો બની ગયો હતો. તેનું જીવન હવે વ્હીલચેરમાં જ હતું. તેવામાં એડીની પત્ની સમાન્થા દારૂ પીને તેને લાફાઓ મારતી. અપશબ્દો કહેતી અને સતત ત્રાસ આપતી હતી. 

જ્યાં સુધી પુરુષપૂર્તિમાં આ કોલમ લખવાનું શરૂ નહોતું કર્યું ત્યાં સુધી પુરુષને પણ વિકટીમ તરીકે સમજવાનો કદાચ પ્રયત્ન નહોતો કર્યો. સામાન્યત: દરેક પુરુષને સ્ત્રીઓ સતત શંકાની નજરે જોતી હોય છે. આ પણ માનસિક ટોર્ચર છે. તે કબૂલવું જ રહ્યું. પુરુષોને માટે પણ કોઇ રિલેશનશીપમાંથી નીકળી જવું સહેલું નથી હોતું. હજી થોડો સમય પહેલાં જ લખ્યું હતું કે પુરુષો સૌથી વધુ આત્મહત્યા કરે છે. તેમાં ડોમેસ્ટિક વાયોલેન્સ પણ એક મોટું કારણ હોય છે. સ્ત્રીઓ માટે કાયદા જરૂરી છે પણ તેનો દૂરપયોગ થતો હોય ત્યારે માનસિક,આર્થિક રીતે ખતમ થઈ જતાં પુરુષને જોયો હોય તો સમજાય કે આ પણ એક પ્રકારની હિંસા છે જે સ્ત્રીઓ દ્વારા પુરુષો પર આચરવામાં આવે છે. સ્ત્રી કમાતી હોય તો પણ પુરુષ પાસેથી એલીમની લેશે. સ્ત્રીના મોજશોખ પૂરા કરવા માટે પુરુષે કમાવું પડે તે પણ એક જાતનું માનસિક ટોર્ચર જ હોય છે. કાયદાકીય રીતે પરેશાન થતાં પુરુષો વિશે અનેકવાર લખાયું હશે. પણ જે કેસ કોર્ટમાં નથી પહોંચતા અને માનસિક ડિપ્રેશનમાં પરિણમે છે. આત્મહત્યા થાય છે ત્યારે પણ પુરુષના પોઇન્ટ ઓફ વ્યુથી ક્યારેય લેખો નથી લખાતા. હા જો દહેજના કિસ્સામાં એક મોત થાય તો આંકડાઓનો અભ્યાસ કરીને અમે પત્રકારો લેખો લખી દેતા હોઇએ છીએ. સ્ત્રીના વ્યક્તિત્વના સ્વીકારની હવા ફેલાઈ રહી છે. પણ પુરુષના વ્યક્તિત્વનો સ્વીકાર કરવામાં સમાજ હવે વેરો આંતરો રાખી રહી છે. 

લાગણીઓ અનુભવતો પુરુષ જ્યારે સતત હડધૂત થાય કે તેની સતત અવહેલના કરવામાં આવે અથવા તેને સતત મહેણાંટોણાં કે ઝઘડાથી ત્રાસ આપવામાં આવે તો એ પણ હિંસાનો જ એક પ્રકાર છે, પરંતુ પુરુષ પોતે પણ એનો સ્વીકાર કરવામાં નાનપ અનુભવે છે. એટલે બને છે એવું કે તે દારૂ પીશે, સિગરેટ પીશે કે મોટે ભાગે ઘરની બહાર રહેશે અથવા આત્મહત્યા કરશે. પુરુષ સક્ષમ હોય એટલે તેના મૃત્યુની કોઇ કિંમત નથી હોતી. માન્યું કે જુલ્મગાર પણ તે જ હોય છે એટલે લડાઈમાં પણ પુરુષ જ જાય અને મરે પણ સામે પુરુષ જ. ટાઈટેનિક જેવી ઘટના બને ત્યારે સ્ત્રીઓ અને બાળકોને બહાર નીકળવામાં પહેલાં પ્રાધાન્ય આપવામાં આવે છે કેમ પુરુષની દુનિયામાં જરૂરત જ ન હોય...? હું નાની હતી ત્યારે હજી યાદ છે કે ગામમાં એક ઘરે સ્ત્રીનું જ ચાલતું. પુરુષ બિચારો પોતાનો મત પણ કોઇ બાબતે વ્યક્ત કરી શકતો નહીં. અને જો ક્યારેક બોલવાનો પ્રયત્ન કરતો તો તરત જ તેની પત્ની કહેતી કે તમે તો બોલશો જ નહીં, ચૂપ રહો. તમને સમજ નહીં પડે આમાં... અને આ વાત તે પત્ની ઘરમાં અમારા જેવા મહેમાનોની અને પડોશીઓની હાજરીમાં કહેતી. નિમાણું થઈ જતું પુરુષનું મોઢું હજી યાદ છે. આવું એક યા બીજી રીતે આપણી આસપાસ બનતું જ હોય છે. ને તે સમયે પુરુષની પડખે બીજો પુરુષ પણ ઊભો નથી રહેતો. ઊલ્ટાનું તેની મજાક ઉડાવીને વધુ ટોર્ચર કરવામાં આવે છે. 

એક વ્યક્તિ વધુ શક્તિશાળી હોય માનસિક રીતે તો બીજી વ્યક્તિ પર તે ત્રાસ ગુજારી શકે છે. એક કુટુંબમાં સ્ત્રી વારે વારે પિયર જતી રહેવાની ધમકીઓ આપે કે મરી જવાની ધમકીઓ આપે. ઘરમાં બાળકોને પણ યોગ્ય ટિફિન આપીને શાળાએ પહોંચાડવાની જવાબદારી તે નિભાવે નહીં. પુરુષ શક્ય તેટલું ઘરનું કામ કરે અને નોકરીએ જાય. ઘરના કામ અંગે તે જો પત્નીને કહે તો બસ કાગારોળ કરી પુરુષને બદનામ કરે. ઝઘડાના ડરે પુરુષ બિચારો કંઇ બોલે નહીં અને ઘરના પણ શક્ય તેટલા કામ કરી નાખે. તેની પત્નીને સતત કંઇને કંઇ દુખાવો હોય. આ માનસિક ટોર્ચર નહીં તો બીજું શું ? ભારતમાં સ્ત્રી વિરૂદ્ધ ડોમેસ્ટિક વાયોલેન્સની ફરિયાદ થઈ શકે તેવા કાયદા પણ નથી અને માનસિકતા કે વાતાવરણ પણ નથી. પુરુષ ક્યારેય ડોમેસ્ટિક વાયોલેન્સનો ભોગ બની શકે જ નહીં તેવી માન્યતા છે. એને કારણે સ્ત્રીઓ આસાનીથી ગુનો કરીને ય ગુનેગાર ઠરતી નથી. સેવ ઇન્ડિયન ફેમિલી ફાઉન્ડેશનના જનરલ સેક્રેટરી રુકમાએ એક મુલાકાત દરમિયાન કહ્યું હતું કે દહેજ કે ડોમેસ્ટિક વાયોલેન્સનો કેસ સ્ત્રી દાખલ કરે તો છ મહિનામાં તેનો ફેંસલો આવી જવો જોઇએ. પણ એવું બનતું નથી. કેસ લંબાતા ખોટી રીતે જે પુરુષને સંડોવવામાં આવ્યો હોય છે તે વગર વાંકે સજા ભોગવે છે.વળી અન્યાય ક્યાં થાય છે કે કોર્ટમાં હીઅરિંગ સમયે પુરુષે દરેક વખતે હાજર રહેવું ફરજિયાત હોય છે નહીં તો તેને બેપરવા ગણી વાંકમાં લઈ લેવાય છે. જ્યારે સ્ત્રી હીઅરિંગ અટેન્ડ ન કરે તો કોઇ સવાલ ઊભો નથી કરાતો. પુરુષો પ્રત્યે આવું દોહ્યલું વર્તન કેમ ?

એવું પણ બને કે સ્ત્રી પોતાના ભાઈ, મિત્ર કે ગુંડા દ્વારા પુરુષ પર હુમલો કરાવે. તેને બને એટલો હીણપત અનુભવાવે. સ્ત્રીનો માર સહન ન કરીને સ્વબચાવ કરે તો તે ડોમેસ્ટિક વાયોલેન્સ કરે છે એવું ય સાબિત કરી શકાય અને જેલમાં જાય અને માર ખાય તો બાયલો કહેવાય. વળી કુટુંબ કે મિત્રો પણ પુરુષના પક્ષે ઊભું રહીને સપોર્ટ નહીં કરે. કારણ કે પત્નીની હિંસાનો ભોગ બનનાર પુરુષમાં પૌરુષીય ન માનીને તેને મજાકનું સાધન બનાવી દેવામાં આવે છે. એટલે મોટા ભાગના પુરુષો હિંસા સહન કરી લેશે પણ કહેશે નહીં. કેટલીક વાર સ્ત્રીઓ બાળકોનેય પિતા વિરૂદ્ધ ચઢાવશે તો માતાપિતાથી જુદા કરીને પતિની માનસિકતાનો વિચાર ન કરતી સ્ત્રીઓ પણ છે જ. ઘરેલું હિંસા માતા કે પત્ની કે બહેન દ્વારા પણ થઈ શકે. અને હવે તો ગર્લફ્રેન્ડ દ્વારા પણ કરવામાં આવી શકે. સંમતિથી થયેલા સેક્સને બળાત્કારમાં ફેરવી દેવું પણ સરળ બની ગયું છે. પુરુષોએ પણ પોતાની માનસિકતા બદલીને બીજા પુરુષની સમસ્યાઓ સમજવાનીને તેને પડખે ઊભા રહેવાની તૈયારી રાખવી પડશે. આજે જેન્ડર બાયસ એટલે કે જાતિય ભેદભાવમાં પુરુષ પણ પીડિત હોઇ શકે તે સ્વીકારવું પડશે. પુરુષ કરે કે સ્ત્રી અન્યાય તે અન્યાય જ છે તે માનવું રહ્યું.

You Might Also Like

1 comments

  1. પુરુષોને માટે પણ કોઇ રિલેશનશીપમાંથી નીકળી જવું સહેલું નથી હોતું. હજી થોડો સમય પહેલાં જ લખ્યું હતું કે પુરુષો સૌથી વધુ આત્મહત્યા કરે છે. તેમાં ડોમેસ્ટિક વાયોલેન્સ પણ એક મોટું કારણ હોય છે. સ્ત્રીઓ માટે કાયદા જરૂરી છે પણ તેનો દૂરપયોગ થતો હોય ત્યારે માનસિક,આર્થિક રીતે ખતમ થઈ જતાં પુરુષને જોયો હોય તો સમજાય કે આ પણ એક પ્રકારની હિંસા છે જે સ્ત્રીઓ દ્વારા પુરુષો પર આચરવામાં આવે છે. સ્ત્રી કમાતી હોય તો પણ પુરુષ પાસેથી એલીમની લેશે. સ્ત્રીના મોજશોખ પૂરા કરવા માટે પુરુષે કમાવું પડે તે પણ એક જાતનું માનસિક ટોર્ચર જ હોય છે. કાયદાકીય રીતે પરેશાન થતાં પુરુષો વિશે અનેકવાર લખાયું હશે. પણ જે કેસ કોર્ટમાં નથી પહોંચતા અને માનસિક ડિપ્રેશનમાં પરિણમે છે. આત્મહત્યા થાય છે ત્યારે પણ પુરુષના પોઇન્ટ ઓફ વ્યુથી ક્યારેય લેખો નથી લખાતા. હા જો દહેજના કિસ્સામાં એક મોત થાય તો આંકડાઓનો અભ્યાસ કરીને અમે પત્રકારો લેખો લખી દેતા હોઇએ છીએ. સ્ત્રીના વ્યક્તિત્વના સ્વીકારની હવા ફેલાઈ રહી છે. પણ પુરુષના વ્યક્તિત્વનો સ્વીકાર કરવામાં સમાજ હવે વેરો આંતરો રાખી રહી છે.

    ReplyDelete