લાગણીઓનું રાજકારણ
21:20
બે વ્યક્તિ જ્યારે લગ્ન કરવાનું વિચારે છે ત્યારથી જ લાગણીઓનું રાજકારણ શરૂ થઈ જાય છે. સત્તા અને સ્વાર્થની રમતો શરૂ થઈ જાય. પ્રેમ શબ્દનો ઉપયોગ થાય છે તે પણ વાઘા જ હોય છે એવું લાગે જ્યારે સેલિબ્રિટી અને સામાન્ય લોકોમાં છૂટાછેડાંના વધતા કિસ્સાઓ જોઈએ. એકબીજા પર દોષારોપણ કે કાદવ ઉછાળ થાય કે સમજૂતિથી છૂટા પડે, પરંતુ તેમાં મનદુખ કે રમત હોય જ છે. આજકાલ બોલીવૂડમાં જાણે લગ્ન વિચ્છેદની મોસમ ચાલી છે. કરિશ્મા કપૂરના લગ્ન વિશે જે રીતે સમાચારો પ્રગટ થઈ રહ્યા છે તે જોઈ નવાઈ લાગે. તો બીજી તરફ રિતિક રોશન અને સુઝાન, ફરહાન અખ્તર અને અધૂના જેવા લવકપલના છૂટાછેડાએ લોકોમાં આશ્ર્ચર્ય જન્માવ્યું હતું.
પુરુષ લગ્ન કરે છે ત્યારે એના મનમાં વિચાર હોય છે કે આ સ્ત્રી મારી છે. તેનો દેહ, મન, આત્મા બધા ઉપર મારો અધિકાર છે. એક જાતની સત્તા પ્રથમવાર મળ્યાનો અહમ્ સંતોષાય છે. તો સ્ત્રી માટે પણ એક પાવર ગેમ હોય છે લગ્ન. એક પરુષ જે પોતાના વ્યવસાયમાં નોકરીમાં સત્તા ભોગવે છે તે એની પાસે ઘૂંટણીયે પડે છે પોતાના શારીરિક સંતોષ માટે, કોઈ પુરુષને પોતાના આંગળીને ટેરવે નચાવી શકવાની તાકાત છે. આ બધા વિચારો બેક ઓફ માઈન્ડ હોય જ પણ કોઈ કબૂલે નહીં. લગ્ન એ ઍવરેસ્ટ રસ કરવા જેટલું કઠિન છે. મોટેભાગે લગ્ન કરનારી વ્યક્તિઓનું લાગણીતંત્ર પુખ્ત નથી થયું હોતું. તેમની લાગણીઓને કોઈ દિશા નથી મળી હોતી એટલે લગ્નની સાથે જ એ અવ્યવસ્થિત લાગણીઓ મનફાવે તેમ કબજો જમાવી લે છે. અનેક કિસ્સાઓમાં જોયું છે કે આઈ લવ યુ શબ્દનો ઉપયોગ વારંવાર પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા માટે વપરાતો હોય છે. જો કે આવી વ્યક્તિ પોતે જ એ બાબતથી અજાણ હોય છે. દરરોજ નાની નાની બાબતોમાં પતિ-પત્ની એકબીજાને છેતરતા હોય છે. અગેઈન, તેઓ છેતરે છે એ બાબતથી તેઓ પોતે પણ અજાણ હોય છે. ધીમે ધીમે આ બાબત પછી મોટું સ્વરૂપ લઈ શકે છે.
દિલ ધડકને દો ફિલ્મમાં લગ્નનો આ દંભી ચહેરો, રાજકારણ દર્શાવવામાં આવ્યા છે. તેમાં કામ કરનાર અભિનેત્રી અને નિમાર્તા દિગ્દર્શક વિપુલ શાહની પત્ની શેફાલી શાહના આ બીજા લગ્ન છે. એક અંગત મુલાકાતમાં તેમણે લગ્ન, લાગણી અને રાજકારણ વિશે વાત કરતાં કહ્યું હતું કે, ‘લાગણીઓનું રાજકારણ દશમાંથી આઠ લગ્નમાં રમાતું જ હશે ! મેં પોતે જોયું છે મારી આસપાસની વ્યક્તિઓમાં, જો કે કોઈપણ જાતની છેતરપિંડીને લગ્નજીવનમાં અવકાશ નથી જ. તેમાંય લગ્નેતર સંબંધમાં તો જરાય નહીં. છતાંય વર્ષોનું લગ્નજીવન એકાદ ભૂલમાં પૂરું તો ન જ થાય. ભૂલ હોય તો ત્યાંથી નવેસરથી શરૂઆત થઈ શકે, પણ જો ભૂલ બેવડાય તો લગ્નજીવન રહેતું જ નથી. છતાંય લગ્નજીવન ટકાવવા માટે અનેક સ્તરે વિચારવું પડે છે. સામાન્યપણે તો લગ્નોમાં સ્ત્રીઓ સૌથી વધુ ઈમોશનલ બ્લેકમેઈલિંગ કરતી હોય છે. જ્યારે પુરુષો સત્તાનો ઉપયોગ કરે છે. બન્ને વસ્તુમાં મેનીપ્યુલેશન રાજકારણ કહો કે રમત કહો તે છે જ. પતિ જો મિત્ર સાથે બહાર જાય તો પત્ની માંદા હોવાનો ડોળ કરી પતિને જલદી પાછો બોલાવે. સાડી, બેગ કે ઘરેણાં ન અપાવે તો સેક્સ નહીં એવી અનેક છેતરપીંડીની રમતો ચાલે છે. તો પુરુષો પોતાના મિત્ર સાથે પીવા બેઠો હોય તો મીંટિંગમાં છું એમ કહી દેશે. મારા મતે આવું ત્યારે જ બને જ્યારે બન્ને વચ્ચે નિખાલસતા ન હોય. અવિશ્ર્વાસ ન હોય. બાકી લગ્નબાહ્ય સંબંધો એટલી સરળતાથી નથી થતાં. મારી અને વિપુલ વચ્ચે કોઈ જ વાત ખાનગી નથી.’
મુંબઈના એક જાણીતા ઉદ્યોગપતિએ પોતાનાથી અડધી ઉંમરની એટલે કે પોતાની દીકરીની ઉંમરની છોકરી સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું ત્યારે તેની પત્નીએ છૂટાછેડા માટે કરોડો રૂપિયા માગ્યા હતા. ઉદ્યોગપતિએ આપ્યા પણ ખરા. તેની પત્નીએ અંગત પરિવારમાં કહ્યું પણ ખરું કે હું એમ સસ્તામાં એને થોડો જ છોડી દઉં. મારે મારા મોજશોખ, ખર્ચા માટે જોગવાઈ કરવી પડે ને. એ બહેનને લગ્ન તૂટ્યાનો અફસોસ નહોતો. ફક્ત પૈસા માટે લગ્નો થતાં હોય છે અથવા પૈસાને લીધે લગ્નમાં અનેક અડચણો આવતી હોય છે. હવે તો બે ધનાઢ્ય કુટુંબ કે વ્યક્તિના લગ્ન થાય એ પહેલાં પ્રીનેપ્સ એગ્રિમેન્ટ બનાવાય છે. તેમાં શરતો હોય છે કે છોકરીની સંપત્તિ આટલી છે અને છોકરાની સંપત્તિ આટલી છે. જો બન્ને છૂટાં પડે તો કોને શું મળે એની શરતો હોય છે. આમ લગ્ન પહેલાં જ છૂટાછેડાની વાત થાય છે. અવિશ્ર્વાસના પાયા પર જ લગ્નની શરૂઆત થાય છે. આપણે ત્યાં લગ્ન એટલે જોડાવાની વાત છે. એકબીજા સાથે સુખ-દુખ વહેંચીને રહેવાની વાત છે. એટલે ભારતમાં આ એગ્રિમેન્ટ કાયદેસર નથી. પણ તે છતાં લોકો આવા એગ્રિમેન્ટ બનાવે છે પાણી પહેલાં પાળ બાંધવા માટે. તો ય એનો અર્થ તો એ જ થયો કે લગ્ન પહેલાં જ તેમને એકબીજા પર વિશ્ર્વાસ જ નથી. આકર્ષણને કારણે લગ્ન કર્યા હોય તો આકર્ષણ પૂરું થતાં લગ્ન તૂટી જવાનું છે તે એમને ખબર હોય છે.
સેલિબ્રિટી અને શ્રીમંતવર્ગમાં આવું સામાન્ય થઈ ગયું છે. એટલે જ લગ્ન તૂટવાં અને જોડાવાં અહીં સામાન્ય છે. અહીં લાગણી કે પ્રેમ માત્રથી લગ્ન નથી થતાં સંપત્તિની બેલેન્સશીટ બને છે. ઘણીવાર તો વ્યક્તિ પોતાની મહત્ત્વાકાંક્ષા પૂરી કરવા કે નબળાઈ ઢાંકવા માટે પણ જીવનસાથીનો ઉપયોગ કરે છે. અહીં હીલેરી ક્લિન્ટનનું નામ યાદ આવે છે. કહેવાય છે કે હીલેરીએ બિલ ક્લિન્ટન અને મોનિકા લેવન્સકીના સંબંધો જાણ્યા છતાં બિલને છૂટાછેડા ન આપ્યા. સેલી બેડલ સ્મિથે ‘ ફોર લવ ઓફ પોલિટિક્સ’માં ટાંક્યું છે કે હીલેરીને જ્યારે બિલ ક્લિન્ટનના મોનિકા સાથે ઓવલ ઓફિસમાં થયેલા સંબંધની વાત ખબર પડી તો તેનું પ્રથમ વાક્ય હતું, ‘એ એટલો મૂર્ખ તો નથી જ.’ સેલી સ્મિથના કહેવા મુજબ આ વાક્ય દ્વારા જાણાય છે કે હીલેરીના મનમાં તે સમયે શું ચાલતું હશે ? તેના વાક્યમાંથી જણાય છે કે તેમાં લાગણી કરતાં મહત્ત્વકાંક્ષાનો ર્ગ વધારે હતો. મોનિકા સાથે બિલનો સંબંધ ૧૮ મહિના ચાલેલો, પણ હીલેરીને પ્રમુખ પદ માટે ઊભા રહેવું હતું એટલે તેણે છૂટાછેડા માટે વિચાર્યું નહીં. તે સમયે હીલેરીએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે ‘બિલના લગ્નબાહ્ય સંંબંધ વિશે સાંભળીને આઘાત લાગ્યો હતો. મારી સાથે તેણે છેતરામણી કરી તે સ્વીકારવું સહેલું નહોતું. પણ સાથે સાથે હું એ પણ જાણતી હતી કે તેનો મારા પ્રત્યેનો, કુટુંબ પ્રત્યેનો પ્રેમ જરાય ખોટો નહોતો.’ પતિવ્રતા પત્નીને છાજે તે રીતે હીલેરીએ જવાબ આપ્યો હતો પણ ખરેખર બેડરૂમમાં બિલ અને હીલેરી વચ્ચે શું બન્યું હશે તે કોને ખબર?
મેન આર ફ્રોમ માર્સ અને વિમેન આર ફ્રોમ વીનસના લેખક જ્હોન ગ્રે કહે છે કે સ્ત્રી અને પુરુષ વચ્ચે સૌથી અઘરી બાબત છે પોતાના ગમા અણગમા, મતભેદો અને માન્યતાઓની સમસ્યાઓને સૂલઝાવવી. જ્યારે પણ પતિ-પત્નિ એકબીજા સાથે સહમત નથી હોતા કે તરત જ દલીલ કરવા માંડે છે અને પછી ઝઘડવા માંડે છે. અચાનક જ તેમની વાણી અને વિચારમાંથી પ્રેમ ગાયબ થઈ જાય છે અને શંકા બદલો લેવાની ભાવના, સામી વ્યક્તિને દુખ પહોંચાડવાની લાગણીઓ કાબૂ મેળવી લે છે. સામી વ્યક્તિને દુખ પહોંચાડવાના કાવાદાવા શરૂ થાય છે. જો કે એમાં દુખી તો દુખ પહોંચાડનાર વ્યક્તિ પણ થાય જ છે. જો તેઓ બન્ને વચ્ચે સંવાદનો સેતુ હોય. પ્રેમ દ્વારા સમય જતાં લાગણીઓને જાળવતાં, સમજતાં શીખ્યા હોય. તેમનો માનસિક, આત્મીક વિકાસ થયો હોય તો એકબીજાને પ્રતિસ્પર્ધી માનવાનો વારો નથી આવતો. પણ દુનિયામાં રોજ લાખો લોકો પરણે છે તેમાંથી ૫૦ ટકા લોકો છૂટા પડે છે. તો બાકીના ૫૦ ટકા માંથી ભાગ્યે જ કોઈક સંવાદિતાભર્યું જીવન સાથે વિતાવે છે. બાકી તો લોકો લગ્નજીવનમાં સાથે રહેવાનો ડોળ કરતાં હોય છે.
2 comments
So, what is conclusion? Is the institution of marriage, totally fail according this sentences from your blog?{૫૦ ટકા લોકો છૂટા પડે છે. તો બાકીના ૫૦ ટકા માંથી ભાગ્યે જ કોઈક સંવાદિતાભર્યું જીવન સાથે વિતાવે છે. બાકી તો લોકો લગ્નજીવનમાં સાથે રહેવાનો ડોળ કરતાં હોય છે.}
ReplyDeleteઆમાં કન્કલુઝન શું હોય? સમજદાર હોય તેઓ પોતાનું વિશ્લેષણ કરી શકે છે. દરેક વ્યક્તિએ પોતાનું નિરિક્ષણ કરવું જ પડે છે. નથી કરતાં તેમણે એના ફળ ભોગવવા પડે છે. લગ્નનો સાચો અર્થ સમજવાની જરૂર છે. તેમાં રૂપિયા પૈસા મહત્ત્વના નથી બે વ્યક્તિઓનું સાથે આનંદમય સમય પસાર કરવો જરૂરી છે. એકબીજાને સમજવું, આદર અને એથી ય વધુ પ્રેમ કરવાની જરૂર હોય છે. તમે વડિલ છો મારાથી વધુ સમજદાર અને અનુભવી છો. આપ શું કહો છો ?
ReplyDelete