‘પીડાઓ માઝા મૂકે ત્યારે એની પાસે વધુ કામ કરાવું છું’(published in mumbai samachar)

20:57

                            


નારાયણભાઈ દેસાઈ (ઉપર) અને રઘુવીર ચૌધરીની (નીચે) મુલાકાત લેતાં શરીફા વીજળીવાળા

એમને વર્ષ ૨૦૧૫નોે શ્રેષ્ઠ ગુજરાતી ટ્રાન્સલેશનનો એવૉર્ડ મળ્યો છે. સતત  આંખો ભીંસી, હોઠ કરડી ખાવા સુધીની આકરી શારીરિક વેદનાઓ તેમને ઉત્તમમાં ઉત્તમ કામ કરતાં રોકી શકતી નથી. પીડા વચ્ચે સતત કાર્યશીલ એ પ્રેરણાનું નામ છે શરીફા વીજળીવાળા


અસગર વજાહતનું બહુ જાણીતું નાટક ‘જેણે લાહોર નથી જોયું એ જન્મ્યો જ નથી’ (જિસ લાહૌર નહીં વેખ્યા વો જન્મ્યાઈ નહીં) એ પુસ્તકના અનુવાદ માટે પ્રોફેસર શરીફા વીજળીવાળાને વરસ ૨૦૧૫નો દિલ્હી સાહિત્ય અકાદમીનો એવૉર્ડ મળ્યો છે. આમ જોઈએ તો કોઈ પણ અનુવાદ કે પુસ્તક માટે લેખકે અથાગ મહેનત કરી જ હોય, પરંતુ શરીફાબહેન જે રીતે કામ કરે છે તેમાં પીડા પણ છે. 

ભાવનગર પાસેના જીંથરી ગામમાં પતરાના ઘરમાં જન્મીને ઉછરેલી શરીફાએ જીવનમાં સતત સંઘર્ષ અને પીડા જોયા છે. આર્થિક સંઘર્ષને તો તેઓ પાર કરી ગયા છે, પણ શારીરિક પીડાને તેઓ આજે પણ ઝેલી રહ્યા છે. શરીફાબહેનનું કોઈ અનુવાદિત પુસ્તક બહાર આવે કે તેમના મિત્રો સમજી જાય કે શરીફા ચોક્કસ જ અસહ્ય પીડામાંથી પસાર થયા હશે. શરીફા વીજળીવાળાએ ૧૯૯૧ની સાલથી, ૨૩ વરસ સુરતની એમટીબી આર્ટ્સ કૉલેજમાં ગુજરાતી ભણાવ્યું ત્યારબાદ છેલ્લા ત્રણ વરસથી તેઓ વીર નર્મદ દ.ગુ.યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના પ્રોફેસર તરીકે ફરજ બજાવી રહ્યા છે. વિદ્યાર્થીનીઓ સાથે અનેક વરસ હૉેસ્ટેલમાં રહેવાનો અનુભવ વિશે પણ તેમણે લેખ લખ્યો છે. અનુવાદ સિવાય અનેક નારાયણ દેસાઈ, રઘુવીર ચૌધરી જેવા અનેક મહાનુભવોની મુલાકાતોનું પુસ્તક પ્રગટ થયું છે. થોડા વરસ પહેલાં એકાદ બે સેમિનારમાં તેમને જોયા ત્યારે તેઓ હંમેશાં ઊભા જ હોય. કેમ ઊભા છે? તેની તપાસ કરતાં ખબર પડી કે તેમને કરોડરજ્જુના મણકાની સમસ્યા છે. 

સાહિત્ય અકાદમીના એવૉર્ડના અભિનંદન આપ્યા બાદ તેમને પહેલો પ્રશ્ર્ન એ જ પૂછાયો કે, ‘તમે બેસી નથી શકતા તો શું પુસ્તકોના અનુવાદ ઊભા ઊભા જ કરો છો? આટલી પીડાઓ તમને થકવી નથી દેતી?’ એ જ ખણખણતા અવાજમાં શરીફાબહેન કહે, ‘અનુવાદ મારા માટે પેઈનકિલર છે. અનુવાદ કરતાં હું મારી જાતને, આખી દુનિયાને ભૂલી જઈ શકું છું. પેઈનકિલર ગોળીઓ થોડો સમય માટે મને પીડામુક્ત કરે છે, પણ વળી પાછી પીડાઓ મને પીડે ત્યારે એ પીડાને ભૂલવા માટે અનુવાદ મારા માટે જરૂરી છે. મારા જન્મ સાથે જ પીડા મારી સાથે રહી છે. બાળપણમાં હું કુપોષણના કારણે ખૂબ નબળી હતી. ચામડીના રોગો મને ચામડીની સાથે જ જાણે મળ્યા હતા. સમજણી થઈ ત્યારથી ગુમડાંઓ મને પજવતાં રહ્યા છે. ગામડાંગામમાં જે સારવાર મળી તેમાં સ્ટેરોઈડ્સ પણ પીવડાવેલાં. તે નુકસાન કરે તે તો આજે ખબર પડી. ખેર, તેનાથી ય કોઈ ફાયદો થતો નહીં. ત્યારબાદ એક્ઝિમાએ પણ સાથ આપ્યો. છેલ્લાં ચારેક વરસથી જ મને ગુમડાં નથી થતા તે નસીબ. છેક ૧૯૯૨ની સાલમાં મને ખબર પડી કે ડોકના બે મણકાં એકબીજામાં મિક્સિગં હતા. પછી તો સ્પાઈન ડિજનરેટ થતાં ૧૯૯૬ની સાલથી હું બેસી જ નહોતી શકતી. કોલેજમાં ભણાવવાનું કામ તો ઊભા ઊભાં જ થઈ શકતું એટલે વાંધો ન આવ્યો પણ પછી યે ઊભા ઊભા જ વાંચવું, લખવાનું ચાલુ રહ્યું. ૨૦૦૨ની સાલમાં ગાઉટ થયો એટલે ઊભા રહેવાનું પણ અશક્ય જેવું જ છે. થોડીવાર ઊભા રહેવું, થોડીવાર બેસું, થોડી વાર આડા પડવાનું બસ જીવન જીવાયે રાખે છે. સારું છે કે હું સર્જનાત્મક નથી લખતી, કારણ કે પીડાને કારણે વિચારોનું સાતત્ય જળવાઈ ન શકે, સતત તૂટે. 

અનુવાદના કામમાં શબ્દોને શોધવા, વિચારવામાં જાતને પણ ભૂલી શકાય છે તેથી પીડા થોડી સહ્ય બને. હું મારી જાતને નવરી ન પડવા દઉં જેથી પીડા મને હેરાન ન કરે. મારી જાતને હું કામમાં જોતરી રાખુંં. ખરું કહું તો મારી જાતને હું થર્ડ પાર્ટી તરીકે જોઉં. જેમ પીડા વધે તેમ એની પાસે હું વધારે વંચાવું, લખાવડાવું હાર્ડ ટાસ્કમાસ્ટર તરીકે શરીર પાસેથી કામ લઉં, જેથી પીડા વિશે વિચારવાનો કે રડવાનો સમય જ ન મળે. અસ્થમા હતો ત્યારે સૌ પહેલાં મન્ટો હાથમાં લીધેલા (મન્ટોની ૨૨ વાર્તાઓનો અનુવાદ). ૨૦૦૨ ગોધરા કાંડની પીડાએ તેમાં ઉમેરો કરતાં ભાગલાલક્ષી સાહિત્ય અનુવાદ કરવાનું શરૂ કર્યું હતું તેમાં આ ‘જિન્હ લાહૌર નહીં દેખ્યા ...’ નાટક અનુવાદ કર્યો. પછી જરા અટકીને તેઓ કહે કે સ્ટેરોઈડ્સ તો આજે પણ નિયતિ લઉં છું. પેઈન કિલરના ઈન્જેકશન અને ગોળીઓ પણ જ્યારે રાહત ન આપે તો નેચરક્યોરની સારવાર પણ લઈ આવું. થોડું સારું લાગે પણ વળી પાછું જૈસે થે જેવી સ્થિતિ આવી જ જાય. શરૂઆતમાં તો હું આ પીડાઓને લીધે નેગેટિવ થઈ ગઈ હતી. શું કામ મને જ આ બધા દુખ? એવા પ્રશ્ર્ન પણ થતા, પણ પછી શ્ટેફાન ત્સ્વાઈકની વાર્તાઓના અનુવાદ કરવાનું શરૂ કર્યું. ધીમે ધીમે સમજાયું કે ઈશ્ર્વરને મારા પર ભરોસો હશે કે આ પીડાઓ સહેવા માટે ખભા પહોળા છે. પીડાઓને કારણે ડિપ્રેશન આવે તો ય ક્યારે ય દવા ન લઉં. જાત પાસેથી વધુને વધુ કામ લઉં, ન લખાય તો વાંચું, નવલકથા, આત્મકથા વાંચું, મનગમતી ફિલ્મો જોઉં. પીડાને ગણકારું નહીં એ જ મારો પ્રયત્ન. એવૉર્ડ આ પહેલાં પણ મળ્યા છે પણ ૨૫ વરસ અનુવાદ કર્યા બાદ પહેલીવાર નેશનલ એવૉર્ડ મળ્યો તેનો આનંદ છે. ’ 

શરીફાબહેને ગ્લાસ અડધો ખાલી જોવાને બદલે ગ્લાસ અડધો ભરેલો જ જોયો. ગુજરાતે તેમને જે આપ્યું તેનો આભાર વ્યક્ત કરવાનું તેઓ ચૂકતા નથી. ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા તેમને પાંચ વખત એવૉર્ડ મળી ચૂક્યો છે. તેઓ કહે છે, ‘શરીરથી હું જીવતી જ નથી મનથી જીવું છું એટલે જ જીવવાની મજા આવે છે. વળી મિત્રો અને ડૉકટરો ખૂબ સારા મળ્યા છે. હા, ડૉકટરોને જોઉં ને ડૉકટર ન બની શક્યાનો અફસોસ રહેશે.’ શરીફાબહેનને કશું જ સરળતાથી મળ્યું નથી. તેમના પિતા અખબાર વેચતા હતા તેમને મદદ કરતાં ભણ્યા. ઈતર વાચનનો શોખ પણ તેને લીધે જ લાગ્યો. તેમનો ભાઈ ડૉકટર થયો. તેમને પણ ડૉકટર થવું હતું પણ ફક્ત ૯ માર્ક ઓછા પડ્યા. વડોદરાની ઈજનેરી કૉલેજમાં આર્કિટેકચરમાં પ્રવેશ લીધો પણ બે તેનો ખર્ચો ન પોષાતાં લાઈન બદલી ફાર્માસિસ્ટનું ભણ્યા. એલેમ્બિકમાં નોકરી મળી પણ રહેવાનું ઠેકાણું ન હોવાને લીધે હોસ્ટેલમાં રહેવા મળે એટલે આર્ટ્સ કૉલેજમાં ગુજરાતી અને ગણિત વિષય લઈને ભણવાનું શરૂ કર્યું હતું. સિતાંશુ મહેતા અને અન્ય મિત્રોની મદદથી કોલેજ ભર્યાં સિવાય તેમણે એમ એ સુધીનું ભણવાનું પૂરું કર્યું એટલું જ નહીં તેઓ પરીક્ષામાં પ્રથમ આવતા. આ વિશે તેઓ કહે છે કે ‘જાતે થે જાપાન પહોંચ ગયે ચીન...’ આવી તબિયતે પણ તેમના લગભગ ત્રીસેક પુસ્તકો તેમના પ્રગટ થયા છે તે જોતાં લાગે કે તેમણે કેટલી પીડાઓ સહન કરી છે. જો પીડા ન હોત તો કદાચ આથી વધુ કામ પણ તેઓ કરી શક્યા હોત. 

You Might Also Like

6 comments

  1. આમના વિષે વાંચતા હઝરત રાબિયાની યાદ આવી ગઈ.

    ReplyDelete
  2. સુ.શ્રી શરીફા વીજળીવાળા ની પ્રેરક જીવન ઝરમરનો સુંદર ચિતાર આપે આ લેખમાં આપ્યો છે. ઘણાઓ માટે એ પ્રેરક નીવડશે. ધન્યવાદ .

    ReplyDelete
  3. good to khow about shrifaben.

    ReplyDelete