લગ્ન, લાગણી અને સમાજ

22:49

                 
એક વાચકે પૂછ્યું શું લગ્નસંસ્થા તૂટી રહી છે ? તમારો શું મત છે? તરત જ જવાબ ન આપી શકાયો. એક તરફ તૂટતી લગ્ન સંસ્થા દેખાઈ રહી છે તો બીજી તરફ પાછળ ફરીને જોઉં છું તો સક્ષમ લગ્નજીવન પણ દેખાઈ રહ્યું છે. છૂટાછેડા શબ્દ જ્યારે પાપ ગણવામાં આવતો હતો. તેના વિશે વિચાર પણ થઈ શકતો નહોતો એવો પણ જમાનો હતો. તેના ગેરફાયદાઓ પણ હશે જ, પરંતુ સિક્કાની બીજી બાજુ જેવા ફાયદાઓ વિશે વાત કરવામાં આવતી નથી. 

દક્ષિણ ભારતમાં પચાસ વરસના લગ્નજીવન બાદ ફરીથી લગ્ન યોજવામાં આવે છે. અને હવે તો ૧ વરસના લગ્નજીવનને પણ અહોભાવ સાથે ફેસબુક પર ઉજવાય છે. 

અહીં દર્શકની પ્રચલિત નવલકથા ઝેર તો પીધાં છે જાણી જાણીમાં આલેખાયેલો પ્રસંગ યાદ આવે છે. કોળી ભગતનાં પત્ની તેમને છોડીને બીજા પુરુષ સાથે ભાગીને જઈ રહ્યાં હતાં તો ભગત તેની પાછળ દોડ્યા પત્ની પગરખાં ભૂલી ગઈ હતી તે લઈને. કારણ કે વગર પગરખે પત્નીને તકલીફ ન થાય. આવી પણ લાગણી હોઈ શકે છે. જેની આજના યુગમાં કલ્પના કરવી મુશ્કેલ છે. લાગણીનું રાજકારણ કરવાને બદલે જ્યારે તે નિસ્વાર્થ પ્રેમમાં પરિણમે છે ત્યારે સાચું લગ્ન બને છે. આજે લોકો પત્ની કે પતિ વિશે બીજા સામે સતત બળાપા કાઢશે. જો તમે પ્રેમ કરતાં હો તો બીજાની સામે નબળાઈઓ ખુલ્લી ન પાડો. હા, તમે લગ્નજીવન ટકાવવા કાઉન્સેલિંગ કરતા હો તો વાત અલગ છે. લગ્નજીવન લાંબું ટકે છે કારણ કે તેમાં લાગણી હોય છે એવું નથી. બાળક, પરણેલાનો સમાજમાં થતો સ્વીકાર, સલામતી વગેરે અનેક પરિબળો કામ કરતાં હોય છે. સુખી અને સ્વસ્થ લગ્નજીવન હોવું તે અલગ જ બાબત છે. આપણે ત્યાં હજી છૂટાછેડા લીધેલી સ્ત્રીનો સમાજમાં સહજ સ્વીકાર નથી. એટલે પણ અનેક સ્ત્રીઓ લગ્ન નિભાવતી હોય છે. વળી ક્યારેક ફાઈન્સાસિયલી તે આત્મનિર્ભર નથી હોતી તે પણ ખરું. તો સેક્સ માટેની માન્યતાઓને કારણે ય લગ્ન કરાતાં હોય છે. જ્યારે તેમાં છેતરામણી થાય છે ત્યારે ય તેને ઢાંકપીછોડો કરવામાં આવે છે. જેમકે નપુંસક પુરુષના લગ્ન કરવામાં કુટુંબીઓ મોટો ભાગ ભજવતા હોય છે. તે સમયે સ્ત્રીને અન્યાય થાય છે તેની પરવા કરવામાં નથી આવતી. કેટલાક કિસ્સાઓ જાણવા મળ્યા મુજબ કેટલાક આવા પતિ પોતાની પત્નીને બહાર સુખ શોધી લેવાની છૂટ આપે છે. પત્ની કેમ આવા લગ્ન સંબંધમાં રહે છે ? તે સવાલ પૂછતાં જાણવા મળ્યું કે પતિ ખરા અર્થમાં પત્નીને પ્રેમ કરતો હોય છે. કાળજી લેતો હોય ત્યારે કોઈપણ સ્ત્રીને જે જોઈતું હોય છે તે કાળજી, લાગણી અને આદર. એ જો પતિ આપતો હોય તો શું કામ કોઈ છૂટાછેડા આપે? રહી વાત શારીરિક સંબંધની તો તે દિવસમાં કે અઠવાડિયે એકાદ કલાકમાં તો પતી જતો હોય છે. અને સેક્સ મળવા છતાં એ પત્નીને પતિ તરફથી આદર, પ્રેમ મળતો જ હોય તે જરૂરી તો નથી જ. ત્યારે બીજી તરફ એવું પણ લગ્નજીવન જોવા મળ્યું છે જેમાં પતિ પત્નીને સંતોષ આપી ન શકતો હોય છતાં પત્નીને કોઈ છૂટ તો ન આપે પણ તેના દરેક વર્તન પર શંકા કરે. પતિ-પત્ની વચ્ચે કોઈ મેળ ન હોવા છતાં બન્ને સમાજ સામે સુખી લગ્નજીવનના દેખાડા કરે. પણ પછી પાછળથી પોતાના પતિ વિશે એ સ્ત્રી બીજા પાસે લવારા કરે. પતિ પણ પોતાના મિત્રો અનેે કુટુંબીઓ સામે લવારા કરે. આવા લવારા કરતાં પતિ-પત્નીઓ વરસો સુધી સાથે જીવન વિતાવી નાખે તે પણ કમાલ કહેવાય. જો કે એક દંપતી એવું પણ જોયું કે એક જ ઘરમાં બન્ને અલગ અલગ રહે છે. બન્નેનાં રસોડાં પણ જુદાં અને કામવાળા પણ જુદા. પતિ માંદો પડ્યો તો પડોશીઓ હોસ્પિટલમાં લઈ ગયા પણ પત્ની ખબર કાઢવા પણ હોસ્પિટલમાં ન ગઈ. બન્નેએ છૂટાછેડાનો ખર્ચ પોષાય તેમ નહોતો એટલે વન બેડરૂમ કિચનના બે ભાગ કર્યા. એકબીજાના જીવનમાં માથું મારવાનું નહીં, કોઈ અપેક્ષા રાખવાની નહીં તેવું નક્કી કર્યું. 

દિલ ધડકને દો ફિલ્મમાં આવા દંભી લગ્નજીવનને સરસ રીતે રજૂ કરવામાં આવ્યું છે. લગ્નની વર્ષગાંઠ ઉજવાતી હોય પણ તેમાં ક્યાંય એકબીજા માટે સ્નેહ કે આદર ન હોય. લગ્નની વિધિમાં સાત પગલાં ભરતાં એકબીજાની સાથે જીવનના સારામાઠાં પ્રસંગોએ એકબીજાંની પડખે રહેવાનું વચન આપવામાં આવે છે. પણ સમય જતાં જો બન્ને એકબીજાનો ફક્ત ઉપયોગ કરે કે શોષણ કરે તો લગ્નજીવન ફ્રીજ થઈ જાય છે. 

લગ્નને બંધન માનવાની ભૂલ કર્યા સિવાય તેને સહજતાથી વિકસવાનો મોકો આપવો જોઈએ. પતિ-પત્ની એકબીજાને ટેઈક ઈટ ફોર ગ્રાન્ટેડ લેતાં હોય છે. પહેલાંના જમાનામાં લોકો સંયુક્ત કુટુંબમાં રહેતા એટલે એકબીજા સાથેનું એકાંત ઓછું મળતું એટલે આકર્ષણ ટકી રહેતું, પરંતુ આજે વિભક્ત કુટુંબ હોવાને લીધે એકબીજા સાથે સતત મળતું એકાંત અને સાથ પણ સંબંધમાં બોરિયત લાવે છે. એવું સાયકોલોજિસ્ટોનું માનવું છે. બન્નેએ એકબીજાને એકલા છોડવાની તૈયારી રાખવી જરૂરી છે. તો બન્ને જણે સાથે એકાંતમાં ફક્ત વ્યવહારું વાતો કરવાનું ટાળવું જોઈએ. સંબંધમાં ક્યારેય દૂરી વર્તાય તો એકબીજા સાથે મિત્ર ભાવે વાત કરવી જોઈએ. એકબીજાની ટીકા-ટિપ્પણીને નકારાત્મકતાથી લેવા કરતાં હકારાત્મકતાથી સાંભળવી જોઈએ. જો કે એકબીજાને એકાંતમાં પણ ઉતારી પાડવા ન જોઈએ.
 તું તો સાવ એવી જ છે કે તમારામાં તો અક્કલ જ નથી વગેરે શબ્દો ન વાપરવા જોઈએ. 

કાળજી અને આદર પ્રેમની પારાશીશી છે. સાથે સ્વતંત્રતાયે ખરી જ. કારણ કે કોઈપણ વ્યક્તિને ગુલામ બનાવીને પ્રેમ ન કરી શકાય કે મેળવી શકાય. પ્રેમ સામી વ્યક્તિનો વિચાર પહેલાં કરે. પ્રેમ સ્વાર્થી બનીને વિચારે નહીં તો જ કોઈપણ સંબંધમાં દંભ પ્રવેશે નહીં. તનુ વેડ્સ મનુમાં શર્માજીનો પ્રેમ એવો જ નિર્ભેળ દર્શાવાયો છે. પાગલપણ લાગી શકે તે હદે કોઈપણ આગ્રહ કે હઠાગ્રહ વિનાનો સંબંધ એ સાચું લગ્ન હોઈ શકે પછી ભલેને ફેરા થયા હોય કે ન થયા હોય. જો પ્રેમ હોય તો તમે કોઈ વ્યક્તિને દુખી કરીને પોતાનું સુખ ન શોધે. લગ્નબાહ્ય સંબંધોમાં તમે એક વ્યક્તિને છોડીને બીજી વ્યક્તિને પકડો છો તો બે વ્યક્તિઓને સાથે જ અન્યાય કરો છો. આવા દંભી લગ્નોમાં ઉછરેલાં બાળકોના વ્યક્તિત્વોમાં સમસ્યા રહેવાની. તેમનો લગ્નજીવન પર વિશ્ર્વાસ નથી રહેતો અથવા તેઓ કોઈને કોઈ માનસિક સમસ્યાઓથી પીડાતાં હોય છે. સ્વસ્થ સમાજ ઊભો કરવા માટે સ્વસ્થ લગ્નો હોવા જરૂરી છે.

You Might Also Like

0 comments