કમલેશ વ્યાસ: BARCના ગુજરાતી ડિરેકટર વિનય, વિવેક ને વિદ્વત્તાનો ત્રિવેણીસંગમ

21:49

                         
મુંબઈમાં જ માનખુર્દ પાસે એક નાના નગર જેવી કોલોની છે જ્યાં સ્વચ્છતા, શાંતિ, હરિયાળી અને ભારતભરમાંથી આવેલા એન્જિનિયર, વૈજ્ઞાનિકોે વસે છે. એમ કહી શકાય કે અહીં ભારતના બુદ્ધિશાળી લોકો વસે છે આમ, જનતાને સારું જીવન જીવવામાં મદદ કરે છે. અને છતાં મોટાભાગના લોકો તેના વિશે એટલું જ જાણે છે કે એ એટોમિક એનર્જી સેન્ટર છે. ન્યૂક્લિઅર એનર્જી ફક્ત બૉમ્બ બનાવવા માટે નથી વપરાતી પણ અનેક જીવનોપયોગી બાબતે તેની ઉપયોગિતા રહેલી છે. માનખુર્દમાં આવેલી ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરની (બીએઆરસી) વાત અહીં થઈ રહી છે. ભારત સરકાર દ્વારા સ્થાપવામાં આવેલું આ એટોમિક રિસર્ચ સેન્ટર ૧૯૫૪માં સ્થાપવામાં આવ્યું હતું પણ તેને હોમી ભાભાનું નામ આપવામાં આવ્યું ૧૯૬૭માં. ૧૯૬૬ની સાલમાં પ્રખ્યાત વૈજ્ઞાનિક હોમી ભાભાનું અવસાન થયા બાદ. 

આંતરરાષ્ટ્રિય સ્તરે પ્રખ્યાત આ બીએઆરસી સરકારી સંસ્થાના ડિરેકટર તરીકે  છેલ્લા ત્રીસ વરસમાં પ્રથમ ગુજરાતી વ્યક્તિ શ્રી કે. એન. વ્યાસની નિમણૂક થઈ છે તે ગૌરવ લેવા જેવી બાબત છે. મુંબઈ સમાચાર સાથે શુદ્ધ ગુજરાતીમાં વાત કરતાં કમલેશ વ્યાસ કહે છે કે મુંબઈ સમાચાર રોજ મારા ઘરે આવે છે અને વાંચીએ છીએ ત્યારે ગૌરવ ઓર વધે છે. ખૂબ જ સાદગીપૂર્ણ વ્યક્તિત્વ ધરાવતા કમલેશભાઈ મૂળ વાંસદાના છે. તેમના વડદાદા ચિંતામણી વ્યાસ વાસંદાના રાજાને ત્યાં બક્ષી હતા. રજવાડું ગયા બાદ તેમના દાદાએ વાંસદા છોડ્યું. દાદા અને પિતા ઉચ્ચ અધિકારી પદે નોકરી કરતા હતા. તેમના પિતા નીલકંઠભાઈએ સિવિલ એન્જિનિયર તરીકે બ્રિટિશરોનું રાજ હતું એ સમયથી અનેક પ્રખ્યાત બિલ્ડિંગો બાંધવાનું કામ કર્યું છે. મુંબઈ, કરાંચી, જામનગર વગેરે અનેક સ્થળોએ તેમની બદલી થતી રહેતી એટલે કમલેશભાઈને તેમના મામાને ત્યાં બારડોલી ભણવા માટે મૂક્યા. 

બીએઆરસીના ગેસ્ટહાઉસમાં ૧૪માં માળે આવેલી એરકન્ડિશન કેન્ટીનમાં ચા પીતાં નમ્ર વ્યક્તિત્વ ધરાવતા કમલેશભાઈ મંદ સ્વરે વાતચીતનો આરંભ કરે છે. આછું હસતાં ભૂતકાળને યાદ કરતાં તેઓ કહે છે કે, ‘હું ખૂબ તોફાની હતો એટલે જ મને મામાને ત્યાં મૂક્યો હતો. મારો મોટોભાઈ દાદાની સાથે વલસાડ રહીને ભણ્યો. એ જમાનામાં પણ મારી મા કોન્વેટમાં ભણેલી એટલે ભણતરની કિંમત ખરી જ. બારડોલીમાં મેટ્રિક થયા બાદ હું મિકેનિકલ એન્જિનિયરનું ભણ્યો. વડોદરા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાંથી ૧૯૭૮ની સાલમાં. તે સમયે ઈન્ટરનેટ નહોતું કે ન તો કોઈ વધુ માહિતી હતી કારર્કિદી વિશે. કશું જ વિચાર્યું નહોતું. એન્જિનયર થઈએ એટલે સારી નોકરી મળે તેટલી જ ખબર. ગ્રેજ્યુએટ થયા બાદ વડોદરાની 

જ એક કંપનીમાં જોડાવાનું નક્કી હતું. પણ મારી પાસે થોડા દિવસો ફાજલ હતા. બીએઆરસીમાં ઈન્ટરવ્યૂ આપવા માટે ફોર્મ ભરેલું હતું એટલે તેમના તરફથી કોલ આવ્યો સાથે ટ્રેનની ટિકિટ પણ મળી એટલે મને થયું કે ચલને ફરી આવીએ મુંબઈ કારણ કે બીએઆરસીમાં જોડાવા માટેની કોઈ તૈયારી મેં કરેલી નહીં. એમ જ બીજા મિત્રો સાથે ફોર્મ ભર્યું હતું ને કોલ આવ્યો હતો. મારો ઈન્ટરવ્યૂ દોઢેક કલાક ચાલ્યો. અંગ્રેજી તો મારી માતાનું ખૂબ સારું હતું પણ મારું અંગ્રેજી ત્યારે ખરાબ હતું. જો કે, હું તે છતાં પાસ થયો અને જોડાઈ ગયો ટ્રેઈની તરીકે ને બસ ૧૯૭૯થી હું કાયમી થયો. (થોડું અટકીને તેઓ કહે છે કે ) અહીં બીજી એક આડ વાત યાદ આવે છે મારા માતાપિતા આ પ્રસંગ કહેતા, હું લગભગ ત્રણે ચાર વરસનો હોઈશ ત્યારે એક વખત હું ફુલકા રોટલીની વરાળથી દાઝી ગયેલો. ત્યારે પિતાજીએ પૂછ્યું કે તને ખબર છે ફુલકા રોટલીમાં વરાળ કેવી રીતે આવી? ત્યારે મેં કહેલું કે લોટમાં પાણી હોય તે ગરમ થતાં વરાળ બને એટલે જ રોટલી ફુલે. મારો આવો જવાબ સાંભળીને પિતાજીને આનંદ અને આશ્ર્ચર્ય બન્ને થયા હતા. એટલે કદાચ વિજ્ઞાનની સમજ સહજતાથી મારામાં હતી જે બીએઆરસી જેવી સંસ્થામાં જોડાવાથી ખીલી ઊઠી. વળી અહીં એક વાતની સ્પષ્ટતા કરું કે બીએઆરસીમાં ભરતી માટેની પ્રક્રિયા અનોખી છે. અહીં ફક્ત એકેડેમિક નથી જોવાતું. જોડાવા આવનાર વ્યક્તિ કોઈપણ સંજોગોમાં કઈ રીતે વર્તે છે. સમસ્યાઓને કઈ રીતે ટેકલ કરે છે તે તપાસાય છે. એટલે આજે પણ અંગ્રેજી આવડવું જરૂરી નથી અહીં. વ્યક્તિમાં આંતરિક સૂઝ હોવી જોઈએ. સ્માર્ટ હોવો જોઈએ દરેક બાબતને સમજવા માટે અને તેમાંથી માર્ગ કાઢવા માટે. મને પણ એ જ રીતે પસંદ કરવામાં આવ્યો હશે. બીજી એક વાત કે બીએઆરસી સરકારી સંસ્થા હોવા છતાં સરકારી મિજાજ નથી ધરાવતી. અહીં સિનિયર સામે તમે સહમત ન થાઓ ને તમારી વાત મુકો તે સ્વીકારાય છે. સિનિયર વૈજ્ઞાનિકો નમ્રતાથી જુનિયર વ્યક્તિઓને સમજાવે છે, શીખવાડે છે. અહીં બાંધેલું માળખું નથી. સતત નવી શોધ, નવા વિકાસની શક્યતાઓ તપાસાય છે. સતત નવું કરવાની ઈચ્છા રાખનાર જ અહીં વિકાસ કરી શકે છે. અને તેને માટે દરેક સુવિધાઓ ઉપલબ્ધ કરાવાય છે. જેનેટિક બિયાંરણથી લઈને વોટર પ્યોરિફાઈ કરવા માટેના મશીન, ગંદા પાણીને શુદ્ધ કરવું કે કચરાને ઉપયોગીતામાં બદલવો, અમે શીંગનું બિયારણને એવી રીતે મોડિફાઈ કર્યું કે તેનાં પાકનું સત્ત્વ જળવાઈ રહે અને કોઈ ડિસિઝ ન લાગે. એ સિવાય રેડિયેશન મેડિસિનમાં પણ બીએઆરસી ખાસ્સુ કામ કરે છે. એનર્જીનો દરેક રીતે યોગ્ય સરળતાથી ઉપયોગ કેમ કરી શકાય તે વિશે સંશોધન થાય છે. સમાજને ઉપયોગી દરેક બાબતનું સંશોધન અહીં થાય અને તે ટેક્નૉલૉજીનો લાભ સમાજને આપવામાં આવે છે. આખરે દરેક શોધ સમાજને ઉપયોગી થવી જ જોઈએ તો જ તેની ઉપયોગિતા કે તેમાં ખર્ચેલો સમય, પરિશ્રમ લેખે લાગે. એટલે જ એન્જિનિયરીંગની દરેક ફેકલ્ટી અહીં એક જ છત હેઠળ છે. ’ 

કે. એન. વ્યાસે અત્યાર સુધીમાં રિસર્ચ રિએકટરમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. ખાસ કરીને ન્યૂક્લિઅર ફ્યુલ ડિઝાઈનમાં અને એ સિવાય અનેક સંશોધનોમાં તેમની બહોળી સૂઝની કદર થઈ છે. એટલે જ નિવૃત્તિનો સમય નજીક હતો તે સમયે ડિરેકટર પદની નિમણૂક થઈ છે. તેમની ઈચ્છા છે કે ત્રણ વર્ષના તેમના કાર્યકાળ દરમિયાન તેમની પહેલાંના ડિરેકટર્સ અને સિનિયર્સે જે કામ આદર્યું હતું રાષ્ટ્રિય અને આંતરરાષ્ટ્રિય સ્તરે તેને આગળ વધારે અને પૂર્ણ કરવાના પ્રયત્નો કરે. સમાજોપયોગી અનેક સંશોધનોને વેગ આપે. જેમકે હાલમાં જ બીએઆરસીએ અમદાવાદ મ્યુનિસિપલ સાથે મળીને એક કરાર કર્યો છે. અમદાવાદના ગટરના પાણીને જંતુમુક્ત કરીને તેને ફરી ઉપયોગમાં લઈ શકાય તે માટે બીએઆરસીના વૈજ્ઞાનિકો મદદ કરશે. થોડો જ સમય પહેલાં ભારત અને અમેરિકા વચ્ચે ન્યૂક્લિઅર એનર્જી કો-ઓપરેશન કરાર થયા છે. ભારત ઈન્ટરનેશનલ થર્મોન્યૂક્લિઅર એક્સપરિમેન્ટલ રિએકટરમાં મહત્ત્વની ભૂમિકા ભજવવાનું છે. કમલેશભાઈ તે અંગે ખાસ્સા આશાવાદી છે. આમ આંતરરાષ્ટ્રિય સ્તરે તેમણે ખૂબ જવાબદારીપૂર્ણ કામ બીએઆરસીના ડિરેકટર તરીકે કરવાનું છે.

કમલેશભાઈના હાથ હેઠળ હાલમાં તારાપુર એટોમિક એનર્જી સેન્ટર અને કલ્પક્કમ અને માનખુર્દ બીએઆરસી એમ ત્રણે સેન્ટરના મળીને કુલ પંદરેક હજાર વૈજ્ઞાનિક એન્જિનિયર થયેલી વ્યક્તિઓ કામ કરે છે. કમલેશભાઈને એક જ અફસોસ છે કે તેમનું કામ એટલું જવાબદારીવાળું અને ડિમાન્ડિંગ છે કે ગુજરાતી સાહિત્ય અને વાંચનમાં વધુ સમય નથી આપી શકતા. તેમના બાળકોનું પ્રાથમિક શિક્ષણ ગુજરાતીમાં જ કરાવ્યું હોવાનો તેમને ગર્વ છે. ઘરમાં તેઓ ગુજરાતીમાં જ વાત કરવાનું પસંદ કરે છે અને તેનો બધો શ્રેય પોતાની પત્ની બીનાને આપે છે. બીનાબહેને આર્કિટેકચર કર્યું હોવા છતાં ગૃહિણી તરીકે ઘર, માતાપિતા અને બાળકોની જવાબદારી સંભાળી ખરા અર્થમાં જીવનસાથી બની રહ્યા એટલે નચિંત રીતે તેઓ બીએઆરસીની જવાબદારી નિભાવી શક્યા છે.

You Might Also Like

0 comments