પુરુષ માટે વફાદાર રહેવું અઘરું છે

21:48


વુમનાઈઝર લેખન શ્રેણીનો આ બીજો લેખ છે. અંતિમ છે કે નહીં તે હજુ કહી શકું એમ નથી. વુમનાઈઝરને જગતના દરેક લોકો કેસનોવા તરીકે પણ બોલાવે છે. ઝકોમો ઝીરોલામો કેસનોવા અઢારમી સદીમાં થયેલો ઈટાલિયન સાહસિક અને લેખક હતો. તેણે પોતાની આત્મકથા લખી છે તે વાંચતાં તે સમયની સામાજિક રૂઢિઓ અને વ્યવસ્થાનો ખ્યાલ આવે છે. કેસનોવાના અનેક સ્ત્રીઓ સાથેના કોમ્પ્લિકેટેડ સંંબંધો હોવાનું કહેવાય છે. એ જમાનામાં એ ટોક ઑફ ટાઉન હશે, પણ ધીમે ધીમે એની વાતો ફેલાતી વિશ્ર્વમાં પહોંચી ગઈ અને પછી તો તે વુમનાઈઝર શબ્દનો પર્યાય બની ગયો. આ પર્યાય પણ લોકોએ એટલે જ અપનાવ્યો હશે કે વુમનાઈઝર કહેવા કરતાં કેસનોવા ઓછું અખરતું હશે. 

એલન રોઝર કરી નામના એક વુમનાઈઝરે પોતાના અંગત અનુભવ પરથી વુમનાઈઝર કોણ અને કેવો હોય છે તે વિસ્તારથી એક બ્લોગમાં લખ્યું છે. તે શરૂઆત કરતાં કહે છે કે વુમનાઈઝર બે પ્રકારના હોય છે. એક પ્લેયર અને બીજો ચીટર એટલે કે છેતરનારો. તે કહે છે કે ‘ડોન્ટ હેટ ધી પ્લેયર હેટ ધી ગેમ’ તેના કહેવા પ્રમાણે પ્લેયર ટાઈપની વ્યક્તિઓ ઘણી સ્ત્રી સાથી ધરાવતા હોય છે, પણ તેઓ ક્યારેય કોઈ સ્ત્રીને છેતરતાં નથી. એ ચોખ્ખેચોખ્ખું કહી દે છે કે તેને શું જોઈએ છે. તે સામી વ્યક્તિની ઈચ્છાનો આદર કરે છે. પોતે વુમનાઈઝર હોવાનું પણ છુપાવતો નથી. આવા પ્રામાણિક પુરુષોનો આદર કરવાની વાત એલાન કહે છે, જ્યારે ચીટર પ્રકારના વ્યક્તિત્ત્વો પોતે એક જ સ્ત્રીમાં માને છે એવો ખોટો દેખાડો કરે છે. પોતે મોનોગેમસ એટલે કે એક પત્નીત્વમાં માનતો હોવાનો દંભ કરે છે અને અંદરથી બીજી સ્ત્રીઓ સાથે સેક્સ માણવાની ઈચ્છાઓ ધરાવતો હોય છે. એલાન કહે છે કે બીજાની લાગણીઓ સાથે રમવું, છેતરવું તે કોઈપણ હિસાબે યોગ્ય નથી. 


બીજું તેનું કહેવું છે કે દરેક પુરુષો ત્યાં સુધી જ વફાદાર રહે છે જ્યાં સુધી તેને બીજો કોઈ ઓપ્શન એટલે કે વિકલ્પ નથી મળતો. એલાન સ્ત્રીઓને કહે છે કે વિચારો કે જો તમને કોઈ પુરુષ હેન્ડસમ, સેક્સી, ચાર્મિંગ મિત્રતા કરવા જેવો લાગે છે તો મોટેભાગે શક્યતા છે કે ભલે સો એક નહીં તો ય અડધો એક ડઝન બીજી સ્ત્રીઓને પણ તે આકર્ષક લાગી શકે છે. સ્ત્રીઓ આવા પુરુષની નજીક રહેવા માટે કે પામવા માટે રીતસરની હરીફાઈ કરી શકે છે. જો કોઈ પુરુષ સ્ત્રીને પૂર્ણ સંતોષ આપી શકે છે કે ખુશ રાખી શકે છે તો બીજી સ્ત્રીઓ તેને પામવાનો પ્રયત્ન કરશે, કારણ કે કોઈ સ્ત્રીને સુસ્ત કે સંતોષ ન આપી શકનારો પુરુષ નથી જોઈતો હોતો. 

આગળ જે વાત એલાન કહે છે તે સ્ફોટક છે. તે લખે છે કે એક જ સ્ત્રી પુરુષને સેક્સ આપતી હોય તો તે પુરુષ વફાદાર રહી શકે છે તે સ્ત્રીને. એટલે કે એકપત્નીત્વ કહી શકાય, પણ જો કોઈપણ પુરુષને બીજી બે ચાર કે તેનાથી વધુ સ્ત્રીઓ સેક્સ ઓફર કરવા તૈયાર હોય તો તેને માટે એક જ સ્ત્રીને વફાદાર રહેવું અઘરું છે. કોઈક વીર પુરુષ જ આવી પરિસ્થિતિમાં મોનોગેમસ રહી શકે. એલાન છેલ્લે કહે છે કે તમે વુમનાઈઝરને બદલી ન શકો. મોટાભાગની સ્ત્રી જ્યારે એ પુરુષના ચાર્મિંગ, રોમેન્ટિક સ્વભાવને કારણે તેની સાથે જોડાતી હોય છે ત્યારે એને લાગતું હોય છે કે તે પ્રેમ અને કાળજીથી એ પુરુષને સંતોષ આપીને મોનોગેમસ બનાવી દેશે, પણ જો પુરુષ હેન્ડસમ, રોમેન્ટિક અને ચાર્મિંગ હોય તો તેની ડિમાન્ડ રહેવાની જ. એલનની વાત સાચી પણ લાગે છે, અહીં ફક્ત એક હાથે તાળી નથી વાગતી. સામે સ્ત્રીઓને પણ રોમેન્ટીક, ચાર્મિંગ પુરુષની ઈચ્છા હોય છે. એટલે જ કેસનોવા ક્યારેય બળાત્કાર નથી કરતો. જે પુરુષની ડિમાન્ડ નથી હોતી અથવા જે પુરુષો સ્ત્રીને છેતરે છે તેઓ જ બળાત્કારી હોય છે. બાકી વુમનાઈઝર પુરુષ, સ્ત્રીની ઈચ્છા સાથે જ સંબંધ બાંધે છે. આવા સંબંધોમાં લાગણી ન જ હોય તેવું નથી હોતું, પરંતુ તેની શક્યતા ઘણી ઓછી હોય છે. એ વાત પુરુષ અને સ્ત્રી બન્ને જાણતાં હોય છે. 

કેટલાક બદનામ બેડમેન

ચાર્લી શીન: હૉલીવૂડનો જાણીતો અભિનેતા ચાર્લી શીન બદનામ વુમનાઈઝર છે. તેણે કબૂલ્યું છે કે એચઆઈવી ઍઈડ્સ થયો હોવા છતાં સ્ત્રીઓ સાથે વગર કોન્ડોમે સેક્સ કર્યો છે. અત્યાર સુધી તેણે લગભગ ૫ હજાર સ્ત્રીઓ સાથે સેક્સ માણ્યો હોવાનું કહેવાય છે. 

વીલ્ટ ચેમ્બરલીન: અમેરિકાનો પ્રસિદ્ધ બાસ્કેટબોલ પ્લેયર વીલ્ટ ચેમ્બરલીન પણ વુમનાઈઝર તરીકે પ્રખ્યાત હતો. એક સમયે તે દિવસમાં ત્રણ સ્ત્રીઓ સાથે સેક્સ માણતો હતો. તેના જીવનકાળ દરમિયાન લગભગ ૨૦૦૦ સ્ત્રીઓ સાથે તેણે સંબંધ બાંધ્યો હોવાનું કહેવાય છે. ૬૨ વરસની ઉંમરે તે મૃત્યુ પામ્યો ત્યારે એની અંતિમ ઈચ્છા હતી કે વુમનાઈઝર તરીકે જ લોકો તેને યાદ ન કરે. 

વોરેન બેટ્ટી: એક જમાનાનો હૉલીવૂડ ના આ સુપરસ્ટારે મેડોના સહિત લગભગ ૧૩ હજાર સ્ત્રીઓ સાથે સંબંધ બાંધ્યો હોવાનું કહેવાય છે. તેમાં નાના ફ્લર્ટ જે શૂટિંગ દરમિયાન કર્યા હોય તેની ગણતરી કરવામાં નથી આવી. 

દાઉદ ઈબ્રાહિમ: કેટલીય બૉલીવૂડ અભિનેત્રીઓના નામ તેની સાથે જોડાયેલા છે. પાકિસ્તાની અભિનેત્રી અનિતા અયુબ સાથે પણ તેના સંબંધો હોવાનું ચર્ચાયું હતું. પોતાની ગૅંગમાં જોડાવા માટે તે અભિનેત્રીઓની લાલચ તરીકે ઉપયોગ કરતો હોવાનું ય કહેવાય છે. 

વિજય માલ્યા: ૬૦ વરસના વિજય માલ્યાની રંગીનીઓની અનેક દાસ્તાનો લખાઈ છે. તેણે બે લગ્ન પણ કર્યા છે. તેની પહેલી પત્ની એર ઈન્ડિયાની એર હોસ્ટેસ હતી. કિંગફિશર કેલેન્ડર ગર્લ બનવાની ઈચ્છા ધરાવતી અનેક લલનાઓ તેની આગળ પાછળ ફરતી હોવાનું કહેવાય છે. 

ગદ્દાફી: થોડો સમય પહેલાં જ માર્યો ગયેલ ઈજિપ્તનો નેતા મુઅમ્મર ગદ્દાફી સૌથી બદનામ વુમનાઈઝર હતો. તે વાયેગ્રાનું સેવન કરતો જેથી એક સાથે પાંચ સ્ત્રીઓ સાથે સેક્સ માણી શકે. તે એટલો સ્ત્રીઓ સાથે એટલો આક્રમક હતો કે સેક્સ બાદ કેટલીક સ્ત્રીઓને સીધી હૉસ્પિટલ લઈ જવી પડતી હતી. તે પોતાની સ્ત્રી બોડિગાર્ડને સેક્સ માણવા માટે પૈસા, ઘરેણાં કે બંગલો જેવી મોંઘી ભેટો આપવાની લાલચ આપતો હતો. 

જ્હોન હોલ્મ્સ: પોર્નોગ્રાફિક ઍકટર જ્હોને લગભગ ૧૩ હજાર સ્ત્રીઓ સાથે સેક્સ સંબંધ બાંધ્યો હોવાનું કહેવાય છે. તે પોતાની સાથી અભિનેત્રીઓ સાથે તો સેક્સ માણતો જ હતો, પણ પૈસા લઈને સ્ત્રીઓને સંતોષ આપવા જતો હતો. તેનું મૃત્યુ ઍઈડ્સને કારણે થયું હતું.

મર્લોન બ્રાન્ડો: પ્રખ્યાત ગોડ ફાધર ફિલ્મનો હીરો સેક્સ એડિક્ટ હોવાનું કહેવાય છે. મર્લીન મનરો અને જેકી કેનેડી સાથે પણ તેનું અફેર હોવાનું કહેવાય છે.

You Might Also Like

0 comments