સેલિબ્રિટી વર્શિપ સિન્ડ્રોમ

02:20

આ લેખ વાંચતા કોઈ ફિલ્મ યાદ આવે કે તમને લાગે કે આ લેખ કોઈ ફિલ્મ જોઈને લખાયો છે તો માફ કરશો. આ લેખ લખવાની પ્રેરણા કોઈ ફિલ્મમાંથી નથી મળી કે ન તો લેવામાં આવી છે. વાચકને એવું લાગે તો એને યોગાનુયોગ માનવા વિનંતી.


ફેન શબ્દ ફેનેટિક્સમાંથી આવ્યો છે. આમ તો ફેન એટલે રમત ગમતમાં આપણે સપોર્ટ કરનાર તરીકે સમજીએ છીએ. ગુજરાતીમાં તેને આપણે પ્રશંસક કહીએ છીએ. શોખીન, ચાહક એવો પણ અર્થ ડિક્શનરીમાં આપવામાં આવ્યો છે. દરેક વ્યક્તિ કોઈને કોઈ વ્યક્તિની ફેન એટલે કે પ્રશંસક બની જતી હોય છે, પછી તે રમતગમત હોય, સિનેમા હોય કે પુસ્તક કે લેખક હોય. ક્યારેક તો ફિલ્મ કે પુસ્તકનાં પાત્રના ય ચાહક બની જવાય છે જેમ કે હેરી પોટર, સરસ્વતીચંદ્ર, દેવદાસ વગેરે વગેરે, તમને યાદ આવતાં નામો ઉમેરી શકો છો. 

કદાચ તેના લેખકો પણ એ પાત્રના ચાહક બની જતા હશે એટલે જ તે પાત્રના નામ પરથી જ તેમની કૃતિનું નામ રાખવામાં આવતું હશે. કોઈની પ્રશંસા કરવી અને તેની પાછળ ધેલછાની હદે ચાહતા ફરવું તે બે વચ્ચે પાતળી ભેદરેખા છે. એ ભેદરેખા ક્યારે પાર થઈ જાય છે તે વ્યક્તિને ખબર નથી પડતી. ફેનમાંથી તેના સાચ્ચા અર્થ ફેનેટિક્સમાં ક્યારે સરી પડાય છે તે સમજાતું નથી. 

આજે વધતે ઓછે અંશે આપણે બધા પણ આવા ફેનેટિક્સ બની ગયા હોઈએ તેવું લાગે છે. જ્યારે આપણે કોઈપણ અખબાર કે મેગેઝિન કે પછી ન્યૂઝ ચેનલ જોઈશું તો એમાં સેલિબ્રિટિ વિશે એવી એવી ખબરો જોવા કે વાંચવા મળે કે તેને મોટાભાગે ગોસિપ જ ગણવી પડે. જેમકે સન્ની લિયોન ક્યાં શહેરમાં દુકાનનું ઉદ્ઘાટન કરવા ગઈ. ત્યાં સેલ્ફી લેનાર વ્યક્તિએ તેને કેવી ખરાબ રીતે અડી લીધું? સન્નીએ તેને લાફો માર્યો. વિરાટ કોહલી અને અનુષ્કા ડિનર માટે મળ્યાં તે એમની વચ્ચે સુલેહ થઈ ગઈ? શાહિદ કપૂર અને કરીના આમને સામને? શાહિદની પત્ની મીરાં ગર્ભવતી છે? વિજય માલ્યાને કેટલા અફેર હતા કે કેટલા લગ્ન કર્યા? શિલ્પા શેટ્ટીના બાળકના જન્મદિનની ઉજવણીમાં કોણ કોણ ગયું હતું? સોનમ કપુરને કેવું જમવાનું ભાવે છે? આલિયા કોની સાથે ફરે છે? વગેરે વગેર,ે આ બધી ખબરો વાંચવામાં ઊંડો રસ પડતો હોય તો તેને ઘેલછા જ કહી શકાય. 

હકિકતમાં આ બધું નાર્સિસિસ સિન્ડ્રોમને કારણેય હોય છે. હકિકતમાં લાઈમ લાઈટમાં રહેવા માટે સેલિબ્રિટિઓ જાતે જ કેટલાક સમાચારો વહેતા મૂકતા હોય છે. શાહરુખ ખાન આ વાતને જાહેરમાં કબૂલતા કહે છે કે જો તેના ઘર મન્નતની બહાર તેને એક નજર જોવા આવનાર ફેન ન હોય તો તે કદાચ એ પરિસ્થિતિ સ્વીકારી નહીં શકે. દરેક સેલિબ્રિટિને આસપાસ પોતાના પ્રશંસક વિના અડવું અડવું લાગી શકે. જાણીતા બિહેવિયરલ સાયન્ટિસ્ટ ગેડ સાદ કહે છે કે, ધારો કે તમને પણ રોજ લોકો એક ક્ષણ જોવા માટે રાહ જોતા હોય તો એ તમે સ્વીકારવા લાગો કે તમે કંઈક મહાન છો. અમિતાભ બચ્ચનના ઘરની બહાર કલાકો લોકો ઊભા રહે છે ફક્ત એક ઝલક જોવા માટે. તેમાંય અમિતાભના જન્મદિને કેટલા લોકો શું ભેટ લઈને ઊભા છે તેના પર રિપોર્ટિંગ થાય તે ય ફેનેટિઝમ છે, પરંતુ આવું પોતાના જીવનમાંય બને તેવું અનેક લોકો ઈચ્છતા હોઈ શકે છે. 

પાંચ વરસ પહેલાં સેલિબ્રિટિ વર્શિપ સિન્ડ્રોમને મનોરાગ તરીકે ઉમેરવામાં આવ્યો છે. તમને સવારમાં ઊઠતાં જ વિચાર આવતો હોય કે આજે શાહરુખ ખાને શું ખાધું હશે? અમિતાભ બચ્ચન શું કહે છે બ્લોગમાં? કે પછી સચિન તેડુંલકર મેચ જોવા આવશે કે નહીં? સચિન તેડુંલકર કે શાહરુખ કે રજનીકાંત કે અમિતાભનું મંદિર બનાવી તેની પૂજા પાઠ કરતાં લોકો આ સેલિબ્રિટિ વર્શિપ સિન્ડ્રોમથી પીડાય છે એવું કહી શકાય. આવી રીતે સેલિબ્રિટિ વર્શિપ સિન્ડ્રોમ ધરાવતી વ્યક્તિઓની પ્રશંસા કરનારા પણ ઘેલછા ધરાવતું વ્યક્તિત્વ કહી શકાય. દર ત્રણમાંથી એક વ્યક્તિ આ રીતે કોઈ બીજી ફેમસ વ્યક્તિની ઘેલછાની હદે ચાહક હોય છે એવું સાયકોલોજિસ્ટ્સનું કહેવું છે. આવી ઘેલછાઓને મીડિયા અને પબ્લિક રિલેશનશિપ પણ ઉકસાવે કારણ કે આવી ઘેલછા ધરાવતી વ્યક્તિઓને કારણે જ બિઝનેસ ચાલતો હોય છે. 

કલાકાર શરૂઆતમાં તો કલા માટેની ચાહત માટે જ લખે, ચિત્ર દોરે, ગાય, અભિનય કરે પરંતુ જેમ જેમ તેમને લોકોનું અટેન્શન મળતું જાય તેમ તેમ એમને પોતે કંઈક હોવાનો અહેસાસ થતો હોય છે. આમ જોઈએ તો બીજાને કેવું લાગ્યું તે જાણવા આપણે સૌ ઉત્સુક જ હોઈએ છીએ. 

ફેસબુકમાં પણ કોને કેટલી લાઈક મળે છે તે જોવું અને ઈચ્છા રાખવી કે લાઈક ખરીદવી તે પણ એક જાતનું સેલિબ્રિટિ સ્ટેટસ મેળવવાની ઘેલછા જ હોય છે. વાત જરાક આડે પાટે ચઢી ગઈ, પરંતુ છે આ પણ ઘેલછાની જ વાત. વળી સેલિબ્રિટિ વર્શિપ સિન્ડ્રોમની વાત કરીએ તો સાયકોલોજિસ્ટ્સનું કહેવું છે કે ચારમાંથી એક વ્યક્તિ પોતાના આઈડલ એટલે કે જેને આદર્શ માનતી હોય છે તેમાં એટલી રમમાણ રહે છે કે તેના પોતાના જીવનમાં તકલીફો ઊભી થતી હોય છે. એમ તો ભગવાનમાં ન માનતી વ્યક્તિઓને ભગવાનની પૂજાપાઠમાં સમય વ્યતિત કરતી વ્યક્તિઓ ઘેલી લાગી શકે છે. તમારી ઘેલછા તમારા અંગત જીવાતા જીવનમાં અવરોધરૂપ બને ત્યારે તે માનસિક રુગ્ણતા કહેવાય એવું સાયકોલોજિસ્ટ્સનું માનવું છે. ગુરુ તરીકે સ્થાપિત વ્યક્તિ માટેની આંધળી ભક્તિને પણ વર્શિપ સિન્ડ્રોમ કહી શકાય. 

ઈંગ્લેડમાં આવેલી લિસ્ટર યુનિવર્સિટીના સાયકોલોજિસ્ટોએ સેલિબ્રિટિ વર્શિપનો અભ્યાસ કરતાં રેટિંગ આપ્યા તે દરમિયાન જાણવા મળ્યું કે આજે ૩૬ ટકા લોકો વત્તેઓછે અંશે સેલિબ્રિટિ વર્શિપ સિન્ડ્રોમ ધરાવતા હોય છે. અને આ સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે. કોઈક અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન જેવા સિનેમા સ્ટારના દીવાના હોય છે તો કોઈક ફુટબોલ પ્લેયર મેસ્સીના કે બેડમિન્ટન પ્લેયર નાદાલના તો કોઈક સચિનનું મંદિર બનાવી તેની પૂજા કરે. 

પ્રશ્ર્ન થાય કે આવું શું કામ થાય છે, તે ચોક્કસપણે હજી સાયકોલોજિસ્ટ પણ કહી શકતા નથી. લિસ્ટર યુનિવર્સિટીના સાયકોલોજિસ્ટ ડૉ મોલ્ટબી કહે છે કે જે લોકો ઓછી ઘેલછા ધરાવતાં હોય છે તે લોકો મળતાવડા હોય છે અને તેઓ પોતાના મિત્રો સામે કે સ્વજનો સામે પોતાના આદર્શ વ્યક્તિ વિશે બોલતા થાકતા નથી. તેમના આદર્શ વિશેની રજેરજ માહિતી તેમની પાસે હશે. (દાત. આપણી આસપાસ કિશોર કુમાર, આશા કે લત્તાના કે અમિતાભ બચ્ચન, સલમાન ખાન કે પછી કોઈ ચોક્કસ ટીમના વખાણ કરતાં ન થાકતાં હોય તેવી વ્યક્તિઓ હશે જ.) થોડું મોડરેટ એટલે કે થોડુંક વધારે સિન્ડ્રોમ ધરાવતી વ્યક્તિઓ તેમના આદર્શના જેવા દરેક ચાળા કરવાના પ્રયત્નો કરશે. બીજો કોઈ તેમના આદર્શ વિરુદ્ધ બોલે તો તે સહન ન કરી શકે. અને તેનાથી વધારે સિન્ડ્રોમ ધરાવતી વ્યક્તિઓ અસામાન્ય મનોરુગ્ણતાથી પીડાતી હોય છે.(ફેન ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે આ સિન્ડ્રોમ) 

મોલ્ટબીની વાત પર વિચારીએ તો યાદ આવે કે પ્રિન્સેસ ડાયેનાના હજારો ચાહકો તેના અકસ્માત મૃત્યુથી દુખી થઈ ગયા હતા. માઈકલ જેકસનના ચાહકો પણ હજારોની સંખ્યામાં ઊમટ્યા હતા તેને વિદાય આપવા માટે. હિટલર અને રાવણનાય ફેન હોઈ શકે તો ગાંધીજી અને મન્ડેલાના ય ચાહકો હોઈ શકે. જો કે તેમના ચાહકો પર હકારાત્મક અસરો થતી જોવા મળે છે. જ્યાં સુધી આદર્શ હોય તે વ્યક્તિની હકારાત્મક, પ્રેરણાત્મક અસર થાય ત્યાં સુધી ઠીક પરંતુ ઓબસેસિવ (વળગણરૂપ હોય તેવું) બનીને પોતાના આદર્શને પૂજવું તે માનસિક રુગ્ણતા છે તે સમજી લેવું જોઈએ.

You Might Also Like

0 comments