ગંગા ઘાટની ગંદકી-મુક્તિ માટે ગુજરાતી યુવતીની પહેલ (મુંબઈ સમાચારમાં પ્રકાશિત)

01:47
મળમૂત્રની ગંદકી વારાણસીના ઘાટ પરથી હટાવવા માટે દર્શિકા શાહ અને તેમ્સુતુલા ઈમસોંગે કોઈ સૂગ રાખ્યા  વિના ઉઠાવેલી જહેમતની ખુદ વડા પ્રધાને લીધી નોંધ


વારાણસીમાં જન્મીને ઊછરેલી ગુજરાતી યુવતી દર્શિકા શાહ હાલ ગાંધીનગરમાં પબ્લિક હેલ્થ વિષય સાથે માસ્ટર કરી રહી છે. દર્શિકા શાહ સાકાર નામની સામાજિક સંસ્થામાં સક્રિય રીતે તેમ્સુતુલા ઈમસોંગ સાથે કામ કરી રહી છે. ફક્ત ૨૩ વરસની દર્શિકા ગાંધીનગરથી ફોન પર વાત કરતાં કહે છે કે, ‘દિલ્હી યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કરતી હતી ત્યારે પણ ચાઈલ્ડ એબ્યુઝ અને સેક્સુઅલ હરેસમેન્ટ માટે કામ કરતી એક સંસ્થા સાથે કામ કર્યું હતું. એટલે ગ્રેજ્યુએશન કર્યા બાદ વારાણસી પાછી ફરી કે સાકાર સાથે કામ શરૂ કર્યું. અમે ગામડાઓ અને શાળાઓ દત્તક લઈને શિક્ષણ તથા સ્ત્રીઓના સ્વાસ્થ્ય તેમ જ તેમની માનસિકતા બદલવાનું કામ કરીએ છીએ. દિલ્હીમાં રહીને પાછી વારાણસી આવી ત્યારે સમજાયું કે વારાણસીમાં સ્વચ્છતાનો અભાવ છે. વારાણસીમાંથી વહેતી પવિત્ર ગંગાનદી પર ૨૦ કિલોમીટર દૂર આવેલો શૂલ ટંકેશ્ર્વર ઘાટને ૨૦૧૩માં અમે સ્વચ્છ કર્યો હતો. પણ તેની નોંધ કોઈએ નહોતી લીધી, કારણ કે તે સમયે અમે સોશ્યલ મીડિયામાં એક્ટિવ નહોતાં. એટલે વધુ કોઈને જાણ જ નહોતી થઈ શકી. ૨૦૧૫ના માર્ચ મહિનામાં હું ને તેમ્સુતુલા વારાણસીના પ્રભુ ઘાટ પર ફરી રહ્યાં હતાં. ઘાટ ખૂબ જ સુંદર છે પણ ત્યાં અમને મળમૂત્રની વાસ આવી. માથું ફાડી નાખે એવી ગંદી વાસ અને ગંદકી ઘાટની સુંદરતાને સંતાડી રહી હતી. એ ઘાટ પર લાંબો સમય ઊભા રહેવું શક્ય જ નહોતું. તરત જ અમને વિચાર આવ્યો કે અહીં સફાઈ થવી જોઈએ. બીજે દિવસે બ્લિચિંગ પાઉડર અને બાલદી-ઝાડું લઈને બીજા ચાર-પાંચ મિત્રો સાથે અમે બે ગંગા ઘાટ પર પહોંચી ગયાં. બે દિવસ સુધી અમે સફાઈ કરી. અઢળક બ્લિચિંગ પાવડર નાખ્યા બાદ પણ વાસ આવી રહી હતી. એ સફાઈ કર્યા બાદ કેટલાય દિવસ સુધી જમવાનું મોઢામાં મૂકી નહોતાં શકયાં. એ વાસ અમારા મગજમાં એટલી ઘૂસી ગઈ હતી કે વારંવાર નહાવા છતાં અમને સ્વચ્છતા નહોતી લાગતી. આજે વિચારીએ છીએ તો નવાઈ લાગે છે કે કઈ રીતે અમે એ ગંદકી સાફ કરવાનું સાહસ કરી શક્યાં. 

કામ બસ બે દિવસમાં પૂરું થાય એમ નહોતું, ગંદકી સાફ કર્યા બાદ પણ લોકોએ ત્યાં હાજતે જવાનું બંધ નહોતું કર્યું. લોકોને સમજાવવા રોજ જવું પડતું. સામે અમને ય સવાલો થતા કે અમે તો વરસોથી અહીં જ હાજતે જઈએ છીએ તમે કોણ અમને કહેવાવાળાં? આપણા ઘરની સફાઈ રાખીએ એમ જ્યાં યાત્રાળુઓ આવે, વિદેશી પર્યટકો આવે તે શહેરના ઘાટ સાફ હોય તો સારું લાગે અને ગંદકી ન હોય તો રોગચાળો પણ ન ફેલાય. સ્વચ્છતા બાબતે લોકોને સમજાવવા સહેલા નહોતા પણ સતત કામ કરવાથી તેમને ધીમે ધીમે કેળવી શકાયા. અમે જેમ કામ કરવા લાગ્યાં તેમ તેમ અધિકારીઓ અને ગ્રામજનો પણ અમારી સાથે જોડાયા. ત્યારે અમને સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરવાનો વિચાર આવ્યો જેથી વધુને વધુ લોકો અમારી સાથે સ્વચ્છતા અભિયાનમાં જોડાય. અમે રોજ ફોટા સાથે ટ્વિટ કરીને સફાઈ કામનો પ્રોગ્રેસ પોષ્ટ કરતા હતા તેવામાં વારાણસીના એક અખબારે તેની નોંધ લીધી. ૩૧ માર્ચે વડા પ્રધાન મોદીએ પણ અમારા કામની પ્રશંસા કરતા ટ્વિટ કર્યું તે અમારા માટે નવાઈની વાત હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નોંધ લેતાની સાથે દરેક મીડિયાના લોકો અમારો સંપર્ક કરવા લાગ્યા. અને અમારો ઉત્સાહ વધ્યો. અને અમે બીજા ચારેક ઘાટ સાફ કરી નાખ્યા હતા. ’ 

જુલાઈ ૨૦૧૫ના રોજ નરેન્દ્ર મોદીને મળવાનું આમંત્રણ તેન્સુતુલા અને દર્શિકાને મળ્યું. ૨૩ વરસની દર્શિકા અને ૩૨ વરસની તેન્સુતુલાએ વરસોથી ગંદા રહેતા પવિત્ર ઘાટ સ્વચ્છ કરવા માત્રથી અટક્યાં નથી. ગાંધીજીએ આપેલું નામ શ્રમદાન તેમણે સાચા અર્થમાં અપનાવી લીધું છે. આજે ભારતનાં અનેક શહેરોમાં શ્રમદાન કાર્યક્રમો યોજાય છે જેમાં સ્થાનિક લોકો સફાઈ અભિયાનમાં જોડાય છે. દર્શિકાના કહેવા પ્રમાણે યુવાનો મોટી સંખ્યામાં ઉત્સાહભેર સ્વચ્છતા માટે કામ કરી રહ્યા છે. 

દર્શિકાના પિતા દીપક વારાણસીમાં ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ છે અને માતા કામિની ગૃહિણી છે. તેમણે પોતાની ક્યારેય દર્શિકાને રેટરેસમાં પૈસા કમાવવા માટે ભણવાનું નથી કહ્યું. દર્શિકાને પણ પૈસા કમાવવા માટે તાણભર્યું જીવન નહોતું જીવવું એટલે તેણે સમાજ સેવાનું કામ કરવાનું પસંદ કર્યું. પબ્લિક હેલ્થમાં માસ્ટર કર્યા બાદ સમાજના સ્વાસ્થ્ય અંગે ઘણાં કામ કરવાની તેની ઈચ્છા છે. 

તેનું કહેવું છે કે, ‘ભારતમાં લોકો સ્વચ્છતા અને નાગરિક ધર્મ વિશે જાગૃત નહોતા. હવે લોકોમાં ધીમે ધીમે જાગૃતિ આવી રહી છે. લોકોની માનસિકતા રહી છે કે સ્વચ્છ અને સુંદર જગ્યા દેખાશે તો તેઓ ગંદકી કરતાં અચકાશે, પણ ગંદકી દેખાશે ત્યાં વધુ ગંદં કરશે. એટલે અમે હાલમાં વારાણસીના સાફ કરેલા ઘાટ પર જ ફોકસ કરી રહ્યાં છીએ. તેને ગંદા થવા નહીં દઈએ. એકવાર સફાઈ કર્યા બાદ કામ પુરું નથી થતું તેને સતત ધ્યાન આપવું પડે છે. શ્રમદાનનું અમારાં કામ સાથે ભારતભરમાં લોકો જોડાઈ રહ્યા છે તેનો અમને આનંદ છે. જો કે મને જે આ બધા કામ કરવાની પ્રેરણા મળે છે તેમાં તેન્સુતુલાની ઊર્જા કામ કરી રહી છે. તેની કામ કરવાની ધગશ અને મહેનત મને કામ કરવા ઉત્સાહિત કરે છે. વારાણસી મારું શહેર છે તે છતાં પવિત્ર યાત્રાધામ પણ છે. તેની સ્વચ્છતા એને ઓર સુંદર અને પવિત્ર વાતાવરણ આપશે. જો કે હજુ ઘણાં કામ બાકી છે. આ તો શરૂઆત છે. અમને સ્વચ્છતા ગમતી હતી એટલે અમે કામ કર્યું હતું ખ્યાતિ મેળવવા માટે નહીં. હા, વડા પ્રધાને અમારા કામની પ્રશંસા કરી તેનાથી અધિકારીઓ મદદરૂપ બની રહ્યા છે બાકી આ કામ એવું છે કે તેમાં પૈસાની જરૂર નથી હોતી.’

દિવાળીમાં તેમણે સાફ કરેલા ઘાટ પર હજારો દિવા પ્રગટાવી તેની સુંદરતાને પ્રજ્વલિત કરી. દર્શિકા અને તેન્સુતુલા પાસેથી શ્રમદાન કરવાની પ્રેરણા લઈને આપણે આપણા ઘરની આસપાસનો વિસ્તાર સ્વચ્છ રાખવાનો પ્રયત્ન કરીએ તો શક્ય છે આખુંય ભારત એક વખત સુંદર, સ્વચ્છ બની શકે. દર્શિકા કહે છે કે શહેરને સ્વચ્છ રાખવા માટે સમાજ અને સરકાર બન્નેેએ સાથે મળીને કામ કરવું પડશે. કોઈ એકથી આ કામ થવું શક્ય નથી.

You Might Also Like

0 comments