મૈં ચાહે યે પહેનું, મૈં ચાહે વો પહેનું... મેરી મરઝી (published in mumbai samachar)

03:35કાન્સ ફેસ્ટિવલ આવે એટલે ગ્લેમર અને ફેશનના ફોટાઓ અને ગોસિપની મોસમ મીડિયામાં છલકાય. ભારતમાંથી ય રૂપસુંદરીઓ એકબીજાથી ચડિયાતા હોવાની હરીફાઈમાં હોડ લગાવે. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ આમ તો ફિલ્મી કલાને બિરદાવવાનો ઉત્સવ છે પણ જ્યારે હોલીવૂડ અને બોલીવૂડના હીરો-હીરોઈનો આવે એટલે ગ્લેમર રસ છલકાય તેમાં નવાઈ નથી, પરંતુ ધીમે ધીમે કાન્સમાં શું પહેરવું અને ન પહેરવું તે માટેના કેટલાક વણલખ્યા નિયમો બની ગયા. તેમાં ય ગયા વરસે કાન્સમાં એક ફિલ્મના સ્ક્રિનિંગ વખતે કેટલાક લોકોને યોગ્ય જૂતાં ન પહેરવાને કારણે પ્રવેશ ન અપાયો. ખાસ કરીને સ્ત્રીઓએ હાઈ હીલ જ પહેરવા જોઈએ એવો વણલખ્યો નિયમ જાહેર થયો હતો. એ નિયમનો વિરોધ કરવા માટે આ વખતે જુલિયા રોબર્ટસ પગમાં જૂતાં પહેર્યા વિના જ આવી હતી.

કાન્સની વાત છોડો પણ સમાજમાં રોજિંદા જીવનમાં ય સ્ત્રીઓએ શું પહેરવું અને ન પહેરવું તે બીજાઓ જ નક્કી કરતાં હોય છે. એક જમાનો હતો જ્યારે સ્ત્રીઓ રજસ્વલા થાય ત્યારથી સાડી પહેરવા લાગે. લગ્ન નાની ઉંમરે જ થઈ જાય સાસરે જઈને માથે ઓઢવાનું, લાજ કાઢવાની ફરજિયાત હતું. એમ ન કરનાર સ્ત્રીઓએે તેના પરિણામો ભોગવવા તૈયાર રહેવું પડતું. ધીમે ધીમે લાજ કાઢવાનું ને માથે ઓઢવાનું તો ઠીક સાડી પહેરવાનું જ ગયું. તે છતાં આજે પણ કેટલાક ઘરોમાં વહુઓને જીન્સ પહેરવાની છૂટ નથી હોતી. 

સ્ત્રીએ શું પહેરવું કે ન પહેરવું તે સ્ત્રીની મરજી પર અવલંબિત ન હોય તો એનો અર્થ એટલો જ કે હજી આજે પણ સ્ત્રીને માલિકીની વસ્તુ કે ગુલામ તરીકે જ સમજવામાં આવે છે. નવાઈ તો ત્યારે લાગે કે સ્ત્રીઓને એ બાબતનો કોઈ વિરોધ નથી હોતો. ઊલટાનું સ્ત્રીઓ પોતે જ બીજી સ્ત્રીની કપડાં બાબતે ટીકાઓ કરે છે. નિયમો લાદે છે. આવા નિયમો એટલા જડ બની જતાં હોય છે કે પછી ખાપ પંચાયતો અને પિતૃસત્તાક માનસિકતા ધરાવતી વ્યક્તિઓ એવી સ્ત્રીઓને બગડેલી કે ખરાબ સ્ત્રી તરીકેનું લેબલ લગાવી દેતા હોય છે. પારંપારિક રૂઢિઓમાંથી બહાર આવ્યા બાદ આધુનિકાઓ માર્કેટિંગની ગુલામ બની રહી છે. બીજાને ગમવા માટે પોતાની જાત પર જુલ્મ કરવાની માનસિકતામાંથી સ્ત્રીઓ જાણે બહાર આવવા માગતી નથી. હાઈ હીલ્સમાં સ્ત્રીના પગ પાતળા, લાંબા દેખાય છે. આકર્ષક દેખાવા માટે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવા છતાં માનુનીઓ ત્રણથી પાંચ ઈંચ ઊંચા સેન્ડલ્સ પહેરશે. જુલિયા રોબર્ટ્સે ઉઘાડા પગે જઈને હિંમતભેર પોતાનો વિરોધ નોંધાવ્યો છે. 

આજે વિશ્ર્વભરમાં દરેક ક્ષેત્રે સ્ત્રીઓ આત્મવિશ્ર્વાસથી આગળ વધી રહી હોવા છતાં દેખાવ અંગે તેમને સતત ઓછપ અનુભવાય છે. દરેક સ્ત્રી મેગઝિનમાં છપાતાં ફોટામાં દેખાતી ગ્લેમરસ મોડેલ જેવો દેખાવ ધરાવવાની ઇચ્છા ધરાવતી હોય છે. સ્ત્રીઓને પોતાના દેખાવ માટે જેટલી સભાનતા હોય છે તેટલી જ તે સ્ત્રી ક્યાંક અસલામતી અનુભવતી હોય છે. પોતાના દેખાવ માટે સતત શંકાશીલ અને અસલામતી અનુભવતી હોવાને કારણે જ સ્ત્રી જોઇએ તેટલી પ્રગતિ કરી નથી શકતી એવું સંશોધનકારોનું માનવું છે.

જાહેરાતોમાં અને ફિલ્મોમાં દેખાતી આપણી હીરોઇનો પણ પોતાના દેખાવને કોસ્મેટીક્સ સર્જરી દ્વારા સતત બદલવાનો પ્રયત્ન કરતી હોય છે. અનુષ્કા શર્માએ હોઠ અને નાકની સર્જરી કરાવી તો માધુરીથી લઈને સોનમ કપુર સુધીની દરેક હીરોઇનો પોતાના દેખાવ માટે નાની મોટી સર્જરી કરાવે છે અથવા સતત પરિશ્રમ કરી વજન ઊતારે છે. અબજો રૂપિયાની કોસ્મેટિક્સ ઇન્ડસ્ટ્રિ સ્ત્રીઓને કારણે ચાલે છે. આપણી વિચારધારા ઉપર પણ તેમનું આક્રમણ હોય છે. બીજાના અભિપ્રાય પર જીવવા ટેવાયેલા આપણે આપણા દેખાવને બીજાઓ શું વિચારશે કે હું બીજા સામે કેવી દેખાઇશ તેને માટે ચિંતા કરતાં વરસો વીતાવી દેતાં હોઇએ છીએ. આપણી વિચારશક્તિ બીજાના અભિપ્રાય પર નિર્ભર કેમ હોઇ શકે ?

આપણે દુનિયાના બીબાંમાં આપણી જાતને ઢાળવાનું બંધ કરી. આપણા બીબાંમાં દુનિયાને ઢાળવાનો પ્રયત્ન કરવાની જરૂર છે. ગયા લગ્નમાં કે કિટી પાર્ટીમાં પહેરેલો ડ્રેસ રિપીટ ન થવો જોઇએ. લેટેસ્ટ કટ અને લેટેસ્ટ ઘડામણના દાગીના, બીજા શું પહેરે છે અને આપણી પાસે શું નથી તે વિચારીને ચિંતિત થતી. તાણ અનુભવતી સ્ત્રીઓ આપણી આસપાસ આસાનીથી મળી જશે.

કેટલા લેખકોએ નવા પુસ્તક લખ્યા અને કેટલા આપણે વાંચ્યા. બીજા કરતાં પુસ્તકોની ખરીદી વધારે કરી કે નહીં તે બાબતે આપણે ક્યારેય કેમ ચર્ચા નથી કરતાં કે ચિંતા નથી કરતા. બાહ્ય સૌંદર્યની ચડસા ચડસી કરતાં આંતરિક સમૃદ્ધિ માટે પ્રયત્નશીલ રહેવાનો પ્રયત્ન કરવાનો વિચાર અમલમાં મૂકવાનું પણ લઈ શકાય તો .... જો આજની નારી સૌંદર્ય પ્રસાધનો,ઘરેણાં કે કપડાં પાછળ વપરાતા કરોડો રૂપિયાનું રોકાણ શિક્ષણ પાછળ કરે તો આત્મવિશ્ર્વાસ વધારવા બાહ્ય દેખાવ પર કે અન્યના ગમાઅણગમા પર નિર્ભર જીવન નહીં રહે. પોતાનું વિશ્ર્વ પોતાની શરતો પર રચવાનું દરેક સ્ત્રી માટે શક્ય છે. સેક્સીપણાની વ્યાખ્યા બદલાઈ શકે છે. સોચ બદલો દુનિયા બદલો...

આજે સ્ત્રીઓના એમ્પાવરમેન્ટની (અધિકાર,સત્તા) વ્યાખ્યા તેના દેખાવથી શરૂ થાય છે. જેટલું વધુ શરીર બતાવે વળી પાછું તે સેક્સી હોવું જરૂરી છે તેટલી જ તેને પ્રશંસા કે સફળતા મળી શકે. સ્પાઈસ ગર્લ, લેડી ગાગા, સન્ની લિયોન આના થોડાક ઉદાહરણ છે. બાકી આપણી દરેક હીરોઇન પણ આઇટમ ગીતમાં સેક્સી ડાન્સ કરીને શું પુરવાર કરવા માગે છે તે સમજી શકાય છે. પુરુષોના રેઝરની જાહેરાત હોય કે પરર્ફ્યુમ કે પછી કારની જાહેરાત તેમાં સેક્સી દેખાતો નારી દેહ અનિવાર્ય છે. સ્ત્રી એટલે સુંદર, સેક્સી, ઉપભોગની વસ્તુ એવી માનસિકતા ઊભી કરવામાં આપણે સ્ત્રીઓ પણ એટલી જ જવાબદાર છે એ કમને ય સ્વીકારવું રહ્યું. નારીત્વ એટલે માત્ર બાહ્ય દેખાવ નહી. સુંદરતા અને આકર્ષણની પરે નારીનું વ્યક્તિત્વ રહેલું છે. જેને દેખાવ સાથે કોઇ મતલબ નથી. એનો અર્થ એ નથી કે નારીએ સ્વચ્છ , સુઘડ વસ્ત્રો ન પહેરવા કે પોતાને ગમતી રીતે તૈયાર ન થવું. નારીની સુંદરતા અને સેક્સીપણા પાછળ આજની ઇકોનોમી પણ ઉછરી રહી છે ત્યારે દેખાવડાપણાની માનસિક ગુલામીમાંથી મુક્ત થવું ખરેખર અઘરું થઈ રહ્યું છે. બસ જરૂરત છે તો એકવાર આયનામાં જોઇને નારીત્વના સાચા રૂપને જોવાની.


You Might Also Like

0 comments