ચિત્રમાં રંગ પૂરવાથી તાણ ઘટે છે (published in mumbai samachar)

04:48
નાના બાળક હતા ત્યારે તમે કલર કર્યો હશે પિક્ચરબુકમાં! છેલ્લે ક્યારે ચિત્રમાં તમે કલર પૂર્યો હતો? ઘરમાં નાનું બાળક હોય ત્યારે સાથે બેસીને તેને કલર કરવાનું શીખવાડતી વખતે આપણે ય થોડો બાળપણનો આનંદ લઈ લેતા હોઈએ છીએ. હવે મોબાઈલમાં ય એવી એપ આવે છે જેમાં રંગો પૂરી શકાય છે. શક્ય છે આ એપ દરેક મોબાઈલમાં ન યે આવતી હોય.

તમને કદાચ ખબર નહીં હોય કે કલર કરવાથી રોગ નિવારી શકવાની શક્યતા હોય છે. અર્થાત્ ચિત્રમાં કલર પૂરવો સ્વાસ્થ્ય માટે ગુણકારી બની શકે છે. ટાઈમપાસની આ પ્રવૃત્તિ ફાયદાકારક છે તેની જાણ થાય તો બાળકોની સાથે મોટેરાઓને પણ કલર પૂરવામાં રસ પડવા માંડે.

જીવન અને રંગો એક જ સિક્કાની બે બાજુઓ છે એવું કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી. રંગોનું જીવનમાં કેટલું મહત્ત્વ છે તે કહેવાની જરૂર નથી જ. કારણ કે રંગ વિનાના જીવનની કલ્પના કરવી અઘરી છે. જુદાં જુદાં રંગો જીવનના જુદાં સ્તરો દર્શાવે છે. રંગ વસ્તુ અને વ્યક્તિને નવું પરિમાણ આપી શકે છે. આપણી આસપાસ દેખાતા દરેક રંગોની પોતાની એક કથા કે વાત હોય છે. દરેક રંગોનું એક અનોખું વ્યક્તિત્વ હોય છે. રંગો આપણા જીવનમાં અનુભવાતી તાણને ઓછી કરવામાં મદદરૂપ બને છે અને જીવનને પ્રમાણમાં સરળ બનાવવા સાથે મુક્તિનો અનુભવ કરાવી શકે છે. એટલે જ કેટલાય લોકોને રંગ પૂરવા ગમતા હોય છે. રંગો આપણી માનસિકતાના જુદાંજુદાં પાસાંઓ સાથે ઘનિષ્ઠતાથી સંકળાયેલા છે. એમ કહી શકાય કે રંગો આપણાં લાગણીતંત્રને અસર કરતા હોય છે. ઉદાહરણ તરીકે કાળા રંગ સાથે નકારાત્મકતાની લાગણી સંકળાયેલી છે. જ્યારે સફેદ એ શાંતિનો રંગ છે. એ જ પ્રમાણે બ્લ્યુ (ભૂરો) રંગ પ્રશાંતિની અનુભૂતિ કરાવે છે. જ્યારે લાલ રંગ પ્રેમ અને જોખમ દર્શાવનાર ગણાય છે.

કલર કરવાથી તાણ, હતાશા, ડિમ્નેસિયા જેવી બીમારીમાં ફાયદો થતો હોવાનું કેટલીય વ્યક્તિઓએ જણાવ્યું છે તો એ બાબતને વિજ્ઞાન પણ નકારતું નથી. કેટલાક સાયકોલોજિસ્ટ રંગોને તમારા મૂડ એટલે કે માનસિકતામાં મદદરૂપ બનતા હોવાનું અને સ્વાસ્થ્ય પર અસર કરતા હોવાનું દૃઢપણે માનતા હોવાથી તેમની થેરેપીમાં તેઓ રંગોનો ઉપયોગ કરતા હોય છે.

તમે જ્યારે પડકારનો સામનો કરતાં હો છો ત્યારે તાણનો અનુભવ થાય છે. તમારું શરીર એ તાણનો સામનો કરવા સતર્ક બને છે. તાણ વધવાથી શરીરમાં તાણના હોર્મોન જેમ કે કોર્ટિસોલ કે એડ્રેનલિન વધે છે. જેનાથી નકારાત્મકતાની અસર શરીર અને મગજ પર પડે છે. કેટલાક મનોચિકિત્સકો હતાશા અનુભવતાં દર્દીને કલરિંગ કરવાનું સૂચવતાં હોય છે. પ્રસિદ્ધ સાયકોલોજિસ્ટ કાર્લ યુંગે સૌ પ્રથમ આ થેરેપીનો ઉપયોગ કર્યો હતો. ડિપ્રેશન અને એન્કઝાઈટીના દર્દીઓને શાંત અને હળવા મૂડમાં લાવવા માટે આ રંગ પૂરવાની પ્રવૃત્તિનો ઉપયોગ થાય છે. રંગ પૂરવામાં વ્યક્તિ કલાકો સુધી એકધ્યાન રહેવાથી વિચારો કરવામાંથી મુક્ત થઈ શકે છે. કમ્પલસિવ થોટ એટલે કે સતત વિચારો કર્યા કરતી વ્યક્તિ માટે આ ઉપયોગી પ્રવૃત્તિ છે. ધીમે ધીમે તે વ્યક્તિને હળવાશની અનુભૂતિ આપે છે જેથી તાણની ઓછી થાય છે. હાયપર એક્ટિવિટી ધરાવતાં બાળકો માટે પણ આ કલરિંગ (રંગ પૂરવાની)ની પ્રવૃત્તિ ખૂબ લાભદાયક બની રહે છે. રંગો એકાગ્ર બનાવવા સાથે તેના હકારાત્મક આંદોલનો મનમાં વહેતા મૂકે છે.

બીજું કે રંગ પૂરવાની પ્રવૃત્તિ કરવાથી રચનાત્મકતા અને તર્કશક્તિ પણ વધે છે. તમે જ્યારે ચિત્રોમાં રંગ પૂરો છો ત્યારે ક્યો રંગ ક્યાં? કેવો લાગશે? તે વિચારો છો. રંગોની પસંદગી કરવામાં તમારે વિચારવું પડે છે, એકાગ્ર થવું પડે છે. વળી ક્યો રંગ બીજા રંગ સાથે યોગ્ય લાગશે તે પણ આગોતરું વિચારવું પડે છે. રંગોની મેળવણી પસંદ કરવા માટે તર્ક લગાવવો પડે છે. આમ, તમે એટલો સમય ચિંતા કે તાણ ભૂલી જાઓ છો. વિચારો પણ કેટલીક પળ થંભી જાય છે. વળી રંગો તમારી યાદોને તાજગી આપી શકે છે. જ્યારે પણ કોઈ પુખ્ત વ્યક્તિ રંગ પૂરે છે ત્યારે તેને બાળપણની કોઈ યાદ તાજી થાય છે. જે હકારાત્મક ઊર્જા આપે છે.

મગજ જુદી જુદી વસ્તુ કે બાબતને જોઈને મગજમાં સંગ્રહાયેલી માહિતી કે સંદર્ભ  શોધી કાઢે છે. રંગો પણ માણસની અનેક યાદોને તાજી કરે છે. રંગ પૂરવાથી વિચારોમાં સ્પષ્ટતાનો અનુભવ થઈ શકે છે. એટલે જ તમને શાંતિ માટે કેટલાક નકારાત્મક વિચારો પડતા મૂકવાની ઈચ્છા થઈ આવે છે. વિચારો સ્પષ્ટ ન હોવાને કારણે જ તકલીફો ઊભી થતી હોય છે. અસમંજસ તાણને વધારે છે. રંગ પૂરવાથી કશુંક રચનાત્મક કર્યાનો સંતોષ મળે છે અને સંતોષની લાગણી વ્યક્તિમાં આત્મવિશ્ર્વાસ વધારે છે. કશુંક કામ પૂર્ણ થવાનો આનંદ અને સંતોષ વ્યક્તિને શાંતિનો, હળવાશનો અનુભવ કરાવે છે. લાસ્ટ બટ નોટ લિસ્ટ, ગમે તેટલા ટાઈટ શિડ્યુલ વચ્ચે થોડો સમય જો રંગ પૂરવામાં સમય પસાર કરવામાં આવે તો વ્યસ્તતાની તાણ હળવી થતાં કામ વિશે સ્પષ્ટતા આવી શકે છે.

વેકેશનમાં બાળકો સાથે થોડો સમય ચિત્રોમાં રંગ પૂરવાનું ફરી શરૂ કરવા જેવું છે. અને જો બાળકો ન હોય તો પણ રંગ પૂરવાનો શોખ કેળવવા જેવો છે જે તમને સ્વસ્થ અને રચનાત્મક બનાવવામાં મદદરૂપ બની શકે છે.

You Might Also Like

0 comments