નેત્રહીન સરપંચની દૂરદૃષ્ટિ (published in mumbai samachar)

01:40કોઇ પણ પ્રકારની શારીરિક ખોડ માણસના શરીરમાં એક પ્રકારની નબળાઇ પેદા કરતી હોય છે અને એ નબળાઇ પછી માનસિક સ્તરે પણ ફેલાઇ જતી હોય છે. પછી એ વ્યક્તિ નિ:સહાયતાનો અનુભવ કરવા લાગે છે. જોકે, ઘણા એવા વીરલા હોય છે જે શારીરિક તકલીફને કોઠું નથી આપતા અને મક્કમ મનોબળ કેળવીને ક્યારેક તો સક્ષમ વ્યક્તિને પણ અચરજ થાય એવા કામ કરતા હોય છે. સૌરાષ્ટ્રના મોરબી તાલુકાના રંગપર ગામના આંખોની દૃષ્ટિ ન ધરાવતા રતન આલા એક દૃઢ મનોબળ ધરાવતી વ્યક્તિ છે જેણે ગામના રહેવાસીઓની તકલીફ જાણીને એક ઉમદા કામ કર્યું છે. અંધ વ્યક્તિને સૌથી પહેલી તકલીફ થાય જો રસ્તો બરાબર ન હોય તો. નરી આંખે ન દેખી શકતા રતન આલાને ગામના રસ્તા પર ચાલતી વખતે ખાડા ટેકરાને કારણે 

તકલીફો તો થતી જ, પણ સાથે સાથે બાવળના કાંટાઓ પગમાં ભોંકાઈ જતા. ક્યારેક તો તેની ડાળીઓ રસ્તા સુધી ફેલાઇ જવાથી હાથ પણ છોલાઈ જતા. 

સામાન્ય નેત્રહીન વ્યક્તિ શું કરે? કદાચ નસીબને કોસે કે પછી કોઇને મદદ કરવા વિનંતિ કરે. રતનભાઇ સામાન્ય વ્યક્તિ નથી. પહેલાં તો તેમણે ગામના સરપંચને સવાલ પૂછ્યો કે ગામમાં સરખા રસ્તા કેમ નથી બનાવવામાં આવતા? જવાબમાં સરપંચ ભરત મકવાણાએ કહ્યું કે તને શું ખબર પડે કે રોડ કઇ રીતે બને? એટલું કહીને રતનભાઈનો સવાલ જ ઉડાવી દીધો. આ પ્રકારે અવહેલના થવાથી રતનભાઈને માઠું લાગ્યું. તેમને વિચાર આવ્યો કે પોતે અંધ છે એટલે શું તેમને ગામમાં વિકાસના કામ કેમ નથી થતાં તે પૂછવાનો અધિકાર નથી? 

રતનભાઈને રેડિયો સાંભળવો ગમતો. તેમાં એકવાર તેમણે આરટીઆઈ (રાઇટ ટુ ઇન્ફર્મેશન ઍક્ટ - માહિતી મેળવવાનો અધિકાર) સંબંધે સાંભળ્યું હતું તે યાદ આવ્યું. તેમણે ગામના રસ્તા અંગે આરટીઆઈમાં અરજી કરી દીધી. તેમના પ્રયત્નોથી ગામમાં આ અરજીની અસર થઇ અને પરિણામ એ આવ્યું કે ડામરનો રસ્તો થયો અને વધી ગયેલા બાવળો પણ કાપવામાં આવ્યા. ત્યારબાદ તેઓ ગામના વિકાસમાં કામોમાં રસ લેવા લાગ્યા. આરટીઆઈનો ઉપયોગ 

કરવા બદલ તેમનું સન્માન પણ થયું. ધીમે ધીમે ગામમાં તેમની લોકપ્રિયતા વધવા લાગી અને એક દિવસ તેઓ ગામના ડેપ્યુટી સરપંચ તરીકે ચૂંટાઈ આવ્યા. 

વાંકાનેરથી ૨૨ કિલોમીટર દૂર આવેલા રંગપર ગામના આંખોના રતન વિનાના રતન આલાને હવે અઠવાડિયા પહેલાં જ સરપંચ નિમવામાં આવ્યા છે. રતન આલાનું જીવન અનેક ઉતારચડાવવાળું રહ્યું છે. ફક્ત ૮૦૦ની વસતિ ધરાવતાં રંગપર ગામમાં ગરીબ માતાપિતાને ત્યાં જન્મેલા રતને છ મહિનાની ઉંમરે જ તાવમાં આંખો ગુમાવી દીધી હતી. અભણ અને ગરીબ માતાપિતા રતનની સારવાર કરાવી શક્યા નહીં હોય, પણ પંદર વરસ સુધી રતન કશું જ શિક્ષણ લઈ શક્યો નહીં. તકલીફો પીછો નહોતી છોડતી અને પંદર વરસની ઉંમરે તો તેમણે માતા-પિતાનું છત્ર ગુમાવી દીધું. કાકા, મામાને સહારે રહેતો રતન એકવાર મામાને ત્યાં રાજકોટમાં હતો ત્યારે તેને જાણવા મળ્યું કે જામનગરમાં બ્રેઈલ લિપિ શીખવાડવામાં આવે છે. મામા ભણેલા હતા એટલે બ્રેઇલ લિપીનું મહત્ત્વ સમજતા હતા. તેઓ તરત ભાણિયા રતનને જામનગર મૂકી આવ્યા જેથી એ બ્રેઇલ લિપી શીખી શકે. છ મહિના રહી બ્રેઈલ લિપિ શીખી લીધી. ત્યાર બાદ અમરેલીની પ્રજ્ઞાચક્ષુઓની શાળામાં એક વરસ રહી થોડું શિક્ષણ લીધું. પગ લૂછણિયા વગેરે જે સંસ્થામાં બને તે વેચીને થોડા પૈસા કમાઈ લેવા લાગ્યા. ત્યાં જ વરસ બાદ એક મિત્રએ તેમના લગ્ન જૂનાગઢના પ્રજ્ઞાચક્ષુ ઈલાબહેન સાથે ગોઠવી આપ્યા. ઈલાબહેન સુરેન્દ્રનગર અંધશાળામાં રહીને જમવાનું બનાવતાં શીખ્યા છે. આજે તેઓ સુપેરે રતનભાઈનું ઘર સાચવે છે અને બાળકો ઊછેરે છે. 

રતનભાઈની પાસે થોડી જમીન છે અને ઘર છે. રંગપર ગામમાં આવીને તેમણે ચાની ભૂકીની દુકાન કરી હતી. બાકી કુરિયરના અને અન્ય કામ કરી ગુજરાન ચલાવે છે. 

ગામમાં તેમનો એક પિતરાઈ ભાઈ કરસન હતો. હંમેશાં રતનભાઈની સાથે જ રહે અને કાયમ તેમને મદદ કરતા. ક્યાંય જવું આવવું હોય તો કરસન હોય જ. જોકે, કોઇ વિવાદાસ્પદ ઘટનામાં કરસનને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. રતનને પણ ધમકી મળી હતી કે એના પણ આ જ હાલ થશે. જોકે, સરપંચ પકડાઈ ગયા અને તેને જેલ થઈ. પછી ગામવાસીઓની નજરમાં સરપંચની ખાલી પડેલી ખુરશી માટે રતનભાઇ વસી ગયા અને લોકોએ સરપંચની ખાલી પડેલી ખુરશી માટે રતનભાઈને ચૂંટ્યા. 

સરપંચના પદે ચૂંટાયા પછી તરત જ ૨૦૧૩થી બાકી રહેલી ગ્રાન્ટની રકમનો ઉપયોગ ગામ માટે જરૂરી કાર્યો માટે શરૂ કરી દીધો. પ્રથમ જરૂરી કોઝવે બનાવવાની શરૂઆત થઈ. રતનભાઈ કહે છે કે,‘દર વરસે ચોમાસામાં ત્યાં પાણીનો વહેળો બને અને બાળકોને શાળાએ જવાનું ફાવે નહીં. વળી ગયા વરસે જ એક ભાઈ તેમાં તણાઈ જતાં બચ્યા હતા. એક ભાઇની તો બકરીઓ એમાં તણાઇ ગઇ હતી. પાણીના ભરાવાને કારણે ખ્યાલ ન રહે કે નીચે ખાડો છે કે નહીં. એટલે તેના પર બે જગ્યાએ આરસીસીના કોઝવે બનાવ્યા છે. એ સિવાય ગામવાસીઓની પાણીની તકલીફો દૂર કરવા બોરવેલ બનાવવાની પણ તેમની ઇચ્છા છે. હાલ ગરમીને લીધે પાણીનો અભાવ હોવાથી ટેન્કર પણ મગાવી દીધું છે. ગામ વિકાસના શક્ય તે કામ કરવા છે. છ મહિના છે મારી પાસે બીજી ચૂંટણી આવે તે પહેલાં.’

રતનભાઈ અંધ હોવા છતાં જે કામ કરી શકે છે તે કામ આંખોવાળા કેટલું સારી રીતે કરી શકે પણ કરતા નથી હોતા. અંધ હોવાને કારણે કોઈપણ મારીને જતું રહે તો ખબર ન પડે. પણ કોઈ ડર રાખ્યા વિના હિંમતભેર ન્યાયની લડત તેમણે લડી. તેનો ફાયદો આખા ગામને થયો. ગોચરની જમીન ગામને પાછી મળી.

You Might Also Like

0 comments