પુરુષોની પરવા નથી સમાજને

01:48








આ વિષયનો વિચાર આવ્યો પણ લખવા માટે મન નહોતું માનતું. નિખાલસપૂર્વક કબૂલવા માગું છું કે પુરુષોની તરફેણમાં લખતાં જીવ નહોતો ચાલતો. જાતીય ભેદભાવ આપણા વિચારોમાં એટલી હદે પ્રવેશી જાય છે કે જુદી રીતે વિચારી શકતા નથી. હાલમાં જ એક સમાચાર વાંચવામાં કે સમાજને પુરુષોની પરવા હોતી નથી એવું એક સંશોધનમાં જાણવા મળ્યું. સોશિયલ સાયકોલોજિકલ એન્ડ પર્સનાલિટી સાયન્સ જરનલમાં આ રિસર્ચ આર્ટિકલ છપાયો છે તેમાં લખ્યું છે કે પુરુષો કરતાં સ્ત્રીના સદ્ભાગ્ય કે સુખ માટેના વિચાર વધુ કરવામાં આવે છે. અર્થાત્ પુરુષોનું જે થવું હોય તે થાય પણ સ્ત્રીને તકલીફ ન પડવી જોઈએ એવી પણ એક સમજ આમાંથી નીકળે છે. આ વાંચતા જ ટાયટેનિકની યાદ આવી. 

ટાયટેનિક જહાજ ડૂબ્યું ત્યારે સૌ પ્રથમ સ્ત્રીઓ અને બાળકોને બચાવવામાં આવ્યાં. તેમાં કશું જ આપણને અજુગતું નથી લાગતું. આજે પણ કશે ય કોઈ અકસ્માત કે આગ લાગવાનો કે કોઈપણ બનાવ બનશે તો બધા સૌ પ્રથમ સ્ત્રીઓને બચાવવાની ચિંતા કરવા લાગશે. આપણે જ્યારે જાતીય ભેદભાવને દૂર કરવાની વાત કરીએ છીએ ત્યારે સ્ત્રી પરના અન્યાયની જ વાત કરીએ છીએ. ખૂબ નિખાલસતાપૂર્વક કહેવામાં આવે તો જો બન્નેના વ્યક્તિત્વમાં ફરક ન હોય તો શું કામ આપણે પુરુષનો જીવ બચાવવાની કે તેના સુખની ચિંતા નથી કરતા? સંશોધન કરનારાઓએ એવો પ્રયોગ કર્યો કે જેમાં એવી પરિસ્થિતિ ઊભી કરવામાં આવી જેમાં કોઈકને નુકસાન પહોંચી શકે. ઉદાહરણ તરીકે પ્રયોગમાં ભાગ લેનાર દરેક વ્યક્તિના હાથમાં વીસ ડોલર આપવામાં આવ્યા. અને કહેવામાં આવ્યું કે જો પ્રયોગના અંતે તમારા હાથમાં વીસ ડોલર હશે તો તેના દશ ગણા કરી આપવામાં આવશે. તમારે જો પૈસા રાખવા હોય તો માઈલ્ડ ઈલેક્ટ્રિક શોક આપવામાં આવશે અને જો પૈસા ન રાખો તો શોક નહીં આપવામાં આવે. આ પ્રયોગમાં સ્ત્રીઓને શોક ન અપાય તેનું ધ્યાન રાખવામાં આવ્યું. સ્ત્રીને શોક ન અપાય તે માટે પુરુષોએ પૈસા જતા કરવાનું પણ પસંદ કર્યું હતું. અર્થાત્ આર્થિક લાભ પણ પુરુષો કે સ્ત્રીઓ બીજી સ્ત્રીને બચાવવા માટે જતો કરવા તૈયાર હોય છે. એ લોકોને જ પૂછવામાં આવ્યું કે જો કોઈ જહાજ ડૂબી રહ્યું હોય તો તમે કોને બચાવવાની તરફેણ કરશો? સ્ત્રીને કે પુરુષને? જવાબ આપણને બધાને ખબર જ છે કે પુરુષની જાનહાનિથી કોઈને તકલીફ નથી થવાની. સહજતાથી સ્વીકારી લેવામાં આવે છે પુરુષને થતા નુકસાનને. 

કોલંબિયા યુનિવર્સિટીના સાયકોલોજીના પ્રોફેસર ડીન મોબ્બસ કહે છે કે ‘ આ બાબતે સમાજમાં જાતીય ભેદભાવ પ્રવર્તે છે. સમાજ સ્ત્રીને કોઈ નુકશાન પહોંચે તો મૂલ્યની હાનિ સમજે છે.’ 

આ પ્રયોગમાં લોકોને ન્યુટ્રલ એટલે કે જાતીય ભેદભાવ રાખ્યા વિના નિર્ણય લઈ શકાય તે પસંદગીનો અવકાશ હતો. પણ જાતીય ભેદભાવમાં પુરુષને જ હાની પહોંચે તેવી સમાજની માનસિકતા અહીં સાબિત થતી હતી. આમ, કેટલીક બાબતોમાં પુરુષોને પણ જાતીય ભેદભાવમાં નુકશાન વેઠવું પડે છે પણ તેના વિશે સમાજમાં વિચારાતું નથી કે તે વિશે વાત થતી જ નથી. ચાલો માની લઈએ કે સ્ત્રીઓ પર થતા અન્યાયને લીધે અનુભવાતી ગુનાહિતતાને ઓછી કરવા માટે કે પછી સ્ત્રીઓને નબળી સાબિત કરવા કે નબળી જ રાખવા માટે તેની રક્ષા કે સુખાકારીની ચિંતાને કારણે સ્ત્રી દાક્ષિણ્યની આ એક ભાવના પણ હોઈ શકે. આપણે ત્યાંનું જ એક ઉદાહરણ લઈએ તો દિલ્હીમાં વાહનો માટે એકાંતરે એકીબેકી વાહનો ચલાવવાનો નિયમ હતો ત્યારે તેમાં સ્ત્રી ડ્રાઇવરોને બાકાત રાખવાનો નિર્ણય લેવાયો હતો. જો કે તેનો કેટલીક સ્ત્રીઓએ જ વિરોધ કર્યો હતો. જાતીય ભેદભાવ અહીં પુરુષો ચલાવી લેતા હોય તો તે શું કામ? એ વિચારીએ તો શક્ય છે કે તેમણે દરેક ક્ષેત્રે જાતીય ભેદભાવ દૂર કરવા પડે. આવા પ્રસંગો તો ઓછા જ આવે એવું મારું નારીવાદી મન વિચારી રહ્યું છે. 

ખેર, જે હોય તે પણ પુરુષોને ગમે એવા એક સમાચાર એ પણ છે કે આધુનિક યુગમાં પુરુષો સ્ત્રીઓ કરતાં વધુ સેક્રિફાઈસ કરવા તૈયાર હોય છે એવું પણ સાબિત થઈ રહ્યું છે. આમ, પણ જો ઉપરોક્ત વાતને ફરી તપાસીએ તો પુરુષોનું બલિદાન દેખાઈ જ આવે છે. એટલે શક્ય છે કે પુરુષોની બાબતમાં નવેસરથી વિચારવાની જરૂર છે. 

૨૦૧૫માં થયેલા એક સંશોધન પ્રમાણે આધુનિક નારી કારર્કિદીનો ભોગ આપવા તૈયાર હોતી નથી જ્યારે પુરુષ તે માટે બાંધછોડ કરવા તૈયાર હોય છે. કામ અને અંગત જીવનનું બેલેન્સ કરવું કોઈને પણ માટે સહેલું ન જ હોઈ શકે તે માની જ શકાય, પરંતુ જ્યારે જીવનમાં બેલેન્સ કરવા માટે બલિદાન આપવાની શક્યતા ઊભી થાય તો સ્ત્રીઓનો જવાબ ચોખ્ખો ના માં હોઈ શકે. આ પશ્ર્ચિમી દુનિયાની વાત હોઈ શકે આપણે ત્યાં આ પરિસ્થિતિ હજી કેટલાંક શહેરો સુધી જ સીમિત રહી છે. પણ નથી જ એવું ન કહી શકાય. ઈવાય ગ્લોબલ જનરેશને ગયા વરસે કરેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે આખા દિવસની નોકરી અને અંગત જીવનનું બેલેન્સ કરવું છેલ્લાં પાંચ વરસમાં વધુને વધુ અઘરું બનતું જાય છે. પણ સ્ત્રીઓ પોતાની કારર્કિદી બાબતે ખૂબ સ્પષ્ટ હોય છે. અંગત જીવન માટે તેઓ જલદી કોઈ ભોગ આપવા તૈયાર હોતી નથી. વધુમાં વધુ પુરુષો પરિવારની સુખાકારી માટે નોકરી બદલવા માટે કે છોડવા માટે તૈયાર હોય છે. પોતાની કારર્કિદી બદલવા પણ સ્ત્રીઓ કરતાં પુરુષો રાજી હોય છે. સર્વે પ્રમાણે જોઈએ તો ૬૭ ટકા પુરુષો પરિવાર માટે નોકરી બદલવા તૈયાર હોય છે તો તેની સામે ૫૭ ટકા જ સ્ત્રીઓએ પરિવાર માટે નોકરી બદલવાની તૈયારી બતાવી. પરિવાર માટે કારર્કિદી બદલવા માટે ૬૦ ટકા પુરુષો તૈયાર થયા તો તેની સામે ૫૨ ટકા સ્ત્રીઓએ જ તૈયારી બતાવી. ધારો કે પ્રમોશન મળતાં પારિવારિક સમયનો વધુ ભોગ આપવો પડે તો ૫૭ ટકા પુરુષોએ એવું પ્રમોશન ન સ્વીકારવાનું નક્કી કર્યું તો સામે ફક્ત ૪૯ ટકા સ્ત્રીઓએ જ પ્રમોશન નકારવાનો ઓપ્શન સ્વીકાર્યો.

ઘરની નજીકની નોકરી સ્વીકારવા માટે પણ સ્ત્રીઓ કરતાં ૮ ટકા વધુ પુરુષોએ તૈયારી બતાવી. આ સર્વે બતાવે છે કે સમાજમાં જાતીય ભૂમિકા બદલાઈ રહી છે. એ પણ ખરું કે સ્ત્રીઓેએ ગ્લાસ સિલિંગનો સામનો કરવો પડે છે. તેમને કદાચ એક નોકરી છોડ્યા બાદ બીજી નોકરી કે પ્રમોશન મળશે કે નહીં તેની ચિંતા હોઈ શકે. પણ જે પુરુષોએ પોતાની માતાને ઘર અને કામની વચ્ચે બેલેન્સ કરતાં જોઈ છે તેવા યુવાન પુરુષો પોતાની પત્નીને અનુકૂળ થવા માટે ભોગ આપવા તૈયાર રહેશે. યુવાન પુરુષ સ્ત્રીઓની તકલીફો અને બેલેન્સિગ સમસ્યાઓ સમજતા હોવાથી ત્યાગ આપવા તૈયાર રહે છે તે સારી બાબત છે. જાતીય ભેદભાવ મિટાવવા માટે પુરુષોના પ્રયત્નોને નજર અંદાજ કરવા જેવો નથી તો તેની સામે કટોકટીના સમયે પુરુષોનો ભોગ લેવાતો હોય છે તે પણ જોવું જોઈએ. પુરુષ શું ઉપયોગી નથી? હજી આમાં જો અને તો હોઈ શકે છે. આ તો જુદી રીતે વિચારવાનો પ્રયત્ન કર્યોં. દરેક બાબત સાચી જ હોય તે જરૂરી ય નથી. તમારી પાસે કોઈ જુદા વિચાર હોય તો ચોક્કસ જ લખી શકો છો.

You Might Also Like

1 comments

  1. કોલંબિયા યુનિવર્સિટીના સાયકોલોજીના પ્રોફેસર ડીન મોબ્બસ કહે છે કે ‘ આ બાબતે સમાજમાં જાતીય ભેદભાવ પ્રવર્તે છે. સમાજ સ્ત્રીને કોઈ નુકશાન પહોંચે તો મૂલ્યની હાનિ સમજે છે.’

    ReplyDelete