બળાત્કાર માટે બેટી બચાઓ? ઊઠી રહ્યા છે સવાલો (mumbai samachar)

21:44
અહમદનગર જિલ્લાના કોપર્ડી ગામમાં ગયા અઠવાડિયે ૧૫ વરસની છોકરી પર હિંસાત્મક બળાત્કાર કરવામાં આવે છે અને તેને બર્બર હિંસકતાથી મારી પણ નાખવામાં આવે છે. ૧૩ જુલાઈની સાંજે તેની માતાએ હસતી કૂદતી છોકરીને પોતાની સાઈકલ લઈને દાદા-દાદીને મળવા જતાં છેલ્લે જોઈ. ત્યારબાદ કલાકો સુધી તે પાછી ન ફરતાં માતાપિતા શોધવા નીકળ્યા તો કિચડવાળા રસ્તામાં પહેલાં તો તેની સાયકલ મળી અને પછી ક્રૂરતાથી પીંખી નંખાયેલું શરીર મળ્યું. આવું દૃશ્ય જોઈને કોઈપણ માતાપિતાનું કાળજું ચીરાઈ જાય. એટલું જ નહીં ગયા અઠવાડિયે હરિયાણાના રોહતકમાં એક વિદ્યાર્થીનીને પાંચ જણાએ કીડનેપ કરી બળાત્કાર કર્યા બાદ તેને મારી નાખવાનો પ્રયત્ન કર્યો. આ છોકરી મૂળ ભીવાની શહેરની હતી પણ આ જ લોકો હતા કે જેણે ૨૦૧૩માં પણ તેના પર જાતીય હુમલો કર્યો હતો. તેમના વિરુદ્ધ ફરિયાદ કરી તેમને પકડ્યા પણ તેઓ બેઈલ પર બહાર આવી ગયા એટલે છોકરીએ ડરના માર્યા શહેર બદલી નાખ્યું તો ત્યાં આવીને તેની સતામણી કરી. હજી પેલા ગુનેગારોને પકડ્યા કે નહીં તે વિગતો મળતી નથી. શક્ય છે ફરીથી તેમને બેઈલ મળી ગઈ હોય. 

બળાત્કાર કરનારને બેઈલ મળી જાય અને તે ફરીથી ગેંગરેપ કરવાનો પ્રયત્ન કરે એવું જો આ એકવીસમી સદીમાં બનતું હોય તો શું આપણે પ્રગતિ કરી રહ્યા છીએ એવું કહી શકાય? ૨૦૧૨માં થયેલા નિર્ભયા ગેંગરેપને આપણે જાણે ભૂલી રહ્યા છીએ. કહેવાય છે કે અહમદનગરમાં કિશોરી પર બળાત્કાર કરનારા છોકરાઓ વીસીની આસપાસના છે. સ્ત્રી માટેની કેટલી હિંસકવૃત્તિ પુરુષ માનસિકતામાં હશે કે બળાત્કાર કરીને પણ તેમને સંતોષ ન થાય તે એના પર બર્બરતાથી હિંસક હુમલાઓ કરીને તડપાવીને મારી નાખે.

આપણે તાલિબાનોને વખોડીએ છીએ તો શું આવા કિસ્સાઓ સતત બની રહ્યા છે તે આંતકી માનસિકતા નથી? અને હવે તો સમાજમાં લોકોને અસર પણ નથી થતી. 

ફક્ત જે તે વિસ્તારમાં લોકો વિરોધ નોંધાવી રહ્યા છે. નારી સંસ્થાઓ અવાજ ઊઠાવી રહી છે. રાજકીય નેતાઓ આમાં પણ પોતાનું રાજકારણ રમી લે છે. સરકાર વિરોધી નારાઓ કરવા કરતાં એક જનઆંદોલન કેમ નથી થતું? આ તો રોજનું થયું એટલે? 

સરકાર વિશે, દેશ વિશે મંતવ્યો વ્યક્ત કરતાં સ્ત્રી પુરુષો કેમ આવા સતત બનતા બળાત્કાર બાબતે ગંભીર પણે આંદોલન નથી કરતા?

જુન ૨૦૧૨માં નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોએ (ગઈછઇ) જાહેર કરેલા ભારતના શહેરોમાં થયેલા બળાત્કારના કેસના આંકડા પ્રમાણે (ત્યારબાદના આંકડા મળી શક્યા નથી.) દિલ્હી બળાત્કારમાં પણ ભારતની રાજધાની સમું શિરમોર છે તો એકલી રહેતી સ્ત્રીઓ માટે સલામત શહેર ગણાતું આર્થિક નગર મુંબઈ બીજા ક્રમે આવે છે તે જોઇને કોઇપણ સ્ત્રીને અસલામતીના ભયનો અનુભવ થઇ શકે છે. એનસીઆરબીના આંકડા પ્રમાણે... ૨૦૧૧ની સાલમાં દિલ્હીમાં ૫૬૮ બળાત્કારના કેસ નોંધાયા છે તો મુંબઈમાં ૨૧૮ બળાત્કારના કેસ નોંધાયા છે. રાજ્ય પ્રમાણે જોઇએ તો મધ્ય પ્રદેશ ૧૫૨૭૫ કેસ સાથે પ્રથમ નંબરે , વેસ્ટ બંગાળ ૧૧૪૨૭ કેસ સાથે બીજા નંબરે , ઉત્તર પ્રદેશ ૮૮૩૪ કેસ સાથે ત્રીજા નંબરે, આસામ ૮૦૬૦ કેસ સાથે ચોથા નંબરે તો મહારાષ્ટ્ર ૭૭૦૩ કેસ સાથે પાંચમા ક્રમાંકે આવે છે. કુલ સરવાળો કરીએ તો ૫૧૨૯૯ બળાત્કારના કેસ આ પાંચ રાજ્યમાં નોંધાયા છે. આ આંકડા તો ફક્ત પાંચ રાજ્યના નોંધાયેલા કેસના જ છે એવા પણ કિસ્સાઓ બન્યા હશે જેની ફરિયાદ થઈ ય જ નહીં હોય. બાકીના ૨૧ રાજ્યોમાં કુલ આંકડો કેટલો હોઇ શકે તેની કલ્પના કરતાં જ ધ્રૂજી જવાય. હરિયાણા રાજ્યમાં દર મહિને બળાત્કારના ઓછામાં ઓછા ૬૦ કેસ નોંધાય છે. ત્રિપુરા,મિઝોરમ અને આસામમાં સૌથી વધુ બળાત્કારના કેસ નોંધાય છે. અંદાજ લગાવીએ તો લગભગ દરરોજ ભારતભરમાં પચાસેક સ્ત્રીઓ પર બળાત્કાર થાય છે. વળી અહીં જાતીય સતામણી કે છેડતીના કિસ્સાઓની ગણતરી કરવામાં નથી આવી. ન તો મેરિટલ રેપ કે ન નોંધાયેલા કિસ્સાઓની ગણતરી કરવામાં આવી છે.

આ દરેક આંકડાઓ અને ગેન્ગ રેપના વધતા જતાં કિસ્સાઓ જોતા સવાલ થાય કે એકવીસમી સદીમાં આપણે પ્રગતિની વાત કરીએ છીએ ત્યારે ભારતની અડધી વસ્તીની છીનવાતી સ્વતંત્રતાને કેમ જોઇ શકતા નથી. આજે પણ બળાત્કાર કે છેડતીના કિસ્સામાં સ્ત્રીને જ પ્રથમ શંકાના દાયરામાં ઊભી કરીને આરોપી તરીકે તપાસવામાં આવે છે. બળાત્કારના કિસ્સાને ફક્ત સમાચાર ગણીને વાંચીને ફેકી દેવાય છે કે પછી કેટલીક સેલિબ્રિટી કે વિદુષીઓના મંતવ્યો સાથે બે ચાર દિવસ ચેનલોમાં ચર્ચાઓ થાય છે. પણ પછી બીજો ક્રૂર બળાત્કાર નો કિસ્સો બને ત્યાં સુધી તેને વિસારી દેવામાં આવે છે. પોલીસો પણ જ્યારે એમ માનતા હોય કે મોટાભાગના બળાત્કારના કિસ્સામાં સહમતી હોય છે ત્યારે આજની નારીએ તેમને ન્યાય મેળવવા માટે નવેસરથી વિચાર કરવો પડશે. બળાત્કાર શું કામ થાય છે તે મોટી ચર્ચાનો વિષય છે પણ દરેક સ્ત્રીએ પોતાની સલામતી અને સતામણી બાબતે જાગૃત થઈને ભેગા મળીને સમસ્યાનું નિવારણ શોધવાનો સમય પાકી ગયો છે. તો સમાજે પણ સ્ત્રીઓ પોતાના વ્યક્તિત્વ અને અધિકારની સાથે નિર્ભયતાથી જીવી શકે તે માટેનું વાતાવરણ પૂરું પાડવાની જવાબદારી ગંભીરતાપૂર્વક સ્વીકારી પડશે. 

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા કરવામાં આવેલા સંશોધન પ્રમાણે દુનિયામાં દર ત્રણ સ્ત્રીએ એક સ્ત્રી પર બળાત્કાર કે કોઇ રીતની જાતિય સતામણી થાય છે અથવા પોતાની જ વ્યક્તિઓ દ્વારા સતામણી કે હિંસા તેના પર આચરવામાં આવે છે. સામાજીક, ત્રાસવાદી કે કોઇપણ પ્રકારના હુલ્લડો,આંદોલનો કે યુદ્ધોમાં આજે પણ સ્ત્રીઓ પર બળાત્કારો થતા રહે છે. આફ્રિકાના કોન્ગોમાં થયેલ સમાજીક ચળવળ દરમિયાન ૧૦૦૦ સ્ત્રીઓ પર બળાત્કાર થયા હતા, બોસ્નિયાના યુદ્ધ દરમિયાન ૨૦થી પ૦ હજાર સ્ત્રીઓ પર બળાત્કાર થયા હતા તો રુવાન્ડામાં આંતરિક રિબેલ વખતે પણ હજારો સ્ત્રીઓની જાતિય સતામણી કરવામાં આવી હતી.

આંકડાઓ જોઇએ તો હચમચી જવાય છે, પરંતુ સ્ત્રીઓ પર આચરાતી શારીરિક માનસિક હિંસા બાબતે લોકોની માનસિકતા બદલાઈ નથી. બસ હવે બહુ થયું એ માનસિકતા સાથે જો બદલાવ માટેના પ્રયત્નો નહીં થાય તો ક્યારેય પરિસ્થિતિ બદલાશે કે નહીં તે શંકા થાય છે.

You Might Also Like

0 comments