ડરના મના હૈ .....ભૂતને ભગાડનારા કહે છે. (published in mumbai samachar)

07:14




૭ જુલાઈના રોજ દિલ્હીમાં રહેતા ઘોસ્ટ બસ્ટર તરીકે કામ કરતાં ઈન્ડિયન પેરાનોર્મલ સોસાયટીના સંસ્થાપક ૩૨ વર્ષિય ગૌરવ તિવારીએ પોતાના બાથરૂમમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી. તેણે આત્મહત્યા શું કામ કરી તેનું કારણ જાણી શકાયું નથી, તેનું મોત એક રહસ્ય જ છે. કોઈ અગોચર બાબત તેની સાથે બની હોઈ શકે તેવું પણ કેટલાક લોકો માની રહ્યા છે. ભૂત હોય કે નહીં? તે વિશે અટકળો થતી રહેતી હોવા છતાં કેટલાક કિસ્સાઓ વિશે વાત કરીએ. 

મુંબઈમાં આવેલી બંધ પડેલી, ખંડેર જેવી મુકેશ મીલમાં અનેક ફિલ્મોના શૂટિંગ થયા છે. ત્યાં અમિતાભ બચ્ચન, બિપાશા બસુને રહસ્યમય ડરામણો અનુભવ થયો છે. એ મીલમાં ભૂત રહેતું હોવાની માન્યતાને ગૌરવ તિવારીએ સાયન્ટિફિક ઉપકરણો દ્વારા સાબિત કરી છે. મુંબઈમાં એવા અનેક સ્થળો છે જ્યાં ભૂતપ્રેતની હાજરી લોકોએ અનુભવી હોય. 

નાના હતા ત્યારે સાંભળતા આવ્યા છે કે મરિનલાઈન્સ પર આવેલા સોનાપુરની બહારના રસ્તા પર અડધી રાત્રે જાઓ તો સફેદ સાડી પહેરેલી કોઈ સ્ત્રી(ચુડેલ) ઊભેલી જોવા મળે છે. અથવા એક માણસ ચાલીને આવે અને તમારી પાસે સિગારેટ સળગાવવા લાઈટ માગે જો તમે એની આંખોમાં જુઓ તો બસ ખલાસ... અને તેના પગ જુઓ તો ઉલ્ટા દેખાય. બસ પાછળ જોયા વિના દોટ મૂકવાની વગેરે વગેરે અનેક વાતો તળમુંબઈના મુંબઈગરાઓએ સાંભળી હશે, કહી હશે. 

પણ હકીકતમાં ભૂત આવું કશું જ કરતા નથી. ભૂત અનુભવ્યા છે અને પ્રમાણ્યા છે તે ઈન્ડિયન પેરાનોર્મલ ટીમના સ્થાપક અક્ષય સ્થલેકર અને સરબજીત મોહન્તી મુંબઈ સમાચાર સાથે વાત કરતાં કહે છે કે મોટેભાગે તો કશુંક હોવાનો આભાસ થાય છે પણ સ્પષ્ટ ફીગર તો ભાગ્યે જ દેખાતું હોય છે. 

હાલમાં જ રજૂ થયેલી કોન્જોરીંગ -૨ નામની અંગ્રેજી ફિલ્મ વિશ્ર્વભરમાં ૩ડીમાં જોયા બાદ દિવસો સુધી કેટલાય લોકો સૂતા નહીં હોય. અને એ ફિલ્મ જોયા બાદ વધુને વધુ લોકોએ મદદ મેળવવા માટે પેરાનોર્મલ ટીમનો સંપર્ક કર્યો છે. અક્ષય કહે છે કે આમ તો અમારી પાસે મહિનામાં એકાદ બે કેસ જ આવતા હોય છે, પણ છેલ્લા દોઢ મહિનામાં પંદરેક કેસ અમારી પાસે આવ્યા છે, જે છેલ્લા ત્રણ વરસમાં સૌથી વધુ છે. જો કે, તેમાંથી મોટાભાગના કેસમાં ડરને કારણે 

માનસિક પ્રોજેકશન જ હતું. ફક્ત ત્રણેક કેસમાં જ અમને ખરેખર ભૂત હોવાની પ્રતીતિ થઈ હતી. 

મૃત્યુ પામનાર ગૌરવ તિવારીએ દેશ-વિદેશમાં ૬૦૦૦ સ્પૂકી એટલે કે ભૂતાવળ ધરાવતી જગ્યાઓનો સાયન્ટિફિકલી અભ્યાસ કર્યો છે. દેશ-વિદેશના ટેલિવિઝનમાં તેના શો રજૂ થયા છે. ઈન્ડિયન પેરાનોર્મલ સોસાયટીનો સ્થાપક અને સીઈઓ હતો. તેણે આત્મહત્યા કરી તેની આગલી રાત્રે પણ કોઈ છોકરીનો ભૂતે કબજો લીધો હતો તેની મદદે ગયો હતો. અક્ષયે પણ આગલા દિવસે તેની સાથે ફોન પર વાત કરી હતી. એક મેગેઝિનમાં તેનો ફોટો અને લેખ છપાયા હતા તેને માટે અભિનંદન આપ્યા ત્યારે ગૌરવે ખૂબ સામાન્ય રીતે વાત કરી હતી અને તે ખૂબ ખુશ પણ જણાતો હતો. ગૌરવે મૃત્યુ પામ્યાના થોડી જ મિનિટો પહેલાં એ લેખ સોશિયલ મિડિયા પર શેઅર કર્યો અને થોડા મેઈલના જવાબો પણ આપ્યા. તેણે મહિના પહેલાં પોતાની પત્નીને કહ્યું હતું કે કોઈ નકારાત્મક શક્તિ તેને હેરાન કરી રહી છે. દુનિયાની સૌથી ડરામણી જગ્યાઓમાં એકલો ફરી આવેલો અને અનેક ભૂત જોઈ આવેલો ગૌરવ હતાશ થઈને આત્મહત્યા કરે તે વાત મિત્રો કે તેના કુટુંબીઓ માની શકતા નથી. 

ખેર, ગૌરવ સાથે શું થયું તે કદાચ થોડો સમયમાં ખબર પડે પણ ખરી, પરંતુ આવા આત્મહત્યાના કેસમાં અગોચર સૃષ્ટિનો હાથ હોવાની શક્યતાઓ પેરાનોર્મલ એટલે કે ભૂતપ્રેતના અસ્તિત્વમાં વિશ્ર્વાસ રાખતા લોકો માની રહ્યા છે. મુંબઈના પ્રતિષ્ઠિત વિસ્તારમાં આવેલા ત્રણ બહુમાળી મકાનો ગ્રાન્ડ પરાડીમાં અનેક આત્મહત્યાઓ થઈ છે અને તેના કારણો મળ્યા હોવા છતાં લોકો તેમાં અગોચર રહસ્યનો હાથ માની રહ્યા છે. ૧૯૭૫ની સાલમાં બનેલી ૨૯ માળની આ ઈમારતોમાં ૧૯૯૮થી લઈને અત્યાર સુધીમાં વીસેક વ્યક્તિઓ બાલકનીમાંથી કૂદીને આત્મહત્યા કરી ચૂકી છે. તેમાં ય દલાલ કુટુંબના પાંચે ય સભ્યોએ ગેલેરીમાંથી કૂદીને આત્મહત્યા કરી છે. એ ફ્લેટ આજે પણ ખાલી જ હોવાનું કહેવાય છે. સોસાયટીમાં સ્યૂસાઈડ પ્રિવેન્શન કાઉન્સિલના લેકચર પણ રાખવામાં આવ્યા હતા. લોકોને ડ્રાઈવવેમાં કેટલાક અવાજો પણ સંભળાતા હોવાનું જાણવા 

મળ્યું છે. 

જાપાનમાં મિસ્તાકા પર્વતની તળેટીમાં આવેલું ૩૫ સ્કેવર કિલોમીટરમાં ફેલાયેલું ઓકીઘારા જંગલને સ્યૂસાઈડ ફોરેસ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઈસવીસન ૨૦૧૦ સુધીમાં લગભગ ૨૦૦૦ લોકોએ અહીં ઝાડ પર લટકીને આત્મહત્યા કરી હોવાનું કહેવાય છે. અહીં રહેતા ભૂતપ્રેત લોકોને આત્મહત્યા કરવા પ્રેરતા હોવાની માન્યતાઓ પણ છે.

હજી અનેક લોકો જેમણે ભૂતપ્રેત જોયા નથી કે અનુભવ કર્યો નથી તેઓ માને છે કે ભૂતપ્રેતનું અસ્તિત્વ છે નહીં. જ્યારે પેરાનોર્મલ સોસાયટીના સભ્યો ઈલેક્ટ્રિક ઉપકરણો અને સ્પેશ્યિલ ફોટોગ્રાફી દ્વારા આવા અસ્તિત્વને સાબિત કરી રહ્યા છે. કોન્જોરિંગ અને કોન્જોરિંગ-૨ ફિલ્મ સત્યઘટના પરથી બની હોવાનું કહેવાય છે. એ ફિલ્મમાં ભૂતપ્રેતની ઝપટે આવેલા પરિવારને મુક્ત કરતાં દંપતી લોરેન અને એડવર્ડ હકીકતમાં છે. અને તેમણે અનેક પેરાનોર્મલ કેસ ઉકેલ્યા છે. આવા કેસ ઉકેલતાં ભૂતપ્રેતે કબજો લીધો હોય તેવી વસ્તુઓનું મ્યુઝિયમ પણ તેમના ઘરમાં બનાવ્યું છે. એમિટીવિલે નામની ફિલ્મ પણ તેમણે ઉકેલેલા કેસ પરથી જ બનાવવામાં આવી છે. ફિલ્મ બનાવતી વખતે તેમાં થોડું ઘણું ડ્રામા ઉમેરાય, ડરામણા ચહેરાઓ અને સંગીત તેને વધુ ડરામણું બનાવે. કારણ કે ડરવા માટે જ લોકો આવી ફિલ્મો જોવા જતા હોય છે. ઈન્ડિયન પેરાનોર્મલ ટીમના ૨૫ વરસીય અક્ષયને પોતાને પણ ભૂતનો અનુભવ થયો હતો એટલે તેને આ વિષયમાં રસ પડ્યો. આત્મહત્યા કરનાર ગૌરવ કમર્શિયલ પાયલટ હતો પણ તેને ભૂતનો અનુભવ થતાં તેને પુરવાર કરવાનું જાણવાનું નક્કી કર્યું. 

પેરાનોર્મલમાં માનનારા લોકો કહે છે કે મોટેભાગે અપમૃત્યુ થયું હોય કે કોઈ અધૂરી ઈચ્છાઓ રહી હોય તો વ્યક્તિઓ મૃત્યુ બાદ વિચાર અને લાગણીરૂપે રહી જતા હોય છે. તેઓ માણસ જેવા જ હોય છે. ફક્ત તેમની પાસે દેહ નથી હોતો. તેમને છંછેડવામાં આવે તો જ તે ગુસ્સે થાય. વળી મનુષ્યની જેમ પ્રેતયોનિમાં પણ સારા અને નરસા ભૂત હોય છે. આ આત્માઓ પાસે મોટેભાગે કોઈ શક્તિ નથી હોતી કારણ કે દેહ નથી હોતો. એટલે જ નબળી માનસિકતા ધરાવતા લોકોને જ તેઓ પકડે છે કે દેખાય છે. મોટાભાગના કેસમાં તો ભય મોટો ભાગ ભજવતો હોય છે. ભયના માર્યા જ મોટાભાગના લોકોને કશુંક જોયાનો ભાસ થતો હોય છે. એટલે જ્યારે પેરાનોર્મલ સંસ્થાઓની મદદ માટે જાય છે ત્યારે તેઓ સૌ પહેલાં અનેક સવાલો કરીને સાચી પરિસ્થિતિ જાણી લે છે. આવી ફિલ્મો કે વાત સાંભળ્યા પછી ભયના માર્યા લોકો પણ કલ્પનાઓમાં રાચવા લાગે છે. ખંડેર જેવી ઈમારતો, અવાવરું સ્થળોએ રાતના સમયે લોકોને વધુ ભય લાગે છે. સ્મશાનની આસપાસથી પસાર થતાં પણ હકીકત કરતાં કલ્પનાઓ જ વધુ ડરામણી હોય છે. 

આત્મા એનર્જી રૂપે હોવાનું અક્ષય કહે છે. જેમ આપણને બીજી વ્યક્તિનો ગુસ્સો કે ખરાબ મૂડ કે પછી હાસ્ય અસર કરે છે તે જ રીતે આ ઊર્જારૂપે આત્માઓને અનુભવી શકાય છે. એટલે જ ઈલેક્ટ્રિકલ ઉપકરણો દ્વારા કે ટેપિંગ દ્વારા આત્મા જે તે સ્થળે હાજર છે કે નહીં તે જાણી શકાય છે. 

આતંકી ભૂતો પણ હોય છે પણ પ્રમાણમાં ઓછા. તેમને કોઈ રંજાડે તો જ તેઓ રિએક્ટ કરે કે પછી તેઓ જ્યાં રહેતા હોય ત્યાં બીજા લોકો આવે તે આત્માઓને ગમતું હોતું નથી. કહેવાય છે કે આ આત્માઓ પણ મુક્ત થવા ઈચ્છતા હોય છે. ખોટા તાંત્રિકો અને બાબાઓને લીધે આ વ્યવસાય બદનામ છે એટલે પણ લોકોને તેમાં વિશ્ર્વાસ બેસતો નથી. પણ સાચા તાંત્રિકો જે ખરા અર્થમાં તંત્રને જાણનારા અને આત્માઓને મુક્ત કરનારા સ્પિરિચ્યુઅલ, આધ્યાત્મિક લોકો મદદરૂપ થવા તૈયાર હોય છે. ભૂતપ્રેત અને તેની વાતો ભય પમાડતી હોવાને કારણે લોકોને તેમાં ખૂબ રસ પડતો હોય છે એટલે તેને બઢાવી ચઢાવીને પણ કહેવામાં આવે છે. જો કે પેરાનોર્મલ (પારલૌકિક) તંત્રને જાણનારા, સમજનારા અને તેમાંથી મુક્ત કરાવી શકતા સંશોધકો તેને બહેલાવીને કહેતા નથી. હા પણ તેઓ માનો તો ટેકનોલોજી દ્વારા સાબિત કરી આપી શકે છે બાકી તેને પણ શંકાની નજરે જોનારા લોકો પણ છે જ. ફક્ત તેમની એક વાત સાથે દરેક લોકો સહમત થશે કે ભયભીત ન થાઓ કારણ કે ડરને જીતવાથી જ દરેક મુસીબતોથી દૂર રહી શકાય છે.

You Might Also Like

0 comments