તમારાં કપડાં પુરુષોને વિચલિત કરે છે?

22:06




ફેસબુક કંપનીમાં કામ કરી ચૂકેલી એન્ટોનિયો ગ્રેસિયા માર્ટિનેઝ્ડે હાલમાં એક પુસ્તક લખ્યું કેઓસ મન્કી. આમ તો અનેક લોકો પુસ્તકો લખતા હોય છે પણ કેટલાંક પુસ્તકોનાં લખાણ ચર્ચાનો વિષય બની જતાં હોય છે. એન્ટોનિયોએ ફેસબુકમાં કામ કરવાના તેના અનુભવ વિશે ખુલાસાવાર લખ્યું છે. તેમાં એવું પણ લખ્યું છે કે ફેસબુકમાં સ્ત્રીઓને શરીર દેખાય તેવા કપડાં પહેરવાની મનાઈ હતી. ( ભારતીય સંસ્કૃતિના કેટલાક રખેવાળોની આંખ અહીં ઊંચી થશે. તેમને લાગશે કે એમાં શું ખોટું છે?) રિવિલિંગ એટલે કે શરીર દેખાય તેવા કપડાં પહેરવાથી ઓફિસમાં કામ કરતા પુરુષો બેધ્યાન થાય છે. એટલે કે તેમનું ધ્યાન કામમાં નથી રહેતું. કેટલીકવાર તો સ્ત્રીઓને કામ પરથી કાઢી મૂકવામાં આવતી હતી. હવે આ તો ન્યૂઝ બને જ એટલે અખબારોમાં છપાયા. 

સ્ત્રીઓના કપડાં અંગે દેશવિદેશ દરેક જગ્યાએ વિવાદ થતો જ રહેતો હોય છે. હકીકતમાં કપડાં નહીં પણ તેમાંથી દેખાતું શરીર પુરુષોને વિચલિત કરે છે એવું મોટાભાગના વિવાદોમાંથી જાણવા મળે છે. આપણે ત્યાં પણ બળાત્કારની ઘટના બને એટલે કહેવાતા નેતાઓ અને સમાજ ચર્ચા કરશે કે આજકાલ સ્ત્રીઓ કેવા ઉઘાડાં કપડાં પહેરે છે તે પુરુષોની નજર ખરાબ થાય જ ને? આ વિશે વિચાર કરતાં લાગ્યું કે કપડાંમાંથી શરીર દેખાતું હોય એટલે પુરુષો ખરાબ નજરે જુએ એના કરતાં પૂરાં કપડાં પહેરવાના સારા જ ને? પણ મારો દરેક સ્ત્રી અને પુરુષને સવાલ છે કે શું સાડી પહેરેલી કે સલવાર કમીઝ પહેરેલી સ્ત્રીઓ તરફ પુરુષો ભૂખી નજરે નથી જોતા? જેટલા પણ બળાત્કાર થાય છે તે દરેક છોકરીઓએ પૂરતું શરીર ઢંકાયેલું હોય તેવા જ કપડાં પહેર્યાં હોય છે. ૨૦૧૪ની સાલમાં અમેરિકાની હાઈસ્કૂલની છોકરીઓએ ડ્રેસકોડ અંગે વિરોધ નોંધાવતા દેખાવો કર્યા હતા અને તે અંગે પોતાનો અંગત વિરોધ નોંધાવતા વીડિયોઝ પણ યુટ્યુબ પર જોવા મળે છે. શરીરની ચામડી દેખાય તો છોકરાઓ ડિસ્ટ્રેક્ટ (વિચલિત) થાય છે એટલે છોકરીઓએ સ્લીવલેસ કે ટેન્ક ટોપ ન પહેરવા એટલું જ નહીં શોર્ટ સ્કર્ટ કે શોર્ટસ કે લેગિંગ કે પછી યોગા પેન્ટ્સ પણ ન પહેરવી એવા પણ નિયમો લાદવામાં આવ્યા. છોકરીઓએ કહ્યું કે ગરમીમાં અમે શોર્ટ્સ કે સ્લીવલેસ ટીશર્ટ પહેરીએ તેમાં શું વાંધો? 

છોકરાઓને કેમ નથી શીખવાડાતું કે તમારા જેવું જ શરીર સ્ત્રીનું પણ છે તેને સેક્સુઅલ ઓબજેક્ટ તરીકે ન જુઓ. લિન્ડસે સ્ટોકર નામની કિશોરીને શોર્ટ્સ પહેરવાને લીધે સ્કૂલમાંથી ઘરે જવાનું કહેવામાં આવ્યું. લિન્ડસેએ સ્કૂલની બહાર લખ્યું કે અમને શું પહેરવું કે ન પહેરવું એ નિયમો સમજાવવાને બદલે છોકરાઓને સમજાવો કે સ્ત્રીના શરીરનો આદર કરે તેને સેક્સ માટેની વસ્તુ ન સમજે. પછી તો અનેક છોકરીઓએ પોતાનો વિરોધ નોંધાવતા કહ્યું કે તમે છોકરીઓને માટેના ડ્રેસકોડના નિયમો બનાવીને સમાજમાં જાતીય ભેદભાવ કાયમ રાખવામાં મદદરૂપ બનો છો. છોકરાઓની વાસનાઓને પોષો છે, કારણ કે તેઓ પોતાની બેકાબૂ ઈચ્છાઓને માટે સ્ત્રીના કપડાંને જ દોષી ઠેરવશે. કોઈપણ સ્ત્રીને પોતાને જે કમ્ફર્ટેબલ લાગે તે કપડાં પહેરવાનો અધિકાર હોવો જોઈએ. પુરુષનો પોતાની વાસના પર કાબૂ ન રહેતો હોય તેમાં સ્ત્રીના શરીરને શું કામ દોષ આપવાનો? નર અને માદા મનુષ્ય સિવાય અન્ય પ્રાણીજગતમાં પણ છે જ, પણ બળાત્કાર માનવો જ કરે છે અને તેને માટે દોષી સ્ત્રીના દેખાવને આપવામાં આવે છે તે ક્યાંનો ન્યાય? 

આદિવાસીઓમાં સ્ત્રીઓ પોતાનું શરીર પૂરું ઢાંકતી નહોતી અને ત્યાં કોઈ તેને ખરાબ માનતું નહોતું. આપણે સંસ્કૃત થયા કહેવાઈએ કે નહીં તે વિચારવું જોઈએ. પૂરા કપડાં પહેર્યા હોય તો પણ વિકૃત માનસ ધરાવતાં પુરુષો સ્ત્રીને આરપાર જોતાં હોય તે રીતે ઘૂરતા હોય છે. સૌંદર્યને સરાહવું અને તેને ઉપભોગની વસ્તુ ગણીને જોવું એ બે બાબતનો ભેદ દરેક માતાએ પોતાના દીકરાને સમજાવવો જોઈએ, પણ અહીં તો સ્ત્રીઓ જ બીજી સ્ત્રીના ટૂંકા કપડાંને જોઈને ટીકા કરશે. વળી શરીર કેટલું દેખાડવું ખરાબ કહેવાય તેના નિયમો દરેક ઘર, પ્રદેશ અને દેશ પ્રમાણે જુદાં હોય છે. કેટલાક અરબ દેશમાં તો ફક્ત આંખો દેખાતી હોય તેવો બુરખો પહેરીને જ સ્ત્રીએ બહાર નીકળવાનું હોય છે. તેમાં પણ આંખોનો મેકઅપ પુરુષોને વિચલિત કરતો હોવાના સમાચાર વાંચ્યા છે. હાથ, પગ કે કમર કે શરીરનો કોઈપણ ભાગ દેખાતો હોય તે મહત્ત્વનું નથી કેટલી માત્રામાં પુરુષ વિચલિત થાય છે તે મહત્ત્વનું લોકોને લાગે છે. 

એવો જાતીય ભેદભાવ ઊભો કોણ કરે છે? જવાબ છે ...આપણે જ સમાજ આ ભેદભાવ કાયમ રાખવા માગીએ છીએ. હરીફરીને દરેક વાત જાતીય ભેદભાવ પર આવીને અટકે છે. ડ્રેસકોડ હોવો જોઈએ કે નહીં? અને હોય તો શું કામ તેની વ્યાખ્યા ફરીથી નક્કી કરવાનો સમય શું હજી નથી આવ્યો? જમાનો બદલાયો છે ખરો? તમે શું કહો છો?

You Might Also Like

0 comments