શું નારી મુક્ત થઈ શકે?

01:12
બે દિવસ પછી ૨૦૧૭ની સાલ શરૂ થશે. આ વરસનો આ છેલ્લો આર્ટિકલ નકારાત્મક નથી લખવો એવું વિચાર્યું હતું. જો કે આ લેખ નકારાત્મક છે કે હકારાત્મક છે તે વાંચનારની માનસિકતા પર નિર્ભર છે. ગયા અઠવાડિયાથી સોશિયલ મીડિયામાં નોટબંધી સિવાય જે ચર્ચા થઈ રહી હતી તે સૈફઅલી અને કરીના કપૂરના દીકરાના નામની હતી. માતાપિતાને પોતાના બાળકનું નામ જે પાડવું હોય તેમાં આપણે કશું ન કહી શકીએ. પરંતુ તેને પણ ધર્મ અને રાજકારણના ચશ્માં ચઢાવીને કેટલાક ખોટી ચર્ચાઓ કરી રહ્યા હતા. એટલું જોયું કે બધાને એ બાળકના તૈમુર નામ માટે વાંધો હતો પણ તેની સરનેમ એટલે કે અલી ખાન સામે વાંધો નહોતો. 

મુક્ત વિચારધારાની ધરાવતી કરીના કપૂરે ફક્ત દીકરાને જન્મ આપ્યો પણ તે દીકરો તો સૈફ અલી ખાનનો છે તે સાબિત થયું. કરીના કપુરને પરિણીત પુરુષને પરણવામાં વાંધો નહોતો. લગ્ન બાદ તેણે પોતાની કારકિર્દીમાં કોઈ ફરક ન આવવા દીધો, પરંતુ બાળક આવ્યા બાદ તેના નામકરણમાં કરીનાએ મુક્ત વલણ ન અપનાવ્યું. અચાનક લેખિકા તસલિમા નસરીનનું ટ્વીટ વાંચવામાં આવ્યું ‘તૈમુર અલી ખાન? તૈમુર કપૂર નહીં? નવાઈ લાગે કે મુક્ત વિચારધારા ધરાવતી યુવતી પણ પિતૃસત્તાક પરંપરાને ખુશીથી સ્વીકારે છે.’ એકબાજુ સ્ત્રીઓ મંદિર અને મસ્જિદમાં પ્રવેશ બાબતે સમાનતાની માગણીની લડત ચલાવે છે તો બીજી તરફ મુક્ત વિચારધારા ધરાવતી સ્ત્રીઓ પિતૃસત્તાક પરંપરાને અપનાવે છે. અહીં નીના ગુપ્તાની યાદ આવી ગઈ. નીના ગુપ્તાએ ખરા અર્થમાં મુક્તનારી તરીકે ગરિમા જાળવીને પોતાનું જીવન જીવ્યું. તે પણ પચ્ચીસ વરસ પહેલાં. અહીં પણ એમ કહી શકાય કે કરીનાની મરજી હોય તેમ જીવે. બિન્દાસ હોવાની પોતાની ઈમેજ ઊભી કરતી હીરોઈનો પણ જ્યારે પિતૃસત્તાક પરંપરાને અપનાવે ત્યારે નવાઈ જરૂર લાગે. 

ઝીનત અમાને કુરબાનીમાં બિકિની પહેરીને તે સમયે ચર્ચા જગાવી હતી. કુરબાનીને એ સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું. બોલ્ડ અને બ્યુટિફુલ ઝીનત અમાનના પરિણીત સંજય ખાન સાથે સંબંધ હતા અને સંજય ખાને ઝીનતને ખૂબ માર માર્યો હતો. એક સમયે આ વિશે કોઈ પત્રકારે ઝીનતને પૂછ્યું તો કહે કે તે મારો પતિ છે અને પત્ની તરીકે મારી ફરજ હું બજાવું છું. ઝીનતે મોઢા પર મારના નિશાન હોવા છતાં સંજયે માર માર્યો હોવાનો ઈનકાર કર્યો એટલું જ નહીં તેણે સંજય ખાન વિરુદ્ધ કોઈ પોલીસ ફરિયાદ પણ નોંધાવી નહોતી. એ દિવસે હિંસાનો ભોગ બન્યા બાદ ઝીનત અમાને એન્ટિ ડિપ્રેશનના ઈન્જેકશન લેવા પડયા હતા અને આઠ દિવસ કામમાંથી રજા લઈને આરામ કરવો પડ્યો હતો. આદિત્ય પંચોલીના કંગના રાણાવત સાથે સંબંધો હતા તે જગજાહેર છે, અને કંગના રાણાવત પર આદિત્ય પંચોલી હાથ ઉપાડતો હતો એટલે તેણે આદિત્ય સાથે સંબંધ તોડી નાખ્યા. આદિત્યની પત્ની ઝરિના વહાબે આદિત્ય સાથે લગ્ન ફોક નહોતું કર્યું. આદિત્ય જે ગર્લ ફ્રેન્ડ પર હાથ ઉપાડી શકે તે પત્ની પર નહીં ઉપાડતો હોય તે સવાલ થાય? એક જમાનાના સુપરસ્ટારે નાની ઉંમરની અભિનેત્રી સાથે લગ્ન કર્યા હતા એ લગ્ન એટલે જ તૂટ્યા હતા કારણ કે સુપરસ્ટારનું વર્તન ખૂબ અપમાનજનક હતું. જોકે બે બાળક થયા બાદ તે અભિનેત્રી લગ્નજીવનમાંથી બહાર આવી હતી. 

પિતૃસત્તાક માનસિકતાઓ અને પરંપરાને ફક્ત મંદિરમાં પ્રવેશ પૂરતો જ વિરોધ થવાનો હોય તો તેનો કોઈ અર્થ નથી સરવાનો. સ્ત્રીઓએ તેમાંથી બહાર આવવું પડશે. તેમાં પણ મુક્ત વિચારધારા ફક્ત કપડાં બદલાથી નહીં આવે. બાહ્ય દેખાવ કરતાં પણ આંતરિક બદલાવ લાવવો પડશે. જોકે તે માટે આપણા કાયદાઓ પણ બદલવા પડશે. નીના ગુપ્તાએ કુંવારી માતા બનવાનું પસંદ કર્યું હતું અને બહુ સરસ રીતે પોતાની દીકરીને ઉછેરીને મોટી કરી છે. સ્ત્રીને સંબંધો માટે લગ્ન કરવા જ પડે અને બાળકની પાછળ પતિનું નામ જ હોવું ઘટે તે પરંપરાઓમાંથી પણ મુક્ત થવા વિશે વિચારવું પડશે. જો કરીના અને સૈફઅલી ખાનના દીકરાનું નામ ફક્ત તૈમુર જ હોવાનું જાહેર થયું હોત તો શું વાંધો આવત? અથવા તો તૈમુર કપુરખાન પણ થઈ શક્યું હોત. આ બાબતે ચર્ચા એટલે જ થઈ રહી છે કે કરીના અને સૈફઅલી ખાનના ઘણા ફોલોઅર, પ્રશંસકો છે. તેઓ કંઈક જુદો ચીલો પાડી શક્યા હોત. કરીના અને કરિશ્માએ કપૂર ખાનદાનની વહુ દીકરીઓ ફિલ્મમાં કામ ન કરી શકે તે બંધન તોડ્યું છે. એટલું જ નહીં ફિલ્મમાં કામ કરતાં સેક્સી દેખાવાનું કે અંગ પ્રદર્શન કરવામાં પણ નાનપ નથી અનુભવી એટલે જ પિતૃસત્તાક પરંપરાને તોડવામાં તે પહેલ કરી શકે એવી અપેક્ષા રાખી શકાય પણ ખેર હજી સ્ત્રીએ મુક્તપણે વિચારવાની શરૂઆત કરવાની જરૂર છે. કરવા ચોથના વ્રત અને ઘરેલું હિંસાનો વિરોધ કરીને એ માનસિકતામાંથી બહાર આવવા માટે તે સ્ત્રી પ્રશંસકોને પ્રેરણારૂપ બની શકે છે. બાકી આજ નહીં તો પચાસ કે સો વરસ પછી તો સમાજ બદલાશે જ એવી આશા રાખી શકીએ. 

You Might Also Like

0 comments