૧૦૦+ નોટઆઉટ

22:36

                     




15 એપ્રિલ 2017ના રોજ દુનિયાની સૌથી વૃદ્ધ સ્ત્રી એમ્મા મોરાનો મૃત્યુ પામી. ૧૮૯૯માં જન્મેલી એમ્મા મોરાનોની ઉંમર હતી ૧૧૭ વરસ. તેમણે દુનિયામાં કેટલાય ચઢાવઉતાર જોયા હતા. એમ્માએ જેની સાથે લગ્ન કરવા હતા તે વ્યક્તિ પ્રથમ વિશ્ર્વયુદ્ધમાં મૃત્યુ પામી હતી. ત્યારબાદ તેને લગ્ન કરવામાં કોઈ રસ નહોતો પણ ૨૬ વરસે તેણે કમને લગ્ન કર્યાં. જોકે એમ્મા પોતાનું બાળક છ મહિનાની ઉંમરે મૃત્યુ પામ્યું ત્યારબાદ પતિથી છૂટી થઈ ગઈ હતી. બસ પછી તેણે આખી જિંદગી એકલા જ જીવન વિતાવ્યું. એમ્મા બાદ અત્યારે જમૈકાની વાયલેટ બ્રાઉન અને કેન્યાની એલિઝાબેથ ગાથોની પણ ૧૧૭ વરસના છે. આ સમાચાર વાંચી રહી હતી કે ખબર મળ્યા કે મુંબઈમાં સાન્તાક્રુઝમાં રહેતાં લક્ષ્મીબહેન દેઢિયા આ અખાત્રીજના દિવસે ૧૧૦ વરસની ઉજવણી કરશે. 

સો વરસ પહેલાં બ્રિટિશરાજ અને ગાંધીયુગની અસરથી ભદ્ર અને શ્રીમંતવર્ગની બહેનો ઘરની સલામતી છોડીને સામાજિક ચળવળમાં ભાગ લેતી થઈ. બીજી તરફ સામાન્ય સમાજ હતો જે પોતાના જીવનનિર્વાહ માટે સખત મહેનત કરી રહ્યા હતા. સામાન્ય જનસમુદાયની સ્ત્રીઓ પણ સખત મહેનત કરતી પરંતુ તેમનું જીવન ફક્ત પોતાના કુટુંબ પુરતું મર્યાદિત રહેતું. સમાજમાં આવતા બદલાવમાં તેમનો સીધો ફાળો નહીંવત હોય અને બદલાવને મૂલવવાની સમજ પણ નહોય તે શક્ય છે. જો કે સમાજને ચલાવવા માટે આવી સ્ત્રીઓની પણ જરૂર હોય છે જે પ્રામાણિક, મહેનતુ નાગરિક સમાજ ઊભો કરે જેથી દેશનો આર્થિક વ્યવહાર પણ જળવાય. સો વરસ પહેલાંના સમાજનું ચિત્ર લક્ષ્મીબહેન જેવી વ્યક્તિઓને મળતા આપણી નજર સમક્ષ ઊભું થાય છે. જે આપણે સદંતર ભૂલી ગયા છીએ. લક્ષ્મીબહેન આંખમાં આંસુ સાથે દીકરા પ્રેમજી સામે જોઈને કહે છે કે આજે તેમની અને પૌત્રો પાસે પગમાં પહેરવાના પાંચ-છ જોડી જૂતાં જોઉં ત્યારે ૬૦ વરસ પહેલાં મારા બાળકોને ઉનાળાની ધગતી રેતીમાં ચપ્પલ વગર ચાલતા જોયા છે. જૂતાં એ સમયે ગરીબોની જરૂરિયાતોની યાદીમાં ક્યારેય નહોતા. એ સિવાય શાકભાજી-ફળ, ડોકટર-દવા અને ભણતર પણ ગ્રામ્ય પ્રજાની જરૂરિયાત નહોતા તે જાણવા 

મળે છે. 

સાન્તાક્રુઝમાં તેમના પુત્ર પ્રેમજીભાઈ દેઢિયાના ઘરે જ્યારે પહોંચી ત્યારે લક્ષ્મીબહેન પોતાના રૂમમાં પલંગ પર બેસીને સ્તુતિ-સ્તવન વાંચી રહ્યા હતા. મને જોઈને તેમણે વાંચવાના ચશ્માં કાઢીને જોવાના ચશ્માં પહેર્યાં. તેમને પૂછ્યું કે તમે ભણ્યા છો? તો કહે ના. તેમના પુત્ર પ્રેમજીભાઈએ વાતનો દોર હાથમાં લેતા કહ્યું કે મા શાળામાં ગયા જ નથી. પણ જ્યારે મારા બાળકો ભણતાં હતા ત્યારે તેમની સાથે જ અક્ષરજ્ઞાન મેળવી લીધું. ત્યારબાદ સ્તવનો, ધાર્મિક પુસ્તકો અને અખબાર વાંચતા વાંચતા વધુ શીખી ગયા. 

કચ્છી વિશા ઓશવાળ જૈન જ્ઞાતિના લક્ષ્મીબેનનો જન્મ કયા વરસમાં થયો તે 

ખબર નથી. કચ્છના માપર ગામમાં તેમનો જન્મ થયો હતો. આપણે ત્યાં ૧૦૦ વરસ પહેલાં ઘરમાં જ બાળકનો જન્મ થતો હતો અને તે સમયે ગામમાં કોઈ જ ભણેલું હોય નહીં કે યાદ રાખવાની કોઈ પ્રથા જ નહીં. પણ અખાત્રીજનો દિવસ હતો તે વડીલોની વાતચીતમાંથી યાદ હતું. તેમના મોટા પુત્રી મણિબેન જે ૮૭ વરસની વયે ત્રણ વરસ પહેલાં મૃત્યુ પામ્યાં તે આજે હોત તો ૯૦ વરસના હોત. લક્ષ્મીબહેનને યાદ છે કે મણિબહેન જન્મ્યા ત્યારે પોતે વીસેક વરસના હશે. પંદર કે સોળ વરસે લગ્ન થયા. ત્યાર બાદ ચારેક વરસ તો પતિપત્ની એકબીજા સાથે બોલ્યા જ નહોતા. એવું કહેતાં ૧૧૭ વરસના લક્ષ્મીબહેન શરમાઈ જાય છે. લગ્ન કરીને તેઓ માંડવી તાલુકાના ભોજાય ગામે આવ્યા. લગ્ન પહેલાંની વાત યાદ કરતાં આજે પણ તેમની ઝાંખી પડેલી આંખમાં ચમક અને મોઢા પર તેજ દેખાય છે. લક્ષ્મીબહેન કહે છે કે મારા માતાપિતાને ચાર દીકરાઓ વચ્ચે એક જ દીકરી હતી. મારી મા અને દાદીની ખૂબ લાડકી હતી. તેઓ મને કોઈ જ કામ કરવા દેતા નહીં. ગામના લોકો મહેણાં ય મારતા કે દીકરીને કામ કરાવો નહીં તો સાસરે જશે તો સાસુ રોવડાવશે. પણ સાસુ તો હતા જ નહીં. પણ કામ તો ઘણું જ કરવું પડ્યું સાસરામાં. તે વખતે ખૂબ ગરીબીના દિવસો જોયા છે. એટલે સખત મહેનત-મજૂરી કરી કદાચ એટલે જ હું આટલું લાંબુ જીવન જીવી શકી કહેતાં લક્ષ્મીબહેન જાણે અતીતમાં ખોવાઈ જાય છે. 

લગ્નના પાંચેક વરસ બાદ મણિબહેનનો જન્મ થયો હતો. લક્ષ્મીબહેને નવ બાળકોને જન્મ આપ્યો હતો. પણ તેમાંથી બે પુત્રી અને એક પુત્રનું થોડા જ મહિનામાં મૃત્યુ થયું હતું. દરેક સુવાવડ ઘરે જ કરવામાં આવતી. લક્ષ્મીબહેન એ દિવસોને યાદ કરતાં કહે છે કે રોજ સવારે ચાર વાગ્યે ઊઠી જઈને પહેલાં બાજરી કે જુવાર દળવાની. તેની રાબ અને દૂધ-છાશનો નાસ્તો કરવાનો. તેમાંથી જ રોટલા, ડુંગળી-છાશ સાથે ખાવાના અને રાતના ખીચડી ખાવાની. એ સિવાય બીજું કોઈ ધાન ન હોય. ઘઉંનો લોટ બાંધતા ને રોટલી કરતાં મુંબઈ આવીને શીખ્યા. ફળો પણ મોટાભાગના મુંબઈ આવીને જોયા. બાકી ખેતરમાં જે ઊગે એ શાક તુરીયા, ગલકાં, ભીંડા, ડુંગળી વગેરે ખાતા. એ જમાનામાં લાઈટ કે પાણીના નળ પણ ઘરમાં નહોતા. ચારેક માઈલ ચાલીને પાણી ભરી લાવવાનું, ઘરના કામ કરવાના, બાળકોને જમાડવાના અને ખેતરમાં પણ કામ કરવા જવાનું. તેમના પતિ જેઠાભાઈ સાથે મુંબઈ આવ્યા ત્યારે મોટા વહાણમાં બેસીને આવવું પડતું. ઘરેથી નીકળીને મુંબઈ પહોંચતા ૩ દિવસ લાગતાં. તે વખતે ગામમાં વીજળી નહોતી કે ન તો બસ કે ટ્રેન કશું જ. જ્યાં જવું હોય ત્યાં ગાડામાં જવાનું. ભોજાયથી માંડવી પહોંચવા માટે ગાડામાં જવું પડતું અને તેમાં ય બારેક કલાક થાય. ત્યારબાદ માંડવી પહોંચીને નાની હોડીમાં બેસી દરિયામાં આઘે બાંધેલા મોટા વહાણમાં જવું પડતું. દોરડાની સીડી પર ચઢીને મોટા એક રૂમ જેવામાં એકબાજુ પોતાનો બિસ્તરો બિછાવીને બેસવું પડતું. શ્રીમંતો હોય તેઓ કેબિનમાં રહેતા. વહાણ એટલું હાલક ડોલક થાય કે તે અનુભવ યાદ કરતાં આજે પણ લક્ષ્મીબહેનને તમ્મર આવી જાય છે. વહાણ પર તેઓ પાણી પણ પીતાં નહીં. સતત ઉલ્ટીઓ થાય. સાથે જમવાનું હોય પણ કશું જ ખવાય નહીં. બારેક કલાકે મઝગાંવ ડૉક પર પહોંચતા. તેમનું રહેવાનું પણ મઝગાંવમાં એક મકાનની ચાલમાં હતું. જેઠાભાઈ અનાજનું કામકાજ કરતા હતા ભાગીદારીમાં. એટલે લક્ષ્મીબહેન અવારનવાર અહીં આવતા. બાળકો તો બધા કચ્છમાં જ જન્મ્યા. પ્રેમજીભાઈ સૌથી નાના આજે ૬૨ વરસના છે. જેઠાભાઈને નાની ઉંમરે બીમારી લાગુ પડતા મુંબઈ છોડીને ભોજાય પાછા ગયા પણ વધુ ન જીવ્યા. નાની ઉંમરે લક્ષ્મીબહેન પર બાળકોની જવાબદારી આવી પડી. ગામડામાં બાળકોનું ભણતર વધુ ન થઈ શક્યું. બસ પ્રેમજીભાઈ પ્રાથમિક શાળામાં સાત ચોપડી સુધી ભણી શક્યા. મોટો દીકરો ખીયશીભાઈ જે હાલ હયાત નથી તે પહેલાં મુંબઈ આવ્યો અને સ્ટીલની દુકાને કામે લાગ્યો. પછી તેણે પોતે ફેકટરી કરીને નાના ભાઈબહેનોને બોલાવ્યા. લક્ષ્મીબહેનની એક દીકરી ભાવનાબેને પપ વરસ પહેલાં દીક્ષા લીધી હતી. બાકીની ત્રણ બહેનોને પરણાવી. 

આઝાદીની લડત અને વિશ્ર્વ યુદ્ધોની અસરોથી અજાણ લક્ષ્મીબહેનને મઝગાવના રસ્તા પરથી પસાર થયેલાં ગાંધીજી અને જવાહરલાલ નહેરુને જોયાનું યાદ છે. આઝાદી સમયે થયેલા ભાગલામાં હુલ્લડોની ખૂનામરકી યાદ કરવી ગમતી નથી. તો આઝાદી બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલાં યુદ્ધમાં પાકિસ્તાનનું એક વિમાન કચ્છમાં ભારતીય લશ્કરે તોડી પાડેલું તે યાદ છે. આજે હવે તેમની તબિયત નબળી પડી હોવાથી ઘરની બહાર જવાનું બંધ કર્યું છે પણ હજી બે વરસ પહેલાં ય તેઓ નિયમિત અપાસરે જતાં. સ્તવનો ગવડાવતા. સ્તવન તો આજે પણ સારી રીતે ગાઈ શકે છે. કેટલાય વરસોથી તેઓ ચોવિયાર કરે છે એટલે સાંજના સાડાપાંચ પછી કશું જ ખાતા નથી. 

લક્ષ્મીબહેન કહે છે કે પાંચ પેઢીને સુખી થતાં જોઈને હવે કોઈ ઈચ્છા નથી. મનુષ્ય જન્મ નસીબદારને મળે છે એટલે ભગવાનનો આભાર માનું છું. નાની વયે દુખ ભોગવ્યું પણ હવે કોઈ તકલીફ નથી. તેમના સ્વસ્થ અને લાંબા આયુષ્યનું રહસ્ય છે ઓછું ખાવું અને સતત મહેનત કરવી. આજે પણ તેઓ કોઈની મદદ વગર પોતાના કામ કરે છે. જમ્યા પછી તેમની ખુરશીનો ટેકો લઈને ઘરમાં ચાલે છે. તેઓ કહે છે કે સારી રીતે જીવવું હોય તો શરીરને બહુ લાડ લડાવવા નહીં.


You Might Also Like

1 comments

  1. આવી મુલાકતનો તો યુ-ટયુબ પર વિડીઓ પ્રકાશિત કરવો જોઇએ.

    ReplyDelete