૩૦ વરસ પછી દુનિયા કેવી હશે?

21:22



 મંગળ પર વેકેશન કરવા જવું હોય તો અત્યારથી તૈયારી કરો


ધારો કે તમે વોટ્સ એપ્પ અને ફેસબુક પર ઈમોજીની જગ્યાએ ખરેખર ઈમોશન એટલે કે લાગણીઓ બીજી વ્યક્તિઓને મોકલી શકો તોબસ માટે તમારે ત્રીસ વરસ રાહ જોવાની છે. તમે સામી વ્યક્તિને સુગંધ, પ્રેમ અને ગુસ્સાની લાગણીઓ દૂરથી પણ મોકલી શકશો. આજે આપણે ક્યા દેશમાં ફરવા જવું એવું વિચારીએ છીએ પણ ત્રીસ વરસ પછી એટલે કે ૨૦૫૦માં મંગળ પર વેકેશન મનાવવા જવાનો પ્લાન સહજતાથી ઘડાતો હશે. આવું માનવું આજે અઘરું કે કાલ્પનિક ગપ્પગોળા લાગે પણ તમને કોઈએ ત્રીસેક વરસ પહેલાં એટલે કે ૮૦ના દાયકામાં એવું કહ્યું હોત કે દરેક વ્યક્તિના હાથમાં ફોન હશે અને જોઈએ તે માહિતી આંગળીના ટેરવે હશે, દુનિયાના કોઈપણ ખૂણે રૂબરૂ વાત કરવી સહેલી હશે તો રંગીન કલ્પના કહીને વાતને ચોક્કસ ઉડાવી દીધી હોત. સાયન્સ ફિકશન વાર્તાઓમાં આવી અનેક કલ્પનાઓ કરવામાં આવતી હોય છે. જેમકે ઊડતી કાર, કે પછી ડ્રાયવર વિનાની કાર  જે ટૂંક સમયમાં આપણે વાપરતા થઈ જઈશું. ખેર, ફ્યુચરિસ્ટિક વિજ્ઞાન આવી અનેક કલ્પનાઓનું ભવિષ્ય ભાખતા હોય છે જે મોટેભાગે સાચું પડવાની શક્યતા હોય છે. 

કાલ કોણે દીઠી છેએવું કહેવું સહેલું હોય છે, પણ આપણને ભવિષ્ય જાણવું ગમતું હોય છે. કોઈ હાથની રેખાઓ જોતું હોય તો આપણો હાથ ધરી દઈએ.  દરરોજ અખબારોમાં રાશિ ભવિષ્યની કોલમ આવે . તે છતાં અઠવાડિયે એકવાર તેમાં પણ રવિવારે આખાય અઠવાડિયાનું ભવિષ્ય ભાખતી કોલમ પણ હોય . ભાગ્યે કોઈ અખબાર કે મેગેઝિન એવા હશે કે  જેમાં ભવિષ્યની કોલમ આવતી હોય. એનો અર્થ એવો કે લગભગ ૯૦ ટકા લોકોને તો ભવિષ્ય જાણવાની ઉત્કંઠા હોય છે. પર્યાવરણશાસ્ત્રીઓએ ટૂંકા સમયનું પૃથ્વીનું ભવિષ્ય ભાખ્યું છે કે અડધાથી દોઢ સેન્ટિગ્રેડ તાપમાનમાં વધારો નોંધાશે. તેના પરિણામો શું આવશે તેના વિશે પણ લખાઈ ચૂક્યું છે.  વરસના અંત તરફ આપણે ગતિ કરી રહ્યા છીએ ત્યારે વરસે ભૌતિકશાસ્ત્રી મિશિઓ કાકુનું એક પુસ્તક પ્રગટ થયું છે ફ્યુચરિસ્ટીક હ્યુમેનિટિ. પ્રસિદ્ધ વિજ્ઞાની કાકુએ પુસ્તકમાં ભવિષ્યમાં આપણી દુનિયા કેવી હશે તે વિશે અનેક બાબતો લખી છે. મિશિઓ કાકુ આજના સંદર્ભ સાથે સરખાવીને અનુમાન કર્યું છે કે ભવિષ્યની દુનિયા કેવી હશે. 
ફ્યુચરિસ્ટિક એટલે કે ભવિષ્યને લોજિકલી વૈજ્ઞાનિક રીતે તપાસવાનું શાસ્ત્ર. એક અંગ્રેજી મેગેઝિને કેટલાક  ફ્યુચરિસ્ટિક વૈજ્ઞાનિકોને ત્રીસ વરસ બાદ એટલે કે ૨૦૫૦ની સાલમાં આપણા જીવનમાં શું મોટા ફેરફાર થયા હશે તે વિશે પૂછ્યું. તેમાંના એક મિશિઓ કાકુ છે. તેમણે ફ્યુચર ઓફ માઈન્ડ - સાયન્ટિફિક ક્વેસ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ, એનહાન્સ એન્ડ એમ્પાવર  માઈન્ડ નામનું બેસ્ટ સેલર પુસ્તક લખ્યું છે. તેમનું કહેવું છે કે આપણા બાળકોને કી બોર્ડ શું હશે તેની ખબર નહીં હોય. આપણે સંપર્કક્ષેત્રે એટલી ક્રાંતિ કરી હશે કે લોકો એકબીજાની સાથે ટેલીપથીથી વાત કરી શકીશું. એને લીધે બે વ્યક્તિઓ વચ્ચે સંપર્ક સહજતાથી થઈ શકશે. એકબીજાની સાથે ચેટ કરતી સમયે લાગણીઓના ચિત્રોને બદલે લાગણીઓની અનુભૂતિ એકબીજાને મોકલી શકીશું. તેથી ફેક એટલે કે નકલી લાગણીઓ નહીં મોકલી શકાય. મગજ દ્વારા નેટનો ઉપયોગ કરીશું અર્થાત બાહ્ય રાઉટર નહીં પણ આપણું મગજ આપણું રાઉટર હશે. જે દ્વારા નેટનો ઉપયોગ કરી બીજી વ્યક્તિ સાથે તેમ માહિતીઓના સંપર્કમાં રહીશું. ફિલ્મો તે વખતે બનાવવાની જરૂર નહીં રહે. ઉપ્સ તો પછી આપણી બોલીવૂડ અને હોલીવૂડ ઈન્ડસ્ટ્રીઝનું શું થશે ? ખેર, પણ હજી ત્રીસ વરસની વાર છે એટલું આશ્વાસન લઈ શકીએ. 
રોગથી આપણે ડરીશું નહીં. કેન્સરને આપણે સામાન્ય શરદીની જેમ ઠીક કરીશું. આપણું પાયખાનું લેબોરેટરીનું કામ કરશે. જેથી રોગને જીવલેણ થતાં પહેલાં પારખી શકાશે. આને પરિણામે દીર્ધાયુ રહી શકીશું. લાંબુ જીવન પણ વૃદ્ધત્વતો ગમે ને એટલે યયાતિની જેમ સદા યુવાન રહેવાના અનેક નુસ્ખાઓ આપણે શોધી કાઢ્યા હશે. આપણા અવયવો જે નકામા થઈ ગયા હોય તેને સરળતાથી બદલી શકાશે કારણ કે તેને નવા ઉગાડવાની ટેકનોલોજી ત્યાં સુધીમાં વિકસી ગઈ હશે. કિડની, કાન, નાક, ચામડી, હાર્ટ વાલ્વ અને પેનિક્રિયાસ પણ નવા ઉગાડી કે બનાવીને રિપ્લેસ કરી શકાશે. બાયોલોજીકલ પરફેકશન આવી ગયું હોવાથી લગભગ ભગવાન જેવા આપણે બની ગયા હોઈશું. 

નીલ ડીગ્રેસ ટાયસન  રોઝ  સેન્ટર ફોર અર્થ  એન્ડ સ્પેસ ન્યુયોર્કના હેયડન પ્લેનેટેરિયમમાં ડિરેકટર છે. તેમનું કહેવું છે કે ત્રીસેક વરસ પછી અવકાશ તરફ આપણો ઝોક વધુ રહેશે. ફરવા જવા માટે કે વીક એન્ડમાં ક્યાં સ્પેસ સ્ટેશન પર જવું કે મંગળ પર જવું તેનો વિચાર કરતાં હોઈશું. કાયમી રહેવાશી બનવું હજી શક્ય નથી જણાતું ત્યાંના વાતાવરણને લીધે. એટલે અવકાશને બિઝનેસ સેન્ટર બનાવી દઈશું.  સ્પેશ સ્ટેશનો ભવિષ્યનું ઈન્વેસ્ટમેન્ટ હશે. શક્ય છે સ્પેશ સ્ટેશનો પર કબજો મેળવવા માટે યુદ્ધો થાય પણ ખરા. તે છતાં ૨૦૫૦માં લોકો લાંબુ અને આનંદી જીવન જીવવા પર ધ્યાન આપશે એટલે શક્ય છે કે યુદ્ધો પણ થાય. શક્ય છે અંગ્રેજી ફિલ્મોમાં કલ્પનાઓ કરી છે તેવા સ્પેસ સ્ટેશનો પર વસાહતો સ્થપાય પણ ખરી. 

બ્રેઈન રિઝર્વના સીઈઓ અને ફાઉન્ડર ફેઈથ પોર્પકોર્ન બેસ્ટ સેલિંગ લેખક ફ્યુચરિસ્ટિક લેખક છે. ત્રીસ વરસમાં આર્ટિફિશયલ ઈન્ટેલિજન્સ દ્વારા આપણે આપણા શરીરની પ્રકૃતિને વિગતે જાણતા હોઈશું. આપણને શેની એલર્જી છે, આપણું સ્ટ્રેસલેવલ કેટલું છે અને કેટલી કસરત કે કેટલું અને શું ખાવું જેથી સ્વસ્થ અને મસ્ત રહી શકાય. પોપકોર્નનું માનવું છે કે ભવિષ્યમાં બાળકના જન્મની સાથે જ્યારે નાળ કપાય ત્યારે એક ચીપ શરીર સાથે જોડી દેવાશે જે તેના શારીરિક ફેરફારોને નોંધશે. આપણી ફિન્ગર પ્રિન્ટમાં આપણો મેડિકલ રિપોર્ટ હશે. જેથી મેડિકલ રિપોર્ટ સાચવવાની કે લાવવા લઈ જવાની જરૂર નહીં રહે. બાળકો લેબોરેટરીમાં બનતા હશે, જોકે એની શરૂઆતતો થઈ ચૂકી છે. સ્ત્રીઓએ સુવાવડ માટે રજા લેવી નહીં પડે, કારણ કે ગર્ભવતી થવાનું આઉટડેટેડ થઈ ચૂક્યું હશે. પ્રસવ પીડા સ્ત્રીઓએ ભોગવવી નહીં પડે. ડિઝાઈનર બેબીની શરૂઆત થવા માંડી છે. ગ્લોબલ સિક્યુરિટી ફ્યુચરિસ્ટ અને ફાઉન્ડર ઓફ સ્ટ્રેટેજીક નેરેટિવ ઓફ ફ્યુચરિસ્ટિ કન્સલટન્સી અને વર્લ્ડ ફ્યુચર સોસાયટીની સીઈઓ એમી ઝાલમેન કહે છે કે નોકરી કે કામના સમીકરણો બદલાશે. વ્હાઈટ કોલર નોકરી કરતાં લોકોને કામ નહીં મળે. કારણ કે બધા કામ યા તો કરવાના રહેશે નહીં કે તેનો ઢાંચો બદલાઈ જશે. આજે જે લોકો રૂટિન કામ કરે છે જેમ કે અકાઉન્ટ, ક્લેરિકલ વગેરે તે લોકોએ નવેસરથી વિચારવું પડશે અથવા નવેસરથી ભણવા જવું પડશે. ટેકનોલોજી કામ કરવાની રીત બદલશે એવું નથી પણ કેટલાક કામ કરવાના રહેશે નહીં કે પછી નવા કામ ઊભા થશે. ત્રીસ વરસમાં ગરીબી દૂર નહીં થાય. અમીર અને ગરીબ વચ્ચેનો તફાવત વધુ મોટો થતો જશે. એક તરફ આર્થિક રીતે બધું મેળવી શકતા લોકો હશે તો બીજી તરફ ગરીબીને કારણે અભાવગ્રસ્ત લોકો પણ હશે . એવું શક્ય બને કે આર્થિક રીતે સધ્ધર લોકો અભાવગ્રસ્ત લોકોને સાચવી લઈ શકે. સારું શિક્ષણ બધા લઈ શકશે પણ કેટલીક ટેકનોલોજી જેમ કે શરીર પરનું ટેટુ જે મોનિટોરનું કામ કરી શકે તે દરેક જણને પોષાશે એવું નહીં હોય. ટેકનોલોજી જીવનને સરળ અને સહજ કરી દઈ શકે છે પણ તે આજની જેમ ઘણી મોંઘી હશે એટલે કેટલાક લોકો તે ખરીદી શકશે. 
ટૂંકમાં આવતા ત્રીસ વરસમાં દુનિયા બદલાઈ જશે ચોક્કસ. આપણે આજે જે જીવીએ છીએ તેના કરતાં અનેક રીતે જુદું જીવન હશે ત્યારે જેમ લેન્ડલાઈનના કાળા ડબલાં અને પોસ્ટઓફિસના લાલ ડબ્બાઓ  અને ટાઈપ રાઈટર ઈતિહાસ બની ગયા તેમ લેપટોપ અને મોબાઈલ પણ ઈતિહાસ બની જશે. 

You Might Also Like

0 comments