સેક્સ્યુઆલિટી, સ્ત્રી અને માન્યતાઓ

01:48





સેક્સ શબ્દ એવો છે કે દરેક વાચકને, પ્રેક્ષકને એમાં રસ પડે છે. સેક્સને એનકેશ કરવાના અનેક તરીકાઓ અપનાવાતા હોય છે. તેમાં પણ સ્ત્રીનો ઉપયોગ કરી લેવાની વાત હોય છે તે છતાં સ્ત્રીની સેક્સ્યુઆલિટી વિશે ક્યારેય સમભાવે વિચારાતું નથી હોતું. સિંગલ વિમેન માટે મહારાષ્ટ્રના ગ્રામ્ય પ્રદેશમાં કોરો નામની સંસ્થા કામ કરે છે. સિંગલ એટલે કે એકલી પડી ગયેલી કે એકલી રહેતી સ્ત્રીઓનું જીવન કેટલું કષ્ટદાયક હોય છે તે વિશે ક્યારેય વિચારાતું નથી. ઊલટાનું તેમનું જીવન વધુને વધુ તકલીફવાળું બનાવી દેવાનો સમાજ પ્રયત્ન કરતો હોય છે. એક પ્રસંગ તેમણે કહેલો અહીં ટાંકુ છું કે ગામડાઓમાં અપરિણીત કરતાં પણ વિધવા અને પરિત્યકતા સ્ત્રીઓ વધુ હોય છે, જેમને તેમના પતિઓએ ત્યજી દીધી હોય છે. આ સ્ત્રીઓએ સવાલ કર્યો કે જે સ્ત્રી પુરુષને ત્યજી દે તેને માટે શબ્દ શું? તો કાર્યકરોને મરાઠી, હિન્દી અને અંગ્રેજીમાં એવો કોઈ શબ્દ મળ્યો નહીં. એ સ્ત્રીઓએ પોતે જ એક નવો શબ્દ શોધ્યો. એમટીએન મી ટાકલેલા નવરા અર્થાત્ મેં છોડી દીધેલો પતિ. 

આ શબ્દ જોડણી કે વ્યાકરણની દૃષ્ટિએ યોગ્ય છે કે નહીં તેની વાત વિદ્વાનોને સોંપીએ પણ તેની પાછળનો ભાવાર્થ સમજી શકાય છે. આ સ્ત્રીઓની સેક્સ્યુઆલિટી વિશે પણ સંશોધન સંસ્થાઓ કરી રહી છે પણ કામ આપણે ધારીએ એટલું સહેલું હોતું નથી. સીએનએનની પત્રકાર ક્રિશ્ટિન અમાનપોરે વિશ્ર્વના શહેરોમાં ફરીને સ્ત્રીઓ પોતાની સેક્સ્યુઆલિટી વિશે કેટલી સભાન છે તેની વાત કરવાનું નક્કી કર્યું. શરૂઆતમાં છ એપિસોડ ઈન્ટરનેટ ચેનલ પર રજૂ થયા. એ શહેરોમાં ભારતનું દિલ્હી પણ છે. અમાનપોરે પ્રેમ અને સેક્સ એ બે વિષયને સાંકળી લીધા. તેનું કારણ આપતાં તેણે એક મુલાકાતમાં કહ્યું છે કે મારે જાણવું હતું કે કેટલી સ્ત્રીઓ જાણે કે સમજે છે કે તેઓ પણ આનંદના અધિકારી છે. હું જાણું છું કે દુનિયાભરમાં અનેક જુદાં જુદાં કારણોસર સ્ત્રીઓ પોતાના અધિકારને ભોગવી શકતી નથી જેમ કે સંસ્કૃતિ, કાયદો અને ધાર્મિક પ્રથાઓ તેમાં મુખ્ય છે. જોકે આ સંશોધન દરમિયાન એ જાણવા મળ્યું કે હવેની નવી પેઢી પોતાની સેક્સ્યુઆલિટી માટે સભાન છે અને આનંદ મેળવવાના પોતાના અધિકારને જાળવી જાણે છે. એટલું જ નહીં માનવીય વ્યક્તિત્વને સ્વમાનભેર જાળવવાના પ્રયત્નો કરે છે. મોટેભાગે સેક્સ વિશે જ્યારે મીડિયામાં રિપોર્ટિંગ થાય છે ત્યારે સેક્સ્યુઅલ હરેસમેન્ટ, ટ્રાફિકિંગ, પોર્ન તેમજ વેશ્યાવ્યવસાય વિશે જ વાત થતી હોય છે. એટલે અમાનપોરે સિક્કાની બીજી બાજુ જોવાનો પ્રયત્ન કર્યો જેને સમાજની સામે લાવવાનો પ્રયત્ન જ થતો નથી. 

જે છ એપિસોડ સૌપહેલાં તૈયાર થયા તેમાં વિશ્ર્વના આધુનિક શહેરો દિલ્હી, ટોકિયો, બૈરૂત, બર્લિન, એકરા, શાંઘાઈને આવરી લેવાયાં છે. લવ એન્ડ સેક્સ વિષયને સ્પર્શતા અનેક આયામો પણ અમાનપોરે સાંકળવાનો પ્રયત્ન કર્યો છે. જેમ કે સેક્સ્યુઅલ હરેસમેન્ટ, બળાત્કાર, લગ્નજીવન વગેરે . 

મી ટુ કેમ્પેઈન બાદ સ્ત્રીઓની સેક્સ્યુઆલિટી વાત કરવી જરૂરી બની જાય છે. સ્ત્રીઓની ઈચ્છાઅનિચ્છા વિશે ખૂલીને વાત કરવી જરૂરી છે જેથી ક્ધસેન્ટ એટલે કે સ્ત્રીની પરવાનગી લેવી જેથી તેની મરજીનામરજી વચ્ચેની પાતળી ભેદરેખાઓ સમજી શકાય. આપણે ત્યાં પણ સ્ત્રીની ના એટલે હા એવી માન્યતા પ્રચલિત છે હિન્દી સિનેમાને કારણે. સ્ત્રીઓનો ઉછેર અને તેમના પરના બંધનો એટલા બધા હોય છે કે મોટે ભાગે સ્ત્રીઓને પોતાના અધિકાર વિશે તે કોઈ જ સભાનતા હોતી નથી. સ્ત્રીનો પોતાના જીવન અને શરીર પર કોઈ અધિકાર હોતો નથી. હવે શહેરોમાં યુવતીઓ પોતાના અધિકાર વિશે જાગૃત થઈ રહી છે તે છતાં સ્વતંત્રતા જાળવવી સહેલી હોતી નથી. અમાનપોરે છ શહેરોમાં જેટલા ઈન્ટરવ્યુ લીધા તેમાં લગ્ન પહેલાં જ નહીં લગ્ન બાદ સેક્સલેસ જીવન ભોગવતી મહિલાઓનું પ્રમાણ ખાસ્સું જણાયું. વિકસિત દેશોમાં પણ સ્ત્રીની સેક્સ્યુઆલિટીને દબાવીને રાખવામાં આવે છે. તેમને પોતાના આનંદ વિશે વિચારવાનો પણ અધિકાર હોતો નથી. જ્યારે આપણે ત્યાં જેમ કામસૂત્ર છે એમ જાપાન, ચીન, બૈરૂત વગેરે જગ્યાએ સેક્સ વિશે શિક્ષણ આપતા પુસ્તકો પંદરમી અને અઢારમી સદીમાં લખાયાં છે. જેમાં સ્ત્રી અને પુરુષને સમાનસ્તરે મૂકવામાં આવ્યા હોવાનું જણાય છે. તે છતાં આજે એકવીસમી સદીમાં જ્યાં પોર્નોગ્રાફી સૌથી વધુ જોવાય છે ત્યાં સેક્સ વિશે વાત કરવી કે તેના વિશે શિક્ષણ આપવાની તૈયારી સમાજની નથી. 

પ્રેમ, સેક્સ અને લાગણીઓની ભેળસેળ યુવાનોના મનમાં હોય છે. સાચું શિક્ષણ કે સમજ ન હોવાના કારણે મરજીનામરજીનો વિચાર કરવામાં આવતો નથી. એટલે જ સેક્સ્યુઅલ હરેસમેન્ટ અને બળાત્કારના કિસ્સાઓ વધી રહ્યા છે. આ બધાને પરિણામે મી ટુ કેમ્પેઈન શરૂ થયું છે અને તેને યોગ્ય રીતે સમજીને લોકોમાં આ વિશે જાગૃતિ લાવવાનો પ્રયત્ન હજી પણ કરવામાં આવતો નથી. સ્ત્રીના શરીરને અડવાની સંમતિ લેવી જરૂરી હોય છે અહીં લોકો એવી દલીલ કરશે કે પત્નીની પણ સંમતિ લેવાની હોય પણ હા જરૂરી છે. જરૂરી નથી કે તે માટે લેખિત કે મૌખિક સંમતિ લેવી પણ બીજી વ્યક્તિની મરજી છે કે નહીં તે સમજી જ જવાતું હોય છે. જો ન સમજાય તો પૂછી લેવાનું હોય. પૂછ્યા બાદ ના આવે તો તેને ના જ સમજવાની હોય અને અટકી જવાનું હોય. જ્યારે પુરુષ આ ના સાંભળ્યા બાદ કે વિરોધ જોયા બાદ અટકતો નથી ત્યારે એ સતામણી કહેવાય કે બળાત્કાર હોઈ શકે. એ સ્ત્રીએ પહેલાં અડવા દીધું હતું એટલે હવે તેને ના પાડવાનો અધિકાર નથી એવું માનવુંય ભૂલભરેલું છે. સ્ત્રીને વ્યક્તિ તરીકે જોવાની જરૂર હોય છે. જ્યારે પુરુષ સ્ત્રીને તરછોડે છે કે પત્નીને મૂકીને બીજી સ્ત્રી પાસે જાય છે અને છૂટાછેડા માગે છે તો એ પણ ખોટું જ ગણાવું જોઈએ, પહેલાં પ્રેમ હતો અને હવે નથી એવું પુરુષ પણ ન જ કહી શકે, પણ સ્ત્રીને ના પાડવાનો અધિકાર નથી કે પોતાની મરજી પ્રમાણે વર્તવાનો અધિકાર છે એવું પિતૃસત્તાક માનસ ધરાવતો પુરુષ સ્વીકારી શકતો નથી. 

સ્પેનમાં અને બીજા અનેક દેશોમાં આ ક્ધસેન્ટનો-સંમતિનો કાયદો છે. અમેરિકામાં ન્યુયોર્કમાં પબ્લિક અને પ્રાઈવેટ કોલેજમાં ૨૦૧૫થી સેક્સ્યુઅલ ક્ધસેન્ટનો કાયદો લાવવામાં આવ્યો છે. કેલિફોર્નિયા પહેલું અમેરિકન રાજ્ય છે કે જ્યાં ૨૦૧૪માં ક્ધસેન્ટને કાયદાની સમજૂતિમાં સામેલ કરી. આઈસલેન્ડ, સ્વીડન, ઈંગ્લેન્ડ, જર્મની, સાયપ્રસ, ઓસ્ટ્રેલિયા, કેનેડા વગેરે અનેક દેશોમાં સેક્સ માટે બન્ને પક્ષની સહમતીને કાયદામાં આવરી લેવામાં આવી છે. સહમતી કે સંમતિ સિવાયનો સેક્સ બળાત્કાર ગણવામાં આવે છે. સ્પષ્ટ હા જરૂરી છે.

કોઈ જ શરત વિના હા હોય તો જ હા એવો કાયદો સ્પેન અને અન્ય દેશોમાં છે. આ સમજ આપણે ત્યાં પણ લાવવાની જરૂર છે. મરજીનામરજી વિશેની સ્પષ્ટ સમજ સ્ત્રી-પુરુષ બન્નેને હોવી જરૂરી છે. સ્ત્રી અને પુરુષ બન્ને માટે સારું છે કે યોગ્ય અને સ્પષ્ટ સંમતિ સાથે સંબંધ બાંધે જેથી પાછળથી પસ્તાવું ન પડે. એક કિસ્સો અહીં યાદ આવે છે કે સગાઈ થયા બાદ છોકરો છોકરી સાથે એકાંતમાં સંબંધ બાંધવા માગતો હતો. છોકરીએ ના પાડી પણ છોકરાએ સમજાવ્યું કે આપણા લગ્ન થવાના જ છે તો શું વાંધો છે?કેટલીક આનાકાની બાદ છોકરી ભાવિ પતિને નારાજ કરવા નહોતી માગતી એટલે સરન્ડર થઈ. સેક્સ દરમિયાન છોકરીને બ્લીડિંગ ન થતા છોકરાએ છોકરી (કુંવારી નથી) બદચલન છે કહીને સગાઈ તોડી નાખી. આપણે ત્યાં આ રીતે પણ બળાત્કાર થતા હોય છે. એટલે માનસિકતા બદલવા માટે પણ સંમતિનો કાયદો અને સમજ બન્નેની જરૂર છે. 

આપણે અનિચ્છાને સમજીને સ્વીકારીએ તો સ્ત્રીની ઈચ્છાને પણ સમજીને સ્વીકારવાની જરૂર છે. 

પહેલાના જમાનામાં વિધવાને બીજા લગ્નનો અધિકાર નહોતો અને તેમને અનેક બંધનો સાથે માથે મુંડન કરીને રહેવું પડતું. કારણ કે તે બીજા પર નિર્ભર હતી તેની પોતાની કોઈ સંપત્તિ કે મિલકત ન હોય. હજી પણ સ્ત્રીઓ પાસે સત્તા અને સંપત્તિ હોતા નથી. હા હવે વિધવા સ્ત્રીના લગ્ન સ્વીકારી શકે એટલો સમાજ સ્વસ્થ થયો છે પણ છૂટાછેડા લીધેલી કે અપરિણીત રહેવા માગતી સ્ત્રીને પોતાનો આનંદ મેળવવાનો અધિકાર આપતો નથી. બીજી સ્ત્રીઓ જ આવી સ્ત્રીઓને ખરાબ સ્ત્રીનું લેબલ લગાડતી હોય છે. આ સામાજિક બંધિયારતા સૂચવે છે. પુરુષ વિશે આવું કહેવાતું નથી હોતું કારણ કે તે પુરુષ છે એને પોતાની પવિત્રતા પુરવાર કરવાની નથી હોતી. સેક્સ અને પવિત્રતા એ શબ્દ સ્ત્રીઓની સાથે જ જોડી દેવામાં આવ્યો છે. વળી જાણેઅજાણે સ્ત્રીને મિલકત માનતા હોવાથી જ વ્યભિચારના ગુનામાં પણ સ્ત્રીને બાકાત રાખવામાં આવી હતી. (એ કાયદો હાલમાં જ રદ્દ થયો છે) આદિવાસી સમાજમાં મુક્ત વાતાવરણ જોવા મળતું હતું. તેઓ લગ્ન પણ બાળકો થયા બાદ કરે તો કરે નહીં તો ન પણ કરે. તે છતાં પતિપત્નીની જેમ દાંપત્યની જવાબદારી નિભાવે. વ્યક્તિ તરીકેની સ્વતંત્રતા અને સંયમ બન્ને વ્યક્તિઓમાં હોય એવી આદર્શ સ્થિતિ આપણા અનેક આદિવાસી સમાજમાં હતી હવે તો એ લોકો પણ પોતાની સંસ્કૃતિ ભૂલી શિક્ષિત અને બંધિયાર બની રહ્યા છે. મુક્ત વાતાવરણ વ્યક્તિને જવાબદાર બનાવે છે. આજે જે બંધનો છે અને દંભ છે તેને કારણે જ સમસ્યાઓ છે.

You Might Also Like

0 comments