ઝીરો સે હીરો

03:31





Men make their own history, but they do not make it as they please; they do not make it under self-selected circumstances, but under circumstances existing already, given and transmitted from the past-

karl marx



નારીવાદીઓને ન ગમે એવો આ ગમે એવો આ વિષય છે. મેન મેક હિસ્ટ્રી અર્થાત્ પુરુષો ઇતિહાસ ઘડે છે. વાત ખરી પણ છે કે ઈતિહાસ લખનારા પણ પુરુષો હોવાથી સ્ત્રીઓના પ્રદાનને હાંસિયામાં ધકેલી દેવામાં આવે છે. ખેર અહીં પુરુષની વાત કરવી છે એટલે માનો કે ન માનો પણ અહીં ફક્ત પુરુષોનું રાજ છે. ઇતિહાસ બદલી શકનારા કે રચી શકનારા સારી કે નરસી દરેક બાબતમાં પુરુષો મોખરે છે. ઇતિહાસ રચવાની વાત આવી ત્યારે પહેલ પુરુષોએ કરી છે. નેતૃત્વ હંમેશ પુરુષનું રહ્યું છે. સામે કાઉન્ટર દલીલો ઘણી હોઇ શકે અને તે સાચી ય હોઇ શકે પરંતુ, ઇતિહાસની વાત આવે છે ત્યારે પુરુષોની જ વાત કરવી રહે છે. આ બાબતે પુરુષોએ ગર્વ કરવા જેવું ખરું કે પછી નમ્ર બનીને તેઓ કહેશે કે માદામ, તમારી સામે સલ્તનત હારી જવા તૈયાર છીએ.

સોરી વાચકમિત્રો મોદી મેનિયાએ મીડિયા અને મન પર કબજો લઈ લીધો છે. કારણ કે અત્યારે આપણે એક બદલાતા રાજકીય સમીકરણોના સાક્ષી બની રહ્યા છીએ. મોદીના દોસ્ત હોય કે દુશ્મન એ સૌએ આજે સ્વીકારવું પડે છે કે ભારતીય રાજકારણનો ઇતિહાસ લખાશે ત્યારે બીફોર મોદી અને આફટર મોદી એ બે બાબતોનો ઉલ્લેખ કર્યા સિવાય નહીં ચાલે. સૌ પહેલાં સ્પષ્ટતા કે હું ભાજપ કે મોદીની તરફેણમાં નથી કે તેના વિરોધમાં ય નથી. હું લેખક છું અને ફક્ત સાક્ષીભાવે જોઉં છું. કોને ખબર પાંચ વરસ પૂરું થયા બાદ(૨૦૧૯મા) આ ઇતિહાસનું પાનું કેવું હશે. પણ ઇતિહાસ રચાતો 

ોય ને તમે એના સાક્ષી બનો તે બાબત અમને સ્ત્રીઓને તો રોમાંચક લાગે છે. હા અફસોસ રહેશે કે સ્ત્રીઓનું પ્રદાન ઈતિહાસમાં વધુ નોંધાતું નથી. અત્યારે કૉંગ્રેસ વળી પાછી ત્રણ રાજ્યમાં ભાજપને પછાડીને પોતાનો વિજયી સ્કોર નોંધાવીને ૨૦૧૯મા નવો ઈતિહાસ રચવાની વાત કરી રહ્યા છે ત્યારે પાંચ વરસ પહેલાંના સમયને યાદ કરીએ. તે સમયે થયેલી લોકસભાની ચૂંટણીની ત્રણ બાબતો યાદ કરીએ જેની નોંધ ઇતિહાસમાં હશે જ. એક અરવિંદ કેજરીવાલ....સાચની લડત પણ ઝડપથી મોટી છલાંગ લગાવવાનો ખોટો નિર્ણય. બીજો ગાંધી પરિવારનો રાહુલ ગાંધી જે ઇતિહાસ બની ગયેલી ગાંધી -નહેરુ અટકમાં અટવાઈને રહી ગયો. ને ત્રીજા નરેન્દ્ર મોદી જેમણે આત્મવિશ્ર્વાસ અને પ્રજાના બળે જાણેઅજાણે નવો ઇતિહાસ રચી દીધો.

વીસમી સદીની શરૂઆતથી જ મહાન માણસોના ઇતિહાસની વાત લખવાનું મહત્ત્વ વધી રહ્યું હતું. આ મહાપુરુષો એટલે કે જેણે પોતાના કરિશ્મા, બુદ્ધિમત્તા, જ્ઞાન અથવા રાજકીય મુત્સદ્દીથી કે પોતાની સત્તાના જોરે એવા નિર્ણય લીધા હોય જેને કારણે ઇતિહાસને નવો વળાંક મળતો હોય. જેમ કાર્લ માર્કસે કહ્યું છે કે સદીઓથી પરંપરાના વહેણમાં જીવતાં સમાજને જાણે આંખ,કાન હોતા જ નથી. બદલાવની રાહ જોવાનું પણ સમાજ વિસરી જાય છે ત્યારે કોઇ પુરુષ જુદી જ ભાષામાં વાત કરે છે. રિવોલ્યુશનની.. બદલાવની, પારંપરિક વિરોધની ..... ત્યારે ઇતિહાસનું પાનું ફરે છે. મહાત્મા ગાંધી હોય કે જવાહરલાલ નહેરુ, સરદાર પટેલ, શ્રી અરવિંદ હોય કે રામકૃષ્ણ પરમહંસ કે પછી રવીન્દ્રનાથ ઠાકુર કે પછી સચિન તેડુંલકર. આ દરેક પુરુષો પોતાના સમયમાં એક આગવી છાપ મૂકી ગયા ઇતિહાસના પાના પર. તેમના સમયકાળમાં તેમનો ઉલ્લેખ કર્યા વિના છૂટકો નથી હોતો.

ફિલ્મોના હીરો કરતાં વાસ્તવિક જીવનમાં જે પોતાના વ્યક્તિત્વથી સમાજની સીમાઓ તોડીને પોતાનાપણું જાળવે છે તેઓ રિઅલ હીરો બની રહે છે. આ બધા સામાન્ય વ્યક્તિત્વો જ હોય છે આમ તો, પણ પોતાની ક્ષમતાનો તેઓ નિર્ભયતાથી ઉપયોગ કરે છે જીવવા માટે. ગીતા આપણે દરેકે વાંચી છે. સદીઓથી વંચાતી આવી છે. તેના પર અનેક ભાષ્યો લખાયા પણ સ્વામી વિવેકાનંદે અમેરિકામાં જઈ આપેલું વક્તવ્ય ઇતિહાસમાં અંકિત થઈ ગયું. પોતાના પરનો આત્મવિશ્ર્વાસ અને પોતે જે કામ કરે છે તેમાં શ્રદ્ધા જ કદાચ વ્યક્તિને સમયના વહેણમાં ઊફરાં તરવાની શક્તિ આપતી હશે. નહીં તો કોઇ એકાદી વ્યક્તિ માટે ઇતિહાસ રચવો સહેલો નથી હોતો.

ઓબામાએ અમેરિકાના પ્રથમ બ્લેક પ્રેસિડન્ટ બનીને ઇતિહાસ રચ્યો પણ ૧૮૩૯થી લઈને ૧૮૯૫ સુધી ફ્રેડરિક ડગ્લાસે ગુલામીમાંથી જાતે મુક્ત થઈ પોતાના માલિક સામે બળવો કર્યો, એટલું જ નહીં તે એ જમાનામાં ચાલતી રંગભેદની નીતિની સામે ઝઝુમ્યો અને સફળ રહ્યો. તે સારો વક્તા, બેસ્ટ સેલર લેખક અને ન્યૂઝપેપર પબ્લિશર પણ બન્યો. અમેરિકામાં તેણે માનનીય પદ પ્રાપ્ત કર્યું. તેણે લખ્યું છે કે મહાન વ્યક્તિત્વો કંઇ પોતે પૂજાય કે હીરો બને એવું ઇચ્છતા નથી હોતા પણ તેમના વ્યક્તિત્વમાં, તેમના કામમાં એક રણશિંગુ સતત ફુંકાતું હોય છે વિજયનું. તેઓ ચીલાચાલુ વિચારોને અનુસરતા નથી પણ આઉટ ઓફ બોક્સ વિચારતાં હોય છે. હકીકતમાં તેમનું જીવન, વિચારો અને વર્તન બીજાને જીવનમાં શ્રદ્ધાનો સંચાર કરતા હોય છે. માનવીયતા અને મૂલ્યોને આ લોકો જ જીવંત રાખે છે. તેઓ યાતના, પીડા, મજૂરી, હતાશાની સામે ઊભા રહી શકાય છે તેવી પ્રેરણા આપે છે. સાદાઈથી જીવનને ઊંચાઈ પર લઈ જઈ શકાય છે ગમે તેટલા અવરોધો વચ્ચે ય તેનું ઉત્તમ ઉદાહરણ આવી વ્યક્તિઓ પૂરું પાડે છે. સામાન્ય માણસોને પોતાની નાની સમસ્યાઓની સામે લડવાની, ન હારવાની હિંમત આ મહાન વ્યક્તિત્વોના જીવનચરિત્રો પૂરા પાડે છે. આઇપેડ અને એપલના ટેકનોલોજી દ્વારા ક્રાંતિ રચનાર સ્ટીવ જોબ્સ અને બલ્બની શોધ કરનાર થોમસ એડિસન પણ ઇતિહાસ રચી ગયા.

ફ્રેડરિકની વાત સાચી જ છે. આપણે ત્યાં પણ દોરી લોટો લઈને શહેરમાં આવીને સફળ થતી વ્યક્તિઓના ચરિત્રો લખાય છે અને વંચાય છે. અત્યારે લગ્નમાં અઢળક શ્રીમંતાઈના પ્રદર્શન માટે ચર્ચામાં છે અંબાણી પરિવારના મોભી ધીરુભાઈ અંબાણી પણ પોતાની આવડતથી યાર્ન મારકેટ તથા કપડાંના ક્ષેત્રે નવો ઇતિહાસ રચી શક્યા. ચાવાળાથી વડા પ્રધાનપદ સુધીની મોદીની જીવનકથની શરૂ થઈ ગઈ છે. જો મોદી વડા પ્રધાન તરીકે લોકોની અપેક્ષાએ ખરા ઊતરશે તો ઇતિહાસ બદલાશે. અને જો નહીં બદલાય તો વળી કદપ્રમાણે વેતરી નાખતા સમાજને ય આવડતું હોય છે તે આપણે હમણાં જ ત્રણ રાજ્યોની ચૂંટણીમાં જોયું. અરવિંદ કેજરીવાલ જ્યારે દિલ્હીની વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમવારમાં જ જીત મેળવી મુખ્ય પ્રધાન બન્યા ત્યારે પણ રાજકીય ઇતિહાસમાં એક પાનું ઉમેરાયું હતું. તે નિષ્ફળ રહ્યા કે સફળ તે મહત્ત્વનું નથી પણ આમ આદમી પાર્ટી દ્વારા લોકો વડે ચાલતી, લોકો વડે ચૂંટાયેલી સરકાર આમ આદમીની જેમ હજી નોંધનીય કામ નોંધાવીને મોટી પાર્ટી બની શકી નથી. આમ આદમી પાર્ટી મુત્સદ્દીગીરીના અભાવે જુદો ઇતિહાસ રચી શકી નહીં એવું કહી શકાય. એનું ફ્રસ્ટ્રેશન પણ લોકોને આવી રહ્યું છે. સમાજ પોતે ઇતિહાસ નથી રચતો પણ કોઇ ઇતિહાસ રચતું હોય તો તેની પાસેથી અપેક્ષા રાખે છે. સાથ આપે છે, પરંતુ સમાજની મર્યાદા હોય છે. બધો ભાર હીરોએ જાતે જ વહન કરવાનો હોય છે. 

જો નેતૃત્વ અને નેતા નબળા પડ્યા તો સમાજ સ્વીકારી નથી શકતો. ઇતિહાસ રચતા નાયકોની થિયરીનો વિરોધ પણ થયો છે. ટોલ્સટોયે વોર એન્ડ પીસ પુસ્તકમાં આવા ઇતિહાસ અને તેમાં સ્થાન પામનાર નાયકોને વખોડી કાઢ્યા છે. ટોલ્સટોયના મતે ઇતિહાસના આ નાયકોને જે અર્થપૂર્ણતા કે મહત્ત્વ આપવામાં આવે છે તે વાસ્તવિક નહીં પણ કાલ્પનિક જ હોય છે . તેઓ ઇશ્ર્વરી કૃપાને કારણે ઇતિહાસના ગુલામ બનીને આવતા હોય છે. હર્બટ સ્પેન્સર અને વિલિયમ જેમ્સ જેવા સોશિયોલોજિસ્ટો પણ મહાન નેતૃત્વોની થિયરીમાં માનતા નથી. તેમના મતે સમાજની તે સમયની માગ અને રચના પર આધારિત હોય છે નેતૃત્વ. નકારાત્મક નેતૃત્વોએ પણ ઇતિહાસની રચના કરી છે. જેમકે હિટલર, ઓસામ બિન લાદેન અને હા, દાઉદ પણ ખરો. તેમની સાથે સમાજને ક્યારેય સહાનુભૂતિ નથી થતી. ગાંધીજીથી પ્રેરણા લેનારા હશે. ગાંધીને અનુસરનારા છે તો હિટલરને અનુસરનારા પણ હતા. વ્યક્તિત્વનો કરિશ્મા, વ્યક્તિત્વની ખાસ આભા હોય છે. જે હિટલરમાં ય હતી તે ખૂબ સારો વકતા હતો. અને ત્યારે જર્મનીનો સમાજ આધુનિક સમાજ રચનાને અપનાવવા તૈયાર ન હતી તો કેટલાક એમ પણ માને છે કે મલ્ટિ નેશનલ કંપનીઓએ જર્મનીને નબળું પાડવા માટેનો કારસો રચ્યો હતો.

ઇતિહાસના દરેક હીરો કે નેતા આ લેખમાં સમાઈ શકે એમ નથી. પણ ટૂંકમાં નેતા બનવા માટે કેટલાક મૂલ્યો જરૂરી છે. મૂલ્યોની આંગળી પકડીને આજે ય કોઇપણ વ્યક્તિ ઇતિહાસ રચી શકવા સમર્થ છે. ફક્ત જરૂર છે આઉટ ઓફ બોક્સ વિચારધારા અને આત્મવિશ્ર્વાસની. સમાજ હંમેશાં આઉટ ઓફ બોક્સ વિચારનારની પરીક્ષા કરતો હોય છે. તેને હીરો પણ બનાવે ને ઝીરો પણ બનાવી શકે પણ ઇતિહાસ રચનારા દરેક સંજોગોને અતિક્રમીને સમયની પાર ચાલ્યા જતા હોય છે.

You Might Also Like

0 comments