સુંદરતાની વ્યાખ્યા બદલવી જોઈએ?!

08:07


પાતળી, લાંબી, ગોરી છોકરીઓ સુંદર હોય એવી માન્યતા સમાજમાં ઘડવામાં આવી છે


રસ્તા પરથી પસાર થતાં એક મોટું બિલબોર્ડ નજર સામે આવ્યું. તેમાં લો વેઈસ્ટ જીન્સ પહેરેલી અને તેના ઉપર બ્રેસિયર પહેરેલી પાતળી, ગોરી મોડલનો મોટો ફોટો અને તેના ઉપર લખેલું હતું યુ આર બ્યુટિફુલ- તું સુંદર છે આ વાક્ય મોટા અક્ષરે લખેલું હતું. એક જ ક્ષણમાં તમને સંદેશ પહોંચી જાય કે પાતળી, યુવાન અને ગોરી છોકરી જ સુંદર કહેવાય. 

તરત જ વિચાર આવ્યો કે જો કોઈ શ્યામ અને શરીરે ભરાવદાર, ઊંચાઈ ઓછી હોય અને શરીર ન દેખાડતી હોય તે છોકરી તરત જ વિચારે કે હું સુંદર નથી. ક્યારેય કોઈ આવી છોકરીઓના ફોટા જાહેરાતમાં નથી દેખાતા જે સામાન્ય દેખાતી હોય અને ફોટોજનિક ન હોય. તે સુંદર છે કે નહીં તેની વ્યાખ્યાઓ સમાજે ઘડી કાઢી છે. બીજો શબ્દ છે જે આજકાલ ખૂબ ચલણમાં છે તે સેક્સી. પુરુષને આકર્ષક લાગે તે સેક્સી અને સુંદર. 

સેક્સી શબ્દ જાતીય ભેદભાવ દર્શાવે છે. નારીવાદીઓ તેનો વિરોધ કરે છે, પણ મોટા ભાગની આજની નારીને સેક્સી દેખાવાનો ક્રેઝ છે. વોટ્સઅપ અને ફેસબુક પર નવા વરસનું રિઝોલ્યુશન દેખીતી રીતે ગમે તે હોય પણ અંતરમનમાં દરેક માનુનીને ગયા વરસ કરતાં વધુ સુંદર દેખાવું છે. કેટલાકને પાતળા થવું છે તો કેટલાકને વજન વધારવું છે. કોઇને ગોરા થવું છે તો કોઇને કેટરિના કૈફ જેવું વળાંકોવાળું શરીરસૌષ્ઠવ જોઇએ છે. પોતાના દેખાવ માટે આટલો ક્રેઝ કેમ હોય છે સ્ત્રીઓને?

આજે વિશ્ર્વભરમાં દરેક ક્ષેત્રે સ્ત્રીઓ આત્મવિશ્ર્વાસથી આગળ વધી રહી હોવા છતાં દેખાવ અંગે તેમને સતત ઓછપ અનુભવાય છે. દરેક સ્ત્રી મેગેઝિનમાં છપાતાં ફોટામાં દેખાતી ગ્લેમરસ મોડેલ જેવો દેખાવ ધરાવવાની ઇચ્છા ધરાવતી હોય છે. મોટેભાગે સેક્સી દેખાવું કે સારા દેખાવાની વ્યાખ્યામાં વજન ઉતારવાની વાત જ હોય છે. 

દરેક સ્ત્રીને પોતાનું વજન વધારે હોવા સામે વાંધો હોય છે. ખરીદી કરતી સમયે પણ સ્ત્રીઓ સૌથી પહેલાં વિચારે છે કે આ ડ્રેસમાં હું વધારે જાડી તો નહીં દેખાઉંને? ચપ્પલની ખરીદી કરતી સમયે અરીસામાં પગને જોતાં પહેલાં વાળની લટ બરાબર કર્યા બાદ આગળ પાછળથી પહેલાં પોતાના આખ્ખા શરીરને જોશે. શોપિંગ મોલના ચારે તરફ લગાવેલા આયનામાં પોતાને જોઇને પહેલાં જીવ બાળશે. ગમે તેટલા ઊંચા પદ - પોઝિશન પર તે સ્ત્રી કામ કરતી હશે પણ તેને પોતાના દેખાવ અંગે કશોક વસવસો હશે જ. એટલે જ તો આટલા બધા કોસ્મેટિક્સ અને કરચલીઓ દૂર કરવાના ક્રીમ વેચાય છે. 

નવાઈની વાત એ છે કે આ બધામાં બોલીવૂડમાં રેખા, હેમા માલિની, નીતુ સિંહ, રાખી જેવી અનેક અભિનેત્રીઓના કપડાં તૈયાર કરનાર ગુજરાતી ફેશન ડિઝાઈનર લીના દરૂએ ક્યારેય કોઈ મેકઅપ કર્યો નથી. તેમને ક્યારેય હીરોઈનોની સાથે કામ કરવા છતાં પોતાના દેખાવ માટે અસલામતી લાગી નથી. 

સ્ત્રીઓને પોતાના દેખાવ માટે જેટલી સભાનતા હોય છે તેટલી જ તે સ્ત્રી ક્યાંક અસલામતી અનુભવતી હોય છે. ૧૬ વરસથી લઈને ૬૦ વરસની દરેક સ્ત્રીને પોતાના દેખાવ અંગે અસંતોષ હોય જ છે એવું સાબિત થયું છે. ગમે તેટલી બુદ્ધિશાળી કે હોશિયાર સ્ત્રી હશે તેનેય ડિઝાયનર ડ્રેસમાં પોતે સારી દેખાશે કે કેમ તે પ્રશ્ર્ન સતાવતો જ હોય છે. 
પોતાના દેખાવ માટે સતત શંકાશીલ અને અસલામતી અનુભવતી હોવાને કારણે જ સ્ત્રી જોઇએ તેટલી પ્રગતિ કરી નથી શકતી એવું સંશોધનકારોનું માનવું છે.

જાહેરાતોમાં અને ફિલ્મોમાં દેખાતી આપણી હીરોઇનો (વિદ્યા બાલનને બાદ કરતાં) પણ પોતાના દેખાવને સતત બદલવાનો પ્રયત્ન કરતી હોય છે. હાલમાં જ અનુષ્કા શર્માએ હોઠ અને નાકની સર્જરી કરાવી તો માધુરીથી લઈને સોનમ કપૂર સુધીની દરેક હીરોઇનો પોતાના દેખાવ માટે નાની મોટી સર્જરી કરાવે છે અથવા સતત પરિશ્રમ કરી વજન ઊતારે છે. 

કેટરિના કૈફ પણ શરૂઆતમાં ભરાવદાર હતી. અને તેના હોઠ પાતળા હતા. જાડી સોનાક્ષી સિંહા સુંદર કે ટેલેન્ટેડ ન હોઇ શકે તેવી માન્યતા આપણા દરેકના મનમાં છે. સુંદર હોવું એટલે ગોરાપણું, પાતળું વળાંક ધરાવતું શરીર. અબજો રૂપિયાની કોસ્મેટિક્સ ઇન્ડસ્ટ્રી સ્ત્રીઓને કારણે ચાલે છે. અને આપણી વિચારધારા ઉપર પણ તેમનું આક્રમણ હોય છે. બીજાના અભિપ્રાય પર જીવવા ટેવાયેલા આપણે આપણા દેખાવને બીજાઓ શું વિચારશે કે હું બીજા સામે કેવી દેખાઇશ તેને માટે ચિંતા કરતાં વરસો વિતાવી દેતાં હોઇએ છીએ. 

આપણે બજારમાં મળતા દરેક પ્રોડકટસમાં ફિટ થવાનો પ્રયત્ન કરીએ છીએ. કારણ કે એ પ્રોડકટને કારણે જ આપણે આકર્ષક દેખાઈશું એવી માન્યતા હોય છે. દિવસે દિવસે આ ક્રેઝ- ગાંડપણ વધી રહ્યું હોય તેવું જાહેરાતો જોતાં લાગે. આપણી વિચારશક્તિ બીજાના અભિપ્રાય પર નિર્ભર કેમ હોઇ શકે?

આપણે દુનિયાના બીબાંમાં આપણી જાતને ઢાળવાનું બંધ કરી આપણા બીબાંમાં દુનિયાને ઢાળવાનો પ્રયત્ન કરવાની જરૂર છે. જરા વિચારો તમે દરેક વરસની શરૂઆતમાં (વિક્રમ સંવતનું નવું વરસ અને હવે આવશે તે અંગ્રેજી નવું વરસ) વજન ઉતારવાનું નક્કી કરતી અનેક નારીને સાંભળી છેને?!.

અખબારોમાં જાહેરાત પણ એવી જ આવશે કે નવા વરસને વધાવવા સુંદર અને સેક્સી બોડી બનાવો, વજન ઉતારો, પૈસા હોય તો કેટલી સ્ત્રીઓ કોસ્મેટિક્સ સર્જરી કરાવશે તેની કલ્પના કરવી સહેલી છે. સામે આપણે કેટલા પુરુષોને સાંભળીએ છીએ કે તેઓ કમરનો ઘેરાવો આ વરસે ઘટાડવા માગે છે. નવા વરસના રિઝોલ્યુશન દિવાળી બાદ હોય કે જાન્યુઆરીમાં હોય પણ સ્ત્રીઓનું પ્રથમ ધ્યાન તેનો દેખાવ સુધારવાનો જ હોય છે. 

કપડાંની ખરીદી પણ તે એટલે જ વધારે કરે છે. ગયા લગ્નમાં કે કિટી પાર્ટીમાં પહેરેલો ડ્રેસ રિપીટ ન થવો જોઇએ. લેટેસ્ટ કટ અને લેટેસ્ટ ઘડામણના દાગીના, બીજા શું પહેરે છે અને આપણી પાસે શું નથી તે વિચારીને ચિંતિત થતી, તાણ અનુભવતી સ્ત્રીઓ આપણામાં અને આસપાસ આસાનીથી મળી જશે.

કેટલા લેખકોએ નવા પુસ્તક લખ્યા અને કેટલા આપણે વાંચ્યાં. બીજા કરતાં પુસ્તકોની ખરીદી વધારે કરી કે નહીં તે બાબતે આપણે ક્યારેય કેમ ચર્ચા નથી કરતાં કે ચિંતા નથી કરતા? બાહ્ય સૌંદર્યની ચડસાચડસી કરતાં આંતરિક સમૃદ્ધિ માટે પ્રયત્નશીલ રહેવાનો પ્રયત્ન કરવાનો વિચાર આ વરસે અમલમાં મૂકવાનું પણ લઈ શકાય તો .આપણી ફિલ્મોમાં દર્શાવાતી હિરોઈનો પણ સેક્સી નહીં પણ સાયન્ટિસ્ટ હોય કે વધુ બુદ્ધિશાળી હોય તેવું દેખાડાતું નથી. બાળપણથી છોકરીઓને પણ આપણે કેવા કપડાં પહેરાવીએ છીએ તે વિચારવાની જરૂર છે. કપડાં અને જેન્ડર એ વિશે પણ મોટો લેખ થઈ શકે. 

જો આધુનિક નારી સૌંદર્ય પ્રસાધનો, ઘરેણા કે કપડાં પાછળ વપરાતા કરોડો રૂપિયાનું રોકાણ શિક્ષણ પાછળ કરે તો આત્મવિશ્ર્વાસ વધારવા બાહ્ય દેખાવ પર કે અન્યના ગમાઅણગમા પર નિર્ભર જીવન નહીં રહે. પોતાનું વિશ્ર્વ પોતાની શરતો પર રચવાનું દરેક સ્ત્રી માટે શક્ય છે. સેક્સીપણાની વ્યાખ્યા બદલાઈ શકે છે. સોચ બદલો દુનિયા બદલો એ વાક્ય ફરી ફરી રીપિટ કરવાની લાલચ રોકી શકતી નથી. 


You Might Also Like

0 comments