તુમ બિલકુલ હમ જૈસે નિકલે

06:10





તુમ બિલકુલ હમ જૈસે નિકલે
અબ તક કહાં છુપે થે ભાઈ

વોહ મૂરખતા, વોહ ગમારપન

જીસમેં હમને સદી ગઁવાઈ

આખિર પહુંચી દ્વાર તુમ્હારે

અરે ભાઈ બહોત બધાઈ

પ્રેત ધરમ કા નાચ રહા હૈ

કાયમ હિંદુ રાજ કરોગેં?

સારે ઉલ્ટે કાજ કરોગેં

તુમ ભી બૈઠે કરોગે સોચા

પુરી હૈ વૈસી તૈયારી

કૌન હૈ હિંદુ, કૌન નહીં હૈ

તુમ ભી કરોગે ફતવે જારી

હોગા કઠીન યહાઁ ભી જીના

રાતો આ જાયેગા પસીના

જૈસી તૈસી કટા કરેગી

યહાઁ ભી સબકી સાઁસ ઘૂટેગી

કલ દુખસે સોચા કરતી થી

સોચ કે બહુત હઁસી આજ આયી

તુમ બિલકુલ હમ જૈસે નિકલે

હમ દો કમ નહીં થે ભાઈ!

૧૯૪૬માં બ્રિટિશ ભારતમાં જન્મેલી ફહમિદા રિયાઝ પછી પાકિસ્તાનની નાગરિક હતી. ૨૨ નવેમ્બર ૨૦૧૮ના દિવસે તેનું અવસાન થયું. ફહમિદા નારીવાદી હતી એવું પણ કહી શકાય કારણ કે તે માનવીય અધિકારમાં માનતી હતી એટલું જ નહીં તેણે કટ્ટર સત્તાધીશો સામે બોલવાની હિંમત પણ દાખવી છે. પાકિસ્તાનમાં જનરલ ઝિયા ઉલ હકના શાસનકાળ દરમિયાન ફહમિદા અને તેના પતિએ ઘણું સહેવું પડ્યું હતું. તેમના પર દસેક કેસ થયા હતા. તેમનું પબ્લિશિંગ પ્રેસ બંધ કરી દેવું પડ્યું. તેને પણ જેલમાં પૂરી દેવાના હતા પણ તે સમયે તેની ભારતીય મૈત્રીણી અમૃતા પ્રિતમે વડાં પ્રધાન ઇંદિરા ગાંધીને કહીને ભારતમાં આશરો આપ્યો હતો. બે નાનાં બાળકો સાથે તે સાત વરસ ભારતમાં રહી હતી. તેણે ભારતમાં રહીને હિન્દી શીખી લીધું હતું. જનરલ ઝિયા ઉલ હકનું અવસાન થયા બાદ તે વળી પાછી પતિ અને બાળકો સાથે પોતાના વતન પાકિસ્તાન પરત ગઈ હતી. આપણે ત્યાં અત્યારે ચૂંટણીના ગરમાયેલા માહોલમાં હિન્દુત્વની દલીલો બે પક્ષોના નેતાઓ કરી રહ્યા છે ત્યારે ૨૦૧૪માં ફહમિદાએ લખેલી ઉપરોક્ત કવિતા યાદ આવી રહી હતી તેવામાં જ એનું અવસાન થયાના સમાચાર આવ્યા.

તેણે ૧૫ વરસની ઉંમરે પહેલી કવિતા લખી હતી અને તે છપાઈ પણ હતી. ફહમિદાના પિતા શિક્ષણશાસ્ત્રી હતા. તેમણે સિંધ પ્રાંતમાં આધુનિક શિક્ષણ પદ્ધતિના પાયા નાખ્યા હતા. જોકે ફહમિદા ચાર જ વરસની હતી ને તેના પિતાનું મૃત્યુ થયું હતું. તેણે ઉર્દૂ તેમ જ સિંધી સાહિત્યનો અભ્યાસ કર્યો અને પછી પર્શિયન પણ શીખી હતી. તે લગ્ન કરીને ઈંગ્લેંડ ગઈ હતી અને ત્યાં બીબીસી ઉર્દૂ રેડિયો માટે કામ કરતી હતી. તેણે ફિલ્મ મેકિંગમાં ડિગ્રી પણ મેળવી. લગ્નથી તેને એક દીકરીનો જન્મ થયો પણ તેના લગ્ન લાંબું ટક્યા નહીં, છૂટાછેડા લઈને તે પાકિસ્તાન પરત ફરી હતી. પાકિસ્તાનમાં તેણે ડાબેરી વિચારધારા ધરાવતા મિત્ર ઝફર ઉજાન સાથે લગ્ન કર્યા હતા. બિન્દાસ અને બળવાખોર ગણાતી કવયિત્રી ભારત અને પાકિસ્તાનમાં ખૂબ પ્રસિદ્ધ થઈ હતી. તેનું પહેલું પુસ્તક પથ્થર કી જુબાન નારીવાદી કહી શકાય. તેના પર પોર્નોગ્રાફી લખાણો લખવાનો આરોપ કટ્ટર વિવેચકોએ લગાવ્યો હતો. ફહમિદા કહેતી કે તે એ જ લખે છે જે સ્ત્રી તરીકે તે અનુભવે છે. જ્યારે પુરુષો પોતાની ઈચ્છાઓ અને અનુભૂતિને આલેખે છે ત્યારે તો વિરોધ નથી થતો હોતો.

તેને ખબર હતી કે કટ્ટર માનસિકતા તેની વિરોધી છે પણ તેનો વિરોધ પાકિસ્તાની કટ્ટરતા પ્રત્યે પણ હતો. તેની કવિતા પહેલા પ્યારની કેટલીક પંક્તિઓ જોઈએ

‘પહેલીવાર પ્રેમ કર્યા બાદ, એકબીજાના બાહુપાશમાં, એકબીજાના નગ્ન દેહ અને મનને દર્પણની માફક જોઈ શકીએ છીએ, કેટલી નાજુક અને સુકુમાર પળ, એ તૂટી ન જાય એટલે શ્ર્વાસ લેતાં ય ડર લાગતો, આપણે કાચનાએ પડળોને તોડી શક્યા હતા ’

તેનો વિરોધ હતો કટ્ટરતાવાદ માટે અને તે અવારનવાર પોતાની કવિતામાં તે વિશે લખતી એના પરિણામો પણ તેને ભોગવવા પડ્યા હતાં. ફહમિદા પહેલાં પાકિસ્તાનમાં કોઈ સ્ત્રીએ સ્ત્રીની સેક્સુઆલિટીને કવિતામાં આલેખવાની હિંમત નહોતી કરી. ફહમિદાએ ઝિયા ઉલ હકના મૃત્યુ બાદ લેખિકાઓની રચનાઓને પ્રગટ કરવાનું કામ શરૂ કર્યું હતું. સ્ત્રીઓના અવાજને જીવંત રાખવા માટે તેણે કામ કર્યું એવું કહી શકાય. પાકિસ્તાન જેવા કટ્ટર મુસ્લિમ દેશમાં ફહમિદાએ રાજકીય વિરોધ કરવામાં પણ પાછીપાની નહોતી કરી. તેણે પતિ સાથે મળીને પોલિટિકલ મેગેઝિન આવાઝ શરૂ કર્યું હતું જે જનરલ ઝિયા ઉલ હકે બંધ કરાવ્યું તેમ જ ઉકસાવનારા લેખો લખવા માટે તેમના પર કેસ ચલાવ્યા એટલું જ નહીં જેલમાં પણ પૂર્યા હતા. તે જ સમયે ભારતમાં આશરો લીધા બાદ પાકિસ્તાનમાં લોકશાહીમાં માનતી સરકાર આવતા પરત ફર્યા હતા. જોકે તેના પતિ ખાસ કમાઈ શક્યા નહીં એટલે ઘરનો બધો આર્થિક બોજો ફહમિદા રિયાઝ પર આવ્યો. તેણે અનેક સરકારી સાહિત્ય સંસ્થાઓમાં કામ કર્યું પણ બળવાખોર સ્વભાવને કારણે અનેકવાર નોકરી બદલવી પડી. ફહમિદાનું જીવન સતત સંઘર્ષમય રહ્યું એવું કહી શકાય. ૨૦૦૭ની સાલમાં તેનો ૨૬ વરસનો દીકરો જે અમેરિકામાં ભણતો હતો તેનું ડૂબી જવાથી મૃત્યુ થયું. તેના પતિ પેરેલિસિસમાં પટકાયા બાદ પથારીવશ જ રહ્યા. આ બધી તકલીફો વચ્ચે પણ તેણે ફેસબુક દ્વારા સાહિત્ય, રાજકારણ અને ઈતિહાસ વિશે પોતાના વિચારો લખીને પોતાના વાચકો સુધી પહોંચતી રહી. છેલ્લે તેને પોતાને ૨૦૧૭માં ઓટો ઈમ્યુન સિન્ડ્રોમ થતાં લખવાનું બંધ કર્યું. લેખિકા તો તે જ સમયે મૃત્યુ પામી હતી, ૨૨ નવેમ્બરે તો તેનું શરીર શાંત થઈ ગયું હતું.

શરીરની તકલીફો વિશે તેણે છેલ્લે લખ્યું હતું તેનો એમ ઈલિયાસ ખાને અંગ્રેજીમાં અનુવાદ કર્યો છે તેનો ગુજરાતી ભાવાનુવાદ કરી રહી છું, તમારું અડધું શરીર, બીજા અડધા શરીર પર હુમલો કરે છે. અડધું શરીર તે હુમલાને પહોંચી વળે છે. આમ કેટલીકવાર અડધું શરીર જીતે છે અને અડધું શરીર હારે છે. મને કોઈ ફરિયાદ નથી કે પહેલાં કેમ મને રોગ વિશે જાણ ન થઈ. આવું વિચારતી સમયે કેટલીકવાર મને હસવું આવે છે. ખરેખર તો આ શાલીનતાપૂર્વક માનસિક રીતે આત્મહત્યા કરવાનો માર્ગ છે.

એક મુલાકાતમાં ફહમિદાએ નારીવાદ વિશે સ્પષ્ટ કરતા કહ્યું હતું કે નારીવાદના ઘણા અર્થો કાઢવામાં આવે છે. મારા મતે સ્ત્રી પણ પુરુષ જેવી જ માનવ છે જેનામાં દરેક શક્યતાઓ રહેલી છે. તેમને દલિત અને બ્લેક અમેરિકનની જેમ સમાનતા મળવી જોઈએ. સ્ત્રી માટે એટલી મુશ્કેલીઓ છે કે તેના વિશે વિચારાતું જ નથી. હું માનું છું કે કોઈપણ સ્ત્રી રસ્તા પર જાતીય સતામણી વિના ચાલી શકે, સ્વિમિંગ પૂલમાં તરવા જઈ શકે કે પછી પ્રેમની કવિતાઓ લખી શકે કોઈ પણ ડર વિના. પુરુષોની જેમ જ તે જીવી શકે કોઈપણ જાતના મૂલ્યોનું લેબલ તેના પર ન લાગે. સ્ત્રી પ્રત્યેનો ભેદભાવ ન દેખાય એવો છતાં જોવા માગો તો સ્પષ્ટ જણાય. આ ભેદભાવ ખૂબ ક્રૂર તેમ જ અમાનવીય હોય છે.

અલવિદા કવયિત્રી ફહમિદા રિયાઝ.

You Might Also Like

0 comments