એકલતા, હતાશા અને આત્મહત્યા 2-9-14

22:35

33 વર્ષિય ચિંતને ગાડીમાં કાંદિવલીથી બાન્દરા વરલી સી લિન્ક સુધી જતાં પોતાની જાત સાથે કેટલી મથામણ કરી હશે અને છતાંય ખુદને ખતમ કરી નાખવા સિવાય કોઇ જ રસ્તો નહીં સુઝતાં દરિયામાં છલાંગ લગાવી દેવાનો વિચાર મોળો ન પડ્યો ને તે આજે આપઘાત કરનાર યુવકના સમાચાર રૂપે જ તેનું અસ્તિત્વ રહી ગયું. આપઘાત કરનાર વ્યક્તિના સમાચાર વાંચતી વખતે ભલે તે આપણો ઓળખીતી કે જાણીતી વ્યક્તિ ન હોય છતાં હ્રદયમાં ચચરે તો ખરું જ.
તેમાંય જો આપઘાત કરનાર વ્યક્તિ યુવાન હોય તો સમાચાર અંગે મિત્રો કે સ્વજન સાથે ચર્ચા પણ માંડીએ. અરે શું કામ આત્મહત્યા....હજી તો આખી જીંદગી તેની સામે પડી હતી. શું કોઇ તેની સાથે વાત કરનાર, તેની પડખે ઊભું રહેનાર નહીં હોય ? બે ઘડી અવસાદમાં ય વીતે. આપઘાતના વિષયે પુરુષો સ્ત્રીઓ કરતાં આગળ છે તે હકિકત છે. અહીં પુરુષોની સંખ્યા વધુ છે. બાન્દરા વરલી સી લિન્ક હવે જાણે સ્યુ સાઈડ પોઈન્ટ તરીકે પ્રખ્યાત થઈ રહ્યો છે. ત્યારે દુનિયાના અન્ય સ્યુસાઈડ બ્રીજ પર નજર નાખીએ. ચીનમાં નાનજીન યાંગત્જે નદી પર આવેલ બ્રીજ સ્યુસાઈડલ બ્રિજની યાદીમાં નંબર વન પર છે. બીજા નંબરે અમેરિકાના સાનફ્રાન્સિસકોમાં આવેલ  ગોલ્ડન ગેટ બ્રીજ આવે. ત્રીજા અને ચોથા ક્રમે પણ અમેરિકાનો સાનડિએગો-કોરોનાડો બ્રીજ અને સનશાઈન સ્કાયવે બ્રીજ, ફ્લોરિડા છે. ચીનના બ્રીજ પરથી બે હજારથી વધુ અને ગોલ્ડન ગેટ પરથી 1200થી વઘુ આપઘાત થયા છે. એ પ્રમાણમાં હજી આપણે ત્યાં એવો કોઇ સ્યુસાઈડ બ્રીજ નથી જ તેને માટે ભગવાનનો આભાર. પરંતુ  બાન્દરા વરલી સી લિન્ક પરથી  છેલ્લા છ મહિનામાં પાંચ આપઘાત થયા છે. વળી આ પાંચે પુરુષો જ હતા. એક યા બીજા કારણે તેઓ એટલા ડિપ્રેશ હતા કે તેમને કેબલ વાયર્ડ પુલનું આર્કિટેકચર આકર્ષી ન શક્યું કે પુલ પરથી દેખાતી મુંબઈની ભવ્ય સ્કાયલાઈને કે અરબી સમુદ્રનું સૌંદર્ય પણ રિઝવી ન શક્યું.
આજે તો માનસિક હતાશાને સ્વીકારવામાં કોઇ નાનપ નથી અનુભવાતી. તેનો ઇલાજ આસાનીથી થઈ શકે છે. તે છતાંય આપઘાતના કેસો વધી રહ્યા છે. તેમાંય પુરુષોની આત્મહત્યાનું પ્રમાણ ઘણું વધારે હોય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન સંસ્થાએ કાઢેલા તારણને આધારે દુનિયાભરમાં લગભગ દર વરસે દશ હજાર વ્યક્તિઓ આપઘાત કરે છે. આ આંકડામાં એ સંખ્યા નથી કે જે વ્યક્તિઓ આપઘાતનો પ્રયાસ કરીને બચી ગઈ હોય.  મહિલાઓમાં ડિપ્રેશન જેવી માનસિક સમસ્યાનું પ્રમાણ વધુ જોવા મળે છે તે છતાં દુનિયાભરમાં પુરુષો જ સૌથી વધારે આપઘાત કરે છે. ડિપ્રેશન અને એન્કજાયટી એ બે બાબતો આત્મહત્યા કરવા પ્રેરતી હોય છે એવું જાણવા મળે છે. હોલીવુડનો પ્રતિભાવાન એકટર અને કોમેડિયન રોબીન વિલિયમે પણ હતાશામાં સ્યુસાઈડ કર્યું હોવાનું કહેવાય છે.  આવી માનસિક અવસ્થા આવવાના પરિબળો જુદાં હોઇ શકે. ગયા લેખમાં જ મેં લખ્યું હતું કે સમાજમાં સ્ત્રીઓની ભૂમિકા બદલાઈ છે તે હદે પુરુષોની ભૂમિકા બદલાઈ નથી. પરિવારની આર્થિક જવાબદારી હજી પણ પુરુષોની જ માનવામાં આવે છે. એટલે જ્યારે આર્થિક સંકટ આવે કે વ્યાપારમાં ખોટ જાય તો પુરુષ સહન નથી કરી શકતો કે બદલાયેલી પરિસ્થિતિનો સહજતાથી સ્વીકાર નથી કરી શકતો. તેને એમાં ફેઇલ્યોરિટીનો અનુભવ થાય છે. અને પુરુષને કોઇ રસ્તો ન સૂઝતાં તે આપઘાતનો રસ્તો અપનાવે છે. આપઘાત કરવો સહેલો નથી હોતો. પરંતુ, તે સમયે માનવી એટલો હતાશ થઈ ગયો હોય છે કે તેને એ સિવાય બીજો કોઇ જ રસ્તો નથી દેખાતો. તેમાં ય પુરુષોનો અહમ જ્યાં ઘવાય ત્યાં એ માનસિક રીતે છિન્નભિન્ન થઈ જાય છે. મારું કે મરું તે પરિસ્થિતિ ઉત્પન્ન થયા બાદ કશું જ થઈ નથી શકતું. બીજું કે પુરુષોને સ્ત્રીઓની જેમ મિત્રો નથી હોતા. સ્ત્રીઓ  સહજતાથી પોતાના દુખની, નાલેશીની કે હાર કે ભૂલની વાત પોતાની  સ્ત્રી મિત્ર સાથે કરી શકે છે તેને કારણે ગમે તેવી દુખદ ઘટના પણ પચાવીને તેમાંથી બહાર આવી શકે છે. જ્યારે અંગત લાગણીઓ એકબીજા સાથે શેઅર કરવાની આદત પુરુષોને નથી હોતી. એટલે તેઓ દુખમાં ખૂબ એકલતા અનુભવતાં હોય છે. તમારી આસપાસની સ્ત્રીઓ જેમકે માતા, બહેન, પત્નિ વગેરેને જુઓ તેઓ દુખ કે પીડામાં હોય ત્યારે કેટલા લોકોની  સાથે પોતાની પીડાની વાત કરી શકે છે. જ્યારે તમે પોતે કેટલી વ્યક્તિને પીડાની વાત કરી શકો છો ? અંગત કનેકશનનો અભાવ સાથે જ્યારે આર્થિક ક્ષેત્રે માર પડે છે  ત્યારે કમાઈ શકવાની અને કુટુંબનું પાલન પોષણ કરી શકવાની તેમની અક્ષમતા તેમને માનસિક રીતે તોડી પાડે છે. અને અંતે તેઓ આત્મહત્યાનું પગલું ભરે છે.
તેમાંય પરણેલા પુરુષો કરતાં છૂટાછેડા લીધેલા કે વિધુર પુરુષોમાં છૂટાછેડાનું પ્રમાણ અઢીગણું વધારે હોવાનું નોંધાયું છે. જ્યારે એ પરિસ્થિતિમાં સ્ત્રીઓ આપઘાત નથી કરતી. પાર્ટીઓ કરનારા પુરુષો પણ અંગત લાગણીઓને બીજા સાથે શેઅર કરી શકતા હોય તે જરૂરી નથી.એવી માન્યતા છે કે  પૌરુષત્વનો પાયો જ એમાં હોય છે કે પોતાની લડાઈ પોતે જ લડે. પુરુષ પોતાની પીડા કોઇને કહે નહીં. છોકરામાંથી  પુરુષ થવું એટલે નબળાઈ ન દર્શાવવી. લાગણીઓ ન દર્શાવવી અને એટલે જ મિત્રતા પણ છૂટતી જાય છે. બીજા પુરુષ સાથે હરિફાઈનો ભાવ ઉમેરાય છે.  આ બાબત સંશોધન દરમિયાન સાબિત થયું છે કે   નવ વરસની ઉંમરે છોકરા – છોકરીઓના આપઘાત રેટ સરખા  હોય છે જ્યારે 10 અને 14 વરસની ઉંમરે છોકરીઓ કરતાં બમણી સંખ્યામાં છોકરાઓ આપઘાત કરે છે. વીસ અને તેનાથી વધુ ઉંમરે સ્ત્રીઓ કરતાં  પાંચગણા પુરુષો આપઘાત  કરે છે.  
જો કે આમાં આપણી સામાજીક રચના અને તેના ધોરણો પણ જવાબદાર છે. પરંતુ, સમાજ આપણે બધા મળીને જ બનાવીએ છીએ. એ બદલી શકાય છે જો વિચારધારામાં બદલાવ આવે તો. પુરુષોએ પણ પોતાની અંગત વાત કરવામાં નાનપ ન અનુભવવી જોઇએ. ખરું પૌરુષત્વ વિષમ સંજોગોમાં સમતાથી વર્તી તેનો સ્વીકાર કરવામાં હોય છે. મૃત્યુ પામવાથી તેનો ઉકેલ આવે છે કે નહીં તે સમજવું જોઇએ. હા આત્મહત્યા કરનાર પુરતો તત્ક્ષણ જરૂર ઉકેલ આવતો હશે. પણ આપઘાત કરનાર પુરુષો સાથે જોડાયેલી વ્યક્તિઓ તેની સજા ભોગવે જ છે.

હમણાં જ બે કિસ્સા સાંભળવા મળ્યા જેમાં આપઘાત કરનાર પુરુષની પચ્ચીસ વરસની પત્નિ અને વરસ બે વરસનું બાળક પણ છે. બન્ને કિસ્સામાં આર્થિક સંકડામણની બાબત હતી. મૃત્યુ પામીને એ પુરુષો પત્નિ માટે વારસામાં ધન નથી મૂકી ગયા. પરંતુ, પત્નિ અને બાળકને સંસારના દુખો સામે લડવા માટે એકલા મૂકી ગયા. તો વળી કેટલાક કિસ્સાઓમાં પુરુષ પહેલાં પોતાની પત્નિ અને બાળકોને મારી નાખી પોતે આપઘાત કરે છે. વિષમ પરિસ્થિતિઓ મૂકીને જે પુરુષે આપઘાત કર્યો હોય છે. તે પરિસ્થિતિમાં તેનું કુટુંબ આપઘાત નથી કરતું પણ પરિસ્થિતિઓ સામે તે પુરુષની માતા અને પત્નિ જઝુમે છે. એક તો વિષમ પરિસ્થિતિ અને વળી તેમાં ઘરના પુરુષને ખોવાનું દુખ એમ બેવડી પીડાઓ સાથે જો સ્ત્રી જીવી જઈ શકે છે. તો પુરુષ હાર શું કામ માને છે ? એ જો જરાક પોતાના દિલની વાત, ભૂલની વાત બીજા પાસે કબૂલે અને પરિસ્થિતિને સ્વીકારવાની હિંમત રાખે તો સમય બદલાય છે. સાથે પરિસ્થિતિ પણ બદલાતી હોય છે. પુરુષત્વની ખોટી માન્યતાઓને છોડીને બદલાવાનો સમય આવી ગયો છે. પુરુષ એટલે ફક્ત કમાણી કરી શકે. લાગણીઓ વ્યક્ત ન કરે. રડે નહી. ભૂલ ન કરે એવું નથી. પુરુષ પણ કાળા માથાનો માનવી છે. તે જો પોતાની લાગણીઓ વ્યક્ત કરે છે, બીજા સાથે શેઅર કરે છે તેનાથી તે નબળો નથી પડતો પણ વધુ સમૃધ્ધ થાય છે. 

You Might Also Like

1 comments

  1. પુરુષત્વની ખોટી માન્યતાઓને છોડીને બદલાવાનો સમય આવી ગયો છે. પુરુષ એટલે ફક્ત કમાણી કરી શકે. લાગણીઓ વ્યક્ત ન કરે. રડે નહી. ભૂલ ન કરે એવું નથી. પુરુષ પણ કાળા માથાનો માનવી છે. તે જો પોતાની લાગણીઓ વ્યક્ત કરે છે, બીજા સાથે શેઅર કરે છે તેનાથી તે નબળો નથી પડતો પણ વધુ સમૃધ્ધ થાય છે.

    ReplyDelete