પાવરવોક 22-11-15

06:45



શિયાળાની સવાર સુસ્તી માણવાની મોસમ છે તો કેટલાક માટે સ્વસ્થ રહેવા માટે ચાલવાની મોસમ હોય છે. શિયાળાની સવારે ચાલવું કે ન ચાલવું તેની અવઢવ દરેકને રહેતી હોય છે. વળી તેમાં પ્રદૂષિત ધુમ્મસ આરોગ્યને નુકશાન કરે એવી બાતમી શરૂ થાય કે સુસ્તીને એક નવું બહાનું મળે. ચાલવાના ફાયદા ગમે તેટલા વર્ણવો તો ય ન ચાલનારાને ક્યારેય સ્પર્શવાના નથી. ગુજરાતીઓમાં લાઈફસ્ટાઈલ ડિસીઝ એટલે કે ડાયાબિટીશ, કોલસ્ટ્રોલ, મેદસ્વીતા વગેરે વધી રહ્યા છે. દર પાંચમાંથી ત્રણ કે ચાર ગુજરાતી લાઈફસ્ટાઈલ ડિસીઝથી પીડાતો હશે. લાઈફસ્ટાઈલ ડિસીઝ એટલે કે બેઠાડું જીવન અને અયોગ્ય ખાણીપીણી. ગુજરાતીને તમે સાંભળી શકો કે આપણને તો સરખું ને સ્વાદિષ્ટ ખાવાનું તો જોઈએ જ. અને કસરત બસરતનો સમય જ ક્યાં છે? મોજ કરો ને ભઈલા.... ઉપ્સ... ખોટી વાતોએ ચઢી ગઈ. હા તો ચાલની વાત કરવાની હતી. તમારી ચાલ તમારા સ્વભાવને, તમારી નિયતને ખુલ્લી પાડી દઈ શકે છે. 

આપણા વડા પ્રધાન દેશવિદેશ બહુ ફરે એટલે તેમના વીડિયોમાં વારંવાર પ્લેનમાં ચઢતા કે ઉતરતા કે ઓબામા કે અન્ય દેશોના વડા પ્રધાનો સાથે વોક લેતા ટોક કરતા જોવા મળે. તેમને બેસેલા ભાગ્યે જ બતાવાતા હશે. વિમાનમાં સડસડાટ આજુબાજુ કઠેડાને પકડ્યા સિવાય ચઢતા ઉતરતા જોવા મળે ત્યારે જાણ્યે અજાણ્યે તમને થોડીક માનની અને થોડીક ઈર્ષ્યાની લાગણી થતી જ હશે. દાદરા ચઢવાના કે ઉતરવાના ટાળી શકાય તે માટેના બધા પ્રયત્નો કર્યા બાદ પણ જો એકાદ દાદરો ન છૂટકે ચઢવો પડે તો જે રીતે સામાન ચઢાવતા ઉતારતાં હોઈએ તે રીતે હાંફતા હાંફતા શરીરને ધકેલવામાં આવે. તમારી ચાલ તમારામાં સ્ફૂર્તિ, તાજગી અને ઉત્સાહ કેટલો છે તે જણાવી દે છે. તમે લાંબા છો કે ટૂંકા છો કે જાડા કે પાતળા, યુવાન છો કે પ્રૌઢ તે મહત્ત્વનું નથી. તમે કેટલા સ્વસ્થ છો શારીરિક, માનસિક રીતે એ જ મહત્ત્વનું છે. તમારી ચાલમાં તમારો આત્મવિશ્ર્વાસ વ્યક્ત થતો હોય છે. મનમોહન સિંહ ધીમા પગલે ચાલતા, ચઢતા કે ઊતરતા. તેમના વ્યક્તિત્વમાં એક ઢીલાશ અને બોરડમ જણાઈ આવતી. એટલે જ નેતા તરીકે તે ન ચાલે. નેતાની ચાલ સ્ફૂર્તિલી, ઉત્સાહી અને આત્મવિશ્ર્વાસભરી હોવી જોઈએ. ચાલ બદલવાથી પોતાની અને સામી વ્યક્તિઓની માનસિકતા બદલાઈ શકે છે. આ બધા લીડરો જાણતા હોય છે. એટલે જ અમુક પદ પર પહોંચ્યા બાદ તેમની બોડી લેંગ્વેજનું ધ્યાન તેમના ઈમેજ કનસલ્ટન્ટટ રાખતા હોય છે. આપણે આ બાબતે વિચારતા નથી, પરંતુ તેની અસર આપણા ઉપર થતી હોય છે. કેટલીક વ્યક્તિ વગર કારણે સારી લાગતી હોય છે. તો કેટલીક વ્યક્તિને જોઈને કારણ વિના કંટાળો આવી શકે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પ્રશંસકો કરતાં તેમને ધિક્કારનારની સંખ્યા કદાચ વધુ હોઈ શકે તે છતાં તેઓ વડા પ્રધાનપદ સુધી પહોંચ્યા તેમાં દ્રઢ ઈચ્છાશક્તિનો ફાળો પણ ખરો. ઈંદિરા ગાંધીની ચાલ પણ પાવરફુલ હતી. તેમની ચાલ તેમના વ્યક્તિત્વનું પ્રતિબિંબ હતું.

આપણે ત્યાં સ્ત્રીઓની ચાલના પ્રકાર વિશે લખાયું છે, પણ પુરુષોની ચાલ વિશે લખાયું હોય તેવું ધ્યાનમાં નથી. તે છતાં એ વાતને કોઈ અવગણી નહીં શકે કે પુરુષને પૌરુષીય વ્યક્તિત્વ આપનાર તેની ચાલ હોય છે. એટલે જ જ્યારે કોઈ પુરુષ જરા પણ લચકાતો ચાલે કે તે મજાકને પાત્ર બનતો હોય છે. પુરુષ સિક્સપેક ન ધરાવે તો ચાલે પણ અવાજ અને ચાલ એ બે બાબત પૌરુષીય વ્યક્તિત્વ માટે જરૂરી હોય છે. રશિયાના વડા પ્રધાન વાલ્દમિર પુટિનનું વ્યક્તિત્વ એથ્લેટ છે. એટલે અગ્રેસિવ લાગે. તેમણે કેજીબીની (ગુપ્તચર સંસ્થા) ટ્રેઈનિંગ પણ લીધી છે એટલે તેમની ચાલમાં એક જાતની દ્રઢતા જોવા મળે છે. છેલ્લા કેટલાય સમયથી દુનિયાના નેતાઓ પોતાની વોકમાં પાવરફુલ રહેવાનો પ્રયત્ન કરે છે. અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ જ્યોર્જ બુશે પોતાની ચાલમાં પ્રભાવ લાવવાનો પ્રયત્ન કર્યો હતો. હથેળી પાછળની તરફ હોય એ રીતે ચાલતા બુશ થોડા પહોળા દેખાતા અને ચાલમાં એક જાતનો ફોર્સ હતો જે બીજા પર શાસકીય પ્રભાવ પાડવા સક્ષમ હતો. 

કલ્પના કરો કે કોઈ તમારી સામે ઝડપથી આવે અને કોઈ સાવ ધીમી ચાલે આવે તો પણ વગર બોલ્યે તમારી વચ્ચે સંવાદ થતો હોય છે. બે વ્યક્તિત્વો આખાય શરીર સાથે સંવાદ કરતા હોય છે. શબ્દો ફક્ત તેના પર મહોર મારતા હોય છે. અથવા કેટલાક સંવાદો વિરોધાભાસી પણ હોઈ શકે. શબ્દો અને સંવાદને કોઈ સંબંધ ન હોય તે બોડી લેગ્વેજથી કહી શકાતું હોય છે. ગયા વરસે ડોનાલ્ડ ટ્રમ્પે ઓબામાની ચાલ વિશે ટ્વિટ કર્યું હતું કે ડુ નોટ ફોલ. (પડતા નહીં) હકીકતમાં ઓબામા એર ફોર્સ ૧ વિમાનમાંથી જે રીતે ઊતર્યા ને ચાલ્યા તે પર વ્યંગ હતો. અમુક પોઝિશન પર પહોંચ્યા બાદ વ્યક્તિની ચાલમાં જો મોભો ન હોય તો તેને સફળતા મળતી નથી. તેને આદર મળતો નથી. વ્યક્તિ સામાન્ય કામ કરતી હોય તો તેના પ્રત્યે કોઈ ધ્યાન નથી આપતું, પરંતુ તે જ્યારે કોઈ હોદ્દાપર કે પબ્લિક ફીગર બને છે ત્યારે તેની દરેક હિલચાલ પર બધાનું ધ્યાન જતું હોય છે. અમિતાભ બચ્ચન કે કોઈપણ ખાનનો નાક સાફ કરતો કે ખોટી જગ્યાએ જાહેરમાં ખંજવાળતો કે વાળમાં હાથ ફેરવતા કે પછી થાકીને ધીમે ધીમે ચાલતા કે દાદર ચઢતા કે ઉતરતા હાંફતા નહીં જોવા મળે. તમે આ રીતના કોઈપણ વર્તનની કલ્પના પણ તેમને યાદ કરતાં નહીં કરી શકો. એનું કારણ એ નથી કે તેઓ માણસ નથી, પરંતુ એ દરેક જણ પોતાના દેખાવ બાબતે જ નહીં પણ પોતાની દરેક વર્તણૂક પર પોતાની નજર રાખે છે. આપણી ચાલ આપણને એક વ્યક્તિત્વ આપે છે. 

ડો. પીટર કોલ્લેટ ઓક્સફોર્ડ યુનિવર્સિટીના બિહેવિયરલ સાયકોલોજિસ્ટ તરીકે વરસોથી વર્તણૂક અને વ્યક્તિત્વ વિશે ભણાવે છે. તેઓ કહે છે કે, દરેક ચાલ એક જુદો સંદેશ આપે છે. દાખલા તરીકે જો તમે ઝડપથી અને કશાક ધ્યેય સાથે ચાલતા હશો તો લોકો તમને યુથફુલ અને એનર્જેટીક કહેશે. તમે કોઈક ધ્યેય સાથે તેને પહોંચી વળવા વ્યસ્ત છો અને સમય વ્યસ્ત કરવામાં માનતા નથી એવો સંદેશ પહોંચતો હોય છે. અને જો તમે ધીમે ચાલતા હો તો સંદેશ પહોંચે છે કે તમે તમારામાં સ્થિર છો, કોઈ જ બાબત કે વ્યક્તિ તમને ઉતાવળા કરી શકતી નથી. એમાંથી પાવર, સત્તાશાળી હોવાનું પ્રતિબિંબિત થાય છે. કોલ્લેટ માને છે કે દરેકની ચાલથી તમે એમની કેટેગરી નક્કી કરતા હો છો. કેટલાક લોકો ધીમા પણ એ રીતે ચાલશે કે દરેકનું ધ્યાન તેમના પર જાય. તેને ગેંગસ્ટર ગ્લાઈડ કહે છે. ફિલ્મોમાં ગુંડાઓની કે ગેંગસ્ટરની ચાલ યાદ કરો. તેઓ પોલીસ પાછળ પડી હોય તો જ દોડતા હશે બાકી ચાલતા હશે તો આજુબાજુ એ જોતાં કે કોણ તેમને જુએ છે અને ડરે છે. કોણ નથી જોતું તો શું કામ વગેરે સંવાદો તેમની ચાલમાં પ્રતિત થતી હોય છે. બીજી ચાલ છે પાવર વોક જે મોટાભાગના એક્ટિવ નેતાઓની હોય છે. જે લોકો કસરતી શરીર ધરાવતા હોય છે તેમની. તેમની હથેળી હંમેશાં પાછળની તરફ હોય છે અને તેમના હાથ સ્થિર નહીં રહે. બોડીબિલ્ડર ચાલતો હોય ત્યારે તેના હાથને ધ્યાનથી જો જો. તે ગોળ ફેરવતો જોવા મળશે. રાજકારણીઓની ચાલમાં સત્તાનો પ્રભાવ જોવા મળશે એટલે તેમની ચાલમાં એક જાતની દ્રઢતા અને મક્કમ પગલાંની જે વાત કરીએ છે તે દેખાશે. સામાન્ય ન હોય તેવી દરેક હિલચાલ આપણું ધ્યાન ખેંચતી હોય છે. એટલે જ તમારો પ્રભાવ દર્શાવવા માટે ચાલમાં પરિવર્તન આવી જતું હોય છે. પાવર વોકમાં ક્યારેક એવું પણ લાગે કે તે વ્યક્તિને બીજા શું વિચારે છે તેની કંઈ પડી નથી. આવા કેટલાક સંદેશાઓ તે ચાલની સાથે હવામાં મૂકતો જાય છે. 

જો કે કેટલાક લોકો આ વાતને વખોડી કાઢે છે. પોશ્ર્ચર એન્ડ મુવમેન્ટ એનાલિસિસ્ટ હેલેન હોલનું માનવું છે કે કેટલીક એક્શન-ક્રિયાઓ વ્યક્તિત્વ કે ચરિત્રને છતું કરે છે, પરંતુ આપણું કેટલુંક

હલનચલન અને શારીરિક ક્રિયાઓ આપણા કામ અને શોખને કારણે પણ ઘડાતા હોય છે. તેના કારણે ચરિત્ર છતું નથી થતું. આપણે ક્યારેક ખુશ હોઈએ ત્યારે હાથ વધારે હલાવીને ચાલતા હોઈએ છીએ. એ જ રીતે ઉતાવળમાં હોઈએ ત્યારે પણ હાથ વધારે હલાવીને ચાલતા હોઈએ છીએ. જો કે થોડા ઘણા સંદેશા આપણે ચાલ દ્વારા અને આખીય બોડી લેંગ્વેજ દ્વારા આપી જ દઈએ છીએ બીજાને પોતાના વિશે. 

ચાલના પાવરને આપણે અજાણપણે નોંધતા જ હોઈએ છીએ. જ્યારે લખાયેલું વાંચીએ તો કોઈ પાત્ર જો ધ્યેય સાથે આગળ વધતું હોય તે બતાવવાનું હોય તો મક્કમ પગલે ચાલીને ગયો એવું લખાય છે. અને આપણે આ બધી જ વાતો મગજમાં અજાણપણે પણ નોંધતા જ હોઈએ છીએ.

You Might Also Like

2 comments