જાતીય સમાનતા શક્ય છે ખરી? 14-1-16

00:23
દિલ્હીમાં ઓડ-ઈવન કાર ચલાવવાનો નિયમ આવ્યા બાદ કેટલીય સ્ત્રીઓ કાર પુલિંગ અને પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરી રહી છે, કારણ કે તેમને ખબર જ નથી કે સ્ત્રીઓને આ નિયમમાંથી છૂટ આપવામાં આવી છે. મોટાભાગની સ્ત્રીઓ માને છે કે બાર વરસની નીચેનાં બાળકોની સાથે જ તેમને છૂટ આપવામાં આવી છે. કેમકે હજી સત્તાવાળાઓ સ્ત્રીઓને પારંપરિક રોલ મોડલ તરીકે જ જોવા માગે છે. એજ્યુકેશન ક્ધસલ્ટન્ટ સાક્ષી મિત્તલ કહે છે કે આ લાભ ખૂબ ઓડ લાગે છે કે સ્ત્રીઓને ઈક્વલ એટલે કે સમાન અધિકાર આપવા જ નથી માગતા. 

સ્વસ્થ સલામત સમાજ વ્યવસ્થા માટે પ્રયત્નો કરવામાં આવતા નથી પણ તેમને નબળી જાતિ ગણી કેટલીક સુવિધાઓ આપવાની અને બિચારી બનાવીને રાખવાની આ ચાલ હોય તેવું પણ કેટલીક સ્ત્રીઓ માને છે. બાળકો સાથે પુરૂષને પણ આ છૂટ અપાવી જોઈએ તેવી ઘણી સ્ત્રીઓ આજે માની રહી છે. સ્ત્રીઓને જુદો ડબ્બો આપવાની વાતનો અહીં વિરોધ થઈ શકે પરંતુ, સ્વસ્થ સમાજનું ઘડતર થાય તે માટેના પ્રયત્ન કરવાની જરૂર છે. દિલ્હીમાં પ્રોફેશનલી કામ કરતી મોટાભાગની મહિલાઓ તેમને સ્ત્રી હોવાના આ મળતા લાભનો ઉપયોગ નથી કરવાની. તે બધા પોતાની કારના નંબર પ્રમાણે એકાંતરે પોતાની કારનો ઉપયોગ કરશે. નિયમ ન હોવા છતાં પોતે સ્વેચ્છાએ નિયમનું પાલન કરશે. તો તેની સામે એવી પણ વ્યક્તિઓ હશે જે પત્નીના નામે એકી નંબરની અને પોતાના નામે બેકી નંબરની કાર રાખશે. તો કેટલીક સ્ત્રીઓ સલામત પ્રવાસના અભાવે છૂટનો લાભ લઈને રોજ કારમાં આવશે-જશે. દિલ્હી હાઈકોર્ટ પણ આપની સરકાર પાસે જવાબ માગી રહી છે કે સ્ત્રીઓને શું કામ એકીબેકી કારના નિયમમાંથી બાકાત રાખવામાં આવી. કટ્ટર મુસ્લિમ દેશોમાં સ્ત્રીને સમાન અધિકાર આપવાની શરૂઆત થઈ રહી છે. પણ ભારત જેવા લોકશાહી ધરાવતા દેશમાં સમાનતાની બાબતે આગળ વધવાને બદલે પાછા ચાલી રહ્યા છીએ. 

અમેરિકાના કોલંબિયામાં થયેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે મહિલાઓનું ક્વોલિફિકેશન પુરુષ જેટલું જ હોવા છતાં તેમને એટલા પૈસા નથી મળતાં જેટલા પુરૂષોને મળે છે. તેને કારણે મહિલાઓને અઢી ગણું વધુ ડિપ્રેશન આવે છે. અને જે મહિલાઓને પુરુષો જેટલા જ પૈસા મળે છે તેવા કિસ્સામાં સ્ત્રીઓને પણ પુરુષો જેટલી જ તકલીફો રહે છે ન ઓછી કે ન વધુ. મહિલાઓને કામ, હોદ્દો અને શિક્ષણના પ્રમાણમાં પૈસા ન મળે ત્યારે ફ્રસ્ટ્રેશન અનુભવાય છે. કારણ કે તેમને સ્ત્રી તરીકે વધારે સંઘર્ષ કરવો પડતો હોય છે. હોલીવૂડ અને બોલીવૂડની અભિનેત્રીઓની આ ફરિયાદ છે. સ્ત્રીપ્રધાન ભૂમિકા વાળી ફિલ્મો હવે વધુ પ્રદર્શિત થઈ રહી છે. સફળ પણ થઈ રહી છે તો પછી તેમને મહેનતાણું કેમ ઓછું અપાય છે તે સવાલોના જવાબ આપવામાં આવતા નથી. સફળતા જ માપદંડ હોય તો પ્રોફેશનમાં જાતીય અસમાનતા ન હોવી જોઈએ. જો કે એ બાબતે હવે છેલ્લા બે વરસથી સ્ત્રી અભિનેત્રીઓ અવાજ ઉઠાવી રહી જ છે. ન ફાયદો તો ન નુકસાન મહિલાઓને જોઈએ છે તેમની મહેનતનું ફળ. તેમને કશું મફત નથી જોઈતું. તેઓ

મહેનત કરવા તૈયાર છે. સ્ત્રીઓને સુવિધા આપીને તેને પાંગળી બનાવવાની માનસિકતા બદલવાની જરૂર છે. ઘરમાં રહેતી ગૃહિણીના કામની કદર પણ થવી જ જોઈએ. 

અત્યારે ચર્ચામાં છે સ્ત્રીઓને શનિના મંદિરમાં પ્રવેશનો. શનિ શિંગણાપુર મંદિરમાં સ્ત્રીનો ઉપયોગ કરીને બીજી સ્ત્રીઓને રોકવાના પ્રયત્નો થશે. સ્ત્રીએ પુરુષોના હાથા બનવા કરતાં પોતાને પુરવાર કરવાની જરૂર છે. આ પહેલાં પણ બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન લાલુજી જ્યારે જેલમાં ગયા તો રાબડીદેવીને એક પ્યાદા તરીકે મૂકતા ગયા. એ જ રીતે શિંગણાપુરમાં સ્ત્રી ટ્રસ્ટીઓનો ઉપયોગ પ્યાદા તરીકે જ કરવામાં આવી રહ્યો છે. ફક્ત સ્ત્રી હોવાને કારણે ચોતરામાં પ્રવેશ ન આપવો તે યોગ્ય તો નથી જ. પણ વળી શનિમંદિરમાં પ્રવેશ કરવાની જીદ શું કામ? આજે જેટલી પણ સ્ત્રીઓ સફળ છે કે ઉચ્ચ હોદ્દા પર છે તેમાંથી કેટલી સ્ત્રીઓએ શનિમંદિરમાં દર્શન કે પૂજા કર્યા બાદ સફળતા મેળવી છે તે અભ્યાસ કરવો જોઈએ. વિદ્વાન અભ્યાસુ લાભશંકર પુરોહિત પુષ્ટિ કરે છે કે વેદઉપનિષદમાં ક્યાંય એવું લખાયું નથી કે સ્ત્રીઓ મંદિરમાં પ્રવેશી ન શકે કે પૂજા ન કરી શકે. હા આંતરિક અને બાહ્ય શુચિતાની વાત જરૂર કરવામાં આવે છે તો એ સ્ત્રી-પુરુષ બન્ને માટે છે. અને એનું ઉલ્લંઘન તો પુરુષો પણ કરતા જ હોય છે ને? 

સ્ત્રીઓએ પોતે જાગૃત થવાની જરૂર છે. પોતાની સુવિધા માટે સ્ત્રીત્વનો અંચળો ઓઢવાની જરૂર નથી. સલામતીની માગણી કરવી તે યોગ્ય જ છે પરંતુ સ્ત્રી તરીકે લાભ મેળવવાની લાલચ જતી કરવી પડશે. સફળતા માટે કે ભગવાનની ભક્તિ માટે મંદિરમાં જઈને પૂજા કે અભિષેક કરવાની જરૂર નથી. કે ન તો તેને માટે આંદોલનો કરીને કે લડીને શક્તિનો વેડફાટ કરવાની જરૂર. એના કરતાં પોતાની જાતને પુરવાર કરતી રહે સ્ત્રી તો એક દિવસ જરૂર એવો આવશે કે સમાનતાની વાત નહીં કરવી પડે.

You Might Also Like

0 comments