લેડી સિંઘમ 21-1-16 (article published in mumbai samachar

05:10




દૃશ્ય - છત્રપતિ શિવાજી ટર્મિનસની બહાર સવારના દશ વાગ્યાનો સમય. એક ટેક્સીમાંથી મોઢે ઓઢણીની બુકાની બાંધેલ એકવડા બાંધાની આધુનિક સ્ત્રી ઊતરે છે. જીન્સ ટી-શર્ટ અને કલર્ડ કરેલાં ખુલ્લા વાળ ઊતરતાની સાથે તે કેટલાંક ફેરિયાઓના સ્ટોલના ફોટા પાડે છે. એટલામાં મ્યુનિસિપાલિટીની ગાડીઓ પણ આવી પહોંચે છે. માહોલમાં અફરાતફરી મચી જાય છે. પેલી સ્ત્રીએ બુકાની છોડી વડાપાંઉ તળતા સ્ટોલની બહાર પડેલા પાણીની ડોલ ઢોળીને તોડી નાખી. બાજુના બાંકડાનો સામાન ઊચકાવીને તેનાં લાકડા પગ વડે તોડવા માંડી. 

દૃશ્ય બીજું - બોરાબજારમાં આવેલી ખાઉ ગલીમાં અચાનક દોડાદોડી થાય છે. ઊભી ઊભી ચા પીતી હતી ત્યાં ચૂડીદારમાં સજ્જ એક સ્ત્રીનો અવાજ સંભળાય છે. એય.. બીચમેં આયા તો કેસ કર દુંગી ...ધમકી કિસકો દેતા હૈ .... જા તેરે સે જો હોતા હૈ કરલે... મેં મેરા કામ કરુંગી....આસપાસની દુકાનવાળા અને રસ્તે જતાં રાહદારીઓ પણ નવાઈથી જોઈ રહ્યા. અને ફેરિયાઓનો સામાન ઊચકાવા લાગ્યો તો કેટલોક તૂટવા માંડ્યો. તેમાં દુબળી પાતળી આધુનિક દેખાતી પેલી સ્ત્રીનો રુઆબ લોકો નવાઈથી જોઈ રહ્યા હતા. 

દૃશ્ય ત્રીજું - ચર્ચગેટની બહાર આવેલી ફેશન સ્ટ્રીટમાં કેટલાક સ્ટોલ પર ચાલી રહેલાં બુલડોઝર કરતાં વળી પેલી આધુનિકા ઊભી ઊભી હુકમ કરી રહી હતી....ચલાઓ....તોડ દો કોઈ બાકી ન રહે. ગૈરકાનૂની કામ નહીં ચલેગા બોલા થા પર સુનેગા નહીં તો યહીં હોગા.....છુટ્ટા વાળ, શર્ટ, જીન્સ, ગળામાં નેકલેસ, હોઠ પર ડાર્ક લિપસ્ટિક, હાથમાં પકડેલા મોબાઈલ ફોન પર નજર જતાં આંગળીઓમાં ફાઈલ કરેલા નખ પર લેટેસ્ટ ફેશનની નેઈલ પૉલિસ દેખાય છે. 

તપાસ કરતાં ખબર પડી કે એ સ્ત્રી હતી મ્યુનિસિપાલિટીની સિનિયર ઈન્સ્પેકટર-એન્ક્રરોચમેન્ટ રિમૂવલ-હોકર નૂતન જાધવ. દેખાવમાં નમણી નાજુક આધુનિક સ્ત્રી નૂતન જાધવ ભૂતપૂર્વ મ્યુનિસિપલ ડેપ્યુટી કમિશનર ખૈરનાર જેટલું જ આક્રમક અને દૃઢ મનોબળ ધરાવે છે. એ વાર્ડ વિભાગના સિનિયર ઈન્સ્પેકટર તરીકે રસ્તા પરના દરેક અનધિકૃત ફેરિયાઓને હટાવવાનું કામ કરે છે. રિઝર્વ બૅંકની પાછળ આવેલી તેમની ઑફિસમાં મળવા ગયા તો ગોડાઉન જેવી તેમની ઑફિસ હતી. જપ્ત કરેલા સામાનના ખડકલા પાર કર્યા બાદ કાગળોના ઢગલા વચ્ચે ખુરશી ટેબલ પર બેસેલા નૂતન જાધવ હસીને અમને આવકાર આપતાં કહે છે કે ક્યા લેંગે ચાય યા કૉફી ? કાચના ગ્લાસમાં કટિંગ ચાય પીતાં નૂતન જાધવને જોતાં લાગ્યું કે લગભગ ૪૦-૪૫ની ઉંમર હશે. કોઈપણ સ્ત્રીને હોય તેમ ઘરેણાં પહેરવાનો શોખ અને સાજ શણગાર તેમને ગમે છે. તે છતાં તેમના દેખાવથી વિપરીત તેમનું વ્યક્તિત્વ છે. મ્યુનિસિપાલિટીની ઑફિસમાં લોકો તેમને લેડી ખૈરનાર, સિંઘમ, ઝાંસીની રાણી વગેરે ઉપનામથી ઓળખે છે. પહેલો જ પ્રશ્ર્ન થાય છે કે ટાપટીપ કરીને પુરુષો જ કરી શકે એવા કામ કરવા તેમને ગમે છે ? 

તરત જ જવાબમાં સામો ધારદાર પ્રશ્ર્ન આવે છે? "કેમ ક્યાંય એવું લખાયેલું છે કે સ્ત્રી ફેરિયાઓ હટાવવાનું કામ ન કરી શકે? સ્ત્રીમાં દરેક કામ કરવાની શક્તિ છે અને આ મારું કામ છે તે હું કરું છું પૂરી નિષ્ઠા સાથે. બાકી રહી મારા દેખાવની વાત તો હું એક સ્ત્રી પણ છું મને એક સ્ત્રી તરીકે સાજશણગાર કરવા ગમે છે વળી મ્યુનિસિપાલિટીમાં ડ્રેસ કોડ હોત તો એનું પાલન જરૂર કરત. "

નૂતન જાધવે તાલીમાર્થી તરીકે મ્યુનિસિપાલિટીમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. એક જ વરસમાં ૧૯૯૦ની સાલમાં તેઓ કાયમી ક્લર્ક તરીકે જોડાયા. વિજ્ઞાન શાખામાં ગ્રેજ્યુએટ થયા. માતાપિતા બન્ને શિક્ષક, છોકરીના ઉછેરમાં ક્યાંય ડર રોપ્યો જ નહીં. કૉલેજમાં જતા આવતાં ક્યારેય કોઈ છેડતી કરવાની હિંમત ન કરી શકતું. નીચી મૂંડી કરીને સ્ત્રી હોવાના ભાવ સાથે ચાલવાનો સ્વભાવ નૂતનનો નહોતો. તે છતાં કૉલેજમાં જ પ્રેમ થયો અને વીસ વરસે જ લગ્ન પણ કરી લીધા. લગ્ન બાદ નોકરી કરતાં કરતાં ત્રણ બાળકો થયા. તેમનો ઉછેર કરતાં નૂતને અનેક પરીક્ષાઓની તૈયારી કરી. એલ એલ બી પણ બે વરસ કર્યું. દરેક પરીક્ષાઓ પાસ થતા. લાઈસન્સ ઈન્સ્પેકટર બનવાનું નક્કી કર્યું. એવું કામ કરવું હતું કે જ્યાં તેમની ક્ષમતા પુરવાર કરવાની તક મળે. ૩૦ એપ્રિલ૨૦૦૪ની સાલમાં લાઈસન્સ ઈન્સપેકટર બનતાં જ એચ વોર્ડ બાન્દરા ઈસ્ટથી તેમણે કામ કરવાનું શરૂ કર્યું. હાલ 2૦૧૧ની સાલથી તેઓ 'એ ' વોર્ડમાં કામ કરે છે. 

આ કામ એવું છે કે તેમાં ભ્રષ્ટાચાર અને ધમકીઓ બન્નેનો સામનો કરવો પડે. તેની બીક નથી લાગતી ? આંખોમાં દૃઢતા અને અવાજમાં મૃદુતા સાથે કહે, "શેની બીક ? ડરવાનું મારે નહીં ગેરકાનૂની કામ કરતાં ફેરિયાઓએ છે. હું કોઈ કામ ખોટું કરતી નથી એટલે મારે ભ્રષ્ટાચારમાં સાથ આપવો પડતો નથી કે કરવો પડતો નથી. અને ધમકીઓ તો આ કામ કરનાર દરેકને મળવાની જ છે. વળી કાયદાનો અભ્યાસ મેં કર્યો છે. મારું કામ હું નિયમોમાં રહીને કરું છું. એટલે કોઈ ભયમાં કે દબાણમાં કામ નથી કરવું પડતું. વળી સ્ત્રી તરીકે મને કોઈ ડર નથી લાગ્યો. સ્ત્રી હોવાનો હું પૂરો ફાયદો ઉઠાવું છું. તેમાં ય હાલમાં તો મારી સાથે પોલીસ સાથે હોય જ છે. વળી મને હાથ લગાવે તેને સીધો પોલીસ સ્ટેશન લઈ જાઉં છું. સ્ત્રી તરીકેના મારા સન્માનને ઠેસ પહોંચાડવા દેતી નથી. એટલે મારી સાથે વાત કરતાં કોઈપણ ડરે. હા એટલી પણ ખરાબ નથી કે ખોટી રીતે ડરાવું એટલે મારી સાથે યોગ્ય વાત કરતાં પણ લોકો ડરે નહીં. સ્ત્રી તરીકે કાળજી લેવી મારો સ્વભાવ છે, પણ ઓફિસર તરીકે કોઈ ગેરકાનૂની કામ ચલાવી ન લેવું તે મારી ફરજ છે તે સુપેરે બજાવવાનો પ્રયત્ન કરું છું. મારા પર ફેરિયાઓના બાતમીદારો સતત જાસૂસી કરતા હોય છે. મને ખબર હોય છે કે મારા પર નજર રાખવામાં આવે છે જેથી હું બહાર ડિમોલિશન માટે જાઉં તો તેની બાતમી તેમને અગાઉ જ મળી જાય. તેમાંથી મેં રસ્તા કાઢ્યા. હું ઉપર મકાનમાં ટોઈલેટ જાઉં છું કહીને જાઉં અને મોઢે બુકાની બાંધીને કે બહાર ટેક્સીમાં બેસીને નીકળી જાઉં. ઓફિશિયલ વાહનમાં ન જાઉં. મારા ઈન્સ્પેકટરને ગાડી લઈને સીધા સ્થળે જ બોલાવું. હું પહેલાં પહોંચું. વગેરે નુસખાઓ મને આ કામ કરતાં જ સૂઝવા લાગ્યા. ક્યારેક મારા પર નજર રાખનારાઓને જ પકડું અને ધમકી આપું કે ખબરદાર મારા પર નજર રાખી છે તો પોલીસમાં આપી દઈશ. સ્ત્રી હોવાના ફાયદા છે જેનો પૂરતો લાભ ઉઠાવું છું. સ્ત્રી માટેના દરેક કાયદા હું જાણું છું. કહેતાં તેઓ હસી પડે છે. પછી વળી વાતનો દોર સાધતા કહે છે કે ભ્રષ્ટાચાર બધે જ છે તમારી વાત સાચી, પરંતુ એવા પણ અનેક લોકો છે જે ભ્રષ્ટાચાર નથી કરતા. ખાસ કરીને ઉચ્ચ હોદ્દા પર અમારા સિનિયર મને કોઈ ભ્રષ્ટાચારી નથી મળ્યા. વળી આ એ વોર્ડ ખૂબ મહત્ત્વનો છે. અહીં મંત્રાલય હોવા સાથે દરેક સરકારી-બિનસરકારી મોટી ઑફિસો અહીં છે. ખૂબ મહત્ત્વનો વિસ્તાર છે. અહીં ભ્રષ્ટાચાર ચાલે નહીં ઉચ્ચ હોદ્દાઓ પર. હા નાના માણસો કરતાં હશે પણ હું ચલાવી લેતી નથી મારા વિભાગમાં. આ વિસ્તારમાં ચર્ચગેટ અને છત્રપતિ શિવાજી ટર્મિનસ જેવા મુખ્ય સ્ટેશનો પણ છે. તેની આસપાસ ફેરિયાઓ લોકોને ત્રાસ ન આપે તે જોવું મારું કામ છે. થોડું અટકીને ગંભીરતાથી વાત આગળ વધારતા કહે છે કે મેડમ આ ફેરિયાઓ વ્યવસાય કરીને બે પૈસા કમાવા માગે છે. તેઓ ગુંડા કે ગુનેગાર નથી. તેમનો ગુનો એટલો જ હોય છે કે તેઓ લોકોને જે રસ્તા પર ચાલવાનું હોય છે તેના પર બેસીને લોકો અને વાહનોની અવરજવરમાં તકલીફો ઊભી કરે છે. નાનકડો ટોપલો લઈને બેસતાં ફેરિયાઓની વાત અહીં નથી. મોટો સ્ટોલ લગાવીને રસ્તો રોકી દે તે યોગ્ય નથી. સ્ટેશનની આસપાસ દોઢસો મીટરમાં તેઓ ન જ બેસી શકે. વળી ફેરિયાઓ એકલા જ શું ગુનેગાર છે? આપણે સૌ લોકો પણ ગુનેગાર નહીં ? કોઈ તેમની પાસે ખરીદે જ નહીં તો ફેરિયાઓ માલ કોને વેચશે? લોકોને સરળતા જોઈએ છે એટલે તેઓ સ્ટેશનની આસપાસ બેસે છે. હું તો લોકોને કહું છું ફરિયાદ કરતા પહેલાં તમે લોકો ખરીદવાનું બંધ કરો ફેરિયાઓ પાસેથી તો તેઓ આપોઆપ જ હટી જશે. બેસશે જ નહીં. પહેલાં કેમ માર્કેટમાં આપણે નહોતા જતા. ફેરિયાઓએ તેમને આપેલ વિસ્તારમાં જ વળી ઓછામાં ઓછી જગ્યાએ કામ કરવું જોઈએ. તમને નવાઈ લાગશે કે ક્યારેક નાનકડો ટોપલો લઈને કેળા કે શાક વેચતી બાઈ જો તેમને સસ્તુ ન કરી આપે તો લોકો તેને હટાવવા ફરિયાદ કરશે. ત્યારે હું કહું તમે એની પાસે લેવા શું કામ ગયા. માર્કેટમાં જવું જોઈએ ને. તે છતાં હું આવી ત્યારે 'એ' વોર્ડમાં લગભગ સાડા છ હજાર જેટલા ફેરિયા હતા તેનાથી આજે ૫૦ ટકા ઓછા થઈ ગયા છે." 

નૂતન જાધવ પોતાને મળતી ધમકીઓ પર વાત નથી કરવા માગતા, કારણ કે તેને ગણકારતાં નથી. હા તેઓ ક્યારેય ગાળ બોલતાં નથી. તેમને લાગે છે કે ગુસ્સાથી જ કામ ચાલી જાય છે તો ગાળ બોલવાની જરૂર શું કામ. ગાળ બોલવાના સંસ્કાર મને મળ્યા નથી. તેમાં પણ સ્ત્રીઓ માટે જ ગાળ બોલાય છેને તેની શું જરૂર છે. મારી સામે પણ કોઈ ગાળ બોલવાની હિંમત નથી કરતું. 

શું તેઓ ઘરે પણ ગુસ્સો લઈને જાય છે ? હસી પડતાં કહે છે હોતું હશે, " હું મારા પતિથી ડરું છું. મારો સ્વભાવ ગુસ્સાવાળો જરાપણ નથી. ફક્ત કામ કરતી વખતે પરિસ્થિતિ એવી આવે ત્યારે અવાજ ઊંચો કરું છું. ગુસ્સો કે આક્રમક સ્વભાવવાળી વ્યક્તિ તાણમાં જીવે છે. મને કોઈ તાણ નથી અનુભવાતી. મારા સાસુ, માતાપિતા, પતિ અને બાળકોને મારા માટે આદર છે અને કોઈને મારી ખોટી ચિંતા નથી થતી, કારણ કે હું ગભરું સ્ત્રી નથી. દરેક પરિસ્થિતિનો સામનો હિંમતથી ડર્યા વિના કરી જ શકું છું તેની એમને ખાતરી છે."

You Might Also Like

0 comments