આકર્ષક અપ્સરાઓનું કાલ્પનિક સુખ 5-1-16

23:37નવા વરસની દરેક વાચક મિત્રોને શુભેચ્છા..... નવા વરસની શરૂઆતમાં મોટાભાગની વ્યક્તિઓ સંકલ્પ કરતી હોય છે. અને મોટેભાગે તે સંકલ્પ પૂરો થઈ શકતો નથી. સંકલ્પ કરવાનું મન થાય એનો અર્થ જ એ કે સહજતાથી એ બાબત આપણે પામી શકતા નથી. છતાં એવું જરૂર બને છે કે વારંવાર આપણે બોલતા હોઈએ છીએ કે નક્કી કરીએ તે કરીને જ રહું. આ વાત કરવાનું મન એટલે થાય કે આ વરસની શરૂઆતમાં ભૂતપૂર્વ એરફોર્સ ઓફિસરને કદાચને એમ થયું હશે કે તેણે ફેસબૂક પર પેલી સ્ત્રી સાથે ચેટ ન કરી હોત તો...! જીવનમાં એવી ઘડીઓ આવતી હોય છે કે શું કરવું કે ન કરવું તે નક્કી કરવું શક્ય નથી હોતું કારણ કે આપણે જાત સાથે સ્પષ્ટ નથી હોતા. આવી ફિલોસોફિકલ વાતનો વિચાર આવ્યો આ વાત જાણીને, ૨૦૧૫ની સાલના અંત પહેલા અખબારોમાં સમાચાર છપાયા કે ભૂતપૂર્વ એરફોર્સ ઓફિસર રણજીત આઈએસઆઈ માટે જાસૂસી કરતા પકડાયો. હકીકતમાં તો તે ફેસબુક દ્વારા એક યુવતીના સંપર્કમાં આવ્યો અને તે યુવતીએ તેને સ્પાય એટલે કે જાસૂસ બનવા મજબૂર કર્યો. 

સમાચારોમાં તેને માટે હની ટ્રેપ શબ્દ વાપરવામાં આવ્યો છે. સ્ત્રી માટેનું પુરુષનું આકર્ષણ કેટલું ખતરનાક હોઈ શકે છે તે અહીં ફરી સાબિત થાય છે. આકર્ષણ પ્રેમમાં પણ હોય  છે. પરંતુ, આકર્ષણ લલચાવી ખોટા કામ કરવા મજબૂર કરે જ્યારે પ્રેમ ખોટા કામ કરતા અટકાવે. જેમ્સ બોન્ડની ફિલ્મોમાં બોન્ડને ચલિત કરવા માટે સેક્સી સ્ત્રીનો ઉપયોગ કરવામાં આવે જો કે બોન્ડને ચાલાક બતાવવાનો હોય છે એટલે મોટેભાગે તે છેતરાતો નથી. 

સ્ત્રી પુરુષના આકર્ષણની માનસિકતાનો અભ્યાસ ઈન્ટેલિજન્સ બ્યૂરો પાસે હોય જ તેમાં નવાઈ ન જ લાગે. કારણ કે યુદ્ધ એ કોઈપણ હિસાબે જીતવાનું હોય છે. જાસૂસી હથિયાર તરીકે સ્ત્રીનો ઉપયોગ આ પહેલાં પણ થયો જ છે. અને તેમાં ય સિડકશન દ્વારા -દુશ્મની હિલચાલની મહત્ત્વની ઈન્ફોર્મેશન આપી શકે તેવા ઓફિસરને લલચાવવાનો. એટલે કે દુશ્મનની ગુપ્ત જરૂરી માહિતી મેળવવા માટે ઓફિસર જે મોટેભાગે પુરુષો જ હોય તેને નબળો પાડવાનો. પુરુષની સૌથી મોટી નબળાઈ હોય છે સુંદર સ્ત્રી. તે સદીઓથી સાબિત થતું આવ્યું છે. 

હિટલર સ્પાય પ્રિન્સેસ નામનું પુસ્તક છે તેમાં સ્ટેફિન જુલિઆના વો ઓહેનલોહે નામની સ્ત્રીની વાત છે. ખૂબ પૈસાદાર અને વેલકનેકટેડ કુટુંબની આ સ્ત્રી આકર્ષક પણ હતી. ૧૯૩૦ની સાલમાં હિટલર માટે માહિતી મેળવતી. લંડનના એલિટ એટલે કે ભદ્ર વર્ગની પાર્ટીઓમાં તે ભળી જતી. સોશ્યલાઈટ તરીકે જ સ્તો. અને કેબિનેટ મંત્રીઓ કે ઉચ્ચ હોદ્દાઓ ધરાવતા ઓફિસરોને પોતાના રૂપની જાળમાં ફસાવી માહિતી મેળવી જર્મની મોકલતી. બીજા વિશ્ર્વયુદ્ધે જર્મનીની જાસૂસ તરીકે લંડનમાં તેની ઉપયોગિતા ખતમ થઈ જતા તે અમેરિકા જતી રહી હતી. પછી તેને સજારૂપે અમેરિકન સરકારે હિટલરના વ્યક્તિત્વનું પૃથક્કરણ કરવા માટે ઉપયોગ કર્યો હતો. એમ કહી શકાય કે તેને મજબૂર કરી હતી. બીજા વિશ્ર્વયુદ્ધના સમયે એલિઝાબેથ બેન્ટલી પણ હતી. અમેરિકન હતી પણ સોવિયેત યુનિયન માટે તે જાસૂસી કરતી હતી. માતા હરીનું નામ સ્ત્રી જાસૂસમાં સૌથી ઉપર છે. સુંદર, આકર્ષક માતા હરી શ્રીમંત ડચ કુટુંબમાં જન્મી હતી. તેનું નામ હતું માર્ગરેથા પણ ડિવોર્સ થયા બાદ તે પેરિસમાં આવીને મલય નામ અપનાવી માતા હરી બની. તે સ્ટ્રિપર હતી અને ગવર્મેન્ટના મોટા ઓફિસરો સાથે તેણે ઘરોબો કેળવ્યો હતો. પ્રથમ વિશ્ર્વયુદ્ધ વખતે તે ફ્રાન્સ માટે જાસૂસી કરતી હતી પણ તેના પર જર્મન માટે જાસૂસી કરવાનો આરોપ લગાવાયો અને ૧૯૧૭ની સાલમાં તેને મારી નાખવામાં આવી. સુંદર માતા હરી માટે અનેક કિંવદંતીઓ પ્રચલિત હતી. તેની વાત કરતાં વડીલોની આંખ અને મ્હોં પર એક જાતનો મલકાટ આવી જતો જોયો છે. કહેવાય છે કે માતા હરી અત્યંત સુંદર સ્ત્રી હતી. વિશ્ર્વામિત્ર જેવા તપસ્વી ઋષિ પણ અપ્સરા મેનકાથી ચલિત થઈ ગયા હતા. આજનો દરેક પુરુષ તપસ્વી નથી પણ અપ્સરાથી ચલિત થવા માટે તત્પર હોય છે. તેમાં જ કદાચ ભૂતપૂર્વ એરફોર્સ ઓફિસર રણજીત ફસાઈ ગયો. અપ્સરા જેવી સ્ત્રી પોતાની સાથે ચેટ કરે તે માટે પણ તત્પરતા એટલી હોય છે કે સોશ્યલ સાઈટ્સ પર પુરુષો સ્ત્રી મિત્ર બનાવવા માટે લગભગ ઝાંવા નાખતા હોય છે. તેની સાથે સંવાદ સધાવાની શક્યતા છે કે નહીં તે જાણ્યા સિવાય બસ કોઈ અપ્સરા જે ક્યાંકથી પોતાના માટે ઊતરી આવવાની છે તેની કલ્પનાના વિહારમાં બસ વાતચીત કરવાના ફાંફાં મારશે. પુરુષ અને સ્ત્રીની સાથે મિત્રતા શક્ય હોય છે જો સ્ત્રી પુરુષને પુરુષ તરીકે નહીં અને પુરુષ સ્ત્રીને સ્ત્રી તરીકે ન જોતાં એક વ્યક્તિ તરીકે જ જુએ તો. જે ભાગ્યે જ બનતું હોય છે. સ્ત્રી પુરુષના સંબંધમાં એક વ્યક્તિના મનમાં આકર્ષણની શરૂઆત થતાં જ મિત્રતાનું આવરણ આકર્ષણની આગમાં બળી જતું હોય છે. એવી વ્યક્તિની શોધ હોય છે જે વાસ્તવિકતામાં હોવા છતાં નથી હોતી. તેની રસિક કલ્પનાઓ જ પોષવાની હોય છે. કારણ કે વાસ્તવિકતા કાયમ ગમતી નથી. જ્યારે કલ્પના હંમેશાં સુંદર, આકર્ષક હોય છે. 

પોતાની પત્ની સાથે કામની અને ફક્ત તોછડાઈથી વાત કરતો પુરુષ બીજી સ્ત્રી સાથે નમ્રતાથી કે પ્રેમથી વાત કરતો જોઈ શકાશે. તે ચેટમાં ડાર્લિંગ શું ખાધું? જેવા વાહિયાત સવાલોથી કે શું કરો છો? જેવા વાહિયાત સવાલો પૂછતાં અકળાતો નથી. કલાકો સુધી ફાલતુ વાતો પણ તેને રસિક લાગશે જ્યારે પત્નિ ઘરની વાતો કે પોતાની તકલીફોની વાતો કરશે તો કહેશે કે મૂક લમણાઝીંક હું થાકીને આવ્યો છું. આવા ડબલ સ્ટાન્ડર્ડ અપનાવતા પુરુષને ક્યારેય સમજાતું જ નથી હોતું કે પોતે જે કહે છે તેનાથી જુદું જ વર્તી રહ્યો છે. કારણ કે સામે પક્ષે કલ્પનાની અપ્સરા છે. સોશ્યલ મીડિયા પર હમણાં થોડો વખત પહેલાં થયેલા જાણવા મળ્યું છે કે પુરુષોને ચેટ કરતાં આવડતું નથી હોતું. ટ્રુલી મેડલી નામની એક ડેટિંગ સાઈટે કરેલા સર્વેમાં જાણવા મળ્યું કે સ્ત્રીઓ ઓનલાઈન ચેટિંગમાં પુરુષોની સંવાદ સાધવાની આવડતની અપેક્ષા રાખતી હોય છે. અહીં જ મોટી મુશ્કેલી ઊભી થાય છે. સંવાદ કરવાની કળા ભારતીય પુરુષો હસ્તગત કરતા નથી. કેટલાક પુરુષોમાં તે સહજ હોય છે તો કેટલાકને તે ક્યારેય ફાવતી નથી. એટલે જ જે પુરુષોમાં સંવાદ કરવાની ક્ષમતા હોય છે તેમને સહજતાથી સ્ત્રીઓની મૈત્રી મળી જતી હોય છે. તમને થશે જાસૂસની વાત પરથી ઓનલાઈન ચેટિંગની વાત પર કેવી રીતે પહોંચી ગયા. પણ ફેસબૂક મિત્રતા દ્વારા જ રણજીતભાઈ ફસાયા હતા. તેમણે પણ અપ્સરાની શોધ આદરી હશે. ન મળી શકાયેલી અપ્સરા કદાચ ક્યાંક ફેસબૂક કે વોટ્સએપ કે પછી કોઈ ડેટિંગ સાઈટ પરથી મળી જાય તેની શોધ પુરુષોને હોય છે તો સ્ત્રી પોતાને સિન્ડ્રેલા માનીને પોતાના પ્રેમમાં ગળાડૂબ રાજકુમારની શોધમાં હોય છે. પછી કેટલાક નસીબદાર હોય છે જે કંઈક છબછબિયા કરી શકે છે તો કેટલાક કમનસીબ કે અહીં પણ છેતરાઈ જાય છે. 

ઓનલાઈન ચેટિંગ પણ કોઈ ને કોઈ ઉદ્દેશથી થતું હોય છે. પુરુષ અને સ્ત્રીના એજન્ડા અહીં પણ એ જ હોય છે જે વાસ્તવિક જીવનમાં હોય છે. સ્ત્રીને ઈમોશનલ એટેચમેન્ટ જોઈતું હોય છે અને પુરુષને જાતીય એટેચમેન્ટમાં રસ હોય છે. સ્ત્રી લાગણીઓના જાળામાં સહેલાઈથી ફસાઈ શકે છે તે લાભ ઉઠાવનાર કે નિહિત સ્વાર્થ સાથે ચેટિંગ કરતો પુરુષ જાણતો હોય છે. તે રીતે સ્ત્રીને પણ જ્યારે પોતાનો સ્વાર્થ હોય તો તે જાણતી જ હોય છે કેટલાક પેંતરા પુરુષને પીગળાવવાના. પુરુષને ફસાવવા માટે સ્ત્રી પોતાના શરીરનું આકર્ષણ આપી શકે છે. તેને ખબર જ હોય છે કે સ્ત્રીના સૌંદર્ય અને નખરાથી કોઈપણ પુરુષને આકર્ષી શકાય છે. હા તેમાં કેટલાક અપવાદ હોય જ છે. પણ તેઓ સુધ્ધાં કોઈક ને કોઈક અપ્સરાથી રંજીત થતાં જ હોય છે. આ વાત કેટલાય દાખલા, મુદ્દાઓ સાથે કરવી પડશે. એટલે આવતા અંકે વધુ વિસ્તારથી વાત કરીશું.

You Might Also Like

1 comments